ડોમ્બિવલીના યુવાનની શ્રદ્ધાંજલિ સભા અને કૅન્ડલ-માર્ચમાં સેંકડો લોકો ઊમટ્યા

Published: 10th December, 2012 07:28 IST

ડોમ્બિવલી (ઈસ્ટ)ના નવનીતનગર કૉમ્પ્લેક્સમાં ટીનેજરો દ્વારા કૉમ્પ્લેક્સમાં જ રહેતી એક છોકરીની છેડતી કરવાના મુદ્દે તેમનો સામનો કરનારા ૧૯ વર્ષના સંતોષ વીંછીવોરાની તે ટીનેજરોએ સોમવારે હત્યા કરી હતી.
ગઈ કાલે તેને શ્રદ્ધાંજલિ આપવા નવનીતનગરમાં આયોજિત શ્રદ્ધાંજલિ સભા અને કૅન્ડલ-માર્ચમાં સેંકડો લોકો જોડાયા હતા.

કચ્છી વીસા ઓસવાળ જ્ઞાતિના સંતોષની આ શ્રદ્ધાંજલિ સભામાં નવનીતનગરમાં રહેતા જૈનો તો આવ્યા જ હતા, પણ આજુબાજુના વિસ્તારોમાંથી જૈનેતર લોકો પણ જોડાયા હતા. એ વિશે વધુ માહિતી આપતાં નવનીતનગરમાં રહેતા ખુશાલ નાગડાએ કહ્યું હતું કે ‘સંતોષની શ્રદ્ધાંજલિ સભામાં આઠ વર્ષનાં બાળકોથી લઈને ૮૦ વર્ષના વૃદ્ધો આવ્યા હતા. આ શોકસભામાં દેસલેપાડા ગ્રામપંચાયતનાં પ્રમુખ પ્રિયા માળી, ઉપપ્રમુખ કુંદન માળી, કલ્યાણ જિલ્લાનાં સભાપતિ જાઈબાઈ ગજાનન પાટીલ પણ આવ્યાં હતાં. ૧૦૦૦થી ૧૨૦૦ લોકો માત્ર શ્રદ્ધાંજલિ સભામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમના સહિત અન્ય લોકોએ કૅન્ડલ-માર્ચમાં પણ ભાગ લીધો હતો. શોકસભામાં કચ્છ-ભોજાયનાં નીતા નાગડાએ સંગીતમય અંજલિ આપતાં સાથીકલાકારો સાથે જૈન સ્તવન અને ભક્તિગીતો રજૂ કયાર઼્ હતાં. નવનીતનગર બનાવનાર ક્ચ્છી જૈન ફાઉન્ડેશનના ટ્રસ્ટી જિજ્ઞેશ દેઢિયાએ કહ્યું હતું કે ‘અમે સંતોષના મૃત્યુને લઈ તેના પરિવાર પર આવી પડેલા દુ:ખમાં સહભાગી છીએ. અમે આ વિસ્તારમાં વધુ પોલીસ-પૅટ્રોલિંગ થાય અને એક બીટચોકી બનાવવામાં આવે એવી રજૂઆત માનપાડા પોલીસ-સ્ટેશનમાં કરી છે.’

કૅન્ડલ-માર્ચ વખતે માનપાડા પોલીસ-સ્ટેશનની એક વૅન સાથે રહી હતી. આ કેસના આરોપી પંકજ સુજય પાલને આજે પોલીસ-કસ્ટડી પૂરી થતાં ફરી ર્કોટમાં હાજર કરવામાં આવશે. કેસની તપાસ કરી રહેલા માનપાડા પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર ઇન્દ્રજિત કાર્લે‍એ કહ્યું હતું કે ‘મિડિયામાં એવા અહેવાલ વહેતા થયા છે કે જે દિવસે ઘટના બની એ વખતે ત્યાં ૩૦થી ૩૫ જણ હાજર હતા. જો એમ જ હોત તો એ અમારા માટે પણ સારું હોત કે અમે એ લોકોનાં સ્ટેટમેન્ટ નોંધી શક્યા હોત. જોકે હકીકત એ નથી. એ સમયે રાતના સાડાનવ વાગ્યા હતા અને ત્યાં પાંખી અવરજવર હતી. નવનીતનગર કૉમ્પ્લેક્સમાં પણ થોડા લોકો હતા જે દૂર હતા. અમે કેસની પૂરતી તપાસ કરી છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK