e-દિવાળી પુરજોશમાં ખરી દિવાળી બેહોશમાં! શુભેચ્છાઓ ડિસ્કાઉન્ટમાં!

Published: 23rd October, 2014 05:49 IST

દિવાળી તો ઘણી આવી અને આવતી રહેશે, આપણે જગતને કેટલો અને કેવો પ્રકાશ આપીએ છીએ એનો વિચાર અને અમલ થાય તો વાત બને
સોશ્યલ-સાયન્સ - જયેશ ચિતલિયા

e-દિવાળી મુબારક દોસ્તો, e-દિવાળીની તમને ઢગલાબંધ શુભેચ્છા! તમારા જીવનમાં સદા સુખ, શાંતિ અને આનંદ છવાયેલાં રહે. e-દિવાળી એટલે શું!

e-દિવાળી શું સંદેશ આપે છે! જાત-જાતના અને ભાત-ભાતના મેસેજિસ સાથે આ વર્ષે વૉટ્સઍપના પ્રતાપે લોકોના મોબાઇલ ફોન પર ઢગલા થયા છે. નવા-જૂના-અવનવા મેસેજ બને, બનાવવામાં આવે, મોકલવામાં આવે, ફૉર્વર્ડ થાય, અપલોડ થાય, ફોટો મૂકવામાં આવે, વિઝ્યુઅલ્સ, ચિત્ર-વિચિત્ર કોટેશન્સ, જોક્સ, ટુચકા, વ્યંગ વગેરે-વગેરે ટેક્નૉલૉજીને સંગ ચાલી રહ્યું છે. આમ હવે બધા જ લોકો વૉટ્સઍપ નામના ગ્લોબલ સ્થળે મળે અને દિવાળીને શબ્દરૂપે ઊજવે. એથી ક્યાંક મનમાં એવું પણ થઈ શકે કે દિવાળી ક્યાં છે? આ તો e-દિવાળી છે. આમ પણ જમાનો ફૂનો છે. મોબાઇલ, નેટ અને ઑનલાઇનનો છે.

e-દિવાળી પુરજોશમાં ચાલી રહી છે, પણ શું ખરી દિવાળી બેહોશ બનીને જઈ રહી છે એવો સવાલ જાતને કરવો પડે.

શુભેચ્છાઓ ડિસ્કાઉન્ટમાં અને ફ્રી

બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી અનેક ઑનલાઇન ફૂ-ટેલ શૉપની જેમ હવે શુભેચ્છા પણ ડિસ્કાઉન્ટમાં ઉપલબ્ધ છે. ઘણી વાર તો એક પર બે નહીં, દસ-બાર શુભેચ્છા ફ્રી મળે. જાણપિછાણ વિના બધા જ તરફથી શુભેચ્છા; પણ બધું જ વચુર્‍અલ, આભાસી, કૃત્રિમ લાગે એવું. ઉધાર, મૌલિક નહીં. પાસ-ઑન થતા મેસેજિસ, સારા-ડેકોરેટિવ-ઇનોવેટિવ લખાણો, સુવાક્યો, જગત આખાની ફિલસૂફીને આવરી લેતા સંદેશાઓની ભરમાર. અમુક વરસ પહેલાં દિવાળીની રેડીમેડ ગ્રીટિંગ્સ મળતી, હવે એ ચલણ ઘટી ગયું. હવે બધું જ વૉટ્સઍપ પર, ફેસબુક પર હાજર છે. આ સિવાય પણ ઘણી સુવિધાઓ છે. માત્ર માણસો માણસો માટે હાજર નથી, માણસોને માણસો માટે સમય નથી. વૉટ્સઍપ પર એક માણસ બીજા બસો માણસો સાથે વાતો કર્યા કરે છે, કિંતુ દિલથી બાજુમાં બેસીને બે માણસ સાથે વાત કરવાનો સમય ક્યાં ગયો? એ ઉમળકો ક્યાં? એ પ્રતીક્ષા કે એ અપેક્ષા પણ જાણે ગાયબ!

શબ્દો સારા, પરંતુ કર્મ થાય તો ન્યારાં

ક્યારેક વિચાર આવે છે કે આ વારે-તહેવારે જાત-જાતની શુભેચ્છા મોકલવી એ ટ્રેન્ડ કે ફૅશન થઈ ગયાં છે, જેને બિઝનેસમાં ફેરવી નાખવાની તકમાં ફેરવી નાખવામાં આવી છે. સ્થાપિત વેપારી હિતો આનું માર્કેટિંગ કરીને એનો બરાબર લાભ ઉઠાવી રહ્યાં છે. શુભેચ્છા વ્યક્ત કરવી એ સારી ભાવના ગણાય, પણ સારી ભાવના માત્રથી કોઈનું સારું નથી થઈ જતું. બલ્કે વાસ્તવમાં જરૂર છે કોઈનું સારું કરવાની. જેમના માટે પણ આપણે એવો ભાવ રાખીએ છીએ કે તેમના જીવનમાં સુખ, શાંતિ, આનંદ છવાયેલાં રહે તેમના માટે આપણે વાસ્તવમાં શું કરીએ છીએ એ વધુ મહત્વનું ગણાય. જોકે અહીં સામે એવો પણ પ્રશ્ન થઈ શકે કે એમ તો આપણે દિવાળી નિમિત્તે સંખ્યાબંધ લોકોના જીવનમાં સુખ, શાંતિ અને આનંદની શુભકામના વ્યક્ત કરતા હોઈએ છીએ. તો શું એ બધાના જીવનમાં એ બધું છવાઈ રહે એવું જોવાની જવાબદારી આપણી બની જાય?

ના દોસ્તો, એ જવાબદારી આપણી નથી બની જતી અને વાસ્તવમાં કે વ્યવહારમાં એ સંભવ પણ નથી. આમ કહેવાનો આશય એ છે કે માત્ર સારી વાતો કરી, સારી શુભેચ્છા વ્યક્ત કરીને બેસી રહીશું તો આપણે સારું કરી રહ્યા છીએ, આપણે સારા છીએ એવો ભ્રમ જળવાઈ રહેશે. ખરેખર તો આપણા કર્મ દ્વારા વ્યક્તિ કે સમાજ માટે સારા બનવું મહત્વનું છે. સારા કે ઉતમ વિચારો પણ આખરે કર્મથી કે આચરણથી સાર્થક બને છે, બાકી બધી વાતો બોલવી-સાંભળવી-વાંચવી સારી લાગે. સ્વાદિક્ટ ભોજનના વર્ણનથી કોઈનું પેટ ભરાઈ શકે નહીં એમ માત્ર શુભેચ્છા-સંદેશ મોકલવાથી વાત પૂરી ન થવી જોઈએ. એ શુભેચ્છા કર્મરૂપે પરિવર્તિત થાય તો સાર્થક છે. આપણી આસપાસ આપણા જ સ્વજનો, પ્રિયજનો, પરિચિતો ઘણા હોય છે જેમને આપણે શાબ્દિક શુભેચ્છા તો હોંશે-હોંશે આપીએ છીએ; પણ તેમને ખરેખર આપણી પાસેથી લાગણીપૂવર્‍કનો સહવાસ જોઈએ છે, બે મીઠા બોલેલા શબ્દો જોઈએ છે. ક્યાંક કોઈ દુખી કે નિરાશ, મૂંઝવણમાં હોય તો ટેકો-સહારો જોઈએ છે એ સત્યને આપણે ભૂલી જઈએ છીએ. એનો વિચાર સુધ્ધાં આપણે નથી કરતા. સામેની વ્યક્તિ કદાચ કહી નથી શકતી અને આપણે પાસે રહીને પણ તેનું મૌન સમજી નથી શકતા. ક્યારેક તો તેના ઇશારા, સંકેત અને અપેક્ષાના શબ્દો પણ આપણને નથી સમજાતા.

આસપાસના અંધકારનું શું?

આપણે માનીએ છીએ કે કહીએ છીએ દિવાળી એ તો પ્રકાશનું પવર્‍ છે, ઉત્સવ છે; પરંતુ આપણી આસપાસ અનેક લોકોના જીવનમાં કેટલાંય પ્રકારનાં અંધકાર હોય છે એનું શું?

આપણે કંડીલ પ્રગટાવીએ, લાઇટિંગ કરીએ, દીવા પ્રગટાવીએ, ઘર-ગૅલરી સજાવીએ, મીઠાઈઓ-પકવાનો બનાવીએ; પરંતુ આપણી કામવાળી બાઈના, આપણી હાઉસિંગ સોસાયટીના વૉચમૅનના, આપણી ઑફિસમાં કામ કરતા સિપાઈ કે સફાઈકર્મચારીના, આપણી આસપાસના ગરીબ વિસ્તારનાં બાળકોના ઘરમાં અંધકાર જ રહેવાનો હોય તો આપણો આ ઉજાસ અને ઉજવણી અધૂરાં ગણાય. જોકે આ બધાની જવાબદારી આપણી નથી, પણ અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનો ખરો માર્ગ આ જ છે. આપણે પ્રકાશનું અને મીઠાશનું કેન્દ્રીયકરણ કરવાને બદલે એને વધુ ને વધુ લોકોમાં વહેંચવાં જોઈએ.

આપણે કમસે કમ દંભ તો બંધ કરીએ

હવે આ જ બાબતને વધુ વ્યાપક દૃષ્ટિએ જોઈએ તો આપણે વરસોથી સવર્‍ધર્મ સમભાવની વાતો કરતા રહ્યા છીએ. જગતમાં શાંતિ સ્થપાય એ માટે પ્રાર્થના કરીએ, યજ્ઞ કરીએ, મૌનયાત્રા કાઢીએ, સવર્‍ લોકોના કલ્યાણ માટે પ્રાર્થના કરીએ, કરુણાનાં ગીતો ગાઈએ, માનવતાની વાતો કરીએ, પ્રવચનો સાંભળીએ, વાંચતાં રહીએ વગેરે-વગેરે કર્યા પછી શું?

જગતમાં સ્થપાઈ ગઈ શાંતિ? લોકકલ્યાણ થઈ ગયું? સવર્‍ધર્મ સમભાવની ભાવના સ્વીકારાઈ ગઈ? જે આપણે પ્રાર્થનામાં કહીએ કે શુભકામનામાં વ્યક્ત કરીએ એમ કરીને આપણે કેવળ મનને મનાવીએ છીએ. આપણે તો કેવા સારા છીએ, બધાનું ભલું ઇચ્છીએ છીએ, પણ સત્ય એ છે કે આ કેવળ આપણો દંભ બનીને રહી જાય છે જેને ખુદ આપણે પણ ઓળખી નથી શકતા અથવા એ દંભ જ છે એવું સ્વીકારવા તૈયાર થઈ નથી શકતા; કારણ કે શુભેચ્છા વ્યક્ત કરવાથી કે પ્રાર્થના કરવાથી કંઈ જ થઈ નથી શકતું. જ્યારે કે વાસ્તવમાં કર્મ કરવાથી જ કંઈક મળે છે, કંઈક આપી શકાય છે.

નાનાસરખા દીપ તો બનીએ

આ e-દિવાળી જગતને નવું ઘણું આપી રહી છે એને ખુલ્લા મને આવકારીએ, પણ એણે જૂનું બધું છીનવી લીધું છે એનો રંજ પણ ઊભો થવાનો છે. જોકે નવા અને જૂનાના શ્રેષ્ઠ સંગમ વિશે વિચારીએ તો બહેતર માર્ગ મળી શકે. બધું જ વર્ચુઅલ ન રાખીએ અને કેટલુંક ઍક્ચ્યુઅલ પણ કરીએ. જગતને પ્રકાશ આપવાની જવાબદારી એકલા સૂરજની નથી એવું વિચારીને થોડો પ્રકાશ આપણે પણ પાથરીએ તો કેવું? અમુક બાબતમાં સૂરજદાદા પણ પ્રકાશ નહીં આપી શકે, પણ આપણે માણસ તરીકે બીજાનાં દુખદર્દરૂપી અંધકારને સમજીશું તો ક્યાંક થોડીક જ્યોત જરૂર આપી શકીશું. જેમ રવીન્દ્રનાથ ઠાકુર (ટાગોરજી)ના શબ્દો કહે છે કે સાંજના ટાણે ડૂબી રહેલા સૂરજને જોઈને પૂછવામાં આવે છે કે હવે જગતને ઉજાસ કોણ આપશે? ત્યારે એક નાનો દીવો કહે છે, હું પાથરીશ પ્રકાશ મારાથી બને એટલો. આપણે આવા નાનાસરખા દીપ બનીને પણ જીવી શકીએ તો સાર્થક છે. એકાદ ચહેરા પર આપણા પ્રયાસથી સ્મિત ફરકતું હોય, ક્યાંક આનંદ છલકતો હોય અને ક્યાંક આપણા કર્મથી કોઈના જીવનમાં સંતોષ પહોંચતો હોય તો એ દિવસ દિવાળી છે. ક્યાંક સમાજને-પ્રજાને કે આગામી પેઢીને આપવા માટે પણ કંઈક નક્કર આપણે કરતા રહીએ તો એ પણ દિવાળી છે, કારણ કે એ કોઈના અંધકારને દૂર કરે છે, કોઈના જીવનમાં પ્રકાશ પાથરે છે. એમ થાય તો એ દિવાળી ખરી, બાકી બધી e-દિવાળી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK