તમે આવો તો ગરબામાં રંગ જામશે

Published: 18th October, 2020 19:46 IST | Hiten Aanandpara | Mumbai

સતત વહેવું, બધું સહેવું, ન કાંઠાનેય કૈં કહેવું આ ઝરણાં જેમ ખળખળવાનું સુખ સૌને નથી મળતું

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

આ ઝરણાં જેમ ખળખળવાનું સુખ સૌને નથી મળતું

એક પવિત્ર શક્તિ જે આપણી તમામ અપવિત્રતાનો નાશ કરી શકે એ દુર્ગા કે કાલી તરીકે ઓળખાય છે. રામકૃષ્ણ પરમહંસને કાલીનાં દર્શન થયાં હતાં. નવરાત્રિના પર્વમાં આદ્યશક્તિ સાથે આપણે લક્ષ્મીમાતાની પૂજા કરીએ છીએ જે આપણને સંપત્તિ આપે છે. બુદ્ધિની દેવી સરસ્વતીની પણ પૂજા કરવામાં આવે છે. એક સ્તુતિના શબ્દોથી જાતને ઠમઠોરીએ...  

કાયા મળી કંચન સમી, સેવા કરી ના માતની

માતા મુખે ના વદ્યા, જિહ્‍વા દીધી શા કામની

સેવક કહે મા આપનો, સૌ દાસને સંભાળજો

ચિંતન તમારા નામનું, અંબા સદાયે આપજો

સકળ બ્રહ્માંડમાં જે ચૈતન્ય છે એ જ ઈશ્વર છે. પરંપરા પ્રમાણે ગરબાનું ઘટસ્થાપન કરીને જાણે આખા ગગનમંડળની પ્રતીકાત્મક સ્થાપના ઘરમાં કરીએ છીએ. આ ૯ દિવસોમાં ગરબામાં અખંડ દીવો આપણી શ્રદ્ધાને બળ પૂરું પાડે છે. આપણી આસ્થાને અજવાળતી રાત્રિઓ તિમિરમાં તેજનું સિંચન કરે છે. પ્રણવ પંડ્યા એની મહત્તા આલેખતાં કહે છે...

સતત વહેવું, બધું સહેવું, ન કાંઠાનેય કૈં કહેવું

આ ઝરણાં જેમ ખળખળવાનું સુખ સૌને નથી મળતું

સળગતું આયખું મ્હેકે અગરબત્તી શા અક્ષરમાં

કવિતામાં આ ઓગળવાનું સુખ સૌને નથી મળતું

નવરાત્રિ આપણને રમ્યતાની અનુભૂતિ કરાવે છે. પૅન્ટ-શર્ટ જ્યારે કેડિયું-પાઘડીમાં રૂપાંતર પામે ત્યારે એવું લાગે કે પૉલિયેસ્ટર યાર્નનું રૂપાંતર સુતરાઉ સંવેદનામાં થઈ ગયું છે. સલવાર-કમીઝ જ્યારે ચણિયાચોળી માટે બાઅદબ જગ્યા કરી આપે ત્યારે પહેરનાર અને જોનાર બન્ને રંગબેરંગી મલકાઈ ઊઠે. ડૉ. કિશોર મોદી એમાં નાજુકાઈ નીરખે છે...

ગરબાના ઋજુ બોલથી લહેકાતી રાતમાં

ગુલાબી હોઠની તરફદારી થવાની છે

પારંપરિક વેશમાં ખેલૈયાઓને જોઈએ એટલે જાણે વૃંદાવનમાં પહોંચી ગયા હોઈએ એવું લાગે. અલબત્ત, આ વર્ષે આપણે આ બધું મિસ કરીશું. સીઝન પાસ માટે કોઈ પડાપડી નહીં, ગુજરાતી ‘મિડ-ડે’નાં પાનાંઓમાં પથરાતું વિવિધ નવરાત્રિઓનું કવરેજ નહીં, ક્યારે ને ક્યાં-ક્યાં જવું એનું આગોતરું પ્લાનિંગ નહીં. દુકાનોમાં જોવા મળતી તહેવારની ચહલપહલ નહીં, માતાજીનાં મંદિરોમાં ભક્તજનોની ભીડ નહીં, ગરબાનાં નવાં સ્ટેપ્સ શીખવાની તાલાવેલી નહીં. દેવીનો કોપ લઈને આવેલો કોરોના આખરે દેવીની કૃપાથી સિધાવે એની બધા રાહ જોઈ રહ્યા છે. સર્જન-વિસર્જનનું ચક્ર કુદરતે પોતાની પાસે રાખ્યું છે. શૂન્ય પાલનપુરી કહે છે...

દૃષ્ટિની સાથ સાથ પડળ પણ છે આંખમાં

જ્યોતિની ગોદમાં છે તિમિરનો ઉછેર પણ

વસંત-પાનખરનું ચક્ર ચાલ્યા કરવાનું, પણ પાનખર એના નિયત ગાળાને અતિક્રમી વસંતને વેતરી નાખે તો જિંદગી ખોરવાય એ સ્વાભાવિક છે. સૅનિટાઇઝર વગર તો તાળી પણ પડવાની ના પાડી દેશે. હૂડો નૃત્યમાં પડતી સામસામી તાળીઓ તો તાત્પૂરતી હવામાં જ સ્ટૅચ્યુ થઈ ગઈ છે. માસ્ક પહેરીને ગરબે રમવું હિતાવહ નથી, કારણ કે એમાં ગૂંગળામણને કારણે જીવ જોખમમાં મુકાઈ શકે. બે-એક મહિના પહેલાં બનેલા એક કિસ્સામાં જાણીતી કંપનીનો ઉચ્ચ અધિકારી માસ્ક પહેરીને મૉર્નિંગ વૉક કરતી વખતે મૃત્યુને ભેટ્યો હતો. કીર્તિકાન્ત પુરોહિતે શહેરી જીવનશૈલીને ધ્યાનમાં રાખીને લખેલી પંક્તિઓ કોરોનાકાળમાં કટાક્ષિકા જેવી લાગે છે...

આંગણું ઘરમાં પ્રવેશી ના શકે

ઉંબરે ચોકી મૂકી છે આકરી

ગોખ ભૂલ્યા દીપ ભુલાયા પછી

બલ્બ માટે ત્યાં જગ્યા ના આંતરી

છેલ્લાં થોડાં વર્ષમાં લોકો પરંપરા તરફ પાછા વળતા દેખાય છે. ઇમારતોના બાંધકામમાં હવા-પ્રકાશની કુદરતી અવરજવર પર ભાર મુકાય છે. કેમિકલ, સિવિલ, આઇટી એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતો ભણેલો-ગણેલો યુવાવર્ગ ઊંચા પગારની નોકરી છોડી ઑર્ગેનિક ખેતી તરફ વળી રહ્યો છે. મની સાથેનું સંધાન જાણ્યા પછી માટી સાથેનું અનુસંધાન તેમને વિશેષ સમજાઈ રહ્યું છે. હેમંત ગોહિલ ‘મર્મર’ કહે છે એમ, સમજણ જ્યારે પરંપરા તરફ મનને વાળે ત્યારે એની મહત્તા વધી જાય...

ક્યાંક ચમકારાય મોતી શા જરા થાતાં

ક્યાંક અજવાળાં અચાનક ત્યાં પરોવાતાં

ક્યાંક ઝીણી જ્યોત ભીતર થાય પરગટ તો

તુર્ત પડછાયાય સઘળા થાય છે રાતા

ક્યા બાત હૈ

ગરબો

આભલે જોઉં ત્યાં તો દિસે મોરી માત

લઈ ચાંદાનો ગરબો કરે રાત રળિયાત

 

સૂરજનો દીવડો લઈ અવનિ અજવાળતી

રુદિયાને ગોખ વસી અંધારાં બાળતી

ઝળહળ તારા, તો તારાં પગલાંની ભાત

 

અસુરો સંહારતી, તું વ્હાલનુંયે વાદળ

તુજ ચરણો પખાળવા, વહી જાતું કાજળ

નયનો ઉઘાડ માડી, કરી દે પરભાત

 

તું સર્જન સરવાણી, તું તો શક્તિ અમાપ

તું વસતી કણકણમાં, ત્રિલોકમાં તુજ વ્યાપ

તારા પાલવની ઓથ, મારા મનની મિરાત

- ખેવના દેસાઈ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK