Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > યુદ્ધથી સમસ્યાનો હલ થાય?

યુદ્ધથી સમસ્યાનો હલ થાય?

30 August, 2020 07:52 PM IST | Mumbai
Dr Dinkar Joshi

યુદ્ધથી સમસ્યાનો હલ થાય?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


માણસજાત લાખો વૈશ્વિક પ્રજાતિઓમાં પોતાને શ્રેષ્ઠ માને છે. ભલે માનતી. આજે આપણે તેમની આ માન્યતા સામે વિવાદ નથી કરવો. આ માન્યતા વિવાદાસ્પદ હોવા છતાં! કોઈ પણ પ્રજાતિમાં સંઘર્ષો થાય છે. વાંધાવચકા થાય છે. માણસ સિવાયની તમામ પ્રજાતિઓમાં વાંધાવચકા થાય ત્યારે સીધું જ બાહુબળ એટલે કે યુદ્ધ શરૂ થઈ જાય છે. આ યુદ્ધ જેવું શરૂ થાય એવું એટલે કે થોડા સમયમાં જ પૂરું થઈ જાય છે. પરાજિત પક્ષ લોહીલુહાણ થઈને જતો રહે છે. આવા યુદ્ધનું કારણ એક જ હોય છે કાં તો ભોજન અથવા તો માદા. તમે કૂતરાને શેરીઓમાં લડતા જોયા હશે. આ કૂતરાઓ શેરીના અમુક નાકા સુધી જ પોતાને માલિક સમજે છે. એ ખાસ નાકું વળોટીને આ તરફના કૂતરાઓ પેલી તરફ જતા નથી. ઝઘડવાની ક્ષણ આવે છે ત્યારે આ કૂતરાઓ પરસ્પર મંત્રણાઓનો ઢોંગ કરતા નથી. શાંતિ સમિતિઓ નીમતા નથી. સીધા જ યુદ્ધમાં ઊતરી જાય છે અને થોડીક મિનિટોમાં આ યુદ્ધ પૂરું પણ થઈ જાય છે. જંગલનો રાજા સિંહ સિંહણ રાણી માટે યુદ્ધ કરે છે, પોતાના માની લીધેલા શિકાર માટે પણ યુદ્ધ કરે છે પણ આ બે સિવાય યુદ્ધના ત્રીજા કોઈ કારણમાં એને રસ નથી હોતો. ગીરમાં કે આસપાસનાં જંગલોમાં વસતા ગીરવાસીઓને પૂછી જોજો. ગીરના જંગલમાંથી પસાર થતી વખતે રસ્તાની એક ધાર ઉપર સિંહ સૂતો હોય, પણ જો ભૂખ્યો ન હોય તો પસાર થતા મુસાફર તરફ એ જોતો પણ નથી.
માણસનું એવું નથી. માણસ સત્તા માટે, સંપત્તિ માટે, સુંદરતા માટે, સ્વામીત્વ માટે અને એવા બીજાં અહંકાર પ્રેરિત અનેક કારણો માટે ઝઘડતો રહે છે. બીજી કોઈ પ્રજાતિ આવા કોઈ કારણ માટે પરસ્પર ઝઘડતી નથી. બીજી કોઈ પ્રજાતિ જ્યારે યુદ્ધ આદરે છે ત્યારે ક્ષુધાતૃપ્તિ અથવા જાતીયતાનો સંતોષ મૂળભૂત કારણ હોય છે. આ બે કારણો પૂરાં થઈ જાય છે એટલે યુદ્ધ સમાપ્ત થઈ જાય છે. એ યુદ્ધ લાંબા ગાળાનું નથી હોતું. માણસનું યુદ્ધ વરસો તો ઠીક પેઢીઓ સુધી લંબાતું હોય છે. માણસ પાસે ઇતિહાસ છે. અન્ય પ્રાણીઓ પાસે ઇતિહાસ નથી એટલું જ નહીં, માણસ પાસે સંતોષ નથી. સત્તા, સંપત્તિ આ બધા માટે એ હંમેશાં અસંતુષ્ટ હોય છે. પરિણામે એની વાસના પૂરી થતી નથી અને એ વાસના પૂરી કરવા માટે યુદ્ધ સતત ચાલુ રહે છે.
માણસ પોતાને સુસંસ્કૃત અને સંસ્કારી માને છે, શિક્ષિત માને છે, ઇતિહાસ પાસેથી પાઠ શીખે છે એવું કહે છે પણ વાસ્તવમાં માણસના ઇતિહાસનો એક પણ દિવસ એવો નથી કે જ્યારે
માણસે યુદ્ધ ન કર્યું હોય! આદિ કાળથી આજ સુધીનો ઇતિહાસ તપાસીએ તો પૃથ્વી ઉપર માણસ ક્યાંય ને ક્યાંય યુદ્ધ ન કરતો હોય એવું જોવા નહીં મળે. માણસ સૈદ્ધાંતિક રીતે યુદ્ધનો ભરપૂર વિરોધ કરે છે પણ હકીકતે કોઈ પણ સમસ્યાનો ઉકેલ યુદ્ધથી જ આવે એવું પ્રતિપાદિત કરે છે. મહાભારતના યુદ્ધથી માંડીને કારગિલના યુદ્ધ સુધી આ જ વાત પુરવાર થાય છે. મહાભારતના યુદ્ધમાં મરાયેલા માણસો, અશ્વો, હાથીઓ અને અન્ય નાનામોટા જીવોની ગણતરી કરીએ તો એ સંખ્યા અઢાર અક્ષૌહિણીની છે. આ અઢાર અક્ષૌહિણી એટલે વ્યવહારિક અર્થમાં લગભગ ૪૭ લાખ થાય. અહિંસા પરમો ધર્મ આવું સૂત્ર મહાભારતમાં જ અપાયેલું છે અને આમ છતાં મહાભારતમાં જ જે યુદ્ધ થયું એમાં એકીસાથે ૪૭ લાખ જીવોની હત્યા થઈ છે.
જગતનાં યુદ્ધોનો ઇતિહાસ જો તપાસીએ તો એક ઊડીને આંખે વળગે એવું સામ્ય નજરે પડે છે. મોટા ભાગનાં યુદ્ધો ભલે ગમે તે કારણોસર થયાં હોય પણ વાસ્તવમાં એક વ્યક્તિનો અહંકાર જ એના પાયામાં રહેલો હોય છે. મહાભારતના યુદ્ધમાં દુર્યોધને અહંકાર ઓગાળી નાખ્યો હોત તો આ યુદ્ધ થાત ખરું? મહાભારતના યુદ્ધ માટે ભલે પાંડવ-કૌરવ વચ્ચે ખેલાયેલા દ્યુતને કે પછી દ્રૌપદી વસ્ત્રાહરણને દેખીતું કારણ માનવામાં આવતું હોય પણ વાસ્તવિક કારણ દુર્યોધનનો અહંકાર જ છે. એ જ રીતે સિકંદરથી માંડીને હિટલર સુધીના યુદ્ધપિપાસુઓ સેંકડો સૈનિકો અને નાગરિકોના મૃત્યુ માટે કારણભૂત બન્યા. ૧૯૧૪–૧૯૧૮નું પહેલું મહાયુદ્ધ વિશ્વયુદ્ધ કહેવાયું અને યુરોપના મોટા ભાગના દેશોએ આમાં ઝંપલાવ્યું અને જ્યારે એ પૂરું થયું ત્યારે મૃત્યુ પામેલા નાગરિકો અને સૈનિકોની સંખ્યા લગભગ એક કરોડને ઓળંગી ગઈ હતી.
માણસજાત પોતાના પ્રશ્નોને હલ કરવા માટે પરસ્પર વચ્ચે બળનો આશરો લે છે. બળ એ પશુઓનું માધ્યમ છે. માણસ પાસે બાવડાના બળ ઉપરાંત બુદ્ધિનું બળ પણ છે. અપેક્ષા એવી રહે છે કે માણસ પોતાની સમસ્યાઓ આ બુદ્ધિબળથી ઉકેલે. પણ આમ બનતું નથી. એનું પરિણામ એ આવે છે કે સમસ્યાઓના ઉકેલ માટે માણસ બાવડાના બળ પર ઊતરી પડે છે. આ બળથી સમસ્યા હલ નથી થતી પણ તાત્પૂરતી એને દબાવી શકાય છે. આ તાત્પૂરતી દબાયેલી સમસ્યા વખત જતાં માથું અવશ્ય ઊંચું કરે છે અને જેને ઉકેલ માનતા હતા એ ફરી એક વાર સમરાંગણ બનીને માણસને પડકારે છે.
૧૯૧૪-૧૯૧૮નું યુદ્ધ સમાપ્ત થયું એ પછી ૧૯૩૯–૧૯૪૫નું બીજું યુદ્ધ માણસજાતે જોયું. છ વરસ ચાલેલા આ સમરાંગણમાં માત્ર યુરોપના જ નહીં પણ અમેરિકા અને એશિયાના દેશો પણ ઊતરી પડ્યા. એવું કહેવાય છે કે બીજા વિશ્વયુદ્ધનાં કારણોનું બીજારોપણ પહેલા વિશ્વ યુદ્ધની સંધિમાં જ થયેલું હતું. આ યુદ્ધમાં છ કરોડ માણસો હોમાઈ ગયા હોવાનો અંદાજ છે. માણસે યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવા માટે તમામ અમાનુષી પદ્ધતિઓ સ્વીકારી છે. પોતાને પ્રાણીસૃષ્ટિમાં સૌથી ઉત્તમ પ્રજાતિ માનતા અને મનાવતા માણસે યુદ્ધના સમયે જે ક્રૂરતા અને હિંસાનો આશરો લીધો છે એ ભયાનક છે. પ્રાચીન કાળમાં જે શસ્ત્રો વપરાતાં એ શસ્ત્રો પણ કંઈ માનવીય નહોતાં. માણસ પરસ્પર લડી લે એ તો જાણે સમજ્યા, પણ એક રાજા કે એક સમ્રાટ કે એક સેનાપતિને માટે લાખો માણસો સૈનિક તરીકે દેશાભિમાનના નામે પ્રાણ ત્યજવા તૈયાર થઈ જાય એ તો એક ન સમજી શકાય એવી વાત છે. ટોલ્સ્ટૉયે અને કવિવર ટાગોરે આ રીતે દેશાભિમાનના નામે થતી હિંસાનો વિરોધ કર્યો હતો. રવીન્દ્રનાથ ટાગોરે પોતાની જપાનની મુલાકાત વખતે ઉગ્ર દેશાભિમાનનો વિરોધ કર્યો ત્યારે જપાનીઓએ એના વિરોધમાં તેમની મુલાકાતો રદ કરી અને અખબારોમાં ‘દાઢીવાળા ડોસા પાછો જા’ એવાં સૂત્રો પ્રગટ કર્યાં.
ટોલ્સટૉય અને ટાગોરની આ વૈચારિક ભૂમિકા માનવજાતની વિચારણા અવશ્ય માગી લે છે પણ માણસજાતને યુદ્ધ વિના ચાલ્યું નથી એ પરમ સત્ય છે. જગતમાં સારા અને નરસા એમ બન્ને પદાર્થો અસ્તિત્વ ધરાવે છે. આપણને જે ગમતું હોય છે એને આપણે સારું કહીએ છીએ અને આપણને જે નથી ગમતું હોતું એને નરસું કહીએ છીએ. આપણે જેને અત્યંત ગંદું અને ખરાબ કહેતા હોઈએ છીએ એનું હોંશે-હોંશે સમર્થન કરનારા લાખો માણસો આ પૃથ્વી ઉપર આપણી સાથે જ રહેતા હોય છે. આ માણસો પણ કંઈ રાક્ષસો નથી હોતા, ભૂતપ્રેત પણ નથી હોતા પણ આપણને જે નથી ગમતું એ તેમને ગમતું હોય છે. એનો અર્થ એવો થયો કે તેમને જે નથી ગમતું એ આપણને ગમતું હોય છે. હકીકતે સાચું શું અને ખોટું શું એ સિદ્ધ કરવામાં આ યુદ્ધની ભૂમિકા ઊભી થઈ જાય છે.
યુદ્ધમાં વિજેતા થવા માટે આપણે બીજું બધું તો ઠીક પણ સ્વયં માણસ મટી જઈએ છીએ અને આપણે જેને રાક્ષસ કહીએ એ વૃત્તિ તરફ વળી જઈએ છીએ. અણુ બૉમ્બ એનો પુરાવો છે. કોરોના – કોવિડ-19 અને એ પ્રકારનાં જંતુ યુદ્ધો તથા રસાયણો વડે પરસ્પરનો વિનાશ – વાસ્તવમાં સર્વસ્વનો વિનાશ છે એ તરફ આપણે જઈ રહ્યા છીએ.
(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝ પેપરના નહીં.)

માણસ પોતાને સુસંસ્કૃત અને સંસ્કારી માને છે, શિક્ષિત માને છે, ઇતિહાસ પાસેથી પાઠ શીખે છે એવું કહે છે પણ વાસ્તવમાં માણસના ઇતિહાસનો એક પણ દિવસ એવો નથી કે જ્યારે માણસે યુદ્ધ ન કર્યુ હોય! આદિ કાળથી આજ સુધીનો ઇતિહાસ તપાસીએ તો પૃથ્વી ઉપર માણસ ક્યાંય ને ક્યાંય યુદ્ધ ન કરતો હોય એવું જોવા નહીં મળે. માણસ સૈદ્ધાંતિક રીતે યુદ્ધનો ભરપૂર વિરોધ કરે છે પણ હકીકતે કોઈ પણ સમસ્યાનો ઉકેલ યુદ્ધથી જ આવે એવું પ્રતિપાદિત કરે છે.


Whatsapp-channel Whatsapp-channel

30 August, 2020 07:52 PM IST | Mumbai | Dr Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK