Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઇસ શ્રાવણ ઘર-ઘરમેં શિવાલય

ઇસ શ્રાવણ ઘર-ઘરમેં શિવાલય

26 July, 2020 09:39 AM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

ઇસ શ્રાવણ ઘર-ઘરમેં શિવાલય

ઇસ શ્રાવણ ઘર-ઘરમેં શિવાલય


શ્રાવણ મહિનો શરૂ થતાં જ ભગવાન ભોળેનાથની કૃપા મેળવવા દેશભરનાં મંદિરોમાં  શિવભક્તોની ભીડ ઊમટે છે. હર હર મહાદેવના નાદ સાથે નીકળતી કાવડયાત્રા સમસ્ત વાતાવરણને ભક્તિમય બનાવે છે. હાલમાં કોવિડ-19ના લીધે મંદિરોનાં કમાડ બંધ થઈ જતાં ગંગાજળ, પંચામૃત, બીલીપત્ર સહિત અનેક પ્રકારની સામગ્રી સાથે આખો મહિનો મંદિરે જનારા ભક્તોમાં નિરાશા વ્યાપી છે ત્યારે મુંબઈના કેટલાક પ્રખર શિવભક્તોને મળીને જાણીએ તેમની શ્રદ્ધા અને આસક્તિની વાતો.

શિવભક્તો જેની રાહ જોઈ રહ્યા હતા એ પવિત્ર શ્રાવણમાસ શરૂ થઈ ગયો છે. શાસ્ત્રો અનુસાર શ્રાવણમાસમાં ગંગાજળ, પંચામૃત અને બીલીપત્રના અભિષેકથી ભગવાન મહાદેવને પ્રસન્ન કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. દર વર્ષે આ સમયે ભગવાન ભોળેનાથની કૃપા મેળવવા દેશભરનાં શિવમંદિરોમાં ભક્તોની લાંબી કતાર જોવા મળે છે. હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજે છે. કેટલાક ભક્તો પગપાળા જાય છે તો કોઈ કાવડયાત્રામાં જોડાય છે. અનેક સ્થળે કથા પારાયણ અને શિવપુરાણનું આયોજન થાય છે.



ભગવાન ભોળેનાથને રીઝવવા શ્રાવણ માસમાં ભક્તો પોતાની શ્રદ્ધા મુજબ બાધા-આખડી લેતા હોય છે. પગરખાં ન પહેરવાં, દાઢી વધારવી, મદિરાપાનનો ત્યાગ કરવો, કાંદા-લસણ ન ખાવાં, એકટાણાં કરવાં અથવા શ્રાવણિયા સોમવારનો ઉપવાસ કરવો જેવા ચોક્કસ નિયમોનું ચુસ્તપણે પાલન કરતા જોવા મળે છે. જોકે કોવિડ-19 મહામારીના કારણે હાલમાં મંદિરોનાં કમાડ બંધ છે. અપાર મહિમા ધરાવતા શ્રાવણ માસ પર આ વર્ષે મહામારીનું ગ્રહણ લાગતાં શિવભક્તોમાં નિરાશા વ્યાપી છે ત્યારે મુંબઈના કેટલાક પ્રખર શિવભક્તોને મળી જાણીએ તેમની શિવ પ્રત્યેની આસ્થા અને આસક્તિની વાતો.


બાબુલનાથની કૃપાથી ઘરમાં નાનું શિવાલય બનાવ્યું છે: રાકેશ મહેતા, કાંદિવલી

શ્રાવણ માસમાં મુંબઈના પ્રચલિત બાબુલનાથ મંદિરમાં આવતા ભક્તજનો કાંદિવલીના શિવભક્ત રાકેશ મહેતાને નામથી અથવા ચહેરાથી ચોક્કસ ઓળખતા હશે. નાનપણથી જ શ્રાવણમાં બાબુલનાથની સેવામાં સ્વયંસેવક તરીકે તેઓ હાજરી આપે છે. બાબુલનાથ દાદા  માટેનો સેવાભાવ તેમને ગળથૂથીમાં મળ્યો છે. રાકેશભાઈના બાપુજી પચાસ વર્ષ અહીં સ્વયંસેવક રહી ચૂક્યા છે. છેલ્લાં કેટલાંક વર્ષથી સોમવારે ઊમટતી ભક્તોની ભીડને કતારમાં આગળ વધવામાં મદદ કરવી અને માર્ગદર્શન આપવા તેમનાં વાઇફ, સિસ્ટર અને મિત્રો પણ જોડાય છે. હર હર મહાદેવના જયનાદ સાથે વાત કરતાં તેઓ કહે છે, ‘આમ તો આખું વર્ષ મંદિરોમાં મારા હાથે દાદાનો અભિષેક થાય એવો પ્રયાસ કરતો રહું છું. પહેલાં અમે સાઉથ બૉમ્બેમાં રહેતાં હતાં. સમજણો થયો ત્યારથી દર શ્રાવણમાં બાબુલનાથ જાઉં છું. લગભગ પચીસ વર્ષ થયાં હશે. અમારા પરિવાર પર દાદાની અઢળક કૃપા રહી છે. અમારી આસ્થા અને તેમના ચમત્કારોને શબ્દોમાં વર્ણ‍વી શકાય એમ નથી. આખો મહિનો એકટાણાં કરવાનાં અને સોમવારે આખો ઉપવાસ. રોજ સવારે સાતથી સાડાનવની ઘીની પૂજાનો વણલખ્યો નિયમ બની ગયો છે. પરિસરમાં આવેલા કાશીવિશ્વનાથ મંદિરના પ્રવેશદ્વારની જવાબદારી મહાદેવજીએ મને સોંપી હોય એવી ફીલિંગ સાથે રવિવારે અડધી રાતથી ત્યાં જ હોઉં. અમાસના દિવસે વહેલી સવારે ચાર વાગ્યામાં મહિનાની છેલ્લી પૂજા કરી ફૅમિલી અને ફ્રેન્ડ્સ સાથે નાશિક નજીક   ત્રમ્બેકેશ્વર મહાદેવનાં દર્શન માટે નીકળી જઈએ. કોરોનાના કારણે મંદિરનાં દ્વાર બંધ થઈ જતાં આ વર્ષે દાદાની ખોટ સાલશે. રોજ નહીં તો માત્ર સોમવારે ઘી-પૂજા માટે ટ્રસ્ટીઓ અને પોલીસ પાસેથી પરવાનગી મેળવવાના પ્રયાસો ચાલે છે. બાબુલનાથ દાદાની ઇચ્છા હશે તો નિયમ અકબંધ રહેશે અન્યથા ઘરમાં બનાવેલા નાનકડા શિવમંદિરમાં પૂજા કરી મન મનાવી લઈશું. ત્રમ્બકેશ્વર મુંબઈની બહાર હોવાથી કદાચ સરકાર પરવાનગી આપશે તો અમાસના દિવસે એકસો એક ટકા જવું જ છે.’


બરફપૂજા માટે મહાદેવજીને અરજી મોકલી છે: નવીન મહેતા, ઘાટકોપર

સાયન-ટ્રૉમ્બે રોડ પર મંડાલા પાસે આવેલા નર્મદેશ્વર મહાદેવજીના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ઊમટે છે. પ્રકૃતિની ગોદમાં આવેલા આ પ્રાચીન મંદિરના પરિસર અને આસપાસના વાતાવરણમાં શાંતિ પથરાયેલી હોય છે. શ્રાવણ માસમાં અહીં કારીગરો દ્વારા બરફનાં બાર જ્યોતિર્લિંગ તૈયાર કરવામાં આવે છે. મધ્ય મુંબઈના વિસ્તારમાં રહેતા ગુજરાતીઓ સહિત અનેક શિવભક્તો ખાસ બરફપૂજા માટે નર્મદેશ્વર મહાદેવજીના મંદિરે જતા હોય છે. ઘાટકોપરમાં રહેતા શિવજીના પરમ ભક્ત નવીન મહેતા ૧૯૭૫ની સાલથી શ્રાવણ માસના સોમવારે બરફપૂજા કરે છે. આ વખતે મંદિરનાં કમાડ બંધ છે તો શું કરશો એવા પ્રશ્નનો જવાબ આપતાં તેઓ કહે છે, ‘શ્રાવણમાં ચાર સોમવાર આવે છે. છેલ્લી ઘડી સુધી ભક્તોએ ચિંતા કરવાની જરૂર નથી. સુપ્રીમ પાવર જેમના હાથમાં છે એવા ભોળાનાથ જરૂર રસ્તો સૂચવશે. નર્મદેશ્વર મહાદેવજીની કૃપાથી દીકરાના નામે શરૂ કરેલી કંપનીનો જે રીતે ગ્રોથ થયો છે એ જોતાં અમારી શ્રદ્ધા વધી છે. શ્રાવણ માસમાં હું અને મારી પત્ની આખો મહિનો જઈએ છીએ, જ્યારે ફૅમિલીના બીજા મેમ્બરો સોમવારની બરફપૂજામાં જોડાય છે. આ મંદિરમાં ભીતરમાં મહાદેવજીની સન્મુખ બેસીને પૂજા કરવાની પરવાનગી છે. અહીંના પીસફુલ વાતાવરણમાં શિવજીના સાંનિધ્યમાં બેઠા હો એવી અનુભૂતિ થાય. આસપાસ વાંદરાઓની સંખ્યા બહુ હોવાથી બાળકોને પણ મજા પડી જાય છે. બરફના જ્યોતિર્લિંગની આજુબાજુ ફૂલોની સેવા અને સાંજની આરતી કરવાનો નિયમ વર્ષોથી જાળવી રાખ્યો છે. રુદ્રી પૂજા પણ કરાવીએ છીએ. જોકે આ બધું પરમાત્મા કરાવે છે. તેમની મરજી વિના તો પાંદડુંય ન હલે. આ વખતે બરફપૂજા થઈ શકે એ માટે હૃદયના ભાવથી મહાદેવજીને અરજી મોકલી છે. તેઓ મારી અરજી સાંભળશે એવો પૂરો ભરોસો છે.’

આ વર્ષે તુંગારેશ્વરના કાવડિયાઓ બહુ યાદ આવશે: બીના મકવાણા, વસઈ

ઝરમર વરસાદ વરસતો હોય, માટીની મીઠી-મીઠી સુગંધ આવતી હોય, રસ્તામાં ખળખળ વહેતા ઝરણામાં પગ બોળી આગળ વધતા કાવડિયાઓની સાથે ચાલતા શિવભક્તોની કતારમાં હર હર મહાદેવનો નાદ ગુંજતો હોય. શ્રાવણ માસના સોમવારે આવું સુંદર વાતાવરણ તમને વસઈની નજીક આવેલા તુંગારેશ્વર મહાદેવજી મંદિર જતાં માર્ગમાં જોવા મળે. ડુંગર ઉપર આવેલા આ શિવમંદિરમાં ભક્તોની લાંબી કતાર લાગે છે. આ વર્ષે કાવડિયાઓ બહુ યાદ આવશે. ભાવવિભોર થતાં વસઈનાં શિવભક્ત બીના મકવાણા કહે છે, ‘કાવડિયાઓ સાથે ચાલતાં જાઓ એની મજા જુદી છે. શ્રાવણ મહિનામાં બે વખત તો તુંગારેશ્વર જઈએ જ છીએ. દર્શનની લાઇનમાં ઊભા- ઊભા જાપ ચાલુ હોય. હવે તો મોબાઇલમાં બધું મળી રહે છે એટલે બુક રાખવાની પણ જરૂર પડતી નથી. આ સિવાય વસઈ (ઈસ્ટ)માં મીઠાના અગરોની વચ્ચે આવેલા સિદ્ધેશ્વર મહાદેવના મંદિરે જઈએ. મંદિરના સંકુલમાં બેસી દીવો પ્રગટાવી શંકર ભગવાનનાં હજાર નામનો પાઠ કરવાનો નિયમ બની ગયો છે. આખો મહિનો ઘઉં ન ખાવાની બાધા વર્ષોથી લીધેલી છે. બેવડા સાકરિયા સોમવાર પણ કર્યા છે. હાલમાં મંદિર બંધ હોવાથી નિરાશા તો થઈ છે. ઘરની નજીકમાં આવેલા એક મંદિરમાં જયાપાર્વતીના વ્રતની પૂજા માટે થોડા કલાક મંદિરના દરવાજા ખૂલ્યા હતા એવું જાણ્યા બાદ બે વાર પૂજારીને મળી પૂછતાછ કરી આવી. મનમાં થાય છે કે સોશ્યલ ડિસ્ટન્સ સાથે સંકુલમાં બેસીને દીવો કરી સહસત્રાવલિ વાંચવાની છૂટ આપ તો સારું અન્યથા ઘરે બેસીને ભગવાનનું સ્મરણ કરી મન મનાવી લઈશું.’

પ્રદોષની પૂજા માટે બ્રાહ્મણ ઑનલાઇન મંત્રોચ્ચાર કરશે: કૈલાસ વાઘેલા, કાંદિવલી

હજી ગયા વર્ષે કૈલાસ માનસરોવરની યાત્રા કરી આવેલા શિવજીના આ પ્રખર ભક્તના નામમાં જ શિવજીનું નિવાસસ્થાન છે. મહાદેવજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા કૈલાસ વાઘેલા અને તેમના સાથી મિત્રો શ્રાવણ માસમાં ઘરના બનાવેલા લાડવા લઈ બાબુલનાથ મંદિરે જાય છે. તેઓ કહે છે, ‘ભોળેનાથ બધું કરાવે છે, બાકી અમે તો અનાડી ભક્તો છીએ. તેમની કૃપાથી માનસરોવરની યાત્રાનો દિવ્ય અને અવિસ્મરણીય અનુભવ કરવા મળ્યો. અમારા ઘરમાં પણ શિવલિંગ છે. શ્રાવણના બધા સોમવારે અભિષેક કરીએ છીએ. આખો મહિનો શિવપુરાણ વાંચીએ. રુદ્રી પૂજા અને પ્રદોષ માટે બ્રાહ્મણ ઘરે આવીને મંત્રોચ્ચાર કરે છે. છેલ્લાં ત્રણ વર્ષથી સાંસારિક જવાબદારી ઓછી થતાં વહેલી સવારે બાબુલનાથ જવાનું શરૂ કર્યું છે. દસ વાગ્યા સુધીમાં પાછા ફરી સૌ પોતપોતાના કામે લાગી જાય છે. મહાદેવજીના અભિષેક અર્થે લાડવા ઉપરાંત કમળકાકડી, બીલીપત્ર, સાકર, ઘી, દૂધ, દહીં, લીલો મેવો એમ બધું જ હોય. આખા મહિનામાં એક વાર ભીમાશંકર અથવા ત્ર્યંબકેશ્વર જઈ દર્શનનો લાભ લઈએ. આ વર્ષે કોરોના સંક્રમણનું જોખમ હોવાથી મુંબઈમાં મંદિરના દરવાજા ખૂલશે નહીં એ સ્વીકારી લીધું છે. જોકે કંઈક ખૂટતું હોય એવું જરૂર લાગશે. મહારાષ્ટ્રનાં બીજાં શહેરોમાં પણ કદાચ જઈ શકાશે નહીં. અમારી સોસાયટીમાં બહારની વ્યક્તિને આવવા પર પાબંદી નથી તેમ છતાં અમારું પ્લાનિંગ એવું છે કે આ વખતે પ્રદોષની પૂજા માટે બ્રાહ્મણને ઘરે નથી બોલાવવા. ઘરમાં બેસીને અમે શિવલિંગ પર અભિષેક કરીશું અને બ્રાહ્મણ ઑનલાઇન મંત્રોચ્ચાર કરશે.’

શિવભક્તોએ ઑનલાઇન સેવાનો લાભ લઈ મન મનાવવું પડશેઃ દિલીપ ઠાકર, બાબુલનાથ મંદિરના પૂજારી

મુંબઈના પ્રચલિત બાબુલનાથ મંદિરની અંદર જ પૂજારીઓનું નિવાસસ્થાન છે. અહીં તમામ વ્યવસ્થા હોવાથી તેમને બહાર નીકળવાની જરૂર પડતી નથી. હાલમાં મંદિરનાં કમાડ ભક્તો માટે બંધ હોવાથી ભીતરમાં સેવા થાય છે. અહીંના મુખ્ય મહારાજ દિલીપ ઠાકર કહે છે, ‘શિવભક્તો માટે પ્રવેશદ્વાર બંધ છે, પણ ભક્તોના કલ્યાણ માટે શાસ્ત્રોક્ત પ્રમાણે કરવામાં આવતી ત્રિકાલ પૂજા થાય છે. પ્રાત:કાળ, મધ્યાહન કાળ અને સાયંકાળ મંત્રોચ્ચાર સાથે દાદાની પૂજા કરીએ છીએ. પરંપરાગત રીતે રાતની આરતી પણ સમયસર થાય છે. ભૂતોની ટોળી સાથે રહેતા ભગવાન ભોળેનાથના ભક્તોય એવા જ ભોળા છે. દાદાને મળવા આવે ત્યારે ભાન ગુમાવી બેસે છે. શ્રાવણ માસમાં ભક્તોના ધસારાને પહોંચી વળવા તેમ જ ચાર-ચાર કલાક કતારમાં ઊભેલા ભક્તોને ત્રાસ ઓછો પડે એ માટે દર વર્ષે ટ્રસ્ટીઓ, સિક્યૉરિટી અને પોલીસની સહાયથી શ્રેષ્ઠ વ્યવસ્થા કરવામાં આવે છે પરંતુ હાલની પરિસ્થિતિ જોતાં ભક્તોની આસ્થા અને આસક્તિને કાબૂમાં રાખવી મુશ્કેલ છે. જોકે તેમણે નિરાશ થવાની જરૂર નથી. તેઓ ઑનલાઇન દાદાનાં દર્શનનો લાભ લઈ શકે છે. બાબુલનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા દાદાના અભિષેક અને પૂજાનું ઑનલાઇન બુકિંગ ચાલુ છે. આ શ્રાવણ માસમાં શિવભક્તોએ ઑનલાઇન સેવાનો લાભ લઈ મન મનાવવું પડશે.’

નર્મદેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શું કહે છે?

આ સ્થળ મુંબઈ શહેરની ગીચ વસ્તીથી દૂર આવેલું હોવાથી અહીં ભક્તોની ભીડ થતી નથી તો શું મંદિરનાં કમાડ ખૂલશે? મુંબઈમાં મંદિરો બંધ છે તો આ વર્ષે ભક્તોનો ધસારો અહીં જોવા મળે એવી શક્યતા ખરી? પચાસ વર્ષથી મંડાલાસ્થિત નર્મદેશ્વર મહાદેવ મંદિરમાં સેવા કરતાં પૂજારી દિલીપ ત્રિવેદી આ સંદર્ભે વાત કરતાં કહે છે, ‘‘વર્તમાન સ્થિતિમાં પણ મંદિરની અંદર મંત્રોચ્ચાર સાથે પૂજા અને આરતી થાય છે. બે એકરની વિશાળ જગ્યામાં પથરાયેલા મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો આવે તોય સોશ્યલ ડિસ્ટન્સ જાળવી શકાય એમ છે, પરંતુ સરકારી માર્ગદર્શિકા પ્રમાણે પબ્લિક માટે મંદિર બંધ છે. અનેક ભક્તોએ કોરોનાથી ગભરાઈને આ વર્ષની પૂજા કૅન્સલ કરી છે. જોકે ૩૧ જુલાઈ જાય પછી કદાચ છૂટછાટ મળી શકે છે. નર્મદેશ્વર મહાદેવનું મંદિર જંગલ વિસ્તારમાં હોવાથી એનું અટ્રૅક્શન છે. અહીં બારે મહિના શાંતિથી દર્શન થાય છે. શિવરાત્રિમાં મોટો મેળો ભરાયો હોય એવો માહોલ જામે છે. લગભગ પચાસેક હજાર ભક્તો ઊમટે છે, જ્યારે શ્રાવણ માસમાં રોજના દોઢસોથી બસો ભક્તો આવે છે. વિશાળ જગ્યા હોવાથી આટલા ભક્તોને અમે સંભાળી લઈએ છીએ. કેટલાક ભક્તો મોટી પૂજા કરાવ્યા બાદ સો-દોઢસો જણનો જમણવાર રાખે છે. મંદિર પાસે એની વ્યવસ્થા પણ છે. અત્યારે બરફના શિવલિંગ બનાવનારા કારીગરો અવેલેબલ છે. એકાદશીમાં પંઢરપુરમાં જે રીતે ભક્તોને પૂજા કરવા મળી હતી એવી જ રીતે વર્ષોથી અહીં લઘુ રદ્રી અને બરફની પૂજા કરવા માટે આવતા ભક્તોને શ્રાવણ માસના સોમવારે બે-બે કરીને મંદિરમાં આવવાની પરવાનગી આપવા વિશે વિચારણા ચાલે છે. જો બધું સમુંસૂતરું પાર ઊતરશે તો શિવભક્તો સંકુલમાં બેસીને પૂજાનો જાતે લાભ લઈ શકશે અને પૂજારીના હાથમાં આપી શિવલિંગને લોટો ચડાવી શકાશે.’

કાશી વિશ્વનાથ મંદિરની રંગોળી પૂરવાની રહી જશે: જયશ્રી દેસાઈ, વાલકેશ્વર

બર્થ-ડે, મૅરેજ-ઍનિવર્સરી કે અન્ય કોઈ પણ પ્રસંગે બાબુલનાથ દાદાના આશીર્વાદ લેવાનું ન ચૂકનારાં જયશ્રી દેસાઈ અને તેમની ટીમ શિવરાત્રિના દિવસે મંદિરમાં રંગોળી કરવા છેક સુરતથી પાંચ હજાર કિલો ફૂલ મંગાવે છે. સંકુલમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિરની રંગોળી વર્ષોથી તેઓ પૂરતાં આવ્યાં છે. અહીંના પૂજારીઓ, ઑફિસમાં કામ કરતા માણસો, સ્વયંસેવકો અને સિક્યૉરિટી ગાર્ડ સહિતના તમામ લોકો સાથે તેમને ઘરોબો છે. શ્રાવણ માસના સોમવારે સવારમાં સાડાત્રણ વાગ્યે મંદિરે પહોંચી જાય. પરિસરમાં વેરાયેલાં ફૂલો અને અન્ય સામગ્રી વીણી-વીણીને ડ્રમમાં નાખતા જાય જેથી કતારમાં ઊભેલા ભક્તોના પગ તળે કચડાય નહીં. તેઓ કહે છે, ‘આ વર્ષે મંદિરની સ્વચ્છતા અને દાદાની સેવા કરવા નહીં મળે એનો વસવસો રહેશે. બાબુલનાથમાં એટલી ભીડ થાય છે કે અડધી રાત જેવું જરાય ન લાગે. આખો મહિનો સવારે ચાર વાગ્યે દર્શન કરવા જાઉં ને સોમવારે એનાથીય વહેલા જઈએ. દાદાની સેવા કરવાની સાથે શ્રાવણ મહિનામાં મગ સિવાય કોઈ વસ્તુ ખાતી નથી. વાસ્તવમાં બાબુલનાથ મંદિર મારું પિયર છે. જીવનમાં ક્યારેય પણ નિરાશા જેવું લાગે કે મૂડ ન હોય ત્યારે દાદાનાં દર્શન કરી પગથિયા પર બેસી જાઉં. પરમ શાંતિનો અનુભવ થાય. બાબુલનાથ, મુંબાદેવી, સિદ્ધિવિનાયક, મહાલક્ષ્મી અને હાજી અલી આ પાંચ સ્થળના કારણે મુંબઈ પર ક્યારેય મુસીબત આવશે નહીં એવી મને શ્રદ્ધા છે. શિવજીના પુત્ર ગણેશજી પ્રત્યે પણ એટલો જ લગાવ છે. થોડા સમય પહેલાં સળંગ ૧૦૮ દિવસ પગપાળા સિદ્ધિવિનાયક જઈ આવી છું. શ્રાવણ માસમાં ભક્તો માટે બાબુલનાથના દરવાજા ભલે નથી ખૂલ્યા, પરંતુ નિયમ પ્રમાણે તમામ સામગ્રી ઑફિસમાં આપી આવીશ. દાદાની કૃપાથી ઘરના શિવલિંગ સમક્ષ રુદ્રી પાઠ કરીશું.’

Whatsapp-channel Whatsapp-channel

26 July, 2020 09:39 AM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK