સોમવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા નોંધાયેલી ફરિયાદને પગલે ગોરેગાંવ પોલીસે તેમના પર હુમલો કરનાર ડ્રગ્સ પેડલરના ટોળા વિરુદ્ધ કેસ નોંધ્યો હતો અને એજન્સીના કેટલાક અધિકારીઓ પર હુમલો કરવા બદલ ત્રણ શખ્સની ધરપકડ કરી હતી. જોકે, આરોપીના પરિવારજનોનો દાવો છે કે, NCBના અધિકારીઓએ ત્રણેય પર હુમલો કર્યો હતો અને તેમની સામે બનાવટી કેસ કર્યો હતો.
આરોપીઓમાં 25 વર્ષીય વિપુલ અગ્રે, યુસુફ શેખ અને અમિન શેખનો સમાવેશ છે. વિપુલ મર્ચન્ટ નેવીમાં નોકરી કરે છે. જ્યારે યુસુફ આર્કિટેક્ટ છે અને તેના પિતા દરજીકામ કરે છે.
NCBના અધિક્ષક વિશ્વવિજયસિંહે નોંધાવેલી એફઆઈઆર મુજબ, 22 નવેમ્બરના રોજ અમે ગોરેગાંવના જવાહર હોલ પાસે એક છટકું નાખ્યું હતું અને ડ્રગના એક વેપારીને પકડવાની રાહ જોઈ રહ્યાં હતા. બીજો આરોપી કેરી મેન્ડિઝ અમારી કસ્ટડીમાં હતો અને તે મારી ટીમના કેટલાક સભ્યો સાથે કારમાં બેઠો હતો. અચાનક એક વ્યક્તિ કારની નજીક આવી અને અમને પૂછ્યું કે અમે કારની અંદર બેઠેલા શખ્સને કેમ પકડ્યો છે અને તેને ક્યાં લઈ જવામાં આવી રહ્યો છે. મેં તેમને મારું ઓળખ પત્ર બતાવ્યું અને કહ્યું કે અમે કોઈ કેસની તપાસ કરી રહ્યા છીએ. પછી તેઓએ ટીમ સાથે દલીલ શરૂ કરી. ત્યારબાદ તેમાંથી એકે મારા પર પાછળથી હુમલો કર્યો અને બીજાએ મને કોલરથી પકડ્યો.
NCBએ પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, NCB મુંબઈની ટીમ પર ત્રણ શખ્સે અટેક કર્યો હતો. તેમણે ટીમના સભ્યોને અપશબ્દો કહ્યાં હતા અને તેમની સાથે લડવાની પણ શરૂઆત કરી હતી. તેઓએ અધિકારીઓના વાહન અને હથકડીને પણ નુકસાન પહોંચાડ્યું હતું. તેમના પ્રયાસો આરોપીઓને મુક્ત કરવાના હતા. તેઓએ એક ટોળું એકત્રિત કર્યું, જેણે એનસીબી ટીમને ઘેરી લીધી હતી. જોકે, અધિકારીઓએ અનુકરણીય હિંમત બતાવી અને આ લોકોના પ્રયત્નોને નિષ્ફળ કર્યા હતા. આ ઘટનામાં બે એનસીબી અધિકારીઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઘટના સ્થળે ગોરેગાંવ પોલીસને બોલાવવામાં આવી હતી. ત્રણેય સામે ગોરેગાંવ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 353, 323, 504 અને 34 હેઠળ એફઆઈઆર નોંધાઈ છે.
જો કે, આરોપીના વકીલ અમરદીપ ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે, એનસીબીએ બનાવટી વાર્તા બનાવી છે. મારા ક્લાઈન્ટે જોયું કે સાદા કપડામાં કેટલાક લોકો એક વ્યક્તિને જબરજસ્તી કારમાં બેસાડતા હતા. વાહન પણ પોલીસ વાન જેવું લાગતું ન હતું. સતર્ક નાગરિકની જેમ જ તેઓએ તેઓને પૂછ્યું કે તે વ્યક્તિને ક્યાં લઈ જઈ રહ્યા છે. જ્યારે મારા ગ્રાહકોએ તેમને તેમના ઓળખકાર્ડ બતાવવા કહ્યું ત્યારે એનસીબીના અધિકારીઓ ગુસ્સે થયા અને તેમને માર મારવાનું શરૂ કર્યું હતું. એનસીબીએ તેની શક્તિનો દુરૂપયોગ કરીને મારા ક્લાઈન્ટને બદનામ કર્યા છે. ભટ્ટાચાર્યએ વધુમાં કહ્યું હતું કે, જો આવું હશે તો અમે એનસીબી અધિકારીઓ સામે હાઈકોર્ટમાં દાવો કરીશું.
મિડ-ડે સાથે વાતચીત કરતા વિપુલ અગ્રેના પિતા ક્રિષ્નાએ કહ્યું હતું કે, મારો પુત્ર નિર્દોષ છે. તેની સામે એનસીબીએ બનાવટી કેસ દાખલ કર્યો છે. દરમિયાન યુસુફ શેખના ભાઈ જુનૈદે જણાવ્યું હતું કે, તે દિવસે મને એક મિત્રનો ફોન આવ્યો કે યુસુફને કોઈ મારે છે. જ્યારે હું ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે મેં જોયું કે ચારથી પાંચ લોકો તેના પર હુમલો કરી રહ્યા છે. જ્યારે મેં તેમાંથી એકને પૂછયું કે આ બાબત શું છે, ત્યારે તેણે મારી તરફ રિવોલ્વર તાકી હતી.
જ્યારે પૂછવામાં આવ્યું કે શું આરોપી કેરી મેન્ડિઝનો ત્રણેય સાથે કોઈ સંબંધ છે, તો એનસીબીના અધિક્ષક સિંહે કહ્યું, અમને ખબર નથી કે તેમની કોઈ લિંક્સ છે કે નહીં. આ મામલાની તપાસ કરવી પડશે. મુંબઈ પોલીસ પ્રવક્તા એસ ચૈતન્યએ જણાવ્યું હતું કે, એનસીબી તરફથી મળેલી ફરિયાદના આધારે અમે એફઆઈઆર નોંધી ત્રણ લોકોની ધરપકડ કરી હતી.
મહારાષ્ટ્રમાં પણ કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન,નાસિકથી મુંબઇ વળ્યા ખેડૂતો
24th January, 2021 15:23 ISTમુંબઇના બધાં થાણામાં અર્ણબ ગોસ્વામી પર દેશદ્રોહનો કેસ કરાવશે કૉંગ્રેસ
24th January, 2021 14:06 ISTરાઉતે મહારાષ્ટ્રમાં BJPના ઉત્થાનમાં 'બાળા સાહેબ'ને આપી ક્રેડિટ,કહ્યું આ
24th January, 2021 13:20 ISTમહારાષ્ટ્ર સચિવાલયની સુરક્ષામાં ચૂક, ઠાકરેની સહીની ફાઇલ સાથે થઈ છેડછાડ
24th January, 2021 13:03 IST