Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > નાટક એટલે ના અટક

નાટક એટલે ના અટક

19 November, 2020 09:11 PM IST | Mumbai
Latesh Shah

નાટક એટલે ના અટક

નાટક એટલે ના અટક

નાટક એટલે ના અટક


નાટક એટલે મનોરંજન, મનોમંથન, મનોમનન, મનોચિંતન અને મનોમંજન. જીવતું-જાગતું ધબકારા વગાડતા, હસતું-રમતું લાઇવ ધ્વનિત થતા તરંગોનું માધ્યમ. નાટકની સરખામણીમાં બીજું કોઈ મનોરંજનનું માધ્યમ આવી ન શકે. એટલે પ્રેક્ષકો, પ્રેક્ષાગૃહ તરફ ધસારો કરીને મૃતઃપાય થતી મીનિંગફુલ નાટ્યસર્જન પ્રવૃત્તિને બચાવો

હું મારી નાટ્યયાત્રા લખવા ફ્લૅશબૅક ૧૯૭૨-૭૩માં જાઉં એ પહેલાં, દિવાળી બાદ નૂતન વર્ષાભિનંદન, નવું વર્ષ શરૂ થાય છે એટલે રંગભૂમિ પર લુકબૅક કરવાની કે વિનોદમાં કહું તો સરવૈયું કાઢવાની જરૂર છે. આ વખતે કોરોનાએ મેથી મારી દીધી. આઠ મહિનાથી મોટા ભાગના કલાકારો અને ટેક્નિશ્યનો ઘરે બેસી રહ્યા. ટેક્નિશ્યનો અને નાના પ્રકારના કલાકારોને થોડી-બહુ મદદ મળતી રહી કિટ કે કૅશના ફૉર્મમાં. મુખ્ય ભૂમિકા ભજવતા કે અગત્યની ભૂમિકા ભજવતા કલાકારોનું શું? એ તો કોઈની પાસે મદદ માગી ન શકે. કૉલર ટાઇટ રાખીને ફરતા એ કલાકારો ચહેરા પર સ્માઇલ રાખીને ઘરવાળાઓને સમજાવતા રહ્યા. આ તો સારું થયું કે હમણાં-હમણાં ક્યાંક ટીવી-સિરિયલ શરૂ થઈ ગઈ અને ક્યાંક વેબ-સિરીઝ શરૂ થઈ ગઈ તો થોડા કલાકારો પૉઝિટિવ થઈને પણ થોડા સચવાઈ ગયા. એમાંય મુંબઈની ગુજરાતી રંગભૂમિને મહારાષ્ટ્ર રાજ્ય સરકારનો સપોર્ટ ન મળે. મરાઠી રંગભૂમિને તેઓ સપોર્ટ આપવા તૈયાર છે, પણ ગુજરાતી રંગભૂમિ પાસે કોઈ સંગઠન જ નથી કે રાજ્ય કે કેન્દ્ર સરકાર પાસે ધા નાખે. ગુજરાત ગવર્નમેન્ટ ગુજરાતમાં વસતા કલાકારોનું વિચારે છે, પણ મુંબઈના કલાકારો હજી સુધી એમાંથી બાકાત છે. કોરોનાનું સૌથી વધુ નુકસાન નાટકોએ ભોગવ્યું. ‍લાઇવ મીડિયમ હોવાથી નાટકો ઑનલાઇન કરવા ગયા તો ફાવટ જ ન આવી. હવે તો એમ લાગે છે કે પ્રેક્ષકોએ માઈબાપ થઈને ગુજરાતી રંગભૂમિને સાચવવી પડશે, નાટ્ય નિર્માતાઓને પ્રોત્સાહિત કરવા પડશે જેથી નાટકો ફરીથી તખ્તો ગજાવે. સંસ્થાઓને ફરીથી જીવંત કરો અને નાટકો જોવાની પ્રબળ ઇચ્છા પ્રગટ કરો. હમણાંથી રાજાધિરાજ પ્રેક્ષકો નાટકો જોવાની માગણી કરશે ત્યારે ૨૦૨૧ના જાન્યુઆરીમાં નાટકો નિર્માતાઓ પ્રસ્તુત કરી શકશે.
કરો નવા વર્ષની શરૂઆત નાટકો જોવાથી. કોઈ નાટક ક્યારેય જૂનું થતું નથી. નાટક એટલે ના અટક. નાટક એટલે મનોરંજન, મનોમંથન, મનોમનન, મનોચિંતન અને મનોમંજન. જીવતું-જાગતું ધબકારા વગાડતા, હસતું-રમતું લાઇવ ધ્વનિત થતા તરંગોનું માધ્યમ. નાટકની સરખામણીમાં બીજું કોઈ મનોરંજનનું માધ્યમ આવી ન શકે. એટલે પ્રેક્ષકો, પ્રેક્ષાગૃહ તરફ ધસારો કરીને મૃતઃપાય થતી મીનિંગફુલ નાટ્યસર્જન પ્રવૃત્તિને બચાવો અને જોકરવેડાથી રંગભૂમિને સર્કસ બનાવતી સ્ટૅન્ડઅપ કૉમેડિયનોના જોક્સના હોલસેલ ગોડાઉનમાંથી ગુજરાતી ભાષા અને ગુજરાતી રંગભૂમિને છોડાવો. કોરોના બાદ એવો કાળ આવશે કે હંસ જમેગા દાણા અને આટા અને કૌવા મોતી ખાએગા. રસિકજનો, છોડાવો રંગભૂમિને નાસમજોના સકંજામાંથી. રંગભૂમિને ફોલી ખાવા બેઠેલા અદૃશ્ય વાઇરસ જેવા, માત્ર પૈસા કમાવા જ નાટકો બનાવવા માગનારાઓના હાથમાંથી છોડાવો. એ ત્યારે જ શક્ય બનશે જ્યારે પ્રેક્ષકો અર્થહીન જોક્સ પીરસી ‍રહેલાઓના હાથમાંથી રંગભૂમિને છોડાવશે અને અર્થસભર નાટકો પીરસવા માગતા ખરા અર્થમાં કલા, સંસ્કૃતિ અને રંગભૂમિની પ્રગતિ ચાહતા કલાકારોનાં નાટકોને પ્રોત્સાહન આપશે અને સારાં નાટકો જોવા ધસારો કરશે. બાકી સ્ટ્રેસ અને ટેન્શનના માહોલમાં સ્ટૅન્ડ અપ કૉમેડિયનોની બોલબાલા છે. નાટકોને નામે ઉઠાંતરીઓ પીરસી યુએસએને નામે ઉલ્હાસનગરની આઇટમ પધરાવી આ વિદૂષકો ખિસ્સાં ભરવાનો આનંદ માણે છે. છેવટે પબ્લિક શોમાંથી પ્રેક્ષકો ઓછા થઈ ગયા છે. સંસ્થાના શોનું કોરોના કાળમાં શું થશે એ એક પ્રાણપ્રશ્ન છે. સંસ્થા વગર આજનાં નાટકો ટકવાં અઘરાં છે. દિવસે-દિવસે નિમ્ન સ્તરનાં નાટકોને લીધે સંસ્થામાંથી મેમ્બરો ઓછા થઈ રહ્યા છે. ગુજરાતી રંગભૂમિના મોટા ભાગના પ્રેક્ષકો એટલે હવે સિનિયર સિટિઝનો રહી ગયા છે. એમાંથી અમુકને કોરોનાએ ઓછા કર્યા છે અને અમુકને આ વામનો અને વિદૂષકોએ ઓછા કર્યા છે. મનોરંજનનાં નાટક સિવાય પુષ્કળ માધ્યમો છે. ફિલ્મ, ટીવી, મલ્ટિપ્લેક્સિસ, નેટફ્લિક્સ, હૉટ સ્ટાર, ઍમેઝૉન, સોની, મૅક્સ પ્લેયર, બાલાજી, ટિકટૉક, જોક્સ ચૅનલ્સ, જોકરોનો શંભુમેળો કુંભમેળાની જેમ છલકાય છે. મારા મિત્રો, નાટકોને આ સ્પર્ધામાંથી બાકાત રાખો. લાઇવ આર્ટની આમન્યા જાળવો નહીં તો આ વાઇબ્રન્ટ લાઇવ આર્ટ ગણાતાં નાટકો મિ. ઇન્ડિયા થઈ જશે. આવતી જનરેશન નાટકો જોવાથી બાકાત થઈ જશે. માત્ર મ્યુઝિયમમાં વર્ષો પહેલાં ભજવાયેલાં નાટકોના જંગ ખાધેલા સેટ દેખાશે. આ બધી વાતો પ્રેક્ષકોએ પણ વિચારવા જેવી છે. સમાજનું દર્પણ એટલે એક જમાનામાં નાટકો જ ગણાતાં. હવે તો દરેક માધ્યમ, કોઈ ને કોઈ પ્રકારે સમાજના હીન સ્તરનું દર્પણ જ છે. ‘ઇસ દુનિયા મેં અબ આઈનોં કી ઝરૂરત નહીં હૈ, હર આંખ મેં બસતા હૈ આઈના.’ ગુજરાતીમાં કહેવત છે, ‘આવ ભાઈ હરખા આપણે સૌ સરખા.’ પ્રેક્ષકો કરતાં કલાકારોને એક મુઠ્ઠી ઊંચેરા રાખજો તો તેઓ સમાજની સંસ્કૃતિને ઊંચકવામાં સફળ થશે. આ જ કોરોના કાળ દરમ્યાન ચૂપચાપ કપરો કાળ સહેતા કલાકારો તરફથી નવા વર્ષની શરૂઆતમાં મેં મારી વ્યથા રજૂ કરી. હવે થઈ શકે તો નાટકો જોવા પબ્લિક શોમાં આવજો. ડિસ્કાઉન્ટ લીધા વગર આવજો અને સારાં નાટકો જોવાની ડિમાન્ડ કરજો. જેવાં નાટકો લોકો જોવા જશે એવાં નાટકો વધુ અને વધુ સર્જાશે. જેવો રાજા એવી પ્રજા હોય. આજનો રાજા પ્રેક્ષક માઈબાપ છે અને બાપડો, બિચારો કલાકાર જીવ પ્રજા છે. બ્રૅન્ડેડ કપડાંના જમાનામાં પ્રેક્ષકો હજી રસ્તા પરથી ફેરીવાળાઓ પાસેથી કપડાં ખરીદે છે અને એ પણ બાર્ગેન કરીને. અરે ભાઈ, ઓછાં નાટકો જુઓ, પણ ક્વૉલિટીવાળાં નાટકો જુઓ. બને તો પબ્લિક શોમાં જુઓ જેથી ડિસ્કાઉન્ટેડ પર્ફોર્મન્સ જોવા ન પડે. પૈસાની બોલબાલામાં કલાકાર અને પ્રેક્ષક બન્ને ખોવાઈ ગયા છે. સંસ્કાર અને સંસ્કૃતિને ઑલ્ઝાઇમર્સ થઈ રહ્યો હોય એમ લાગે છે. સારા કલાકારો ફિલ્મ્સ, ટીવી, અને ડિજિટલ મીડિયા તરફ વળી ગયા છે અને તેમનું સ્કેડ્યુલ એટલુંબધું ટાઇટ થઈ ગયું છે કે તેમને નાટકો કરવાનો સમય જ નથી મળતો. બાકીનાં બધાં એન્ટરટેઇનમેન્ટ મીડિયા સામે ટકવા નાટકોએ ચડિયાતી રજૂઆત કરવી પડશે.
‘મુગલ એ આઝમ’ ફિલ્મ પરથી નાટક બન્યું. એને ભવ્ય રીતે ફિરોઝ અબ્બાસ ખાને પ્રસ્તુત કર્યું તો પ્રેક્ષકોએ ટિકિટો હજારો રૂપિયા આપીને ખરીદી. ગુજરાતી રંગભૂમિ પર એકાદને છોડીને બીજા કોઈનાં નાટકોના પબ્લિક શો હાઉસફુલ જતા નથી અને લોકો સોથી પાંચસો રૂપિયાની ટિકિટ ખરીદવા તૈયાર થતા નથી. આપણી રજૂઆત નબળી હોય છે. રિપીટ વિષયો, રિપીટ સેટ્સ, રિપીટ વસ્ત્રો, રિપીટ પબ્લિસિટી અને લોકોની આશા હોય કે આપણી સંસ્થામાં થોડા મહિનામાં આવશે ત્યારે નાટક જોઈશું, જે જમવા સાથે જોવા મળશે. વહેલા-મોડા જઈશું તો પણ જોવા મળશે. અને ઉપરથી વધુમાં વધુ ૫૦થી ૧૦૦ રૂપિયામાં નાટક આગલી હરોળમાં જોવા મળશે. હવે નાટકો શરૂઆતના પબ્લિક શોમાં જોવાની પ્રબળ ઇચ્છા પ્રેક્ષકોમાં રહી નથી. પ્રેક્ષકો, પ્રબળ ઇચ્છા સબળ નાટકો જોવાની કરશો તો ગુજરાતી રંગભૂમિ સચવાશે. ગુજરાતી પ્રેક્ષકો, નવી પેઢીને પણ યેનકેન પ્રકારેણ નાટકો જોવા લાવો. માણસને માણસ બનાવીને રાખે એવું એક જ માધ્યમ છે, નાટક. બાકી બધાં માધ્યમો માણસને મશીન બનાવવાની સ્પર્ધામાં ઊતર્યા છે. હૉરર, વાયલન્સ, સેક્સ અને સેન્સેશનથી ભરપૂર ડિજિટલ મીડિયા માણસની લાગણીઓ નિચોવી નાખશે. નાટકો જ માણસને માણસમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કરશે. લાગણીઓને અકબંધ રાખવાની ક્ષમતા ફક્ત નાટકોમાં છે. ભલે બીજાં બધાં માધ્યમો જેટલું વળતર ન હોય, પણ નાટકોની તોલે બીજાં કોઈ માધ્યમ આવી જ ન શકે. વિચારો અને નાટકો અને નાટ્યકલાકારોને પીઠબળ પૂરું પાડો, પ્રેક્ષકો. બાઅદબ બામુલાયજા હોશિયાર, નાટ્યકલાકારો કો સપોર્ટ કરને પ્રેક્ષકો કી સવારી પધાર રહી હૈ. 


Whatsapp-channel Whatsapp-channel

19 November, 2020 09:11 PM IST | Mumbai | Latesh Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK