ડ્રગ્સ કેસ: કોમેડિયન ભારતી સિંહના ઘરે NCBના દરોડા, પૂછપરછ માટે અટકાયત

Updated: 21st November, 2020 15:09 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

અંધેરી સ્થિત ઘરમાંથી મળ્યું ડ્રગ્સ, ભારતી સિંહ અને પતિ હર્ષ લિંબાચિયાને મોકલાયા સમન્સ

ભારતી સિંહ પતિ હર્ષ લિંબાચિયા સાથે (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)
ભારતી સિંહ પતિ હર્ષ લિંબાચિયા સાથે (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની આત્મહત્યાના કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) બૉલીવુડ અને ટેલીવુડ સેલેબ્ઝના ઘરે ડ્રગ્સ મામલે સતત દરોડા પાડી રહી છે. હવે ડ્રગ્સ કેસના કનેક્શનમાં NCBએ કોમેડિયન ભારતી સિંહ (Bharti Singh) અને તેના પતિ હર્ષ લિંબાચિયા (Harsh Limbachiyaa)ના ઘરે દરોડા પાડયા છે. મળતી માહિતી પ્રમાણે, ભારતી સિંહનાં ઘરેથી થોડી માત્રામાં ડ્રગ્સ મળી આવ્યું છે. હજુ સુધી તે ડ્રગ્સની માત્રા માલૂમ નથી. અત્યારે આ લખાઈ રહ્યું છે ત્યારે ભારતી સિંહના ઘરમાંથી નોંધપાત્ર માત્રામાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હોવાથી NCBએ પતિ-પત્ની બંનેની વધુ પૂછપરછ માટે અટકાયત કરી છે.

ન્યૂઝ એજન્સી ANIના સમાચાર પ્રમાણે, NCBએ શનિવારે સવારે અંધેરી, લોખંડવાલા અને વર્સોવાનાં ત્રણ અલગ અલગ સ્થળોએ દરોડા પાડ્યા છે. ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા આ દંપતી પર ડ્રગ્સનું સેવન કરવાનો આરોપ છે. અત્યારે આ લખાઈ રહ્યું છે ત્યારે, દરોડાની કાર્યવાહી ચાલુ છે. આ માહિતીની પુષ્ટિ NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ કરી છે, જેમના માર્ગદર્શન હેઠળ જ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જાણકારી મુજબ, NCBની ટીમે શનિવારે ભારતી સિંહનાં અંધેરી સ્થિત ઘરમાં છાપો માર્યો છે અને ડ્રગ્સ મેળવ્યું છે. જે સમયે NCBની ટીમે કાર્યવાહીને અંજામ આપ્યો તે સમયે ભારતી સિંહ અને પતિ હર્ષ ઘરમાં જ હાજર હતાં. અત્યાર સુધીની માહિતી અનુસાર, NCBની ટીમને ભારતીનાં ઘરેથી થોડી માત્રામાં ડ્રગ્સ પણ મળી આવ્યું છે. ભારતી સિંહનાં ઘરેથી ડ્રગ્સ મળ્યાં બાદ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ભારતી અને હર્ષને પૂછપરછ માટે સમન્સ બજાવ્યાં છે હવે જોવાનું રહેશે કે ભારતી અને હર્ષ ક્યારે NCBની ઓફિસમાં હાજર થાય છે.

ભારતી સિંહના ઘરેથી વધુ શંકાસ્પદ સામાન મળ્યો છે કે કેમ અને અન્ય કયાં સ્થળોએ NCBની રેડ પડી છે એ વિશે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પછી બૉલીવુડ અને ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં છાનેખૂણે ચાલતા ડ્રગ્સના સેવનના અંકોડા મેળવવા માટે NCB સતત સેલિબ્રિટીઓનાં ઘરે દરોડા પાડી રહી છે.

ભારતી સિંહે 'ધ કપિલ શર્મા શૉ', 'કોમેડી સર્કસ', 'ઝલક દિખલા જા', 'નચ બલિયે' જેવા શૉમાં એક્ટિંગ પ્લસ એન્કરિંગ કર્યું છે. ભારતી સિંહે 3 ડિસેમ્બર, 2017ના રોજ ટેલિવિઝન રાઇટર હર્ષ લિંબાચિયા સાથે લગ્ન કર્યા હતા અને આ દંપતી અત્યારે સોની ટીવી પર 'ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર' નામનો શૉ હોસ્ટ કરી રહ્યું છે.

First Published: 21st November, 2020 12:38 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK