ડોમ્બિવલીમાં ૧૨૫ સીસીટીવી કૅમેરા બેસાડવાનું કાર્ય પૂર્ણ

Published: 21st October, 2011 19:20 IST

ડોમ્બિવલીમાં છેલ્લા પાંચ મહિનાથી કોઈક ને કોઈક કારણસર લંબાઈ રહેલા ૧૨૫ સીસીટીવી (ક્લોઝ્ડ-સર્કિટ ટીવી) કૅમેરા બેસાડવાનું કામ હવે પૂર્ણ થઈ જતાં આ સંપૂર્ણ સર્વેલન્સ સિસ્ટમનું ઉદ્ઘાટન આવતી કાલે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરી દ્વારા કરવામાં આવશે.(લલિત ગાલા)

ડોમ્બિવલી, તા. ૨૧

નવાઈની વાત એ છે કે આ કૅમેરાનો ઉપયોગ ફક્ત સુરક્ષાના ઉપાય તરીકે જ નહીં, શહેરની કચરાકૂંડીઓમાંથી મ્યુનિસિપાલિટી દ્વારા સમયસર કચરો ઉપાડી શકાય એ માટે વૉચ રાખવામાં પણ કરવામાં આવશે.

સુરક્ષિત ડોમ્બિવલી, સ્વચ્છ ડોમ્બિવલી

આશરે દોઢ કરોડ રૂપિયાના ખચેર્ શહેરનાં ઈસ્ટ અને વેસ્ટ મળીને મહત્વનાં ૩૨ ઠેકાણે આ સીસીટીવી કૅમેરા બીજેપીના વિધાનસભ્ય રવીન્દ્ર ચવાણ લગાવી રહ્યા છે. રવીન્દ્ર ચવાણે આ ‘સુરિક્ષત ડોમ્બિવલી, સ્વચ્છ ડોમ્બિવલી’ અભિયાન વિશે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ડોમ્બિવલીમાં વધી રહેલા ઘરફોડી, વાહનચોરી અને ચેઇન-સ્નૅચિંગના કિસ્સાઓેને અંકુશમાં લાવવા સીસીટીવી કૅમેરા બેસાડવાનું નક્કી કર્યું હતું. આ ઉપરાંત આ કૅમેરાનો ઉપયોગ  કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડોમ્બિવલી વિભાગ દ્વારા પણ કચરાકૂંડી અથવા રોડ પરથી કચરાનો ઝડપથી નિકાલ થઈ શકે એ રીતે વૉચ રાખવાના હેતુથી પણ કરવામાં આવશે.’

કામ પાંચ મહિના લંબાયું

૧૨૫ સીસીટીવી કૅમેરા બેસાડવાનું કામ લંબાઈ જવાનાં કારણો આપતાં રવીન્દ્ર ચવાણે કહ્યું હતું કે ‘જૂન સુધી સંપૂર્ણ સિસ્ટમ લાઇવ કરી દેવાનો અમારો વિચાર હતો; પરંતુ સિંગાપોરથી સીસીટીવી કૅમેરા આવવામાં થોડું મોડું થઈ ગયું અને ત્યાર બાદ ભારે વરસાદને કારણે કામ લંબાઈ જતાં બે વખત અમારે ઉદ્ઘાટનની તારીખ લંબાવવી પડી હતી, પરંતુ હવે શનિવારથી આ સંપૂર્ણ સિસ્ટમ લાઇવ થઈ જશે.’

નીતિન ગડકરી દ્વારા ઉદ્ઘાટન

આવતી કાલે સાંજે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરી દ્વારા આ સર્વેલન્સ સિસ્ટમનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને ત્યાર બાદ ડોમ્બિવલી પોલીસ તેમ જ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા કૅમેરાનો ઉપયોગ કરીને સંપૂર્ણ શહેરનું મૉનિટરિંગ કરવામાં આવશે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK