લાઇફ કા ફન્ડા:મનની શંકા એક આગ

Published: 23rd November, 2020 14:49 IST | Heta Bhushan | Mumbai

એક રાજા હતો. રાજા પાસે વિશાળ સમ્રાજ્ય, અપાર ઐશ્વર્ય, પાર વિનાની સુખસાહ્યબી હતી છતાં તે મનથી ક્યારેય એકદમ ખુશ રહી શકતો નહીં.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

એક રાજા હતો. રાજા પાસે વિશાળ સમ્રાજ્ય, અપાર ઐશ્વર્ય, પાર વિનાની સુખસાહ્યબી હતી છતાં તે મનથી ક્યારેય એકદમ ખુશ રહી શકતો નહીં. તેના મનમાં સતત એક અકળામણ થતી રહેતી. કોઈ સાથી જ મારી સાથે દગો કરી મારું રાજ્ય છીનવી લેશે તો. આખી રાત તે ઊંઘી શકતો નહીં. એક પળ પણ આનંદ કે મનોરંજનને માણી શકતો નહીં. ચારેબાજુ તેને કાવતરાની ગંધ આવતી. મનમાં સતત વધતી જતી શંકાને લીધે રાજાને વિચાર આવ્યો કે કોઈ પ્રજાજન પણ મને મળવાને બહાને આવી મારી નાખશે તો. તેણે પોતાના જ લોકોને મળવાનું બંધ કરી નાખ્યું. નજીકના મંત્રીઓ, દરબારીઓ પર પણ રાજાને શંકા રહેતી હોવાથી તે બધા પર પણ રાજાએ ગુપ્તચરો ગોઠવ્યા કે કોઈ તેમની વિરુદ્ધ કાવતરું તો નથી રચતું ને ? રાજાને અપાર સુખ વચ્ચે સઘળું છીનવાઈ જવાનો સતત ભય લાગતો. તેના મનની શંકાએ ત્યારે માઝા વટાવી જ્યારે રાજાએ પોતાના નિકટના સ્વજનો, મિત્રો, રાણી અને રાજકુમાર પર પણ ગુપ્તચરોનો પહેરો ગોઠવ્યો. રાણીને આ વાતની ખબર પડી. રાણી સમજુ હતી તેણે વિચાર્યું, રાજાના મનમાંથી આ ભય આ શંકાનું નિર્મૂલન કરવું જ પડશે, નહીં તો રાજા મનોરોગી બની જશે.
રાણી નગરમાં પધારેલ ફકીરબાબા પાસે ગઈ અને રાજાની બેચેન જિંદગીની વાત કહેતાં કોઈ ઉપાય સૂચવવા કહ્યું. ફકીરબાબાએ કહ્યું, ‘આવતી કાલે રાજાને લઈને અહીં મારી કુટિરમાં આવજો, સાથે ભોજન લેશું. રાણીએ ઘણી વિનવણી કરી બાદ રાજા ફકીરની કુટિરમાં આવવા તૈયાર થયો, પણ મનમાં શંકા હતી કે કોઈ કાવતરું તો નહીં હોય ને ? સિપાઈઓને થોડે દૂરથી નજર રાખવા કહ્યું. રાજા-રાણી ફકીરની કુટિર પર પહોંચ્યા. ફકીરે આસપાસથી લાકડાં એકઠાં કરી ચૂલો સળગાવી ભોજન બનાવ્યું. રાજા-રાણી અને ફકીર સાથે જમ્યાં. જમી લીધા બાદ ફકીરે રાજાને કહ્યું, આ ચૂલામાંથી સળગતું લાકડું આપો. રાજાએ મનમાં શંકા સાથે સળગતું લાકડું ફકીરના હાથમાં આપ્યું. ફકીરે એ લાકડું ઘાસની કુટિરની દીવાલ પર ફેંક્યું. કુટિર સળગવા લાગી. રાજા રાણીને લઈને બહાર દોડી ગયા. સિપાઈઓ દોડી આવ્યા. રાજા બોલ્યા, ‘જોયું, આ ફકીર પણ કોઈની સાથે કાવતરામાં મળેલો છે, મને સળગાવીને મારી નાખવા માગતો હતો. પકડો એને.’
પણ ફકીર હસતાં-હસતાં રાજા પાસે આવ્યો અને બોલ્યો, ‘રાજાજી, હું કે અન્ય કોઈ તમને મારવા માગતું નથી. આ તમારા મનનો ડર અને શંકા જ છે જેથી તમને ચારેબાજુ બધામાં તમારા દુશ્મન દેખાય છે. વિચારો, જે આગની મદદથી મેં ભોજન બનાવ્યું એ જ આગે પળવારમાં આ કુટિરને ભસ્મીભૂત કરી દીધી. સવાલ એ છે કે આપણે આગનો કઈ રીતે ઉપયોગ કરીએ છીએ. જો તું મનમાં શંકા રાખી બધાને દુશ્મન જ સમજીશ તો ચારેબાજુ દુશ્મન જ દેખાશે, શત્રુતા અને કટુતા જ વધશે. વિશ્વાસ રાખીશ તો પરમ અને મધુરતા મળશે.’
રાજાને ફકીરની વાતનો મર્મ સમજાયો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK