Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ધ્વંસ થયેલી ઇમારતને લીધે બેઘર બનેલા રહેવાસીઓનો સીએમને સવાલ

ધ્વંસ થયેલી ઇમારતને લીધે બેઘર બનેલા રહેવાસીઓનો સીએમને સવાલ

08 January, 2019 09:42 AM IST | મુંબઈ
Rohit Parikh | rohit.parikh@mid-day.com

ધ્વંસ થયેલી ઇમારતને લીધે બેઘર બનેલા રહેવાસીઓનો સીએમને સવાલ

દેવેન્દ્ર ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ


ઘાટકોપર (વેસ્ટ)ના લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ પર દામોદર પાર્ક પાસે આવેલી સિદ્ધિ સાંઈ સોસાયટીની ઇમારત ધ્વંસ થયાના ૧૭ મહિના પછી પણ આ સોસાયટીના રહેવાસીઓ તેમની ઇમારતને રીડેવલપ કરવા માટે સરકારી કચેરીઓમાં ધક્કા ખાઈ રહ્યા છે. અધિકારીઓના ભ્રષ્ટાચારી વર્તનથી ત્રાસીને હવે સોસાયટીના રહેવાસીઓએ ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે તેમના પુનર્વસન માટે મદદની માગણી કરી છે.

સિદ્ધિ સાંઈ સોસાયટીનું બિલ્ડિંગ એના જ એક મેમ્બર અને શિવસેનાના નેતા સુનીલ શીતપની લાપરવાહીને લીધે ૨૦૧૭ની ૨૫ જુલાઈએ સવારે ૧૦.૪૦ વાગ્યે તૂટી પડ્યું હતું જેમાં સોસાયટીના ૧૭ સભ્યોએ જાન ગુમાવ્યા હતા. દુર્ઘટનાને દિવસે સાંજના ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. દેવેન્દ્ર ફડણવીસે ત્યારે રહેવાસીઓને તેમની સોસાયટીની ઇમારતને દસ જ દિવસમાં રીડેવલપમેન્ટ માટે પરવાનગી આપી દેવામાં આવશે એવી હૈયાધારણ આપી હતી. તેમની સાથે ઘાટકોપર (ઈસ્ટ)ના ગારોડિયાનગર-રાજાવાડીના વિસ્તારોને આવરી લેતા BMCના વૉર્ડ-નંબર ૧૩૨ના ભારતીય જનતા પાર્ટીના નગરસેવક પરાગ શાહે માનવતાના ધોરણે રહેવાસીઓ પર કોઈ પણ જાતનો આર્થિક બોજો નાખ્યા વગર તેઓ ઇમારત બાંધી આપશે એવું આશ્વાસન આપ્યું હતું તેમ જ પરાગ શાહે રહેવાસીઓને કહ્યું હતું કે ૨૦૧૮ની ૧૫ ઑગસ્ટ સુધીમાં રહેવાસીઓ તેમના જ ફ્લૅટમાં ફરીથી પુનર્વસન કરી શકશે. ત્યાર પછી સરકારે ઑક્ટોબર-૨૦૧૭માં આ સોસાયટીના બેઘર બની ગયેલા રહેવાસીઓને ભાંડુપમાં ટેમ્પરરી રહેવા માટે ફ્લૅટ આપ્યા હતા.



જોકે ફેબ્રુઆરી-૨૦૧૮માં અમને પરાગ શાહની ઑફિસમાંથી એક આઘાતજનક સમાચાર મYયા હતા એમ જણાવતાં સિદ્ધિ સાંઈ સોસાયટીના રહેવાસીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી સોસાયટીના પ્લૉટનું ક્ષેત્રફળ સંબંધિત સરકારી કચેરીમાં ૪૯૦ સ્ક્વેર મીટરમાંથી ૩૫૯ સ્ક્વેર મીટર કરવામાં આવ્યું છે, જેથી અમારી ઇમારતનું પુન: બાંધકામ શક્ય નથી. આ સમાચારથી અમે હચમચી ગયા છીએ. અમે તરત જ આ બાબતની તપાસ કરતાં રાઇટ ટુ ઇન્ફર્મેશન ઍક્ટ હેઠળ કરવામાં આવેલી અરજી દ્વારા અમને ખબર પડી કે સિટી સર્વે અને કલેક્ટર ઑફિસે અમારી ઇમારતની સામે બની રહેલી ઇમારતના બિલ્ડર રાકેશ જૈન સાથે સાઠગાંઠ કરીને ૨૦૦૫ની સાલમાં અમારા બિલ્ડિંગનું ક્ષેત્રફળ ઘટાડી દીધું છે. આ જાણકારીથી અમને અમારા નવા ઘરનું સપનું રોળાતું નજર આવ્યું હતું. એથી અમને પરાગ શાહની ઑફિસમાંથી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ લૅન્ડ રેકૉર્ડ્સ અને કલેક્ટર ઑફિસમાંથી પ્લૉટના ક્ષેત્રફળને ૪૯૦ સ્ક્વેર મીટર કરાવી લેવાનું કહેવામાં આવ્યું હતું. ત્યાં સુધી અમારી ધ્વંસ થઈ ગયેલી ઇમારત ફરીથી બાંધવી શક્ય નથી.’


અમારા પ્લૉટના અચાનક ક્ષેત્રફળ ઘટી જવાના સમાચારે અમને કલેક્ટર ઑફિસમાં દોડતા કરી દીધા એવી જાણકારી આપતાં રહેવાસીઓએ કહ્યું હતું કે ‘અમારા કલેક્ટર ઑફિસમાં અનેક ચક્કરો અને કલેક્ટર સાથેની મીટિંગો પછી અમને ૨૦૧૮ની ૩૦ ઑગસ્ટે કહેવામાં આવ્યું હતું કે અમારા પ્લૉટનું માપ ઘાટકોપરની સિટી સર્વે ઑફિસ દ્વારા ફરીથી કર્યા બાદ તેઓ ક્ષેત્રફળમાં સુધારા કરી આપશે. અમે સપ્ટેમ્બર-૨૦૧૮માં સર્વે માટેની જરૂરી ફી ભરીને અરજી કરી હતી, જેની સામે ૨૫ સપ્ટેમ્બરે અમારા પ્લૉટનું ફરીથી માપ લેવામાં આવ્યું હતું તેમ જ ૧૩ નવેમ્બરે ફરીથી ઇન્સ્પેક્શન કરીને ૧૩ ડિસેમ્બર સુધીમાં સુપરિન્ટેન્ડેન્ટ ઑફ લૅન્ડ રેકૉર્ડ્સને રિપોર્ટ આપવામાં આવશે એમ જણાવવામાં આવ્યું હતું.’

આ દરમ્યાન અમને જાણવા મળ્યું હતું કે અમારા પ્લૉટનું ક્ષેત્રફળ નવા સર્વે પછી ૪૯૦ સ્ક્વેર મીટરને બદલે ૪૪૮ સ્ક્વેર મીટર કરવામાં આવ્યું છે. આ સમાચારથી અમને આર્ય થયું હતું એમ જણાવતાં રહેવાસીઓએ કહ્યું હતું કે ‘આ ક્ષેત્રફળ ૧૯૮૨માં અમારી ઇમારત બાંધવામાં આવી એ સમયનું ક્ષેત્રફળ અને બાજુના DP રોડનું ક્ષેત્રફળ અલગ હતું. જ્યારે નવા ૪૪૮ સ્ક્વેર મીટરમાં DP રોડના ક્ષેત્રફળમાંથી અમુક ક્ષેત્રફળ ઘુસાડી દેવામાં આવ્યું છે, જેને લીધે ભવિષ્યમાં DP રોડના વિકાસ સમયે ફરીથી અમને સરકારી અધિકારીઓની હેરાનગતિનો સામનો કરવો પડશે. આનાથી પણ વધુ ઝટકો તો અમને ત્યારે લાગ્યો જ્યારે કલેક્ટરે સત્ય સ્વીકારવાને બદલે અમને બિલ્ડિંગના રીડેવલપમેન્ટમાં આગળ વધવાની સલાહ આપી હતી.’


સરકારી અધિકારીઓની રમતને લીધે અને તેમના અંગત સ્વાર્થને લીધે અમે ૧૭ મહિના પછી પણ આજે સરકારી ઑફિસોમાં ધક્કા ખાઈ રહ્યા છીએ એવા દુખી વદન સાથે જાણકારી આપતાં રહેવાસીઓએ કહ્યું હતું કે ‘ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે દુર્ઘટનાને દિવસે અમને ફક્ત દસ દિવસમાં રીડેવલપમેન્ટના દસ્તાવેજો ક્લિયર થઈ જશે એવી હૈયાધારણ આપી હતી, જ્યારે આજે ૧૭ મહિનાથી અમે સરકારી ઑફિસોમાં અમારા દસ્તાવેજો ક્લિયર કરાવવા માટે ધક્કા ખાઈ રહ્યા છીએ. એનાથી વધારે તો દુખદાયક અમારી કહાની એવી છે કે સરકારી અધિકારીઓની સાથે અમને રાજનેતાઓ પણ રમાડી રહ્યા છે. તેમના કાર્યકરો આવીને અમને રોજ એક નવી સ્ટોરી કહી જાય છે. અમુક રાજનેતાઓ તેમના બિલ્ડર પાસે બાંધકામ કરવા માટે અમને ફોર્સ કરી રહ્યા છે તો અમુક રાજનેતાઓ અમને પરાગ શાહથી દૂર કરવાની ગેમ રમી રહ્યા છે. જે બિલ્ડરે અમારું ક્ષેત્રફળ ઘટાડી દીધું છે એ પણ અમારા સંપને તોડવા માટે રોજ નવી ઑફર લઈને આવે છે.’

આ પણ વાંચો : મંત્રાલયમાં એક પૉલિટિકલ પાર્ટીના કાર્યકર્તાએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

આ સંજોગોમાં અમારા માટે દેવેન્દ્ર ફડણવીસ અને નરેન્દ્ર મોદી જ સહારો છે એવી માહિતી આપતાં રહેવાસીઓએ કહ્યું હતું કે ‘અમે જે પરિસ્થિતિમાંથી ૧૭ મહિનાથી પસાર થઈ રહ્યા છીએ એ બાબતની લેખિતમાં જાણકારી દેવેન્દ્ર ફડણવીસ અને નરેન્દ્ર મોદીને આપીને તેમને અમને વહેલી તકે નવા બાંધકામ માટેના અમારા દસ્તાવેજો ક્લિયર કરાવી આપવા અને અમને અમારી મુસીબતોમાં સહારો આપીને ફરીથી અમારી જ જગ્યામાં પુનર્વસન કરવા માટેની માગણી કરી છે. અમને વિશ્વાસ છે કે આ બન્ને મહાનુભાવો અમારા મદદગાર જરૂર બનશે.’

Whatsapp-channel Whatsapp-channel

08 January, 2019 09:42 AM IST | મુંબઈ | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK