હર દિન હોલી, હર રાત દિવાલી હૈ...

Published: 23rd November, 2020 15:03 IST | Falguni Jadia Bhatt | Mumbai

તહેવારોના દિવસોમાં કન્ઝ્યુમરિઝમનું વિષચક્ર પોતાની પૂર્ણ કળાએ ખીલે છે અને આપણી આંખો પર એવો સોનેરી પડદો પાડી દે છે કે આપણે મોટાં-મોટાં સુખની લાલસામાં સામે આવેલાં નાનાં-નાનાં સુખો તરફ ધ્યાન પણ આપતા નથી

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર


તહેવારોના દિવસોમાં કન્ઝ્યુમરિઝમનું વિષચક્ર પોતાની પૂર્ણ કળાએ ખીલે છે અને આપણી આંખો પર એવો સોનેરી પડદો પાડી દે છે કે આપણે મોટાં-મોટાં સુખની લાલસામાં સામે આવેલાં નાનાં-નાનાં સુખો તરફ ધ્યાન પણ આપતા નથી. જ્યારે હકીકત તો એ છે કે સાચું સુખ જીવનની નાની-નાની બાબતોમાં જ રહેલું છે. જરૂર છે માત્ર
નાની-નાની સુખની ક્ષણો નિર્માણ કરવાનું શીખવાની...


દિવાળી તાજેતરમાં જ પૂરી થઈ. બાળકોનું વેકેશન પણ પૂરું થઈ ગયું અને આજથી તેમની ઑનલાઇન સ્કૂલો પણ ચાલુ થઈ ગઈ. જોતજોતાંમાં તો દિવાળી ક્યાં આવી અને ક્યાં જતી રહી ખબર પણ ન પડી. આમ જોવા જાઓ તો દિવાળી હોય માત્ર પાંચ દિવસનો તહેવાર, પણ એની તૈયારીઓ મહિના-બે મહિના પહેલાંથી ચાલુ થઈ જાય. ઘરની સાફસફાઈ, આ વર્ષે શું નાસ્તા અને મીઠાઈઓ બનાવવાં છે એનું લિસ્ટ, કોને ઘરે જમવા બોલાવવાના છે અને કોના ઘરે સાલમુબારક કહેવા જવાનું છે એની ચર્ચા, ઘર માટે શું નવો સામાન ખરીદવાનો છે, કોના માટે શું ગિફ્ટ્સ લેવાની છે, ક્યાં ફરવા જવાનું છે, કામવાળાઓને કેટલું બોનસ આપવાનું છે વગેરેનું પ્લાનિંગ મહિના-બે મહિના પહેલાં જ શરૂ થઈ જાય. આ બધા માટે ઘરનો પુરુષવર્ગ દિવાળીમાં મળનારા બોનસની કાગડોળે રાહ જોવા માંડે, મહિલાવર્ગ ઘરખર્ચમાં વધારાના પૈસાની આતુરતાપૂર્વક રાહ જોવા માંડે, જ્યારે બાળકો દિવાળીની રજાઓ, ફટાકડાઓ તથા મીઠાઈઓનો ઇન્તેજાર કરવા માંડે. પણ એ જ દિવાળીનો તહેવાર આંખના પલકારામાં આવીને જતો રહે અને બધા જાણે બધું જ કર્યું હોવા છતાં હજી જાણે કશું જ કર્યું ન હોય એવી લાગણી સાથે તરસ્યા રહી જાય.
આ તરસની સાથે જ અન્ય એક પ્યાસ જે અવારનવાર દિવાળીની ડિનર પાર્ટીઓમાં, વડીલો સાથેની વાતચીતમાં કે ૪૦-૫૦ વર્ષની વયમર્યાદા પાર કરી ચૂકેલા લોકોના ગપ્પામાં આંભળવા મળે તે એ કે હવે દિવાળી પહેલાં જેવી રહી નથી. હવે દિવાળીમાં પહેલાં જેવી મજા આવતી નથી. બલકે દિવાળીના દિવસોમાં દરવાજે લટકતાં તોરણો અને ચમકતાં કંદિલો જોઈ કેટલાક લોકોનાં મન ભૂતકાળની યાદોથી એવાં ભરાઈ જાય કે તેમના ચહેરા પર પ્રકાશના આ પર્વના દિવસોમાં પણ ઉદાસીનાં વાદળો ઘેરાઈ આવે. આવું શાને થતું હશે? ક્યારેય વિચાર કર્યો છે?
અગાઉ દિવાળી એક તહેવાર હતો. કૅલેન્ડરમાં આવતો સૌથી મહત્ત્વનો તહેવાર, જેને લગભગ આખો દેશ અને બધા ધર્મના લોકો એકસરખા ઉત્સાહ સાથે ઊજવતા, પરંતુ મૂળે એ તહેવાર હતો. મિલોના કે ઑફિસોના દિવાળી બોનસ પર સમાજના મધ્યમ વર્ગની મીટ મંડાતી. ઘરોમાં સાફસફાઈ થતી. મામાને ઘરે કે દાદા-નાનાના ઘરે વેકેશનમાં જવાનાં આયોજનો થતાં, બાળકો સાલમુબારક કરીને વડીલો પાસે પૈસા વસૂલ કરતા, બે-ત્રણ અઠવાડિયાંની રજાના કારણે લોકો દિવાળી બાદ પણ બહારગામ જવાની યોજનાઓ બનાવી શકતા. ટૂંકમાં દિવાળી એક એવો અવસર હતો જ્યારે પરિવારના પ્રત્યેક સભ્યને પોતાની પસંદનું કંઈકને કંઈક મળી રહેતું. બહારથી શુગર-ફ્રી મીઠાઈઓ કે હેલ્ધી સ્નૅક્સના ઢગલા લાવવાના સ્થાને લોકોને પોતાના ઘરે ઘૂઘરા, ચોળાફળી અને મઠિયા બનાવવાની તથા ખાવાની તાલાવેલી રહેતી.
પરંતુ ગ્લોબલાઇઝેશન તથા સોશ્યલ મીડિયાના આ જમાનામાં દિવાળી માત્ર તહેવાર નથી રહ્યો, પરંતુ એક મોટી ઇકૉનૉમિક ઇવેન્ટ બની ગયો છે. હવે મલ્ટિનૅશનલ કંપનીઓથી લઈને લોકલ બિલ્ડર્સ સુધી બધા જ દિવાળીના સપ્તાહો પહેલાંથી જંગી તૈયારી કરી ગ્રાહકોને આકર્ષવાની યોજનાઓ બનાવવા માંડે છે. આ લો તો આટલી છૂટ અને પેલું લો તો આટલી છૂટ. ઍમેઝૉન કે રિલાયન્સથી લઈને લોકલ ટૂ-વ્હીલર ડીલર પણ ગ્રાહકોને કોઈ પણ રીતે પોતાને ત્યાં ખેંચવા ઑફરો આપી-આપી તેમના પર ખરીદી કરવાનું મૉરલ પ્રેશર ઊભું કરી નાખતા હોય છે. અધૂરામાં પૂરું અખબારોમાં આવતી થોકબંધ જાહેરાતો જે વ્યક્તિને નવો ફોન કે એલઈડી ટીવી લેવાની જરૂર ન હોય તેના મનમાં પણ લાલચ ઊભી કરી દેતી હોય છે. આટલું ઓછું હોય તેમ બૉલીવુડ (આ વર્ષને બાદ કરતાં) પણ પોતાની ભારેભરખમ ફિલ્મોની રિલીઝ દિવાળી પર પ્લાન કરે છે અને એને બનાવવામાં જેટલો ખર્ચ થયો હોય લગભગ એટલો જ ખર્ચ એના પ્રમોશન પર કરી લોકોને મલ્ટિપ્લેક્સ સુધી દોડતા કરી દે છે.
સોશ્યલ મીડિયા પર સતત ચાલુ રહેતી લોકોની દિવાળીની કાર્ડ પાર્ટીઓ, ફટાકડાઓની આતશબાજીઓ, ભવ્ય ગેટ ટુગેધરની પોસ્ટ તથા ચિત્ર-વિચિત્ર પોઝ સાથે લીધેલા સેલ્ફીના ફોટો જોઈ લોકો પોતાને સમજાય પણ નહીં એવા પ્રેશરમાં આવી જાય કે બૉસ, આપણે આ રેસમાં ક્યાંક પાછળ તો નથી રહી ગયાને? એટલે જે બચેલા બે-ચાર દિવસ હાથમાં હોય એમાં બધા આવેલી ગિફ્ટનાં પૅકેટો ઠેકાણે પાડવા, મીઠાઈઓ અને નાસ્તાઓ પૂરા કરવા તથા એ બધાની વચ્ચે એકાદ નાનું વેકેશન અને વધુ કંઈ નહીં તો આસપાસના રિસૉર્ટમાં એકાદ દિવસ થઈ આવવાના પ્રયત્નોમાં લાગી જાય છે. આ બધું કર્યા બાદ આખરે દિવાળી જ્યારે પૂરી થાય ત્યારે પણ બધાના મનમાં એક ખાલીપો રહી જતો હોય છે કે સાલું, બધું કર્યું પણ પહેલાં જેવી મજા નહીં આવી.
આને કહેવાય કન્ઝ્યુમરિઝમની કમાલ. એ આપણને મોટાં-મોટાં સુખ પાછળ એવા દોડતા કરી મૂકે કે સામે આવેલાં નાનાં-નાનાં સુખો તરફ આપણું ધ્યાન જ ન જાય. એ આપણને મોટી-મોટી વસ્તુઓ માટે એટલા બધા હવાતિયાં મારતા કરી મૂકે કે નાની-નાની વસ્તુઓમાંથી મળતી ખુશીઓ આપણે મન સાવ નગણ્ય બની જાય. એ આપણી ઈર્ષ્યાવૃત્તિ અને લાલચને એવી પરાકાષ્ઠાએ લઈ જાય કે આપણે મહેલની આશામાં પોતાની ઝૂંપડી પણ બાળી મૂકવા તલપાપડ બની જઈએ.
આવું છે એટલે જ આપણે ભૂલી જઈએ છીએ કે મોટી-મોટી આતશબાજીઓ જોવામાં એ સુખ નથી જે હાથમાં નાનકડી ફૂલઝડી પકડેલા આપણા બાળકના ચહેરા પર ચમકતી રોશનીને જોવામાં છે. આવું છે એટલે જ આપણે ભૂલી જઈએ છીએ કે મોટી-મોટી શાનદાર દિવાળી પાર્ટીમાં જવામાં એ સુખ નથી જે આપણા ગમતીલા માણસો સાથે બેસીને ગપ્પાં મારતા-મારતા ઘરે બનાવેલા દિવાળીના નાસ્તા અને મીઠાઈઓ ખાવામાં છે. આવું છે એટલે જ આપણે ભૂલી જઈએ છીએ કે હજારો રૂપિયાના ગિફ્ટ હૅમ્પરમાં એ મજા નથી જે મોટેરાઓના અંતઃકરણમાંથી નીકળેલાં આશિષ વચનો સાથે હાથમાં મુકાયેલા અગિયાર કે એકવીસ રૂપિયામાં છે.
આપણે ધારીએ તો આખું વર્ષ આવી દિવાળી મનાવી શકીએ છીએ. ક્યારેક આપણા બાળક સાથે ચોર-પોલીસ રમીને, ક્યારેક ઘરના વૃદ્ધોને હાથ પકડીને બગીચામાં ફરવા લઈ જઈને, ક્યારેક મિત્રો સાથે કલાકો ગપ્પાં મારીને તો ક્યારેક એકલા હાથમાં ગરમ ચાયના પ્યાલા સાથે ગમતું પુસ્તક વાંચીને, કારણ કે મોટાં-મોટાં સુખો માટે ખૂબ ધમપછાડા કરવા પડી શકે છે પરંતુ નાનાં-નાનાં સુખો તો સહજ જ નિર્માણ થઈ જાય છે. જરૂર છે માત્ર સુખને એક અવસર આપવાની. આપણને સુખને આવા અવસરો આપતાં આવડી જાય પછી તો હર દિન હોલી, હર રાત દિવાલી હૈ...

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK