Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હેં!બ્લડ આપીએ તો વજન વધી જાય

હેં!બ્લડ આપીએ તો વજન વધી જાય

22 December, 2019 03:27 PM IST | Mumbai
Bhavya Gandhi | feedbackgmd@mid-day.com

હેં!બ્લડ આપીએ તો વજન વધી જાય

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


થોડા સમય પહેલાં મેં તાતા કૅન્સર હૉસ્પિટલમાં બ્લડ ડોનેટ કર્યું અને નક્કી પણ કર્યું કે હવેથી હું નિયમિત બ્લડ ડોનેશન માટે જઈશ. તમારાથી સોસાયટીને થાય એટલી હેલ્પ તમારે કરવી જોઈએ અને ખાસ તો એવી હેલ્પ જેનાથી કોઈનો જીવ બચે છે કે પછી કોઈના જીવનમાં સુખ આવે છે. થૅલેસેમિયા જેવી બીમારીથી પીડાતા કે પછી ઍક્સિડન્ટ સમયે જેને બ્લડની જરૂર પડે છે એ લોકો પાસે બીજો કોઈ ઑપ્શન હોતો નથી. બ્લડ ડોનેશન માટે બૉલીવુડ કે ટીવી-ઇન્ડસ્ટ્રીએ નિયમિત કાર્યક્રમો કરવા જોઈએ એવું મને લાગે છે. આવું માનવા પાછળનું કારણ પણ એ જ છે કે આજે પણ અનેક લોકો બ્લડ ડોનેશનથી ડરે છે. તમને હું રાજકોટની વાત કરું. રાજકોટમાં એક પ્રેસ-ફોટોગ્રાફર છે, જેનું વેઇટ ઑલમોસ્ટ ૮૦ કિલો છે અને તે એવું માને છે કે બ્લડ ડોનેશન કરવાથી વજન વધી જાય. આવી માન્યતાને લીધે એ બ્લડ ડોનેશન માટે રાજી નથી. આ વાત મેં સાંભળી છે અને એ સમયે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ ત્યાં હાજર હતા.

અહીંની વાત કરું તો બ્લડ ડોનેશન માટે જેકોઈ મેડિકલ સ્ટાફ હાજર હતો એણે એવા-એવા કિસ્સા કહ્યા જે સાંભળીને તમને ખરેખર નવાઈ લાગે કે બ્લડ ડોનેટ કરવામાં આવો ગભરાટ શું કામ હોવો જોઈએ? આપણા મુંબઈ શહેરમાં ઘણા એવું માને છે કે બ્લડ ડોનેટ કરવાથી જીવનું જોખમ વધે છે. એક ભાઈ એવું માને છે કે બલ્ડ ડોનેટ કરીએ તો હાર્ટ-અટૅકની શક્યતા વધી જાય. આવી જે ખોટી માનસિકતા છે એ દૂર કરવા માટે પણ સેલિબ્રિટી આગળ આવે એ ખૂબ જરૂરી છે. જો આ માન્યતા કાઢી શકાશે તો જ બ્લડ ડોનેશનની ઍ‌ક્ટિવિટીને પ્રમોટ કરી શકાશે. બ્લડ ડોનેશનની આ ઍક્ટિવિટીને શક્ય હોય એટલો વધારે પ્રચાર કરવાના રસ્તા મીડિયા દ્વારા પણ જો અપનાવવામાં આવે તો પણ એ સોસાયટીના બેનિફિટમાં રહેશે.



બ્લડ ડોનેશનની અવેરનેસ નથી એવું નથી, પણ મોટો પ્રૉબ્લેમ એ છે કે લોકો અજાણ્યા ડરથી કે પછી અણસમજને લીધે એવું કરવા જવાનું ટાળે છે. ઇન્જેક્શન અને નિડલનો ડર એવી રીતે મારી ફ્રેન્ડ્સમાં મેં જોયો છે જેને જોઈને હસવું આવે. પોતાને માટે પણ એ ઇન્જેક્શન લેવાની ના પાડી દે છે તો પછી કેવી રીતે તે પોતાની બૉડીમાંથી બ્લડ લેવા માટે પરમિશન આપી શકે. આપણે હવે લોકોના મનમાંથી આ ડર કાઢવાની જરૂર છે. આમ કરવા માટે જો કોઈ સ્ટેપ લેવાનું હોય તો હું એને માટે તૈયાર છું અને મારો કોઈ સપોર્ટ જોઈતો હોય તો પણ હું તૈયાર છું. આપણે ત્યાં અવેરનેસનું કામ કરતા લોકો ક્યારેય નવાં સ્ટેપ પર નથી જઈ રહ્યા એવું મને લાગે છે. અત્યારે બ્લડ ડોનેશનની જ વાતને ફોકસ કરીને કહું તો બ્લડ ડોનેટ કરવું જોઈએ એને માટે આપણે ખૂબબધી જાહેરાતો કરી, અવેરનેસના પ્રોગ્રામ કર્યા અને એ એમ જ હજી ચાલુ રાખ્યું. ભાઈ, જરા તો સમજો કે તમે લોકોને એબીસીડી શીખવી દીધી, હવે અમે એ શીખી લીધી, નવું શીખવો, નવાં સ્ટેપ પર લઈ જાઓ.


બ્લડ ખૂબ અગત્યનું છે એ સમજાવી દીધા પછી આપણે એવા લોકોને બહાર લાવવાનું કામ કરવું પડશે જેને બ્લડ ડોનેશનમાં વાગતી નિડલનો ડર છે. આ ડર કઢાવવાનું કામ કરવામાં આવશે તો એક એવો મોટો ક્લાસ બ્લડ ડોનર બનશે જેણે ક્યારેય બ્લડ ડોનેશન માટે વિચાર્યું સુધ્ધાં નથી. આપણે નવા ડોનર લાવવા પડશે. આ નવા ડોનર આપણી સામે તૈયાર છે, પણ તેમને આપણે સાચી રીતે બહાર લાવવાનું કામ નથી કરી રહ્યા. મને લાગે છે કે આ બાબતમાં સોસાયટીએ જ નહીં, સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્નમેન્ટે પણ કામ કરવું જોઈએ. સ્કૂલ-લેવલ પર જ જો આ અવેરનેસ લાવવાનું કામ શરૂ કરી દેવામાં આવે તો એનાથી બહુ મોટો બેનિફિટ થશે. બ્લડ ડોનેશનને પણ પ્રાધાન્ય મળશે અને જે ખોટી અને વાહિયાત ભ્રમણા છે એ ભ્રમણા પણ દૂર થશે.

બ્લડ ડોનેશન માટે એ પ્રકારે જાગૃતિ લાવવી જરૂરી છે જેથી આપણે મૅક્સિમમ લોકોનો જીવ બચાવી શકીએ. તમે માનશો નહીં પણ એ હકીકત છે કે આપણે ત્યાં દર કલાકે ચાર લોકો બ્લડ નહીં મળવાને કારણે મૃત્યુ પામે છે. આ આંકડા મને કોઈ ગેરવાજબી જગ્યાએથી નથી મળ્યા, પણ હૉ‌સ્પિટલમાંથી જ ડૉક્ટરો દ્વારા આપવામાં આવ્યા છે. એ આંકડા સાંભળતી વખતે મારું મોઢું ખુલ્લું રહી ગયું હતું. આપણે ટેક્નૉલૉજીમાં એટલા આગળ વધી ગયા છીએ જેની કોઈ કલ્પના ન થઈ શકે, પણ સાથોસાથ આપણે એ સ્તરે પણ છીએ કે એક વર્ગ આ બધી વાતોથી બિલકુલ અજાણ છે. બ્લડ ડોનેશનની પ્રક્રિયામાં એ રસ લેવા તૈયાર નથી, બ્લડ તેણે ક્યારેય આપ્યું નથી કે બ્લડ આપવા તે સહેજ પણ રાજી નથી.


જે તમારા શરીરમાંથી કાઢી શકાય અને એ પછી પણ તમારા જીવને કોઈ પ્રૉબ્લેમ ન આવે, તમને કોઈ તકલીફ ન પડે કે પછી તમારે કોઈ જાતની હેરાનગતિ સહન ન કરવી પડે તો પછી એ આપવામાં વાંધો શું પડી શકે? બ્લડ ડોનેશન માટે મેં આગળ કહ્યું એમ, સ્કૂલ સમયથી જ જાગૃતિ લાવવાનું કામ કરવું જોઈશે. જો એવું થશે તો બાળકો ઘરે જઈને તેના પેરન્ટ્સને પૂછતા થશે અને જો એ પ્રકારના સવાલ પૂછવાનું શરૂ થયું તો જ માબાપ પણ શરમજનક અવસ્થામાં મુકાશે. શરમજનક અવસ્થા આવશે તો ઍટ લીસ્ટ ૧૦માંથી ૪ માબાપ તો જાગશે.

આપણે ત્યાં બ્લડ ડોનેશન માટે લેડીઝ વધારે તૈયાર નથી થતી એવું પણ મેં સાંભળ્યું. શરમજનક કહેવાય. આજે આપણે ત્યાં છોકરીઓ બધી વાતમાં પુરુષોની સરખામણી કરતી હોય તો આ જે ખરાબ વાત તેમની સાથે જોડાયેલી છે એ પણ તેમણે કાઢવાનો પ્રયાસ કરવો જોઈએ. હું એવી કોશિશ કરવાનો છું કે મારી સાથે જોડાયેલી જેકોઈ ઍક્ટ્રેસ છે તેમને હું બ્લડ ડોનેશન માટે સમજાવીશ અને તેમને બ્લડ ડોનેશન માટે અપીલ કરવા પણ સમજાવીશ. મારું તમને પણ કહેવું છે કે જો તમારી બહેન કે મમ્મીની હેલ્થ સારી હોય, તંદુરસ્ત હોય તો તેમને બ્લડ ડોનેશન માટે તમે સમજાવો. આ કામ કરવું તો કોઈએ પડશે જ. જો આ કામ સારી રીતે થઈ શકશે તો સારું થશે. સેંકડો લોકોના જીવ બચશે અને સેંકડો લોકોના પરિવારની ખુશી અકબંધ રહેશે.

છેલ્લા થોડા સમયથી બ્લડની જરૂરિયાત વધી છે એવું હૉસ્પિટલનું કહેવું છે. હૉસ્પિટલના ટ્રસ્ટીઓ એ પણ કહે છે કે થૅલેસેમિયા જેવી તકલીફો તો અમુક અંશે કાબૂમાં આવી રહી છે, પણ ઍક્સિડન્ટનું પ્રમાણ વધી ગયું છે એને લીધે બ્લડની જરૂરિયાત વધારે માત્રામાં ઊભી થઈ છે. રોડ સેફ્ટી સપ્તાહની ઉજવણી થાય છે, પણ એ ઉજવણી પછી પણ આપણે સ્પીડને કાબૂમાં લેવાનું ભૂલી જઈએ છીએ. સ્પીડ પકડતી વખતે આપણને એ યાદ નથી હોતું કે ઘરે આપણી ફૅમિલી રાહ જુએ છે. રાહ જોતી ફૅમિલીને રિસ્પેક્ટ આપવાના હેતુથી પણ સ્પીડ પકડવાનું ટાળવું જોઈએ. જો તમને એવું લાગતું હોય કે બહુ મોડું થઈ ગયું છે તો જાતને ટપારીને પૂછી લેવું કે અત્યારે ઉતાવળ કરવી છે કે પછી ઘરે પાછા જવાની ચીવટના ભાગરૂપે સ્પીડ પકડવી નથી.

મોટા ભાગના રોડ-ઍક્સિડન્ટમાં થતા ડેથમાંથી ૪૦ ટકા ડેથ વધારે પડતું બ્લીડિંગ થવાને કારણે થાય છે. ૧૬ ટકા લોકો સમયસર બ્લડ નહીં મળવાને કારણે અવસાન પામે છે. બ્લડ. બધી જગ્યાએ બ્લડની વાત છે અને આપણે એ બ્લડ આપવામાં ખચકાટ રાખીએ છીએ, મનમાં ડર રાખીએ છીએ. કાઢો આ ડર, આપો લોહી. લોહી વહાવવા કરતાં બહેતર છે કે એ આપવાની પ્રક્રિયામાં સામેલ થઈએ.

Whatsapp-channel Whatsapp-channel

22 December, 2019 03:27 PM IST | Mumbai | Bhavya Gandhi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK