બધી વાતો કાંઈ કહી દેવાય?

Published: 23rd August, 2012 06:22 IST

કોઈ પણ યુવતીને જ્યારે પોતાનો મનગમતો સાથી મળી જાય ત્યારે તે બહુ ખુશ થાય છે. તેને લાગે છે કે અમે બન્ને હવે અરસપરસને દિલની વાતો કરી શકીશું, પરંતુ હકીકત એ છે કે તમારો પુરુષ તમારાથી કેટલીક વાતો છુપાવે જ છે

shering-talkગુરુવારની ગુફ્તગો - નીલા સંઘવી

કોઈ છોકરી જ્યારે પ્રેમમાં પડે અથવા તો વેવિશાળથી જોડાય ત્યારે સાતમા આસમાનમાં વિહરતી હોય છે. તેની ખુશીનો પાર નથી રહેતો. તે પોતાના પ્રેમી/પતિને પોતાના દિલની બધી વાતો કહી દેવા આતુર હોય છે અને તેનો સાથી પણ તેને બધી વાત કહી દે એવી તેની ઇચ્છા હોય છે. લગ્ન પછી પણ તે આવું જ ઇચ્છે છે, પણ અમુક બાબતો એવી હોય છે જે પુરુષ પોતાની સ્ત્રી સાથે શૅર કરવા નથી ઇચ્છતો. તે પુરુષ તમારો બાળપણનો મિત્ર હોય કે લગ્નના દાયકા-બે દાયકાથી બંધાયેલો પતિપરમેશ્વર. તે તેના જીવનની નાનામાં નાની બાબત કહી દેવા આતુર નથી હોતો, ખાસ કરીને પોતાનો ભૂતકાળ. અમુક માહિતીઓ એવી છે જે તે ફક્ત પોતાના સુધી જ સીમિત રાખવા માગે છે અને સ્ત્રીને ક્યારેય નહીં જણાવે. જો તેને આવી બાબતો કહેવા માટે ર્ફોસ કરવામાં આવે તો તેને લાગે છે કે તે ફસાઈ ગયો છે. આવી કેટલીક બાબતો જે પુરુષ પોતાની સ્ત્રીથી છુપાવે છે એ વિશે વાત કરીએ.

તરંગી કલ્પના

પુરુષ પોતે પોતાની તરંગી, વિચિત્ર કે વિકૃત કલ્પના જેને આપણે ફૅન્ટસી કહીએ છીએ એ વિશે વાત કરવા ઉત્સુક નથી હોતો. અમુક ફૅન્ટસી તે પોતાની સ્ત્રી સાથે શૅર કરીને એન્જૉય પણ કરે છે, પણ એવી કોઈ વિચિત્ર ફૅન્ટસી તે તમને નહીં જણાવે, કારણ કે તે જાણે છે કે તમે એ વાતને પસંદ નહીં કરો. તેની અમુક ફૅન્ટસી અને દિવાસ્વપ્ન તે જો તમને કહી દે તો તમે ઘરની બહાર જ નીકળી જશો એની તેને ખાતરી છે એટલે એવી વાત તમને ન કહેવી એ તેના માટે સાવ સામાન્ય બાબત છે.

ભૂતપૂર્વ પ્રેમિકા

તમને એવું સાંભળવું ગમશે કે તમારા પ્રેમી/પતિને કૉલેજકાળમાં કેટલી બધી ગર્લફ્રેન્ડ્સ હતી? કેટલી છોકરીઓ તેના પર મરતી હતી? કેટલી છોકરીઓની પાછળ તે પડ્યા હતા? અને તે બધામાંથી કેટલી છોકરીઓ સાથે તેનું શારીરિક સમીકરણ કેવું હતું? જવાબ ‘ના’ જ હોય એની અમને ખાતરી છે. આવી વાતો સાંભળવી કઈ સ્ત્રીને ગમે? અને આ વાત તમારો પુરુષ પણ સારી રીતે જાણે છે એથી જ તે આવી વાતો તમારાથી સંતાડવાનો પ્રયત્ન કરશે. તમારે પણ તમારા પ્રેમી/પતિને આવી વાતો કહેવા માટે ર્ફોસ ન કરવો જોઈએ, કારણ કે તમારા ર્ફોસને કારણે તે અપસેટ થઈ જશે અને ફળસ્વરૂપે રાત તમારે એકલા ગુજારવાનો ખતરો પણ ખરો જ.

સ્ટ્રિપ-ક્લબનો અનુભવ

મોટા ભાગના પુરુષોને પોતાની આસપાસ જાતીય વૃત્તિને ઉશ્કેરે એવા ચેનચાળા કરીને નાચતી સ્ત્રીઓ જોવી ગમે છે. બિલાડીના ટોપની માફક ફૂટી નીકળેલા ડાન્સબાર એની સાબિતી છે. મોડી રાત સુધી આવા ડાન્સબાર ગ્રાહકોથી ઊભરાતા હોય છે. તમારો પુરુષ ક્યારેક આવા ડાન્સબાર કે સ્ટ્રિપ-ક્લબમાં પોતાના મિત્રો સાથે મનોરંજન માટે સાંજે કે રાત ગાળવાનું પસંદ કરે છે, પણ એ બાબતનું પાક્કું ધ્યાન રાખે છે કે આ વાતની ભનક સુધ્ધાં તમને ન પડે. પુરુષ ક્યારેય પોતાની સ્ત્રીને એમ પણ નહીં કહે કે તને મળ્યાં પહેલાં હું આવી જગ્યાએ નિયમિતપણે જતો હતો, કારણ કે આમ કહેવાથી ક્યારેક ઘેર આવવામાં વહેલું-મોડું થાય તો પ્રfનો પુછાવાનો ભય રહે છે, પણ જો તમને ખ્યાલ હોય કે તમારો પુરુષ આવી જગ્યાએ જાય છે તો તમારા માટે એ જાણવું જરૂરી છે કે તેને ત્યાં જવું શા માટે ગમે છે? તે જ્યારે આવી ક્લબમાં જાય છે ત્યારે શું કરે છે અને કેટલા રૂપિયા ખર્ચે છે?

મમા’સ બૉય

મોટા ભાગના પુરુષોને તેની માતાએ બહુ જ પૅમ્પર કર્યા હોય છે અને માથે ચડાવ્યા હોય છે એથી જ્યારે તેઓ મોટા થાય છે અને રિલેશનશિપમાં આવે છે અથવા લગ્ન કરે છે ત્યારે પોતાના પાર્ટનરને પોતાની મમ્મી સાથે સતત સરખાવ્યા કરે છે જેને કારણે અતિકુખ્યાત સાસુ-વહુની દુશ્મની શરૂ થઈ જાય છે. પુરુષો આ વાત જાણે છે પણ ચોક્કસપણે તેઓ તમને એ જણાવવા નથી માગતા કે તે મમા’સ બૉય (ગુજરાતીમાં માવડિયો) તરીકે ઊછર્યા છે અને આજે પણ પોતાના જીવનની નાની-નાની જરૂરિયાતો માટે તે પોતાની મમ્મી પર આધાર રાખે છે.

પૉર્નનો શોખ

તમારા પુરુષની હાર્ડ-ડિસ્ક પૉર્નથી ભરેલી હોય, પણ તેને તમે એ બાબતે પૂછશો તો તે અજાણ બની જશે. પુરુષોને પૉર્ન ગમે છે, પણ ઘણી વાર એ બાબત સ્વીકારતા તેમને સંકોચ થાય છે. પુરુષો ઘણી વાર તેમની ફૅન્ટસીની દુનિયાને વાસ્તવિક જીવનમાં મિક્સ કરવાનો પ્રયત્ન કરતા હોય છે એ ખોટું છે, પણ તમારે કાંઈ પોતાની સરખામણી સની લીઓનની સાથે કરવાની જરૂર નથી. જો તમને ખબર છે કે તમારો પાર્ટનર તેનું પૉર્ન-કલેક્શન છુપાવવા માગે છે તો તેને તમે એમ કરવા દો. તેને એ બતાવવા માટેનો આગ્રહ કરીને અપસેટ કરવાનો પ્રયત્ન કરવાની જરૂર નથી.

લાગણીશીલ છે

કોઈ પુરુષને રડતો અગર કોઈ સ્ત્રી જોઈ લે તો પુરુષને એ જરાય નથી ગમતું. એ જ એક કારણ છે કે પુરુષો ક્યારેય પોતાની જાતને એક્સપ્રેસ નથી કરી શકતા. તેઓ પોતાની જાતને મજબૂત દેખાડવા માગે છે અને પોતાની ઇમેજ મૅચોમૅનની ઊભી કરવા માગે છે. કેટલાક એવું માને છે કે આંસુડાં પાડવાં કે પોતાની લાગણીઓને ઉજાગર કરવી એના પર ફક્ત સ્ત્રીઓનો જ ઇજારો છે. તેઓ ક્યારેય એ બતાવવા નથી માગતા કે તેઓ પણ ચોક્કસ બાબતો પર લાગણીથી વિચાર કરે છે અને એ નાની-નાની બાબતો તેની પ્રેમિકા/પત્નીને પણ અસર કરવાની છે

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK