યક્ષપ્રશ્નઃ શું કોઈ એક ભૂલ કરે તો એને જીવવાનો કોઈ હક રહેતો નથી?

Published: Feb 06, 2020, 16:42 IST | Manoj Joshi | Mumbai Desk

મેરે દિલ મેં આજ ક્યા હૈ? : આ લાગણી અને આ સંવેદના કેવા તબક્કે ધ્યાનમાં રાખવાના હોય અને કેવા સંજોગોમાં એને માન મળવું જોઈએ એ પણ સમજવું પડશે.

હા, નથી રહેતો. જો એ ભૂલ એ સ્તરની હોય.
આપણે વાત કરીએ છીએ નિર્ભયા કેસની...અને નિર્ભયા કેસમાં હમણાં પટિયાલા હાઉસ કોર્ટમાં આ પ્રશ્ન પૂછવામાં આવ્યો. આ પ્રશ્નના જવાબમાં કેવી દલીલો થઈ એ મહત્ત્વનું નથી. મહત્ત્વનો આ પ્રશ્ન જ છે અને આ પ્રશ્નનો એક જ જવાબ હોઈ શકે. જો ભૂલ એ સ્તરની હોય, જો ભૂલમાં નરાધમતા ભારોભાર ટપકતી હોય તો એને જીવવાનો કોઈ હક રહેતો નથી અને આ જ હકીકત છે. આ હકીકતને આપણે, હિન્દુસ્તાને સ્વીકારવાની જરૂર છે. માનવીય સંવેદનાને આંખ સામે રાખવામાં આવે, માનવીય લાગણીઓને નજર સામે રાખવામાં આવે એ વાજબી છે. કશું ખોટું નથી એમાં, પણ આ લાગણી અને આ સંવેદના કેવા તબક્કે ધ્યાનમાં રાખવાના હોય અને કેવા સંજોગોમાં એને માન મળવું જોઈએ એ પણ સમજવું પડશે.

નિર્ભયા કેસમાં કોઈ લાગણી અને સંવેદનાનો ઉપયોગ થયો નહોતો, નિર્ભયા સાથે એક પણ પ્રકારનું ભાવનાત્મક વર્તન પણ કરવામાં આવ્યું નહોતું અને એ કહેવાની પણ જરૂર નથી. કોઈની પણ સામે એ આખી ઘટના એક વખત વર્ણવો, જુઓ એને. પથ્થર હૃદયનો હશે એ માણસ તો પણ પીગળી જશે. જો ઘટના ઘટી ગયાને એક દશક પૂરો થવા આવતો હોય અને એ પછી પણ એ ઘટના શરીરનું એકેક રુંવાડું ઊભું કરી દેતું હોય તો પછી ક્યાંથી કોઈ સંવેદના અને લાગણીનો ઉપયોગ કરવામાં આવે અને કરવો પણ શું કામ જોઈએ?

નિર્ભયા કેસ જ નહીં સાહેબ, આ દેશની એક પણ દીકરી સાથે ગેરવાજબી વર્તન થાય તો એમાં ચોક્કસપણે મારે-તમારે કે સમાજની કોઈ પણ વ્યક્તિએ એવી વાત મૂકવી ન જોઈએ કે એક ભૂલનો અર્થ પણ મૃત્યુ. હા, હોઈ શકે, જો દીકરીનું મૂલ્ય તમે સમજી શકવાના ન હો તો તમારી એ એક ભૂલ જ અંતિમ ભૂલ ગણવી જોઈએ. આજે આપણે ત્યાં દીકરીઓ સાથે હંમેશાં હલકું, નબળું કે વાહિયાત વર્તન કરવામાં આવે છે. શું કામ થાય છે એ વર્તન? જરા વિચારો તમે. વિચારશો તો ખબર પડશે કે એ આખી અવસ્થા તમારી કાનૂની પ્રણાલીના કારણે છે.

સમય આવી ગયો છે કે હવે કાનૂની પ્રણાલીમાં પણ થોડી અક્કડતા આવે, થોડી જડતા આવે અને સંવેદનાઓનો ક્ષય કરવામાં આવે. ન્યાય કરવા માટે બેઠા હો એવા સમયે તમારી નજર પહેલાં એક જ વાત પર રહેવી જોઈએ કે કેવો અન્યાય થયો છે? અન્યાયની માત્રા જોઈને ન્યાયની માત્રા નક્કી કરવામાં આવશે તો જ સાચો ન્યાય આપી શકાશે. મેડિકલમાં ભણતી એક દીકરી સાથે ધુત્કાર છૂટે એવું વર્તન કરીને ઘરમાં પેસી જનારા નરાધમો આજ સુધી જીવે એ જ તો પહેલાં આ દેશના ન્યાયાલય પર કલંક છે. એક દીકરીનો જીવ લઈને નરાધમો જો પોતાના ઘરમાં પાછા જઈને પત્ની, મા કે સંતાનોને મળી શકે એ વાત જ માનવીય સમાજ પર કાળી ટીલી બરાબર છે. કાળી ટીલીને રડવાનો સમય નથી સાહેબ આ. આ સમય છે દીકરીઓને એના સન્માનની દિશામાં પાછાં લઈ જવાનો. જો દીકરીને સન્માનીય સમય આપી શકશો તો જ તમે એ દીકરીની આંખ સાથે આંખ મિલાવી શકશો. જો તમે દીકરીને માન અને આદર અપાવી શકશો તો જ એ માન અને આદર તમને મળશે. નક્કી તમારે કરવાનું છે, દીકરીઓને માન-સન્માન આપીને સ્વાભિમાન કમાવવું છે કે પછી અત્યારે, દુનિયાભરમાં ભારતનું નામ પડતાં જે લાચારીનો ભાવ જન્મે છે એને અકબંધ રાખવો છે?
ચૉઇઝ ઇઝ યોર્સ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK