મહારાષ્ટ્રમાં કોરોનાની સેકન્ડ વેવ?

Published: 17th February, 2021 10:00 IST | Vinod Kumar Menon | Mumbai

ડૉક્ટરોને રોગચાળાનો બીજો જુવાળ ફેલાવાની આશંકા: જોકે નિષ્ણાતોનું કહેવું છે કે સેકન્ડ વેવ બહુ આકરી નહીં હોય, પણ સુરક્ષાની તકેદારી અનિવાર્ય

મુંબઈ તથા મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં કોરોના-ઇન્ફેક્શનના રોજિંદા કેસમાં વધારો થતાં તબીબી નિષ્ણાતોએ રોગચાળાના બીજા જુવાળની આશંકા દર્શાવી છે. જોકે આવી આશંકા દર્શાવતાં ડૉક્ટરોએ શરૂઆતમાં રોગ જે આક્રમકતાથી ફેલાયો હતો એવી આક્રમકતા સેકન્ડ વેવમાં નહીં દેખાવાની હૈયાધારણ આપી હતી. કેસમાં વૃદ્ધિનો દર અસાધારણ નથી, પરંતુ ૧થી ૯ ફેબ્રુઆરીની સ્થિતિની સરખામણીમાં ૧૦થી ૧૫ તારીખના આંકડા વધારે હતા.

બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)ના જમ્બો કોવિડ સેન્ટરમાં ગઈ કાલે કોરોના-ઇન્ફેક્શનના ૧૯૨ દરદીઓ હતા. એમાંથી ૪૦ ઇન્ટેન્સિવ કૅર યુનિટ (આઇસીયુ)માં હતા. મોડી સાંજે મુલુંડથી વધુ ૬ જણને ક્લોઝ મૉનિટરિંગ માટે લાવવામાં આવ્યા હતા. આ જમ્બો કોવિડ સેન્ટરના ડીન ડૉ. રાજેશ ઢેરેએ જણાવ્યું હતું કે ‘નવા કેસમાં મોટા ભાગના ૩૫ વર્ષથી ૫૫ વર્ષ વચ્ચેની ઉંમરના છે. એ લોકો લોકલ ટ્રેન સૌને માટે ખુલ્લી મૂકવામાં આવી ત્યારે શરૂઆતના દિવસોમાં વાઇરલ ઇન્ફેક્શનના કૅરિયર્સના સંપર્કમાં આવ્યા હોય એવું બની શકે. હવે નવા કેસની પૅટર્ન સમજવા માટે ૧૪થી ૨૮ દિવસ નિરીક્ષણ કરવું જરૂરી બને છે.’

ડી. વાય. પાટીલ કૉલેજના પ્રોફેસર ઑફ સર્જરી ડૉ. કેતન વાગોળકરે જણાવ્યું હતું કે ‘મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (એમએમઆર)માં કેસની સંખ્યા વધે એવી શક્યતા છે. હાલની સ્થિતિને નાગરિકોએ ચેતવણીરૂપ સમજવી જોઈશે. માસ્ક પહેરવાની અનિવાર્યતા જાણવી જોઈશે. ખાસ કરીને ટ્રેન અને બસ જેવાં સાર્વજનિક વાહનોમાં અને સ્ટેશનો તથા બસ-સ્ટૉપ પર ફિઝિકલ ડિસ્ટન્સિંગનો અને માસ્ક પહેરવાનો ખ્યાલ રાખવો જરૂરી છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK