કહો જોઈએ, છેલ્લે તમે ક્યારે જાત સાથે રહ્યા?

Published: 7th February, 2021 18:42 IST | Bhavya Gandhi | Mumbai

ગૅજેટ્સને કારણે સૌથી મોટી નુકસાની જો કોઈ ગઈ હોય તો એ કે આપણે આપણી જ સાથે રહેતા બંધ થઈ ગયા અને એટલે જ હવે બહુ ઝડપથી આપણે એકલા પડવા માંડ્યા છીએ. જો આજે આપણે નહીં સમજીએ તો એક દિવસ એવો આવશે કે આપણે પણ ધોળિયાઓની જેમ શાંતિની શોધમાં ભટકતા થઈ જઈશું

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

આપણે એકલા રહી શકીએ ખરા?

હું એવું નથી કહેવા માગતો કે તમે બધાથી કટ-ઑફ થઈને એકલા રહો. ના, એવો મારો કહેવાનો ભાવાર્થ પણ નથી. કહેવાની વાત એમ છે કે તમે તમારી જાત સાથે રહી શકો ખરા? અને જાત સાથે રહેવા માટે તમારે બીજા લોકોથી દૂર નથી જવાનું, પણ માત્ર એવા ઑબ્જેક્ટ્સથી દૂર રહેવાનું જે તમને સતત ડિસ્ટ્રેક્ટ કરતા રહે છે. દાખલા તરીકે, ફોન.

હા, આપણો મોબાઇલ ફોન.

આજે સૌથી વધારે કોઈ ગૅજેટ્સ ડિસ્ટર્બ કરતું હોય તો એ છે ફોન. એક મિનિટ પણ માણસ પોતાના ફોનથી દૂર નથી રહી શકતો. મેં તો એવા લોકો જોયા છે જેઓ ફુટપાથ પર ચાલતા જતાં કે રોડ ક્રૉસ કરતાં પણ પોતાના ફોન સાથે જોડાયેલા હોય છે. હેડફોન કાને જ હોય અને પોતાની મસ્તીમાં ફરતા હોય, પણ આ

વાજબી છે?

ના, જરાય નહીં. આ બહુ ડેન્જરસ છે. કેમ એક મિનિટ પણ ફોનથી દૂર ન રહી શકાય? માત્ર એવું જ નથી કે આવો નેચર યંગસ્ટર્સનો કે પછી પુરુષો જ આવું કરે છે. છોકરીઓ અને આન્ટી પણ આમાંથી બાકાત નથી. મેં ઘણાં એવાં આન્ટી જોયાં છે જેઓ ઘરે રસોઈ કરતાં હોય અને સામે સ્ટૅન્ડ પર ફોન લગાવીને વિડિયો જોતાં હોય. ફોનથી ડિસકનેક્ટ થવાનું કોઈને હવે ગમતું નથી. જો માનવામાં ન આવતું હોય તો તમે પણ તમારી આજુબાજુમાં નજર કરજો. અરે, આજુબાજુમાં તો છોડો, આપણને જ જુઓ તમે. આપણે એક મિનિટ પણ એકલા નથી રહી શકતા અને એ પછી આપણે સતત ફરિયાદ કરીએ છીએ કે બહુ એકલું-એકલું લાગે છે. 

હકીકતને સમજવાની જરૂર છે. આપણી લાઇફમાં એટલા બધા ઑબ્જેક્ટસ આવી ગયા છે કે એ આપણને એકલા રહેવા નથી દેતા, આપણી પાસે મોકલવા માટે અઢળક સ્માઇલી છે, પણ આપણા ફેસ પર સ્માઇલ નથી. આપણે જેવો ફેસ નથી કરી શકતા એવા પણ સ્માઇલી આપણે મોકલતા રહીએ છીએ. આંખોમાં હાર્ટ પણ આવી જાય અને ફ્લાઇંગ કિસ પણ આપતા રહીએ, પણ રિયલમાં એવું કશું હોતું નથી. અરે, એક મિનિટ માટે પણ આપણે કોઈને રિયલ સ્માઇલ આપી નથી શકતા. કેમ? કેમ કે આપણે એકલા નથી રહી શકતા. માનવામાં ન આવતું હોય તો એક વાર તમે ખરેખર ટ્રાય કરજો.

તમારા ફોનને કે તમને બીજી તરફ ખેંચી જતાં હોય એવાં ઑબ્જેક્ટ્સ કે ગૅજેટ્સથી દૂર રહીને શાંતિથી બેસજો.

એક મિનિટ, બે મિનિટ અને ત્રણ મિનિટ.

મનમાં તરત જ થશે કે ફોન ચેક કરી લઉં. અરે, એક મેસેજ પણ ન આવ્યો હોય તો પણ આપણા હાથમાં ફોન હોય તો આપણે કંઈક ને કંઈક કર્યા કરીશું, પણ હાથ અને બ્રેઇન એમાં લગાડેલું રાખીશું. આવી વ્યસ્તતાનું કારણ એ છે કે આપણે આપણી જાત સાથે નથી રહી શકતા. શું ખરેખર આપણે એટલા બોરિંગ છીએ કે કોઈ ને કોઈ ઑબ્જેક્ટ જ આપણને ખુશ કરી શકે. એક વાત યાદ રાખજો મારી કે જો તમે તમારી જ કંપનીમાં રહી નથી શકતા તો તમે પછી કોઈની સાથે રહી શકવાને લાયક નથી. તમે જો તમારી જાત સાથે રહી શકતા ન હો તો બીજા કેવી રીતે તમારી સાથે રહી શકવાના? તમે જો તમારી જાતને પ્લીઝ નથી કરી શકતા તો પછી તમે બીજાને પ્લીઝ ક્યાંથી કરી શકવાના?

આ સત્ય હકીકત છે. આપણે એકલા નથી રહી શકતા અને ક્યારેય આપણે એકલા રહી પણ નથી શકવાના એવું પણ લાગે છે. એનું કારણ સમજવા જેવું છે. આપણને હવે ટોળામાં રહેવાની આદત પડી ગઈ છે. અહીંથી આપણી વાત હવે જરા ફંટાઈ છે. લોનલિનેસ અને સૉલિટ્યુડ. અંગ્રેજીના આ બન્ને શબ્દોને ધ્યાનથી સમજવાની જરૂર છે. લોનલીનેસ એટલે એકલતા. જ્યારે તમને તરછોડાઈ ગયાની ભાવના મનમાં જન્મે ત્યારે તમે અંદરથી એકલા પડવાના શરૂ થાઓ અને જ્યારે એકલા પડવાના શરૂ થાઓ ત્યારે તમને લોનલીનેસનો અનુભવ થાય.

હવે વાત કરીએ સૉલિટ્યુડની. સૉલિટ્યુડ

એટલે તમારી જાત સાથે રહીને જાતને સાચવવાની પ્રક્રિયા.

એકલા રહો, એકલા બેસો કે પછી શાંતિથી કોઈ કાર્ય કર્યા વિના તમે બેસશો ત્યારે શરૂઆતમાં તમને લોન્લીનેસનો અનુભવ થશે, પણ હકીકતમાં એ લોન્લીનેસ નથી. એ એક પ્રક્રિયા છે લોન્લીનેસમાંથી સૉલિટ્યુડ તરફ જવાની. લોન્લીનેસને સૉલિટ્યુડમાં કન્વર્ટ કરવાની જરૂર છે. જાતને ઓળખવાની અને જાત સાથે રહેવાની જરૂર છે.

લોકો સતત ફરિયાદ કરે છે કે પ્રૉબ્લેમ્સ બહુ વધી ગયા છે અને ટેન્શન અતિશય વધવા માંડ્યું છે, પણ આ પ્રૉબ્લેમ્સ અને ટેન્શનનું મૂળ શોધવાની જરૂર છે. તમે તપાસ કરશો તો બનશે એવું કે તમને સૉલ્યુશન દેખાશે અને એનું સૉલ્યુશન એ જ છે કે જાત સાથે રહેવાનું શરૂ કરવું. આપણે જાત સાથે રહેવાનું પસંદ નથી કરતા જેને લીધે આપણે એકધારા પ્રૉબ્લેમ્સ વચ્ચે જીવતા હોઈએ એવું લાગવા માંડ્યું છે. આપણને ડિસ્ટર્બ કરવાનું કામ બીજું કોઈ નથી કરતું, એ કામ પણ આપણે જ કરીએ છીએ. સતત આપણી આસપાસ કોઈ વ્યક્તિ કે પછી કોઈ ગૅજેટ્સ આપણે રાખતા થઈ ગયા છીએ. જેને લીધે બને છે એવું કે આપણે આપણા પ્રૉબ્લેમનો જવાબ બીજા પાસેથી શોધવા માંડ્યા છીએ.

એક વાત યાદ રાખજો કે જાત સાથે રહેવાનું જો ફાવી ગયું તો લાઇફ ખરેખર રિલૅક્સ થઈ જશે. એનો સૌથી મોટો બેનિફિટ એ થશે કે તમારા જેકંઈ પ્રૉબ્લેમ છે, ટેન્શન છે એના જવાબ તમે જાતે જ શોધવા માંડશો. અરે, શોધવા પણ નહીં પડે. જાત સાથે રહેવાની આદત પડ્યા પછી તમને પોતાને સૉલ્યુશન દેખાવાનું ચાલુ થઈ જશે, આપોઆપ અને એ પણ એકદમ સાચું. કારણ કે જાત પાસેથી મળેલો જવાબ હંમેશાં સાચો જ હોય છે. કારણ કે એ જવાબ તમે પોતે આપ્યો છે. બીજા પાસેથી જ્યારે પણ સૉલ્યુશન મળતું હોય છે ત્યારે એ સૉલ્યુશન સાથે તમે સંપૂર્ણ સહમત છો કે નહીં એની તમને ખબર નથી હોતી અને એટલે ક્યાંક ને ક્યાંક મનમાં તમને ડાઉટ રહે છે. જે ડાઉટ તમને સ્ટેપ લેવામાં ક્યાંક સંકોચ આપે એવું બની શકે છે.

મને લાગે છે કે આપણે બધાએ જાત સાથે રહેવાની અને સૉલિટ્યુડમાં રહેવાની ખાસ જરૂર છે. ગૅજેટ્સે આપણો સમય છીનવી લીધો છે. મોબાઇલ, ટીવી અને એવાં બીજાં જેકોઈ ગૅજેટ્સ છે એણે આપણને જાતને સમય આપવાનું બંધ કરાવી દીધું. પહેલાંનો સમય તમે જુઓ, આપણા પેરન્ટ્સ પાસે કેવો સમય હતો અને એ પોતાના સમયનો કેવો સાચી રીતે ઉપયોગ કરતા હતા. જો તમને ખબર ન હોય તો એક વખત ઘરે પૂછજો. તમને ખબર પડશે. અત્યારે હું તો વાત તમને પેરન્ટ્સની કરું છું, પણ એનાથી આગળની વાત વિચારજો, દાદા-દાદી પાસે કેવો ટાઇમ હતો. એ તમારે માટે હંમેશાં અવેલેબલ હોય. તમને જ્યારે પણ જરૂર હોય ત્યારે એ તમને સલાહ આપવા માટે અને તમારે માટે દોડાદોડી કરવા હાજર હોય, પણ જેમ-જેમ ગૅજેટ્સ લાઇફમાં ઉમેરાતાં ગયાં એમ-એમ બધા પાસેથી સમય કપાવાનો શરૂ થયો. આપણાં પેરન્ટ્સ સુધી હજી પણ કંઈક વાજબી હતું. તેમની

પાસે ગૅજેટ્સ માટે રેડિયો અને ટીવી બે જ

યંત્રો હતાં, પણ આપણી પાસે તો ઢગલા થઈ ગયા છે અને એ ઢગલા વચ્ચે ઇન્ટરનેટ પણ ઊભું જ છે.

જો એ બધામાંથી બહાર નહીં આવીએ, જાતને સમય નહીં આપવાની આદત અકબંધ રાખીશું તો યાદ રાખજો કે બહુ ઝડપથી આપણે પણ પેલા ફૉરેનર્સ જેવા સાવ એકલા પડી જઈશું અને પછી શાંતિની શોધમાં ભટકતા થઈ જઈશું. બહેતર છે કે ભવિષ્યમાં શાંતિની શોધમાં ભટકવા નીકળવા કરતાં અને એકલા પડી ગયાની એકધારી ફરિયાદ કરવા કરતાં આજે જ જાત સાથે રહેવાના પ્રયત્ન કરીએ અને જાતને સમય આપવાનું ચાલુ કરીએ. જો એક વખત તમે જાતની સાથે રહેવાની આદત પાડી લીધી તો લખી રાખજો કે તમે એ હદે પાવરફુલ હશો કે કોઈ તમને ક્યારેય એકલા નહીં પાડી શકે, ક્યારેય નહીં.

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK