ચૂંટણીનું ચક્કર, સીએમ ભમ્મ્

Published: 15th February, 2021 07:56 IST | Shailesh Nayak | Mumbai

વડોદરામાં બીપી લો થઈ જતાં વિજય રૂપાણી સ્ટેજ પર જ ફસડાઈ પડ્યા હતા: નરેન્દ્ર મોદીએ તબિયત સાચવવાની સલાહ આપી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારમાં સતત વ્યસ્ત રહેતા ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ગઈ કાલે મોડી સાંજે વડોદરામાં સભા સંબોધી રહ્યા હતા એ દરમ્યાન તેમને ચક્કર આવતાં તેઓ સ્ટેજ પર જ ઢળી પડ્યા હતા. અચાનક તેઓ ફસડાઈ પડતાં તેમના સિક્યૉરિટી ગાર્ડ્સે દોડી આવીને તેમને પકડી લીધા હતા. આ ઘટનાના પગલે તેમને તાત્કાલિક અમદાવાદ લઈ જવાયા હતા. જોકે પછીથી તેમની તબિયત સ્થિર થઈ ગઈ હતી. વિજય રૂપાણીની તબિયત લથડતાં કાર્યકરો અને આગેવાનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી છે જેમાં વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનની પણ ચૂંટણી છે ત્યારે ગઈ કાલે વિજય રૂપાણીની વડોદરામાં ત્રણ જાહેર સભા હતી. તેઓએ તરસાલી અને સંગમ ખાતે જાહેર સભાને સંબોધ્યા બાદ મોડી સાંજે નિઝામપુરામાં સભા સંબોધવા પહોંચ્યા હતા. તેઓ સભાને સંબોધી રહ્યા હતા ત્યારે જ તેમના અવાજમાં ગરબડ જણાઈ હતી અને અચાનક ચક્કર આવતાં તેઓ સ્ટેજ પર ઢળી પડ્યા હતા.

બીજેપીના પ્રદેશ મીડિયા કન્વીનર ડૉ. યજ્ઞેશ દવેએ કહ્યું હતું કે મુખ્ય પ્રધાનનું બીપી લો થયું હતું. વ્યસ્ત ચૂંટણી કાર્યક્રમને કારણે બીપી લો થયું હતું. થાક અને તાણને કારણે બીપી લો થયાની શક્યતા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK