કોઈ પૂછશો નહીં કે આવું શાને થાય છે?

Published: Jan 19, 2020, 16:37 IST | dinkar joshi | Mumbai Desk

ઊઘાડી બારી: આ ફુટપાથ પર ફેરિયાઓ બેઠા હતા અને ગ્રાહકો આમતેમ ફરી રહ્યા હતા.

ટૂથબ્રશનો જમાનો હજી આવ્યો નહોતો, ઉંબરા બહાર ઊભો હતો. લીલાછમ દાતણનો જમાનો હજી પુરબહારમાં હતો. ઓટલે બેસીને ખાસ્સી ૧૦-૧૫ મિનિટ દાતણનું ટોપકું ચાવવાની સમૃદ્ધ પળો હજી જીવતી હતી. મુંબઈમાં ત્રાંબાકાંટા તરીકે ઓળખાતા વિસ્તારનો એક છેડો જે કાલબાદેવી રોડને મળે છે ત્યાં સ્ટૉક એક્સચેન્જ તરીકે એ વખતે ઓળખાતું એક મકાન આજે તો લોકો ભૂલી ગયા હશે. આ મકાનના ભોંયતળિયે ફુટપાથ પર સાંજના સમયે ભારે ભીડ જામી હતી. આ ફુટપાથ પર ફેરિયાઓ બેઠા હતા અને ગ્રાહકો આમતેમ ફરી રહ્યા હતા. 

બરાબર એ વખતે એક મોટરકાર ત્યાં આવીને ઊભી રહી. એની પાછલી બેઠક પરથી છપ્પન ઇંચના ડગલાધારી એક મારવાડી વેપારી નીચે ઊતર્યા અને ફુટપાથ પર બેઠેલા દાતણવાળાઓ પાસેથી દાતણ ખરીદવા નીચે નમ્યા. શું બન્યું, કેમ બન્યું એ તો કોણ જાણે; પણ આ ભરચક ભીડ વચ્ચે આ મકાનના છઠ્ઠા માળની દીવાલ વચ્ચેથી એક પથ્થર છૂટો પડી ગયો. આ છૂટો પડી ગયેલો પથ્થર ભરચક ગિરદી હોવા છતાં કોઈનેય સ્પર્શ્યા વિના દાતણ વીણી રહેલા પેલા મારવાડી શેઠિયાના મસ્તક પર અફળાયો. શેઠ ભોંયભેગા થઈ ગયા. મસ્તક લોહીલુહાણ થઈ ગયું. થોડી વારમાં પોલીસ અને ઍમ્બ્યુલન્સ પણ આવી પહોંચી. શેઠ મૃત્યુ પામ્યા હતા.

આ સમાચારની સાથે જ બીજા દિવસે એક ઘટના બની. ચોથે કે પાંચમે માળેથી એક બાળક નીચે પડી ગયું. નીચે બરાબર એ જ જગ્યા પર ઘાસની ગંજી ભરેલી એક ટ્રક ઊભી હતી. બાળક આ ગંજી પર પડ્યું. ખાસ કશી ઈજા થઈ નહીં અને સાવ સુરક્ષિત બચી ગયું.
જે મારવાડી શેઠ પોતાની ગાડીમાં ઘર ભણી જઈ રહ્યા હતા એ દાતણ લેવા જેવા અકારણ કામે રોકાયા, ઊભા રહ્યા અને જે મકાન અત્યંત મજબૂત હતું એ મકાનનો એક પથ્થર ચણતરમાંથી છૂટો પડ્યો અને ભરચક ભીડ વચ્ચે બીજા કોઈનેય સ્પર્શ્યા વિના પેલાના જ મસ્તક પર મરણતોલ અફળાયો.

આવી ઘટના કંઈ નવી નથી. ઘણી વાર આવું બને છે. આપણે બધાએ આવું ક્યાંક ને ક્યાંક જોયેલું છે, અનુભવેલું છે. આવું જોઈએ છીએ ત્યારે માનવસહજ પ્રશ્ન થાય છે અરે, આ તે કેવું કહેવાય!

જગતમાં આવું ઘણું બને છે જેને આપણે કાર્યકારણથી સાંકળી શકતા નથી. બર્મ્યુડા ટ્રાયઍન્ગલ તરીકે ઓળખાતો ઉત્તર ઍટલાન્ટિક મહાસાગરનો એક વિસ્તાર આ વિષયમાં યાદ કરવા જેવો છે. ઉત્તરે ૨૫ અક્ષાંશ અને પશ્ચિમે ૭૧ રેખાંશ વચ્ચે આ ભાગ પ્રસરેલો છે. અહીંથી સમુદ્રમાર્ગે કે આકાશમાર્ગે પસાર થતાં દરિયાઈ જહાજો કે હવાઈ જહાજો અચાનક અદૃશ્ય થઈ જાય છે અને પછી ક્યારેય એનો પત્તો લાગતો નથી. તમામ અદ્યતન વૈજ્ઞાનિક સાધનો ઉપલબ્ધ હોવા છતાં આપણે આ ગુમ થતાં જહાજો વિશે કશી જ માહિતી મેળવી શકતા નથી. તૂટી પડેલાં કે ડૂબી જતાં આ જહાજોના ભંગારનો એક ટુકડો પણ વર્ષો વીતી જવા છતાં ક્યાંય મળતો નથી. આવું કેમ બને છે એ કોઈ જાણતું નથી.

કુરુક્ષેત્રથી માંડીને કારગિલ સુધી આજ સુધીમાં અનેક યુદ્ધો લડાયાં છે. આ યુદ્ધોમાં એક પક્ષ જીતે છે અને બીજો પક્ષ હારે છે એ તો સાવ સ્વાભાવિક છે. આ પક્ષ કેમ જીત્યો અને પેલો પક્ષ કેમ હાર્યો એનાં કારણો શોધવા મુદ્દલ શક્ય નથી. પહેલાં આપણે એમ કહીએ છીએ કે ધર્મનો પક્ષ જીતે અને અધર્મનો પરાજય થાય છે, પણ યુદ્ધોનો ઇતિહાસ તપાસીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે ખરેખર આવું બનતું નથી. બહુ દૂરનો ઇતિહાસ જોઈએ નહીં અને આપણા દેશના ઇતિહાસ તરફ નજર ફેરવીએ ત્યારે તરત જ ખ્યાલ આવે છે કે રૉબર્ટ ક્લાઇવે પ્લાસીનું યુદ્ધ જીતવું જોઈએ નહીં. આ યુદ્ધ એ દગાફટકાથી જ જીત્યો હતો એ હવે સૌકોઈ જાણે છે. આવું ઘણાં યુદ્ધમાં
બને છે. યુદ્ધ ચડિયાતી શસ્ત્રસામગ્રી કે વિરાટ સૈન્યોથી જિતાય છે એમ માની લઈએ તો એ વાત પણ સાચી ઠરતી નથી. કૌરવ પક્ષે પાંડવો કરતાં વિરાટ સૈન્ય હતું અને ભીષ્મ, કર્ણ, દ્રોણ તથા અશ્વત્થામા જેવા ચડિયાતા યોદ્ધાઓ પણ હતા અને આમ છતાં તેઓ પરાજિત થયા. વીસમી સદીનાં યુદ્ધો વિશે પણ આવું કહી શકાય એમ છે.

મરવાને વાંકે જીવતો હોય એવો એક દરદી ધર્માદા હૉસ્પિટલની દવાઓ ખાઈ-ખાઈને ૨૦-૨૫ કે ૩૦ વર્ષ સુધી જીવતો રહે છે. આથી ઊલટું, હટ્ટોકટ્ટો પહેલવાન જેવો માણસ વાત કરતાં-કરતાં આંખના પલકારામાં મરણને શરણ થઈ જાય છે. એના ડેથ સર્ટિફિકેટમાં ડૉક્ટરો તો જે કારણ આપે એ, પણ આપણી નજર સામે કોઈ કારણ જડતું નથી.

જીવન અને મરણ આપણા હાથની વાત નથી એવું આપણે સૌ બોલીએ છીએ તો ખરા, પણ આ બન્ને દિશાને સમજવા અને બને તો એને આપણા નિયંત્રણ હેઠળ લાવવા ઓછા પ્રયત્નો નથી કરતા. જીવનનો આરંભ જનમ સાથે થાય છે અને એનો અંત મરણ સાથે આવે છે. આ આરંભને આપણે કેટલીક હદે સમજી શક્યા છીએ અને એના પર કેટલાંક નિયંત્રણો મેળવી પણ શક્યા છીએ. મરણ વિશે આવું કહી શકાય એમ નથી. આ જીવન અને મરણની વચ્ચે જેકંઈ બને છે એના પર આપણે નિયંત્રણ મેળવી શક્યા છીએ ખરા? આ પ્રશ્ન વિચારણીય છે. માતા-પિતા કે સંતાનો આપણે આપણી પસંદગીનાં મેળવી શકતાં નથી, પણ ૭૦ કે ૮૦ વર્ષની જિંદગીમાં આપણે બીજા સંખ્યાબંધ માણસોને મળીએ છીએ અને છૂટા પડીએ છીએ અને આ રીતનું મળવું તથા છૂટા પડવું શું છે એ ખાતરીપૂર્વક સમજી શકાયું નથી. ગઈ કાલે જે આપણા જીવનમાર્ગમાં ક્યાંય નહોતું એ આજે અચાનક આવી જાય છે અને આવતાવેંત એની સાથે આપણું તાદાત્મ્ય પણ બંધાઈ જાય છે. આ તાદાત્મ્ય તાત્પૂરતું આપણને ખૂબ નિકટનું લાગવા માંડે છે, પણ પછી આવતી કાલે કશુંક એવું બને છે કે આ નિકટતા સદંતર ઓસરી જાય છે. આવું બનવાનાં દેખીતાં કારણો બન્ને પક્ષેથી અપાતાં હોય છે, પણ એ ઉપરછલ્લાં હોય છે કે પછી વ્યાવહારિક લાભાલાભનાં હોય છે, વાસ્તવિક નથી હોતાં. ગઈ કાલે આ બધું જ હતું અને છતાં આવું નહોતું. આજે આ બધું જ એવું ને એવું હોવા છતાં આ બધું બદલાઈ જાય છે. આવું કેમ બને છે એ સમજી શકાતું નથી. આમાં આ કે તે દોષી હોય છે એવું કહેવું એ અણસમજ છે.

માનવીય ભાવનાઓ સાથે જ સ્થૂળ ઘટનાઓનું પણ આવું જ બને છે. દુનિયામાં એવી કેટલીય ઘટનાઓ બને છે જેના વિશે આપણે શું અને કેમ સમજી શકતા નથી. કવિ કરસનદાસ માણેકે આવી ઘટનાઓ વિશે પોતાના સંવેદનને આ રીતે વ્યક્ત કર્યું છે...

‘મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે.’

જેમનાં દુષ્કર્મોની આખી ટોપલી ભરાયેલી છે અને જે ગરદન ફાંસીના માંચડે લટકાવવાને લાયક છે એ ગરદન પર જાહેર સભાઓમાં ફૂલોના હાર પહેરાવવામાં આવે છે અને જે ગરદન પર પહેરાવવાથી ફૂલોનું મૂલ્ય પણ બમણું થઈ જતું હોય એવી ગરદન સભામાં સાવ છેવાડે ઊભી હોય છે. એને બેસવાની જગ્યા પણ મળતી નથી. આવી ઘટનાનું વધુ કારુણ્ય તો એ હોય છે કે સભાગૃહમાં અને મંચ પર બેઠેલાઓ આપણે સૌ આ વાત જાણતા પણ હોઈએ છીએ અને છતાં હાર પહેરાવાય ત્યારે તાળીઓના ગડગડાટ કરીએ છીએ.
કહી શકશો કે આવું કેમ બને છે? નહીં કહી શકો, કારણ કે આવું જે બને છે એની જવાબદારી આપણી પોતાની છે. ઉપર જેકંઈ બનવાની વાત કરી એની જવાબદારી આપણી નહોતી. એ બધું કેમ બને છે એ આપણે કોઈ જાણતા નથી, પણ આ બધું કેમ બને છે એ આપણે બધા જ જાણીએ છીએ.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK