ડોમ્બિવલીના ગણેશ મંદિરમાં ઢોલ અને શરણાઈના તાલે પુરુષો ગવડાવે છે ગરબા

Published: 20th October, 2012 07:16 IST

ડોમ્બિવલી (ઈસ્ટ)ના ગણેશ મંદિરમાં થતી સાર્વજનિક નવરાત્રિમાં બહુધા પુરુષો માતાજીની ભક્તિરૂપે ગરબા ગાય છે. સુવર્ણજયંતી ઊજવી રહેલા શ્રી સાર્વજનિક નવરાત્રિ મંડળના નેજા હેઠળ ગણેશ મંદિરના ચોગાનમાં જ નવરાત્રિના રાસગરબાનું આયોજન થાય છે. પરંપરાગત ઢોલી અને શરણાઈવાદન સાથે અહીં માતાજીના પુરુષભક્તો માઇક પરથી અવનવા ગુજરાતી ગરબાઓ ગાય છે જેને ગરબે ઘૂમતાં સ્ત્રી-પુરુષ-બાળકો ઝીલે છે.અલ્પા નિર્મલ


જોકે ફક્ત પુરુષો જ નહીં, સ્ત્રીઓ પણ અહીં માઇક પરથી ગરબાઓ ગાય અને ગવડાવે છે એમ કહેતાં મંડળના કાર્યકર રાજુભાઈ લખમાણી ઉમેરે છે, ‘પણ અમારા જ મંડળના કાર્યકર વિજય જોષીને માતા પર અપ્રતિમ શ્રદ્ધા હોવાથી ૯ દિવસમાં ૬-૭ દિવસ તો તેઓ જ ભક્તિગીતો ગાય છે.’

‘માડી તારા મંદિરિયામાં ઘંટારવ વાગે’ કે ‘તું કાળી ને કલ્યાણી રે મા’, ‘પાવા તે ગઢથી ઊતર્યા મા’ જેવાં પ્રાચીન ભાવગીતો ગાતા જોષીસાહેબને અન્ય બે માઈભક્તો ગાવામાં સહકાર પણ આપે છે.

પચાસ વર્ષ પહેલાં ડોમ્બિવલીમાં નવરાત્રિનું આયોજન નહોતું થતું ત્યારે ડોમ્બિવલીવાસીઓ કલ્યાણ, તળ મુંબઈ સુધી ગરબા રમવા-જોવા જતા. ત્યાર બાદ ૧૯૬૩માં સ્વ. નાનજીભાઈ સાપરાના કમ્પાઉન્ડમાં માતાજીનો ફોટો મૂકી નવરાત્રિનો આરંભ કરવામાં આવ્યો જે ત્રણ વર્ષ સુધી ચાલ્યો અને પછી મુંબઈ કુંભારવાડા પ્રજાપતિ નવરાત્રિ મંડળે ચાંદીની ગરબી બનાવડાવી આ મંડળને ભેટ આપી ત્યારથી અહીં દર વર્ષે ધામધૂમથી નવરાત્રિ ઊજવાય છે અને ત્યાર બાદ એ ડોમ્બિવલીના અતિ પ્રખ્યાત ગણેશ મંદિરના પ્રાંગણમાં સાર્વજનિક રીતે નવરાત્રિ ઉત્સવ સ્વરૂપે ઊજવાય છે. પૂર્વ કાળમાં જ્યારે સમયની પાબંદી નહોતી ત્યારે ફક્ત પાંચથી સાત બહેનો અહીં રાસગરબા રમતી અને રાત્રે ૯ વાગ્યે ફક્ત ભાઈઓ ગરબે ઘૂમતા. પરંતુ જ્યારથી સરકારે ૧૦ વાગ્યાની ડેડલાઇન આપી ત્યારથી ભાઈઓ અને બહેનો સાંજે સાડાઆઠથી દસ વાગ્યા સુધી સાથે રાસગરબા રમે છે જેમાં યંગસ્ટર્સ પણ હોંશે-હોંશે જોડાય છે. ડીજે અને ઑર્કેસ્ટ્રાના જમાનામાં યુવાધન દેશી ગરબામાં ઉલ્લાસપૂર્વક જોડાય એ ખરેખર નવાઈની બીના છે.

શ્રી સાર્વજનિક નવરાત્રિ મંડળની આ નવરાત્રિમાં સૌરાષ્ટ્રમાં જે પ્રમાણે પરંપરાગત વિધિવિધાનપૂર્વક ઘટસ્થાપના, ચંડીપાઠ, હવન થાય એ જ રીતે મહાશક્તિની શ્રદ્ધાપૂર્વક આરાધના કરવામાં આવે છે.

તસવીર : સૈયદ સમીર અબેદી

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK