Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > પ્રતાપી પૂર્વજો વિશે આમ વાત ન થાય!

પ્રતાપી પૂર્વજો વિશે આમ વાત ન થાય!

22 December, 2019 03:00 PM IST | Mumbai
Dr Dinkar Joshi

પ્રતાપી પૂર્વજો વિશે આમ વાત ન થાય!

પ્રતાપી પૂર્વજો વિશે આમ વાત ન થાય!


દેશને અંગ્રેજી શાસનમાંથી કૉન્ગ્રેસ પક્ષે મુક્તિ અપાવી એવું કહેનારા શાબ્દિક રીતે સાચા છે, પણ લક્ષ્યાર્થ કે ભાવાર્થમાં સાવ ખોટા છે. ૧૮૫૭ પછી અંગ્રેજી શાસનમાંથી મુક્ત થવા માટે જેકંઈ નાની-મોટી ચળવળો થઈ એ બધી કૉન્ગ્રેસના નામે જ થઈ છે એમ કહેવામાં વધુ સચ્ચાઈ રહેલી છે. ગાંધીજી કૉન્ગ્રેસ પક્ષના સામાન્ય સભ્ય પણ નહોતા. કૉન્ગ્રેસ પક્ષના નામે ચડાવાતા આઝાદીના આ યશમાં ગાંધીજીનો કંઈ ફાળો ખરો? સુભાષચંદ્ર બોઝ કે ઍની બેસન્ટ એક સમયે કૉન્ગ્રેસના પ્રમુખ હતા, પણ તેમણે જુદા માર્ગ ચાતર્યા એથી કંઈ સ્વતંત્રતાપ્રાપ્તિ માટે તેમનું કોઈ યોગદાન નહોતું એવું કહી શકાશે ખરું? ભગતસિંહ, રાજગુરુ કે સુખદેવના બલિદાનને આપણે આ ત્રીજી પેઢીએ કેવી રીતે મૂલવીશું?

હમણાં-હમણાં સાવરકર વિશે ભારે ચર્ચા ચાલી રહી છે. સાવરકર કૉન્ગ્રેસ નામના રાજકીય પક્ષ સાથે આઝાદી પૂર્વેના કાળમાં મુદ્દલેય સંકળાયેલા નહોતા, એટલું જ નહીં, આઝાદી પછી પણ સાવરકર કૉન્ગ્રેસ પક્ષથી જુદા રહ્યા હતા. કૉન્ગ્રેસ પક્ષથી જુદા રહેવું એ કોઈ રાજકીય અપરાધ નથી. જયપ્રકાશ નારાયણ, આચાર્ય કૃપલાણી, ચક્રવર્તી રાજગોપાલાચારી એ બધાં એવાં નામ છે જેઓ રાજકીય સક્રિયતાની દૃષ્ટિએ વૈચારિક ભૂમિકાએ કૉન્ગ્રેસ પક્ષથી અળગા રહ્યા હતા. માત્ર આટલા કારણવશ જો કોઈ એવું કહે કે સાવરકરે દેશની આઝાદી માટે કોઈ ફાળો નથી આપ્યો તો આ માણસને માત્ર હિન્દુસ્તાનના ઇતિહાસનો અજ્ઞાની જ નહીં, મહામૂર્ખ કહેવો જોઈએ.



સાવરકરને ગાંધીહત્યા સાથે સાંકળવામાં આવ્યા હતા એ ઐતિહાસિક સત્ય સ્વીકારવામાં કોઈએ વાંધો ન લેવો જોઈએ. એમ તો ગાંધીજીને પણ રાજદ્રોહના અપરાધ માટે તત્કાલીન સરકારે સાંકળી લીધા હતા. ગાંધીજીએ પોતે જ પહેલા વિશ્વયુદ્ધ વખતે બ્રિટિશ સરકારનો પક્ષ લીધો હતો. એટલું જ નહિ, હિન્દુસ્તાનીઓએ બ્રિટિશ લશ્કરમાં ભરતી થઈને યુરોપમાં લડાતા મહાયુદ્ધમાં બ્રિટનના પક્ષે લડવું જોઈએ એ માટે સ્વદેશમાં આંદોલન કર્યું હતું. હિન્દુસ્તાની જવાનો બ્રિટિશ પક્ષે ભરતી થાય એ માટે ગાંધીજીએ દેશઆખાનો વિરોધ - જેમાં કૉન્ગ્રેસ પક્ષનો પણ સમાવેશ થઈ જાય - છતાં આંદોલન કર્યું. આનો અર્થ એવો નથી કે ગાંધીજી બ્રિટિશ સરકાર સાથે હતા અને આઝાદીના વિરોધી હતા. જે રીતે તત્કાલીન પરિસ્થિતિમાં સુભાષબાબુ, ભગતસિંહ કે ઍની બેસન્ટે પોતાના મતાનુસાર આઝાદી માટેની લડત ચાલુ રાખી એ જ રીતે ગાંધીજીએ પણ, અને સાવરકરે પણ આ લડત ચાલુ રાખી હતી. દરેક વખતે દરેક સ્વતંત્રતા-સૈનિકે કૉન્ગ્રેસનું જ અનુસરણ કરવું એવું જરૂરી તો નહોતું જ, એટલું જ નહીં, સાવરકરને ગાંધીહત્યામાં સાંકળ્યા પછી પણ એ માત્ર આરોપ જ ઠર્યો હતો અને તત્કાલીન કાયદા અનુસાર પૂરી તપાસ કર્યા પછી તેમને મુક્ત કર્યા હતા.


ગાંધીહત્યા એક જઘન્ય અપરાધ હતો એમાં કોઈ શક નથી. ગાંધીજીના અંગત સહાયક પ્યારેલાલે તેમના ગ્રંથ ‘પૂર્ણાહુતિ’માં લખ્યું છે કે ૧૯૪૫થી ૧૯૪૮ સુધીના ગાંધીજીના અંતિમ દિવસોમાં દેશમાં ગાંધીજીના વિરોધીઓ બહુ મોટા પ્રમાણમાં હતા. હિન્દુઓ એવું માનતા કે ગાંધીજી મુસ્લિમતરફી છે અને મુસ્લિમો એવું માનતા કે ગાંધીને કારણે જ પાકિસ્તાન મળતું અટકી જાય છે. આમ હોવાથી સમગ્ર દેશમાં વૈચારિક દૃષ્ટિએ ગાંધીજી લગભગ એકલા પડી ગયા હતા. કોઈ વ્યક્તિની હત્યા કરવાથી તેમના વિચારોને અટકાવી શકાતા નથી. 

એ જુદી વાત છે કે સાવરકર આઝાદી પછી પણ ગાંધીમાર્ગના વિરોધી હતા. ગાંધીમાર્ગનો વિરોધ કરવો એ કંઈ અપરાધ નથી ઠરી જતો. ગાંધીજીએ સ્વતંત્રતાસંગ્રામમાં જે ફાળો આપ્યો છે એનું વ્યક્તિગત મૂલ્યાંકન સૌથી વધુ છે, પણ એથી કંઈ ગાંધીજીનો વિરોધ કરવાના કોઈ પણ વિચારને અપરાધ ઠરાવી શકાય નહીં. સાવરકરનો વિરોધ કરનારાઓએ એ પરમ સત્ય સમજી લેવું જોઈએ કે આઝાદી માટે બબ્બે આજીવન જેલવાસ એટલે કે પૂરાં ૫૦ વર્ષની કેદ જેમને ઠરાવવામાં આવી હતી એવી કોઈ બીજી વ્યક્તિ આઝાદીના આંદોલનના ઇતિહાસમાં નથી. આ ૫૦ વર્ષમાંથી પૂરાં ૧૦ વર્ષ તો તેમણે કાળાપાણીની સજા તરીકે વિતાવ્યાં હતાં. આંદામાનનો આ જેલવાસ આજે પણ પ્રવાસીઓ નજરોનજર જોઈ શકે છે. સાવરકરની ટીકા કરનારાઓએ આ જેલવાસમાં ૧૦ વર્ષ તો શું એક વાર ૧૦ દિવસ તો ગાળી દેખાડવા જોઈએ. આ ૧૦ વર્ષ તેમણે જેલમુક્તિ પછી વડા પ્રધાન, મુખ્ય પ્રધાન કે પક્ષપ્રમુખ બનવા માટે નહોતાં ગાળ્યાં. ઇંગ્લૅન્ડથી તેમને રાજદ્રોહી અપરાધી તરીકે ભારત લાવી રહ્યા હતા ત્યારે ફ્રાન્સના દરિયાકાંઠે મધરાતે કૂદી પડીને છટકવાનો પ્રયત્ન કરવો એ સાહસની કલ્પના સુધ્ધાં આ ટીકાકારો કરી શકે એમ નથી. આ માત્ર આઝાદી માટે જ હતું, અન્ય કોઈ બીજા લાભ માટે નહોતું. જે રીતે ગાંધીજી સાથે બધા ક્યારેય સહમત થઈ શકતા નહીં એ જ રીતે સાવરકર કે ગાંધીવિચારના અન્ય વિરોધીઓ સાથે પણ બધા સહમત થતા હોય એવું બનતું નહીં. જેમ કે સાવરકરે લખેલા ભારતીય સ્વતંત્રતાસંગ્રામના ઇતિહાસના બે ગ્રંથો સાથે તમામ ઇતિહાસકારો સહમત થઈ શકે એવું નથી.


કાળાપાણીની સજા દરમ્યાન એક વાર અંગ્રેજ સરકારની માફી માગીને જેલમુક્તિ માટે તેમણે પ્રયત્ન કર્યો હતો એવો આક્ષેપ તેમના પર છે. આ આક્ષેપ હકીકતમાં સાચો છે. ખુદ સાવરકરે એનો સ્વીકાર કરીને એ વિશે પૂરતો ખુલાસો પણ કર્યો છે. શેષ આયુ કારાવાસમાં નિષ્ક્રિય અવસ્થામાં વિતાવી દેવી એના કરતાં સરકારી શરતો સ્વીકારીને મુક્તિ પ્રાપ્ત કરીએ તો બહારની દુનિયામાં બ્રિટિશ સરકાર વિરુદ્ધ સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટે કોઈ ને કોઈ કામગીરી થઈ શકે એવી વિચારણા આ સરકારી માફીના પ્રશ્ને રહી હતી. ઇતિહાસમાં આવી રીતે મુક્તિ મેળવનારાઓની સંખ્યા નાનીસૂની નથી. છત્રપતિ શિવાજીએ ઔરંગઝેબની જેલમાંથી છૂટવા માટે માંદગી અને માંદગી પછી ફળોના કરંડિયા મોકલવાના બહાને શું ચોરીછૂપી નહોતી કરી? હકીકતમાં આ ચોરીછૂપી હિન્દુપત પાદશાહી માટેના સંગ્રામનો જ એક ભાગ નહોતી?

સાવરકરને ભારત રત્નનું મરણોત્તર સન્માન આપવા વિશે પણ જે ચર્ચાવિચારણા થાય છે એમાં તેમના તરફદારો અને વિરોધીઓ બન્ને મુઠ્ઠીઊંચેરા નહીં, મુઠ્ઠીનીચેરા પુરવાર થાય છે. સ્વતંત્રતાસંગ્રામ માટે જેમને ભારત રત્ન કહેવા જોઈએ એવાં સંખ્યાબંધ નામો આપણી સામે છે. અત્યાર સુધીમાં આ સન્માન અપાયું હોય એવી નામાવલિમાં નજર ફેરવીશું તો એવું લાગ્યા વિના રહેશે નહીં કે સાવરકરને આ નામાવલિ વચ્ચે ગોઠવી દેવાથી તેમનું કયું મોટું સન્માન થવાનું છે? દેશમાં એવાં કેટલાંય સન્માન્ય નામો છે જેમને પહેલાં ગણતરીપૂર્વક બાકાત રાખવામાં આવ્યાં હતાં અને હવે તેમને વીણી-વીણીને ગોઠવવામાં આવે છે. સાચી વાત એ છે કે ભારત રત્નનું કાગળિયું પકડાવી દેવાથી સાવરકર સન્માન્ય થઈ જતા નથી, તેઓ સન્માન્ય છે જ. છે ને ફરી એક વાર છે છે કહેવાથી એનું મહત્ત્વ વધતું નથી અને આમ છતાં ‘છે’ને આજ સુધી ‘નથી’ કહેનારાઓને આંગળી ચીંધીને ઓળખાણ આપવાથી તેમની ઓળખાણ વધુ તેજસ્વી બને છે.

આજે બન્યું છે એવું કે જે રીતે સાવરકરનો રાજકીય લાભ લેવા માટે તેમના નામનો જે ઉપયોગ થઈ રહ્યો છે એવો જ ઉપયોગ જવાહરલાલ નેહરુના નામનો પણ થઈ રહ્યો છે. જવાહરલાલ નેહરુએ તેમના શાસનકાળમાં એવી અપાર ભૂલો કરી છે જેનાથી દેશને કદાચ લાંબા કાળ સુધી સહન કરવું પડશે અને આમ છતાં જવાહરલાલે તેમના શાસનકાળનાં ૧૭ વર્ષમાં દેશની પાયાની લોકશાહીનું જે ઘડતર કર્યું છે એને યાદ રાખ્યા વિના છૂટકો નથી. જવાહરલાલ નેહરુ વિશે વાત કરતી વખતે વિરોધીઓએ આ વાત ભૂલવી ન જોઈએ.

પ્રતાપી પૂર્વજોનાં નામ અને કામને મૂલવતી વખતે નાના ગજાના વંશજોએ પોતાના ગજા વિશે થોડી જાણકારી પહેલેથી મેળવી લેવી જોઈએ. જેઓ હજી ભાંખોડિયાભેર ચાલવાનું પણ નથી શીખ્યા તેઓ હિમાલયના શિખરે પહોંચેલાઓની ટીકા કરવા માંડે ત્યારે તેમના ગાલ પર તમાચો મારવા જેવું પુણ્ય કર્મ દરેક સમજદાર માણસે કરવું જોઈએ. આજે સાવરકરની જે રીતે વાત થઈ રહી છે એ જોતાં તો એવું જ લાગે છે કે આપણે ત્યાં સમજદારોનો જાણે અભાવ છે. સાવરકરનું નામ લેવાનો પણ જેમને અધિકાર નથી તેઓ પોતાના ગરબડિયા ઉચ્ચાર સાથે સાવરકર વિશે બેંબેં કરે અથવા એના જવાબમાં જવાહરલાલ નેહરુ વિશે ટેંટેં કરે એમાં કોઈનું ગૌરવ નથી. 

Whatsapp-channel Whatsapp-channel

22 December, 2019 03:00 PM IST | Mumbai | Dr Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK