ભૂલતા નહીં, આગળની વાર્તા હજી પણ તમારા હાથમાં જ છે

Published: 15th January, 2021 18:10 IST | Jamnadas Majethia | Mumbai

શ્રેષ્ઠ વાર્તા લખવાની વાત આપણે કરીએ છીએ ત્યારે જે વીતી ગયું છે એનો અફસોસ કરવા બેસતા નહીં, ગયું એ ગયું. હવે નજર આગળની વાર્તા પર રાખીને એ વાર્તાને તમારી ઇચ્છા મુજબના વળાંક આપવાના છે

ભૂલતા નહીં, આગળની વાર્તા હજી પણ તમારા હાથમાં જ છે
ભૂલતા નહીં, આગળની વાર્તા હજી પણ તમારા હાથમાં જ છે

આપણે ગયા શુક્રવારે એટલે પાછલી સ્ટોરીમાં, સ્ટોરી એટલે કહું છું કે એ આર્ટિકલ સ્ટોરી જેવો જ હતો. એમાં વાત કરી કે બધાનું જીવન સ્ટોરીઝ જ હોય છે અને એટલે જ એ સ્ટોરીને બેસ્ટ સ્ટોરી બનાવવી જોઈએ, શ્રેષ્ઠ વાર્તા આપણે જ આપણી લખવી પડે. પોતાના જીવનની વાર્તા લખવાની શરૂઆત કેટલાએ કરી એની મને તો ખબર નથી, પણ જો તમે લખવાનું ચાલુ કર્યું હશે તો એ લખ્યા પછી તમને એ ફરી વાંચવાની બહુ મજા આવશે. વાંચીને પછી કરેક્ટ કરવાની પણ જરૂર પડતી હશે. લખતી વખતે કે પછી વાંચતી વખતે કે પછી બન્ને વખતે તમને તમારી જિંદગી જરૂરથી રસપ્રદ અને ડ્રામૅટિક લાગી હશે. ઘણી વાર આપણે એવી પળોને યાદ કરીને આજે ખૂબ હસતા હોઈએ છીએ. જ્યારે એક નાની અમસ્તી કોઈ વાત માટે આપણે એ સમયે બહુ રડ્યા હોઈએ. એનાથી ઊલટું પણ હોય. જ્યારે ખૂબ હસ્યા હોઈએ, મિત્રો સાથે કે પરિવાર સાથે ત્યારે એ યાદોને વાગોળતી વખતે આંખો ભીની પણ થઈ જાય છે. કેવાં અદ્ભુત ઇમોશન્સ છે આ બધાં. આજે હસાવી દેતાં કે પછી આજે રડાવી દેતાં આ ઇમોશન્સનું એક કારણ છે, એ તમારો ભૂતકાળ છે અને ભૂતકાળમાં વાર્તા બહુ હોય, યાદોમાં આનંદ બહુ હોય અને મેં તમને કહ્યું હતુંને કે જ્યારે તમે તમારી જિંદગીમાં સ્ટ્રગલ કરી હોય કે કઠિન પરિસ્થિતિમાંથી પસાર થયા હો એ વાતને આજે જ્યારે જોશો ત્યારે તમને પોતાને માટે હીરો-હિરોઇન કે પછી રાજા કે રાણી જેવી લાગણી જન્મશે. ટૂંકમાં, એટલી આશા રાખું છું કે તમને તમારી સ્ટોરી બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી હશે અને ધારો કે હજી ન લખી હોય તો કંઈ વાંધો નહીં. જ્યારે પણ સમય મળે, મન થાય કે પછી સત્ય લખવાની હિંમત થાય તો લખજો, પણ હા, મનમાં તો વાર્તા બનાવવાની શરૂ કરી જ દેજો. એ વિચારો તમને કલ્પનાઓમાં લઈ જશે. તમને એવી બધી જગ્યાએ લઈ જશે જે જગ્યાઓએ તમે ભૂતકાળમાં ગયા હતા અને એની ખુશીઓ માણી હતી. એ યાદો તાજી થઈ જશે અને તમને ખૂબ જ મજા આવશે. આ છેને પેલાં બાળકો કરેને, ટપકાં ભેગાં કરીને પિક્ચર બનાવે એવું છે. આંખ સામે વાર્તાનું એક પિક્ચર ઊભું થશે જેને તમે તમારી બાયોગ્રાફી તરીકે રાખી શકશો. આપણે ક્યાં પબ્લિશ કરવી છે, પણ છતાંય પોતાની પાસે પોતાની એક વાર્તા હશે તો બહુ મજા આવશે.
ગયા શુક્રવારે મેં કહ્યું હતું કે આજે જે લખશો એ ભૂતકાળથી વર્તમાન સુધીની વાત થઈ. હવે આ વાર્તા ઇન્ટરેસ્ટિંગ છે કે નથી એ તમારે નક્કી કરવાનું છે, પણ અહીં મારે એક વાત કહેવી છે. ઘણા પિક્ચરનો ફર્સ્ટ હાફ સ્ટોરી અને કૅરૅક્ટર એસ્ટૅબ્લિશ કરવામાં જતો રહેતો હોય છે, પણ ઇન્ટરવલ પછીનું પિક્ચર તો ડિરેક્ટરના હાથમાં છેને, એવું જ આપણી વાર્તાનું છે. જે ગયું એ ગયું, પણ ભવિષ્ય તો આપણા હાથમાં છેને.
ધારો કે આપણી ભૂતકાળની વાર્તા સહેજ ઉપર-નીચે થઈ હોય તો વાંધો નહીં, આગળની વાર્તા સુંદર બનાવવાનું તમારા હાથમાં છે. એક સરળ ચાવી આપું તમને.
બકેટ-લિસ્ટ વિશે સાંભળ્યું છેને તમે? સાંભળ્યું જ હોય, પણ ધારો કે ન સાંભળ્યું હોય તો કહી દઉં કે બકેટ એટલે બાલદી. ઇચ્છાઓથી ભરેલી બાલદી. તમારા મનમાં જે ઇચ્છા હોય, આજ સુધી જે સપનાં જોયાં હોય કે મારે આ કરવું છે અને મારે પેલું કરવું છે એ સપનાંઓ લખી લેવાનાં છે, પણ હા, પચાસમા વર્ષે એવું વિચારો કે મારે બીજી વાર લગ્ન કરવાં છે તો ન થાય, એવી ઇચ્છાઓ બકેટ-લિસ્ટમાં નહીં મૂકતા. આવી ઇચ્છા કોઈ દિવસ પૂરી નથી થતી, પણ તમે જો વિચાર કર્યો હોય કે મારે અહીં જવું છે, મારે આ શીખવું છે, મારે આમ કરવું છે, મારે પેલું જોવું છે, મારે આ અનુભવવું છે તો એનું લિસ્ટ બનાવી લો, બધું સામાજિક મર્યાદાઓને ધ્યાનમાં રાખીને. મનમાં જે વિચાર કર્યો છે એને હવે અમલમાં મૂકવાનો છે. ઘણા એવા છે જેઓ જિંદગીભર મનનું મનમાં જ રાખી દે, પણ એવું નથી કરવું. આજે સમય છે કે તમે તમારું બકેટ-લિસ્ટ બનાવી શકો અને પછી એને ગોઠવી શકો છો. એને ગોઠવવામાં મજા એ છે કે તમે એનું પ્લાનિંગ કરી શકશો. એ પ્લાનિંગને લીધે ઘણી સ્પષ્ટતા પણ મનમાં આવી જશે. વાત બરાબર સમજાય એેને માટે મારી જ વાત કહું તમને.
મારી એક ઇચ્છા છે કે હું માઉન્ટ એવરેસ્ટના એક લેવલ સુધી જાઉં. આ ઇચ્છાને લીધે મને પ્રૅક્ટિકલી મારે શું કરવાનું છે એની મને ખબર પડી. જેમ જો મારે માઉન્ટ એવરેસ્ટ જવું હોય તો મારે એક વર્ષ સુધી મારા શરીરને એકદમ ફિટ રાખવું પડે. કમરની કે પછી પગની તકલીફ કે પછી એવી બીજી તકલીફ પર મારે પહેલેથી કામ કરવું પડે અને મારે ફિઝિયોથેરપિસ્ટને મળી મારી જાતને મજબૂત બનાવવી પડે. એ ઉપરાંત જો મને બ્રીધિંગની કે શ્વાસની તકલીફ હોય તો મારે એના પર પણ કામ કરવું પડે. ઊંચાઈથી મને ચક્કર આવતાં હોય કે પછી ઠંડા પ્રદેશની તકલીફ હોય તો મારે એના પર પણ કામ કરવું પડે. આ બધું કર્યા પછી પણ એનો એક કોર્સ છે, એ કોર્સની શોધખોળ કરવી પડે અને એ પૂરો કરવો પડે. મારે એવી વ્યક્તિઓને મળવું પડે જે જવાના હોય, તેમની સાથે વાર્તાલાપ કરીને બધું જાણવું પડે અને એ પછી મારે એનું બુકિંગ કરાવવું પડે, જે બહુ ઍડ્વાન્સ કરવું પડે. આમ એક લાંબી પ્રોસેસ છે અને એ આખી પ્રોસેસ પર મારે કામ કરવું પડે. આ કામ કરવાનું મને સૂઝ્‍યું ક્યાંથી તો એનો જવાબ છે, મારા બકેટ-લિસ્ટ પરથી. જો મેં વિચાર લખ્યો ન હોત કે મારે માઉન્ટ એવરેસ્ટના અમુક લેવલ સુધી જવું છે તો એને માટે મારે શું કરવાનું એ દિશામાં વિચારવાનું શરૂ કર્યું ન હોત. બકેટ-લિસ્ટનો આ ફાયદો છે. મારે સ્કાય-ડાઇવિંગ કરવું હતું તો મેં એ પણ કર્યું અને એવી જ બીજી ઍડ્વેન્ચર્સ ઇચ્છાઓ પણ મેં પૂરી કરી ને આવી તો મારી ઘણી ઇચ્છાઓ છે. બકેટ-લિસ્ટમાંથી એક બહુ સુંદર ઇચ્છાની વાત કહું તમને, જે મેં બહુ વર્ષો પહેલાં બનાવી હતી.
મારી ઇચ્છા હતી કે હું મારી દીકરીના ક્લાસમાં જઈને બેસું અને તેને ભણતી જોઉં. પ્રૅક્ટિકલી તો આ શક્ય જ નહોતું. કોઈ સ્કૂલ બેસવા જ ન દે. એમ થોડા કંઈ પપ્પાને બેસવા દે અને એ પણ માત્ર ઇચ્છા હોય એટલે, બાળક સાજુંમાંદુ હોય તો હજી સમજી શકાય, પણ આવી ઇચ્છાને કારણે પરમિશન મળે નહીં. દીકરીને ખબર હોય કે પપ્પા બેઠા છે, ક્લાસવાળાને ખબર હોય કે ફલાણી છોકરીના પપ્પા બેઠા છે એમ થોડું ચાલે. દીકરી તો હજી એક વાર સમજી જાય કે પપ્પાની ઇચ્છા છે તો એકવા ર પૂરી કરવા દો અને મને તો પાછું તેની પરમિશન સાથે બેસવું પણ નહોતું. એ પોતાના ઓરિજિનલ કે પછી નૅચરલ ફૉર્મમાં જ ભણતી હોય અને હું ક્લાસમાં બેઠો હોઉં એવી મારી ઇચ્છા હતી. મને હતું કે મારું આ બકેટ-લિસ્ટ ક્યારેય પૂરું નહીં થાય, પણ છેને કુદરત, આ મારી ઇચ્છા પણ હમણાં પૂરી થઈ અને એ પણ સાવ જુદી જ રીતે.
થયું એવું કે અત્યારના લૉકડાઉનમાં છોકરાઓ તો ઘરેથી જ ભણે છે. નસીબજોગ એવી અનેક મોમેન્ટ આવી જેમાં મને કેસર અને મિસરી ભણતાં હોય એ સમયે તેમની રૂમમાં બેસવા મળી ગયું. હું તેમની રૂમમાં બાજુમાં બેસીને મારું વાંચતો હોઉં તો એ લોકોને ખ્યાલ ન હોય, પણ મારું ધ્યાન તો તેની સ્કૂલમાં શું ચાલે છે એના પર જ હોયને. ખાસ એના માટે જ હું બેસતો હોઉં, પણ મારું કંઈ કામ ચાલતું હોય એવી ઍક્ટિંગ કરું હું. વાંચવું કે પછી લખવાનું કે એવું જેમાં એ લોકોને ડિસ્ટર્બ ન થાય. એ લોકો ભણતાં હોય ત્યારે હું સાંભળતો હોઉં કે તેની ટીચર શું કહે છે, એના પર મિસરી શું જવાબ આપે છે. કેસર કરતાં પણ મિસરીના ક્લાસમાં હું વધારે ગયો અને બહુ ધ્યાનથી, એકદમ શાંતિથી મેં તેને ભણતી નીરખી. જે ઇચ્છા પૂરી થવાની શક્યતા સાવ નહીંવત્ હતી એ મારું બકેટ-લિસ્ટ લૉકડાઉનમાં પૂરું થયું, જેની મને ખુશી છે. કોઈ દિવસ મેં વિચાર્યું નહોતું, કલ્પના નહોતી કરી કે મારી દીકરી ક્લાસમાં કેવી રીતે બિહેવ કરતી હશે એ હું જોઈ શકીશ. આવી મારી બીજી ઇચ્છાઓ છે એની અને તમારા બકેટ-લિસ્ટમાં આવનારી
ઇચ્છાઓની વાતો સાથે આપણે ફરી
મળીશું આવતા શુક્રવારે...

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK