Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કોરોનાને કારણે વિવિધ સ્થળો, કાર્યક્રમો અને કામગીરીઓ બંધ

કોરોનાને કારણે વિવિધ સ્થળો, કાર્યક્રમો અને કામગીરીઓ બંધ

19 March, 2020 11:48 AM IST | Mumbai Desk

કોરોનાને કારણે વિવિધ સ્થળો, કાર્યક્રમો અને કામગીરીઓ બંધ

કોરોનાને કારણે વિવિધ સ્થળો, કાર્યક્રમો અને કામગીરીઓ બંધ


મીરા રોડમાં હાઇવે નજીકના ડેલ્ટા ગાર્ડન સોસાયટીના રહેવાસીઓએ પોતાના આંગણે આવા સેન્ટર સામે વિરોધ દર્શાવ્યો હતો

કોરોનાના દરદીઓને એકાંત સ્થળે રાખવા માટે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાએ હાઇવે નજીકના ડેલ્ટા ગાર્ડન સોસાયટી નજીકની મ્હાડાની ઇમારતમાં આઇસોલેશન સેન્ટર બનાવવાની યોજના બનાવી હતી. જોકે અહીં મુંબઈ, થાણે સહિત રાજ્યભરના કોરોનાના દરદીઓ આવશે તો પોતાના જીવ જોખમમાં મુકાવાના ડરથી સ્થાનિક રહેવાસીઓએ પાલિકાની આ યોજનાનો જબરદસ્ત વિરોધ નોંધાવ્યો હતો. આથી પાલિકાને આ સ્થળ રદ કરવું પડ્યું હતું.



ઝડપથી પ્રસરી રહેલા કોરોના વાઇરસના દરદીઓને એકાંત સ્થળે રાખવા માટે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાએ વિવિધ સ્થળોએ સુવિધા ઊભી કરી છે. જોકે ડેલ્ટા ગાર્ડનના રહેવાસીઓ અને સ્થાનિક નગરસેવક અને પ્રભાગ સમિતિના સભ્યોએ આનો વિરોધ નોંધાવીને મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર ચંદ્રકાંત ડાંગેની મુલાકાત લીધી હતી. તેમણે તેમની સ્થિતિની જાણ કરી હતી. આથી કમિશનરે રહેણાક વિસ્તારના આઇસોલેશન સેન્ટર રદ કરવાનો નિર્ણય લીધો હતો.


સ્થાનિક નગરસેવિકા વીણા ભોઈરે આ વિશે કહ્યું હતું કે ‘કોરોના વાઇરસના શંકાસ્પદ દરદીઓને રાખવા માટે પાલિકા દ્વારા જ્યાં ગીચ વસ્તી છે ત્યાં આઇસોલેશન સેન્ટર બનાવાય તો સ્થાનિક રહેવાસીઓના જીવ જોખમમાં મુકાવાની શક્યતા હતી. આથી અમે આવા સેન્ટર જ્યાં ઓછી ગિરદી હોય અને શક્ય હોય તો હૉસ્પિટલમાં જ આવી વ્યવસ્થા ઊભી કરવાની વિનંતી પાલિકાના કમિશનર ચંદ્રકાંત ડાંગેને કરતાં તેમણે મામલાની ગંભીરતાને જોઈને મ્હાડાના બિ‌લ્ડિંગમાં આઇસોલેશન સેન્ટર શરૂ કરવાનું કામ બંધ કરાવ્યું છે.’

જુહુનું ગોવર્ધનનાથજી મંદિર બંધ


કોરોના વાઇરસનો કૅર સમગ્ર મુંબઈમાં જોવા મળી રહ્યો છે ત્યારે અગમચેતીનાં પગલાં રૂપે જુહુ રોડ સ્થિત આવેલું ગોવર્ધનનાથજીનું મંદિર થોડા દિવસો માટે બંધ કરવામાં આવ્યું છે. શ્રી વલ્લભનિધિ ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે કે મંદિર શરૂ થવાની તારીખ ટૂંક સમયમાં તેઓ જણાવશે. જે વૈષ્ણવોએ સેવા નોંધાવેલી છે તે યથાવત્ રહેશે. પરિસ્થિતિને અનુલક્ષીને ભીતરમાં સેવા શ્રૃંગારનો ક્રમ થશે.

બનાસકાંઠા રૂખી સમાજનો સમૂહલગ્ન મહોત્સવ રદ

બનાસકાંઠા વાલ્મીકિ સમાજ દ્વારા વરલીમાં રહેતા સૌરાષ્ટ્ર સમાજ, ચરોતર રૂખી સમાજ, દોતર સમાજ, દડિયાદ સમાજ સાથે મળીને વરલીના જાંબુડી મેદાનમાં આજે સમૂહલગ્નનું આયોજન કર્યું હતું, પરંતુ કોરોના વાઇરસની પરિસ્થિતિને કારણે આ કાર્યક્રમ હાલપૂરતો રદ કરવામાં આવ્યો છે.

કોરોના વાઇરસ ફેલાવાના ડરને લીધે મુંબઈ, પુણે બાદ પાલઘર જિલ્લામાં પણ ગઈ કાલ રાતથી ‌જીવનજરૂરિયાતની વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રાખવાનો આદેશ જિલ્લા કલેક્ટર ડૉ. કૈલાશ શિંદે જારી કર્યો હતો.

પાલઘર જિલ્લામાં કોરોના વાઇરસના મંડરાઈ રહેલા ખતરાને ટાળવા માટે લોકો ગિરદીવાળા સ્થળોએ એકઠા ન થાય એ માટે કલેક્ટર ડૉ. કૈલાશ શિંદેએ શાકભાજી, દૂધ, દવાઓ સહિતની જીવનજરૂરિયાતની વસ્તુઓની દુકાનો સિવાયની તમામ દુકાનો અને મૉલ તથા હોટેલોને ૩૧ માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો હતો.

જિલ્લાનાં તમામ પોલીસ સ્ટેશન, નગરપાલિકા, મહાનગરપાલિકા અને તમામ સરકારી વિભાગોને આ આદેશની અમલબજાવણી કરવા માટેની સૂચના કલેક્ટરે આપી દીધી છે. આદેશ બાદ પણ કોઈ દુકાનો, હોટેલ કે મૉલ ખુલ્લા રહેશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવાની સૂચના પણ સંબંધિતોને આપવામાં આવી છે.

કલેક્ટરે બિયર બાર, વાઇન શૉપ, બિયર શૉપ, દેશી દારૂની દુકાનો બંધ રાખવાનું આદેશમાં લખ્યું છે, પરંતુ સાદી હોટેલોને આમાંથી બાકાત રખાઈ છે. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં મંગળવારે હોટેલો, પબ, ડિસ્કોથેક વગેરે બંધ રાખવાના આદેશ જારી કરાયા હતા, પરંતુ વાઇન શૉપ અને ખાણી પીણીની હોટેલોને આમાંથી બાકાત રખાઈ હતી.

Whatsapp-channel Whatsapp-channel

19 March, 2020 11:48 AM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK