Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > અચેતન મનમાં ડૂબકી મારવાથી ગાયબ થઈ શકે છે ઑટો ઇમ્યુન ડિસીઝ

અચેતન મનમાં ડૂબકી મારવાથી ગાયબ થઈ શકે છે ઑટો ઇમ્યુન ડિસીઝ

03 January, 2020 06:51 PM IST | Mumbai Desk
sejal patel | sejal@mid-day.com

અચેતન મનમાં ડૂબકી મારવાથી ગાયબ થઈ શકે છે ઑટો ઇમ્યુન ડિસીઝ

અચેતન મનમાં ડૂબકી મારવાથી ગાયબ થઈ શકે છે ઑટો ઇમ્યુન ડિસીઝ


શરીરની રોગપ્રતિકારક શક્તિ જ જ્યારે અંદરોઅંદર ખાનાખરાબી કરવા લાગે ત્યારે જે રોગો થાય છે એને તમે હિપ્નોથેરપીની મદદથી ઠીક કરી શકો છો. હાઇપોથાઇરૉઇડ, અસ્થમા, ઇરિટેબલ બૉવેલ સિન્ડ્રૉમ કે સોરાયસિસ જેવાં અસંખ્ય રોગો છે જેનું મૂળ હકીકતે રોગપ્રતિકારકતા બેકાબૂ થઈ ગઈ હોવાનું દર્શાવે છે. આવતીકાલે વર્લ્ડ હિપ્નોટિઝમ ડે છે ત્યારે જાણીએ કે સંમોહનશાસ્ત્રની મદદથી સબકૉન્શ્યસ માઇન્ડમાં જઈને તમારી રોગપ્રતિકારક ક્ષમતાની સાન કઈ રીતે ઠેકાણે લાવી શકાય છે

જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી.
આ અનુભવ એટલી ઊંડી બાબત છે જેની તાકાતનો આપણને હજી અંદાજ પણ નથી. અનુભવોથી આપણું હાલનું અસ્તિત્વ ઘડાયું છે. એમાં માત્ર ગઈ કાલના, ગયા મહિનાના કે ગયા વર્ષના જ નહીં, ગયા જન્મોના અનુભવો પણ ભાગ ભજવે છે. આપણા શારીરિક બાંધા, માનસિક વિચારો, આધ્યાત્મિક વલણો કે લાગણીઓની અનુભૂતિ બધું જ એ અનુભવોને લક્ષ્યમાં રાખીને જ ઘડાયેલું છે. મેડિકલ સાયન્સમાં એને પૂર્વજન્મની રીતે નહીં, પરંતુ મેમરીના દૃષ્ટિકોણથી જોવામાં આવે છે. આ મેમરી આપણા સબકૉન્શ્યસ માઇન્ડમાં સંઘરાયેલી છે અને આપણને ખબર પણ ન હોય એ રીતે આપણી વર્તણૂકનું સંચાલન કરે છે. અચેતન મનમાં જૂની મેમરી તો ભરેલી પડી જ છે, પરંતુ એની પર નવા અનુભવોનો ઢોળ પણ ચડે છે.
અત્યંત પ્રાચીન એવા સંમોહનશાસ્ત્રની મદદથી આપણે અચેતન મનની માહિતીને જરૂર પડે ત્યારે કાઢી શકીએ છીએ અને એમાં જો કોઈ ગરબડ થયેલી હોય તો એને સુધારીને પાછી ત્યાં જ મૂકી દેવામાં આવે છે. મૉડર્ન મેડિસિનમાં ક્લિનિકલ હિપ્નોથેરપીનો આ બહુ જ મહત્ત્વનો હિસ્સો બની ગયો છે જેને કારણે અનેક ઑટો ઇમ્યુન રોગોને પણ કાબૂમાં લેવાનું સંભવ બની શક્યું છે. મલ્ટિપ્લ સ્ક્લૅરોસિસ જેવા અતિપીડાદાયક અને અસાધ્ય ગણાતા ઑટો ઇમ્યુન ડિસીઝમાં પણ હિપ્નોથેરપીએ ચમત્કાર કર્યો હોવાનું મેડિકલ જર્નલોમાં નોંધાયું છે. શું આવું સંભવ છે? અને જો હા તો કઈ રીતે એ આજે સમજવાની કોશિશ કરીએ.
શરીર મનના વશમાં છે
તમે ઇચ્છો કે ન ઇચ્છો, આપણું શરીર મન દ્વારા કન્ટ્રોલ થઈ રહ્યું છે. તમે કંઈ પણ કરો છો એની પાછળ એક વિચાર કારણભૂત હોય છે. ઑટો ઇમ્યુન ડિસીઝ માટે પણ આ વિચાર જ જવાબદાર હોય છે. ૧૬ વર્ષનો અનુભવ ધરાવતા હિપ્નોથેરપિસ્ટ અને ઇકા ઇન્ટિગ્રેટેડ હિપ્નોથેરપી ફાઉન્ડેશનના પ્રોફેસર ડૉ. રાહુલ દત્તા સમજાવે છે કે, ‘દરેક ચીજની પાછળ એક વિચાર હોય છે. તમે કૉન્શ્યસલી જે કરો છો એ દરેક વસ્તુ સબકૉન્શ્યસ માઇન્ડના કોઈ વિચારથી પ્રભાવિત હોય છે. તમારું શરીર જ્યારે જે થવું જોઈએ એ મુજબ ન કરતું હોય ત્યારે નક્કી તમારા અચેતન મનમાં કંઈક એવું થઈ રહ્યું છે જેનો સ્વીકાર નથી થઈ રહ્યો. અચેતન મનમાં કંઈક એવી નકારાત્મક લાગણીઓ, વિચાર પનપી રહ્યા છે જે તમારા જ બૉડીને હાનિ કરવા માટે પ્રેરી રહ્યા છે. મોટા ભાગે આ લાગણી ગિલ્ટ, કંઈક ખોટું કર્યાનો અત્યંત ઊંડો વસવસો, જાત પરનો ગુસ્સો હોય છે. જ્યારે ભૂતકાળની કોઈક ઘટનાઓ માટે વ્યક્તિના અચેતન મનમાં જાત પર એટલો ગુસ્સો, ઘૃણા, ગુનાહિત લાગણી હોય ત્યારે સ્વાભાવિક પણે તે અસહજ મહેસૂસ કરે છે. જેણે ગુનો કર્યો હોય એને પનીશમેન્ટ તો થવી જ જોઈએ એ વાત માત્ર આપણી સિવિલ કોર્ટમાં જ હોય છે એવું નથી. આપણું મન પણ એવું જ માને છે. ગુનો કરનારને પનીશમેન્ટ મળવી જ જોઈએ અને એટલે અચેતન મન સતત પનીશમેન્ટ ફીલ કરે છે. જ્યારે મન જ તેને પનીશ કરતું થઈ જાય અને એ વધુ દૃઢ થયા જ કરે તો બૉડી પણ બૉડીની વિરુદ્ધમાં જઈને પનીશમેન્ટ આપવા પર આવી જાય છે. યાદ રહે, આવા સ્પષ્ટ વિચાર કોઈને સભાનતાપૂર્વક નથી આવ્યા હોતા, પણ અજાગ્રત મનમાં આ કલાકારી થતી રહેતી હોય છે જે બૉડીમાં રોગરૂપે દેખાતી હોય છે.’
રોગોનું મૂળ અચેતન મન
જે રોગોના ઉદ્ભવનું ફિઝિકલ કારણ સમજાતું નથી એ તમામને ઑટો ઇમ્યુન ડિસીઝ કૅટેગરીમાં મૂકવામાં આવ્યા છે. એનો મતલબ એ કે આ રોગો કેમ થયા છે એ સમજાતું નથી અને એટલે એનો જડમૂળથી કોઈ ઇલાજ નથી થતો. હિપ્નોથેરપી આ મૂળને સમજવામાં મદદ કરી શકે છે અને એટલે જ આવા રોગોમાં અક્સીર પુરવાર થઈ શકે છે એમ સમજાવતાં ડૉ. રાહુલ કહે છે, ‘બૉડીમાં અમુક-તમુક લક્ષણો સાથે મૅનિફેસ્ટ થતા રોગ પાછળ દરેક દરદીનું કારણ અલગ હોય છે એટલે એનું મૂળ કઈ ઘટના, કયા સમય, કઈ માન્યતામાં છુપાયેલું છે એ સમજવું બહુ અનિવાર્ય થઈ જાય છે. આગળ કહ્યું એમ સેલ્ફ-પનીશમેન્ટનો વિચાર અત્યાર સુધીમાં સૌથી કૉમન રહ્યો છે. એમ છતાં એક થેરપિસ્ટ તરીકે એવું ધારી લઈ શકાય નહીં. ઘણી વાર પૅસિવ અગ્રેસિવ બિહેવિયર અને પાસ્ટ લાઇફનું ઊંડું અને જટિલ કન્ડિશનિંગ પણ કારણભૂત હોઈ શકે છે. અલબત્ત, એ સમજવા માટે પણ એક ટ્રાન્સ-ટેસ્ટની જરૂર પડે. જેમ દરદીને તાવ ઉતરતો ન હોય તો એનું મૂળ સમજવા બ્લડ-ટેસ્ટ કરવી પડે એવું જ કંઈક. એ ટેસ્ટમાં મલેરિયા આવે તો એની દવા અને ટાઇફોડ આવે તો એની દવા કરવાની હોય. રોગનું મૂળ સમજવા માટે હિપ્નોથેરપીમાં દરદીને ટ્રાન્સમાં લઈ જવામાં આવે છે. આ એવી અવસ્થા છે જેમાં વ્યક્તિ પોતાના જ અર્ધજાગ્રત મનમાં ડૂબકી લગાવે છે અને થેરપિસ્ટ એને કઈ દિશામાં ગોતાખોરી કરવી એની ગાઇડલાઇન્સ આપે છે.’
અવેરનેસ અડધું કામ કરી દે
હિપ્નોથેરપીમાં સૌથી મહત્ત્વની બાબત છે સબકૉન્શ્યસ માઇન્ડની ગેમ સમજવી. એક વાર એ સમજાઈ જાય એટલે રોગના મૂળની ચોટલી હાથમાં આવી જાય. મૂળ કારણ શોધવાનું મહત્ત્વ સમજાવતાં ડૉ. રાહુલ કહે છે, ‘તમને આવું કેમ થઈ રહ્યું છે એ કૉન્શ્યસ માઇન્ડમાં આવી જાય એટલા માત્રથી અડધું કામ પતી જાય છે. ટ્રાન્સ-સ્ટેટ દરમ્યાન વ્યક્તિ જે શૅર કરે છે એ પરથી ખબર પડે છે કે તેને કઈ થેરપી કામ લાગશે. ઘણી વાર પોતે જે કર્યું, પોતાનાથી જે થયું, પોતે જે નિર્ણયો લીધા, કોઈકને ગુસ્સામાં લાફો મારી દીધો કે એવી કોઈ પણ વર્તણૂક માટે તે જાતનો સ્વીકાર નથી કરી શકતો. તેની અંદર પોતાના જ વિશે પારાવાર ફરિયાદો અને અશાંતિ હોય છે. ભૂતકાળ સાથે સ્વસ્થતા આવે એ માટે અનહીલ્ડ ઇનરચાઇલ્ડ તરીકે ઓળખાતી થેરપી કરવામાં આવે. એમાં બેસિકલી વ્યક્તિને ટ્રાન્સ અવસ્થા દરમ્યાન જે-તે ઘટના કે ઘટનાઓ તરફ લઈ જવામાં આવે અને એ વખતે સેલ્ફ-ફરગિવનેસ તરફનો મોડ આપવો પડે. જેવું તે પોતાને માફ કરવા લાગે એટલે બે-ત્રણ મહિનામાં એની અસર શારીરિક લક્ષણો પર પણ દેખાવા લાગે. કેટલાક કિસ્સામાં પૅસિવ અગ્રેસિવ બિહેવિયરને શાંત કરવાની થેરપી આપવી પડે છે તો ક્યારેક મૂળિયાં પૂર્વજન્મ સાથે સંકળાયેલા હોય તો પાસ્ટ લાઇફ થેરપી પણ આપવી પડે. હા, એક વાર મૂળ સુધી પહોંચી જઈએ એ પછી એની ચોક્કસ પૉઝિટિવ અસર શારીરિક લક્ષણોમાં આવે છે.’



હિપ્નોસિસ પેઇનકિલરનું કામ પણ કરે
શરીરમાં ક્યાંય પણ અસહ્ય પીડા થાય ત્યારે પેઇનકિલર તરીકે દવાઓ અપાતી હોય છે. હિપ્નોસિસથી આ પેઇનકિલરની જરૂરિયાત પણ ઘટી શકે છે. પીડામાં કઈ રીતે એ કામ લાગે છે એ વિશે બોરીવલીમાં બાર વર્ષથી પ્રૅક્ટિસ કરતા હિપ્નોથેરપિસ્ટ ડૉ. નીતિન શાહ સમજાવે છે કે, ‘પીડા બે પ્રકારની હોય. એક તો જ્યારે સર્જરીને કારણે બહારથી કાપો કે ઘા કરવામાં આવ્યા હોય. એવા સમયે બૉડીને નમ્બ કરી દેતો ઍનેસ્થેસિયા અપાય છે. આ જ કામ હિપ્નોસિસથી પણ સંભવ છે જેને હિપ્નોઍનેસ્થેસિયા કહેવાય છે. બીજા પ્રકારની પીડા હોય છે મસલ્સ અથવા તો કોઈક પ્રકારના સ્ટ્રેસને કારણે પેદા થતી પીડા. માથું દુખવું, જૉઇન્ટ્સ પેઇન, બૅકપેઇન એ બધું જ કોઈક પ્રકારના સ્ટ્રેસમાંથી પેદા થાય છે. એ માટે હિપ્નોટિક સજેશન્સ દ્વારા સ્ટ્રેસને હળવો કરવામાં આવે છે. ટ્રાન્સ અવસ્થામાં રિલેક્સેશનના સેલ્ફ-સજેશન્સથી શરીર પણ રિલૅક્સ થાય છે અને પેઇન રિલીફ થઈ શકે છે. ઘણી વાર એવું બને છે કે ફિઝિકલ સ્ટ્રેસને કારણે નહીં, પણ માનસિક કારણોસર પીડા થતી હોય છે. જરાક સમજાવવા માટે એક ઉદાહરણ આપું. મોટા ભાગે સિનિયર સિટિઝન્સ અને એકલવાયા લોકોને અમુત-તમુક ભાગમાં બહુ પીડા થાય. દવાઓ કે હિપ્નોટિક સજેશન્સ પણ કામ ન આપે, પણ જો તમે તેમની સાથે પ્રેમથી અડધો-પોણો કલાક વાતો કરો અને અટેન્શન આપો તો તેની પીડા ઘટી ગયેલી હોય. મતલબ કે તેમને કંઈક અટેન્શન જોઈએ છે, કોઈકનો સાથ જોઈએ છે અને એટલે તેમનું શરીર પીડારૂપે એ જરૂરિયાત રજૂ કરે છે. મોટા ભાગે તેઓ પોતાની આ જરૂરિયાત વિશે સભાન પણ નથી હોતા. આવા સમયે અર્ધજાગ્રત મનમાં રહેલા સાઇકોલૉજિકલ કારણોની સભાનતા આવે તો એનાથી પણ પીડાનું પ્રમાણ ઘટે છે.’


વ્યક્તિને ટ્રાન્સ અવસ્થા દરમ્યાન જે-તે ઘટના કે ઘટનાઓ તરફ લઈ જવામાં આવે અને એ વખતે સેલ્ફ-ફરગિવનેસ તરફનો મોડ આપવો પડે. જેવું તે પોતાને માફ કરવા લાગે એટલે બે-ત્રણ મહિનામાં એની અસર શારીરિક લક્ષણો પર પણ દેખાવા લાગે - ડૉ. રાહુલ દત્તા


Whatsapp-channel Whatsapp-channel

03 January, 2020 06:51 PM IST | Mumbai Desk | sejal patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK