ઈ-ગેમિંગમાં નો કૉમ્પ્રોમાઇઝ

Published: Aug 07, 2020, 17:46 IST | Gujarati Mid-day Online Correspondent | E gaming ma no compromise | ઈ-ગેમિંગમાં નો કૉમ્પ્રોમાઇઝ

રાતના ઉજાગરા કરીને ગેમ રમતા યુવાનો આ વિશે શું વિચારે છે, તેમને કઈ ગેમ્સ રમવાનો ક્રેઝ છે અને ધારો કે તેમની મનગમતી ગેમ પર બૅન મુકાય તો કેવા તોડ કાઢી શકે છે એ જાણીએ.

ગેમિંગ ઍપ્લિકેશનના જોખમ વિશે મને પૂરતી જાણકારી નથી. પૉપ્યુલર ગેમ્સ બંધ થવાથી ગેમરો નિરાશ થવાના નથી.
ગેમિંગ ઍપ્લિકેશનના જોખમ વિશે મને પૂરતી જાણકારી નથી. પૉપ્યુલર ગેમ્સ બંધ થવાથી ગેમરો નિરાશ થવાના નથી.

રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને થોડા સમય પહેલાં ભારત સરકારે ટિકટૉક સહિત ૪૭ ચાઇનીઝ ઍપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે કેટલીક ગેમિંગ ઍપ્લિકેશન સુરક્ષાનાં કારણોથી સરકારના રડાર પર છે. ડેટા-ચોરી અને જાસૂસીના જોખમને ટાળવા ટૂંક સમયમાં પબજી સહિતની કેટલીક લોકપ્રિય ગેમ્સ બંધ થવાની શક્યતા જણાઈ રહી છે ત્યારે દિવસના પાંચ-છ કલાક મોબાઇલમાં માથું ઘાલીને અને રાતના ઉજાગરા કરીને ગેમ રમતા યુવાનો આ વિશે શું વિચારે છે, તેમને કઈ ગેમ્સ રમવાનો ક્રેઝ છે અને ધારો કે તેમની મનગમતી ગેમ પર બૅન મુકાય તો કેવા તોડ કાઢી શકે છે એ જાણીએ.

ઓપન સ્ટેડિયમમાં ઈ-સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ રમવાના અભરખા છે - ઓમ શેઠ
આખા નાલાસોપારા-વસઈ વિસ્તારમાં તમને ઓમ શેઠ જેવો ગેમર નહીં જોવા મળે એવું તેના મિત્રો અને સોસાયટીના રહેવાસીઓનું માનવું છે. પબજી ઉપરાંત કૉલ ઑફ ડ્યુટી, ક્લૅશ રૉયલ અને ક્લૅશ ઑફ ક્લાન્સ એની ફેવરિટ ઑનલાઇન ગેમ્સ છે. ગેમિંગ માટે દિવસના ચાર કલાક ફાળવતો આ યંગ બૉય થોડા સમય પહેલાં ૨૦,૦૦૦ રૂપિયાનો મોબાઇલ જીત્યો હતો. ઈ-સ્પોર્ટ્સમાં ફ્યુચર છે એવો જવાબ આપતાં ઓમ કહે છે, ‘ગેમ રમ્યા વગર તો ચેન ન પડે. જુદી-જુદી ઈ-ટુર્નામેન્ટ રમવાનો જબરો શોખ હોવાથી ગેમિંગને મારે સાઇડ ઇન્કમ તરીકે ડેવલપ કરવી છે. ઇન્ડિયામાં ઈ-સ્પોર્ટ્સનો ક્રેઝ હમણાં શરૂ થયો છે, જ્યારે ફૉરેનમાં તો લોકો એની પાછળ પાગલ છે. જેમ-જેમ લેવલ પાર કરતા જાઓ એમ ઓપન સ્ટેડિયમમાં રમવાનો ચાન્સ મળે. લાઇવ ઑડિયન્સ વચ્ચે ઈ-સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ રમવાથી તમારા વ્યુઅર્સ અને ફૉલોઅર્સની સંખ્યામાં વધારો થાય છે. મોટી-મોટી ગેમિંગ કંપનીના પ્રમોશન માટે પસંદગી થાય તો દોઢથી અઢી કરોડ રૂપિયા મળે છે. અત્યારે આવા વિનરોની અગેઇન્સ્ટમાં રમું છું. કોરોનાને કારણે કૉલેજ બંધ હોવાથી સ્ટડીનું પ્રેશર નથી એમાં ગેમ રમવાનો વધુ સમય મળી ગયો છે. જોકે મમ્મી બૂમ પાડે કે આખો દિવસ કાનમાં ભૂંગળાં નાખીને મોબાઇલમાં શું કરે છે? અધવચ્ચે ગેમ છોડીને જમવા બોલાવે તો પણ ઇશારાથી કહી દઉં કે ૧૦-૧૫ મિનિટ લાગશે. સરકાર ગેમ બંધ કરી દેશે તો બીજા રસ્તા શોધી કાઢીશ, પણ રમવાનું બંધ તો નહીં જ કરું.’

ઑનલાઇન ગેમ રમવાથી મગજને
કસરત મળે છે - અનીશ ત્રિવેદી

સ્કૂલ-લાઇફમાં મારિયો જેવી
વિડિયો-ગેમ તેમ જ હાથમાં મોબાઇલ આવ્યો ત્યારથી કાઉન્ટર સ્ટ્રાઇક, સીઓડી, એનએફએસ જેવી ઍક્શન અને કાર-રેસિંગની ગેમ્સ રમવામાં દિવસનો ચોથા ભાગનો સમય વિતાવતા બોરીવલીના અનીશ ત્રિવેદીને ધાંય-ધાંય કરીને દુશ્મનોને ગોળી મારવાની બહુ મજા પડે છે. દુશ્મનને કઈ રીતે ખતમ કરવાના છે એની મથામણ કરવાથી મગજને કસરત મળે છે એમ જણાવતાં અનીશ કહે છે, ‘સાઇકોલૉજિકલ ડેવલપમેન્ટ માટે ટીવી કરતાં ઑનલાઇન ગેમ બેસ્ટ ઑપ્શન છે. ગેમ્સ રમતી વખતે માઇન્ડમાં સ્ટ્રૅટેજી તૈયાર થતી હોય છે. જરૂર પડે ત્યારે આ સ્ટ્રૅટેજીને તમે પ્રૅક્ટિકલ લાઇફમાં અપ્લાય કરી શકો છો. અત્યારે કંઈ કામ નથી. બેઠાં-બેઠાં મગજ કાટ ખાઈ જાય અને ખોટા વિચાર આવે એના કરતાં ગેમ રમો તો આનંદ મળે. ગેમિંગથી ડિપ્રેશન નથી આવતું. પહેલાં વીક-એન્ડમાં મોડી રાત સુધી રમતો હતો. લૉકડાઉન આવ્યું ત્યારથી રોજ રાતે ૧૧થી ત્રણ વાગ્યા સુધી ગેમ રમું છું. શરૂઆતમાં અજાણ્યા ગેમર સાથે ઘણી ગેમ્સ રમતો હતો. હવે ૧૨ જણનું ગ્રુપ બનાવી લીધું છે. જે પ્લેયર રમવા માટે ફ્રી હોય તે વૉટ્સઍપ પર મેસેજ મૂકી દે.
ચાર-પાંચ જણ રમવા માટે તૈયાર જ હોય. જોકે રાતના ઉજાગરાના કારણે મમ્મી ખિજાય છે ખરી. કેટલીક ગેમ બૅન થવાની છે એ વાતમાં મને દમ લાગતો નથી. થોડી વાર પહેલાં જ નોટિફિકેશન આવ્યું કે કંપનીએ ઇન્ડિયા માટે ટર્મ્સ ઍન્ડ કન્ડિશનમાં કેટલાક ફેરફાર કરી લીધા છે.’


ફન ઍન્ડ ટાઇમપાસ માટે ગેમિંગ
ઍપ્લિકેશન્સ બેસ્ટ છે - પ્રથમ મહેતા

હાલમાં જ દસમાની પરીક્ષા પાસ કરનાર પ્રથમ મહેતા પાસે આજની તારીખમાં પોતાનો મોબાઇલ નથી. ૭ વર્ષની ઉંમરથી મમ્મીના મોબાઇલમાં દિવસના ત્રણેક કલાક ગેમ રમે છે. લૉકડાઉનમાં તો આખો દિવસ ગેમ રમવા સિવાય કંઈ જ કર્યું નથી. પ્રથમ કહે છે, ‘ફન ઍન્ડ ટાઇમપાસ માટે ગેમ્સ સૌથી બેસ્ટ ઑપ્શન છે. કૅન્ડી ક્રશ તો નાનપણથી રમું છું. એના ૧૦૦૦ લેવલ પાર કરી લીધા છે. અત્યારે પબજી અને કૉલ ઑફ ડ્યુટ રમવાની બહુ મજા આવે છે. મને ઍક્શનવાળી કોઈ પણ ગેમ રમવાનું ગમે. પબજી બંધ થવાનું છે એવા સમાચાર આવ્યા ત્યારે ગૂગલ પર સર્ચ કરીને જોયું હતું. ઇન્ડિયામાં આ ગેમ ચાલુ રાખી શકાય એ માટે કંપનીએ ટર્મ્સ ઍન્ડ કન્ડિશન ચેન્જ કર્યાં છે એથી મને નથી લાગતું કે બૅન થાય. પૉપ્યુલર ગેમિંગની ઍપ્લિકેશન બૅન થશે તો ગેમરો એના જેવી બીજી ગેમ તરફ વળી જશે, પણ માઇન્ડ ફ્રેશ માટે રમશે તો ખરા જ. ગેમિંગની ઍપ્લિકેશનમાં અલાઉ પર ક્લિક કરવાથી કદાચ ડેટા ચોરી થતા હશે, પરંતુ તમામ પર્સનલ ઇન્ફર્મેશન લીક થઈ જવાનો ડર રાખવાની જરૂર નથી. બધી ગેમ્સમાં પર્સનલ ઇન્ફર્મેશન આપવી ફરજિયાત હોતી નથી એથી સુરક્ષિત છે. જોકે મારી પાસે પોતાનો મોબાઇલ નથી એટલે મમ્મીએ મૂકેલા પ્રતિબંધને અનુસરવું પડે છે. લેટ નાઇટ ફોન મળતો નથી. કૉલેજ ચાલુ થયા પછી મોબાઇલ મળશે. એમાં પણ પેરન્ટ્સે ટાઇમ-લિમિટની શરત મૂકી હોવાથી ગેમ રમવા પર કન્ટ્રોલ રહેશે.’


પૉપ્યુલર ગેમ્સ બૅન થશે તો નવાં અટ્રૅક્શન મળી રહેશે - કુશલ શાહ
સ્ટડી-પ્રેશરથી રિલૅક્સ થવા દિવસના બે કલાક મોબાઇલમાં ગેમ્સ રમતા કુશલ શાહને લૉકડાઉનમાં ગેમ્સનો વધારે ચસકો લાગી ગયો. અત્યારે તો સમયની ખબર જ પડતી નથી. જોકે કેટલીક ગેમ્સમાં બે કલાક પછી ફરજિયાત બ્રેક લેવાનું નોટિફિકેશન આવે એટલે ગેમ પડતી મૂકવી પડે છે. કુશલ કહે છે, ‘ફ્રેન્ડ્સ સાથે બહાર હરવાફરવા પર પાંબદી હોવાથી અમે ઑનલાઇન ગેમ રમીને ટાઇમ પાસ કરીએ છીએ. સામાન્ય રીતે હું અજાણ્યા ગેમર સાથે રમતો નથી. અમે ગ્રુપ બનાવીને રમવાનું પસંદ કરીએ છીએ. મને મારધાડવાળી ગેમ્સ વધુ અટ્રૅક કરે છે. પબજી અને ગરીના મારી ફેવરિટ ગેમ છે. એમાં કેટલાંક લેવલ પાર કર્યાં છે. દેશની સુરક્ષા માટે સરકારે પ્રતિબંધ મૂકવાનો વિચાર કર્યો છે તો કદાચ સાચે જ ડેટા ચોરી થતા હશે. ગેમિંગ ઍપ્લિકેશનના જોખમ વિશે મને પૂરતી જાણકારી નથી. પૉપ્યુલર ગેમ્સ બંધ થવાથી ગેમરો નિરાશ થવાના નથી. આપણી પાસે જ્યારે પબજી નહોતું ત્યારે બીજી ગેમ રમતા હતા એવી જ રીતે પબજી બૅન થશે તો નવી ગેમ સબસ્ક્રાઇબ કરી લઈશ. નવી ગેમ ડાઉનલોડ કરતાં પહેલાં કેટલા લોકોએ એને લાઇક્સ કરી છે અને સબસ્ક્રાઇબરોની સંખ્યા કેટલી છે એ જોઈશ. રિવ્યુ સારા હશે તો એ પણ ગમવા લાગશે. ગેમ રમવાનો ચસકો લૉકડાઉનમાં વધ્યો છે. જેમ-જેમ લાઇફ થાળે પડશે એમ એના પર આપોઆપ કન્ટ્રોલ આવી જશે. આખરે બધાએ લાઇફમાં બીજાં કામ પણ કરવાનાં જ હોય છે.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK