Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ચિંતા ન કરતા, તમારો આ ભાઈ બેઠો છેને, તમને સુરક્ષિત ઘરે મૂકી જશે

ચિંતા ન કરતા, તમારો આ ભાઈ બેઠો છેને, તમને સુરક્ષિત ઘરે મૂકી જશે

11 December, 2019 03:39 PM IST | Mumbai Desk
varsha chitaliya | varsha.chitaliya@mid-day.com

ચિંતા ન કરતા, તમારો આ ભાઈ બેઠો છેને, તમને સુરક્ષિત ઘરે મૂકી જશે

ચિંતા ન કરતા, તમારો આ ભાઈ બેઠો છેને, તમને સુરક્ષિત ઘરે મૂકી જશે


છેલ્લા એક અઠવાડિયાથી વસઈ-વિરાર પરિસરના સોશ્યલ મીડિયા ગ્રુપમાં પુરુષો પોતાના ફોન-નંબર અને બીજી ડિટેલ શૅર કરી રહ્યા છે. આ મેસેજમાં મહિલાઓને સંબોધીને કહેવામાં આવ્યું છે કે ‘રાતે ઘરે પાછાં ફરતી વખતે તમને ડર લાગતો હોય કે કોઈ અઘટિત બનાવની મનમાં શંકા જાગે તો તરત અમને ફોન કરજો. અમે તમને સહીસલામત તમારા ઘરે પહોંચાડી દઈશું.’

આમ કરવાનું કારણ? વેલ, ગયા મહિને હૈદરાબાદની ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટના બન્યા બાદ આ વિસ્તારના રહેવાસીઓને તેમની દીકરીઓ, પત્ની અને બહેનોની ચિંતા થવા લાગી છે. કોસ્મોપૉલિટન ક્રાઉડ ધરાવતા વસઈ-વિરારમાં વર્કિંગ વુમનની સંખ્યા વધુ હોવાથી આ ચિંતા સ્વાભાવિક છે. આ દેશમાં હવે મહિલાઓની ચિંતા માટે સભ્ય સમાજે સભાનતા દાખવવી પડશે અને સ્વયં આગળ આવવું પડશે એવું તેઓ માને છે. આ ઝુંબેશ કેટલી સફળ થશે એ તો આવનારો સમય જ કહેશે. હાલમાં લોકોનો મિશ્ર પ્રતિભાવ મળી રહ્યો છે ત્યારે એને શરૂ કરનાર તેમ જ એને મુંબઈભરમાં તેને વ્યાપક બનાવનારા કેટલાક પુરુષો સાથે વાત કરીએ.
દરેક પુરુષ તેમના વિસ્તારની મહિલાઓને મદદરૂપ થવા આગળ આવે એ જ આ ઝુંબેશનો મુખ્ય હેતુ છે. રાતે મહિલાઓને તેમના ઘરે ડ્રૉપ કરવાનો સૌથી પહેલો વિચાર પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા નાલાસોપારાના ૨૯ વર્ષના પ્રેમ ગોરડિયાને આવ્યો. આ સંદર્ભે વાત કરતાં પ્રેમ કહે છે, ‘રોજ સવારે ઊઠો ને છાપું હાથમાં લો તો બળાત્કારના સમાચાર અચૂક વાંચવા મળે. શું ચાલી રહ્યું છે આ દેશમાં? લોહી ઊકળી ઊઠે એવી ઘટનાઓ ક્યારે બંધ થશે એનો જવાબ કોઈ પાસે નથી. મારા ઘરની જ વાત કરું તો મારાં મમ્મી શૂટિંગ માટે જતાં હોય છે અને ઘણી વાર રાતે આવતાં મોડું થઈ જાય છે. હું તેમને કાયમ સ્ટેશન લેવા જાઉં છું. અમારા વિસ્તારમાં રાતના સમયે ચરસીઓ ફરતા હોય છે. નાલાસોપારા આમેય બદનામ છે એથી મહિલાઓની સેફ્ટી માટે કંઈક કરવું જોઈએ. જે રીતે હું મમ્મીને લેવા જાઉં છું એ રીતે અન્ય લેડીઝને પણ ડ્રૉપ કરું તો. બસ આ જ વિચારમાંથી આ ઝુંબેશ શરૂ થઈ, ‘લોગ આતે ગયે ઔર કારવાં બનતા ગયા.’ જોતજોતામાં તો આ ઝુંબેશ ઘણા લોકોમાં પ્રસરી ગઈ.’
આ ઝુંબેશને ‘કૉલ ઑફ ડ્યુટી’ નામ આપવામાં આવ્યું છે. શું મહિલાઓ અજાણ્યા પુરુષો પર ભરોસો મૂકીને કૉલ કરશે? પ્રેમ કહે છે, ‘તમારો સવાલ સાચો છે. કોઈ પણ વસ્તુ શરૂ કરવી સહેલી છે, પણ એને લાંબા સમય સુધી ચલાવવી અઘરી છે. મેં જોયું કે અનેક પુરુષો પોતાના નંબર શૅર કરી રહ્યા છે ત્યારે મેં તેમનો કૉન્ટૅક્ટ કરી કેટલીક બાબતો સમજાવી હતી. સૌથી પહેલાં તો તમારી પાસે પોતાનું વાહન હોય તો સારું. બીજું, મહિલાનો ફોન આવે એટલે તરત અન્ય પુરુષો અને ઘરની મહિલાઓને જણાવી દેવું કે હું ફલાણી જગ્યાએ હેલ્પ માટે જાઉં છું. આ દરમ્યાન ગૂગલ-મૅપ ચાલુ રાખવો. મહિલાને ડ્રૉપ કર્યા બાદ પણ મેસેજ મૂકવો.’
મહિલાઓ ટ્રસ્ટ કઈ રીતે કરશે એ બાબતે વાત કરતાં દહિસરના ૩૦ વર્ષના પ્રોફેસર સતીશ પાંડે કહે છે, ‘તમારી પાછળ બે-ચાર મવાલીઓ પડ્યા હોય ત્યારે તમારે કોઈક પર તો ભરોસો મૂકવો જ પડશે. વિશ્વાસ ત્યારે થશે જ્યારે મહિલાઓ પોતાના અનુભવ અન્ય મહિલાઓ સાથે શૅર કરશે. અમે સિક્કાની બીજી બાજુનો વિચાર પણ કર્યો છે. જેમ દરેક પુરુષ ખરાબ નથી હોતો એ જ રીતે દરેક મહિલા સારી નથી હોતી. ન કરે નારાયણને અમે ફસાઈ જઈએ એવું પણ બની શકે છે. એવો વિચાર પણ આવ્યો કે મહિલાને મદદ કરવા જતી વખતે સાથે બહેન, મમ્મી કે વાઇફને લઈને જવું, પરંતુ એ યોગ્ય ન લાગ્યું, કારણ કે મુસીબતમાં ફસાયેલી મહિલાની આસપાસ શું ચાલી રહ્યું છે એની જાણ નથી હોતી. હું એકલા હાથે બે-ચાર ગુંડાઓનો સામનો ન કરી શકું તો એક મહિલાને મદદ કરવા જતાં બીજી મહિલા મુસીબતમાં મુકાઈ જાય.’
ટ્રસ્ટ તો કરવો જ પડશે. ચહેરો જોઈને નહીં, નિયત જોઈને એવો જવાબ આપતાં ગોરેગામના સર્વિસમૅન વિજય આદિશ કહે છે, ‘ક્યારેક એવું બને કે પ્રોફાઇલ-ફોટો જોઈને મહિલાને થાય કે આના પર કેમ ભરોસો મૂકવો? યાદ રાખો કે તમને મદદ કરવાની ભાવના ધરાવતા પુરુષનો ચહેરો રૂપાળો હોય એ જરૂરી નથી. બીજું, નંબર શૅર કરતી વખતે અમે સિક્કાની બીજી બાજુનો વિચારો કર્યો જ હોયને. આજના સમયમાં પુરુષોની સલામતી પણ એટલી જ જરૂરી છે. મહિલાને ઘર સુધી મૂક્યા બાદ ફોટો પાડીને ગ્રુપમાં મોકલવો જેથી કન્ફર્મ થઈ જાય. શક્ય હોય તો તેમના ઘરના લોકો સાથે વાત કરી લેવી. કેટલીક વાર એવું બને કે તમને ફોન આવ્યો હોય, પણ તમે ક્યાંક બહારગામ હો અથવા પહોંચી શકો એમ ન હો ત્યારે શું? હું અવેલેબલ ન હોઉં તો તાબડતોબ અન્ય મેમ્બર પહોંચી શકે એવો બૅકઅપ પ્લાન હોવો જોઈએ. સમાજ કે પ્રતિ અપની જિમ્મેદારી કો અચ્છી તરહ સમઝ કે સબ કરના હોગા. મહિલાઓ મનમાંથી ડર કાઢી નાખશે તો જ અમે તેમને હેલ્પ કરી શકીશું.’
આ ઝુંબેશને આગળ લઈ જવા અમે મેમ્બરોનાં સૂચન મગાવ્યાં છે અને મીટિંગ પણ ગોઠવી છે. વસઈના બિઝનેસમૅન ચિરાગ શાહ કહે છે, ‘વસઈમાં રાતે એકલી ઘરે આવનારી લેડીઝની સંખ્યા ઘણી વધુ છે. બસ-સ્ટૉપ જેવા એરિયામાં તો પીધેલા લોકો ફરતા જ હોય છે. મહિલાઓની સેફ્ટીની સાથે અમને પણ કોઈ પરેશાનીનો સામનો ન કરવો પડે એવાં સૂચન પર અમે કામ કરી રહ્યા છીએ. હજી પરમ દિવસે એક મહિલાનો વિરારથી ફોન આવ્યો હતો. પંદર મિનિટમાં જ અમે તેને મદદ કરી હતી. ફોન કરનાર મહિલાને અમે જણાવીએ છીએ કે આ કલરનાં પેન્ટ-શર્ટ પહેરેલી વ્યક્તિ તમને લેવા આવશે. મેમ્બરની ગાડીનો નંબર પણ મહિલાને આપવામાં આવે છે જેથી એનો ભય ઓછો થાય.’
આગળના પ્લાન વિશે જણાવતાં પ્રેમ કહે છે, ‘નજીકના ભવિષ્યમાં અમે એક ઍપ્લિકેશન લૉન્ચ કરીશું. એમાં જીપીએસ સિસ્ટમ હશે. આ ઉપરાંત મેમ્બરની સંપૂર્ણ ડીટેલ અપલોડ કરવામાં આવશે અને વેરિફિકેશન માટે પોલીસને મોકલવામાં આવશે જેથી ખબર પડે કે આ ઝુંબેશમાં જોડાનારા પુરુષો ભૂતકાળમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા છે કે નહીં. મહિલાઓની સલામતીમાં કોઈ ગફલત ન રહે એવા તમામ પ્રયાસ અમે કરી રહ્યા છીએ.’



મહિલાઓ શું કહે છે?
પુરુષો દ્વારા મહિલાઓને હેલ્પ કરવા માટેના જે પ્રયત્ન થઈ રહ્યા છે એ બાબતે વાત કરતાં વસઈનાં વર્કિંગ વુમન હિમાની વાજા કહે છે, ‘મને રાતે આવતાં સહેજેય સાડાઅગિયાર થઈ જાય છે. રોજ પપ્પા સ્ટેશન લેવા આવે છે. આ ઝુંબેશથી મને લાગે છે કે ઘણી મહિલાઓને સપોર્ટ મળશે. જોકે અજાણ્યા પુરુષો પર ટ્રસ્ટ કરવું સહેલું નથી. પુરુષોએ આ ઝુંબેશમાં મહિલાઓને જોડાવા પ્રેરિત કરવી જોઈએ. પરિવારની મહિલાઓ અને ફ્રેન્ડ્સને સાથે લઈને ચાલશો તો જ સફળ થશો.’
નાયગાંવનાં અન્ય એક વર્કિંગ મહિલા નામ ન આપવાની શરતે કહે છે, ‘મહિલાઓની સુરક્ષા માટે તમે જે પહેલ શરૂ કરી છે એની હું પ્રશંસા કરું છું, પરંતુ મને એમાં કોઈ લૉજિક દેખાતું નથી. તમે શિક્ષિત છો અને સમાજ પ્રત્યે જવાબદારી ઉપાડવી જ છે તો પુરુષોમાં રહેલી રાક્ષસી વૃત્તિને ડામવાની દિશામાં કંઈક કરો જેથી કોઈ મહિલાને હેલ્પની જરૂર ન પડે.’


નજીકના ભવિષ્યમાં અમે જીપીએસ સિસ્ટમયુક્ત એક ઍપ્લિકેશન લૉન્ચ કરીશું જેમાં મેમ્બરની સંપૂર્ણ ડિટેલ અપલોડ કરવામાં આવશે અને વેરિફિકેશન માટે પોલીસને મોકલવામાં આવશે જેથી ખબર પડે કે આ ઝુંબેશમાં જોડાનારા પુરુષો ભૂતકાળમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા છે કે નહીં -પ્રેમ ગોરડિયા

બસ-સ્ટૉપ જેવા એરિયામાં તો પીધેલા લોકો ફરતા જ હોય છે. મહિલાઓની સેફ્ટીની સાથે અમને પણ કોઈ પરેશાનીનો સામનો ન કરવો પડે એવાં સૂચન પર અમે કામ કરી રહ્યા છીએ. હજી પરમ દિવસે એક મહિલાનો વિરારથી ફોન આવ્યો હતો. પંદર મિનિટમાં જ અમે તેને મદદ કરી હતી -ચિરાગ શાહ


એવો વિચાર પણ આવ્યો કે મહિલાને મદદ કરવા જતી વખતે સાથે બહેન, મમ્મી કે વાઇફને લેવા પરંતુ મુસીબતમાં ફસાયેલી મહિલાની આસપાસના મહોલની જાણ ન હોય. હું એકલા હાથે બે-ચાર ગુંડાઓનો સામનો ન કરી શકું તો એક મહિલાને મદદ કરવા જતાં બીજી મહિલા મુસીબતમાં મુકાઈ જાય -સતીશ પાંડે

ક્યારેક એવું બને કે પ્રોફાઇલ-ફોટો જોઈને મહિલાને થાય કે આના પર કેમ ભરોસો મૂકવો? યાદ રાખો કે તમને મદદ કરવાની ભાવના ધરાવતા પુરુષનો ચહેરો રૂપાળો હોય એ જરૂરી નથી - વિજય આદિશ

Whatsapp-channel Whatsapp-channel

11 December, 2019 03:39 PM IST | Mumbai Desk | varsha chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK