અતશ્રી કોરોના કથા : ચીંટિયો ભરે ત્યારે જ સુધરવું એવું માનનારા વિદ્યાર્થીઓ યાદ છેને?

Published: 23rd November, 2020 13:37 IST | Manoj Joshi | Mumbai

વારંવાર અને એકધારી સૂચના મળી રહી છે એ પછી પણ આપણે સુધરવા માટે તૈયાર નથી. તમે સ્ટેશન-રોડ પર જઈને જુઓ.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સ્કૂલમાં માસ્તર ઘણી વાર કહીને સમજાવે કે ન માનો તો તેઓ રાડો પાડે, એ પછી પણ ન માનો તો તમારી પાસે આવીને તમને બીક દેખાડે. મોટા ભાગે પેરન્ટ્સની બીક અસરકર્તા હોય, પણ જો એની પણ અસર ન થાય અને એવી બીક દેખાડ્યા પછી પણ જો માનો નહીં, તોફાન ઓછાં ન કરો તો તમને ક્લાસની બહાર કાઢવાની સજા ફટકારવામાં આવે. આ ક્રમ આપણે સૌએ જોયો છે અને એ પણ જોયું છે કે ક્લાસની બહાર નીકળ્યા પછી પણ તોફાન કરનારાઓ તોફાન ચાલુ જ રાખે, શિક્ષકને અકળામણ આપવાનું કામ કર્યા જ કરે તો પછી નાછૂટકે શિક્ષકે સ્ટુડન્ટને એક ચીંટિયો ભરવો પડે અને ભર્યા જ છે એવા સ્ટુડન્ટને ચીંટિયા જેમાં સ્ટુડન્ટ કોઈ હિસાબે વાત માન્યા ન હોય. ખોટું પણ નથી. કહે છેને કે લાતોં કે ભૂત બાતોં સે નહીં માનતે.
અત્યારે પણ એ જ ચાલી રહ્યું છે. કહેવામાં આવે છે, વારંવાર અને ઠેરવી-ઠેરવીને કહેવામાં આવે છે એ પછી પણ મુંબઈકરને મગજમાં નથી ઊતરી રહ્યું કે આપણે કોવિડ સામે આપણું ડહાપણ દેખાડવાને બદલે બહેતર છે કે થોડો સમય વાત માની લઈએ. વાત માની લઈએ અને ઘરની બહાર નીકળવાનું ટાળીએ. ટ્રાવેલ બ્લૉગર્સના વિડિયો પણ જોવા મળે છે રખડતા હોય એવા અને એવા વિડિયો પણ જોવા મળે છે જેમાં ખરેખર હૈયેહૈયું દળાઈ જાય એવી ભીડ હોય અને એ પછી પણ ખરીદદારી ચાલુ રહી હોય. જરૂરી છે જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવી, ના નથી, પણ આપણે એ કેમ ભૂલી જઈએ છીએ કે આજે જ્યારે સરકારે ઘણીબધી સુવિધાઓ ઊભી કરી દીધી છે, ઘણી કંપનીઓ પણ હોમ ડિલિવરીના રસ્તે આવી ગઈ છે ત્યારે આ જગ્યાએ જ જવું અને ફલાણી જ વસ્તુ ખરીદવાનો દુરાગ્રહ રાખીને જીવને જોખમમાં મૂકીએ છીએ.
વારંવાર અને એકધારી સૂચના મળી રહી છે એ પછી પણ આપણે સુધરવા માટે તૈયાર નથી. તમે સ્ટેશન-રોડ પર જઈને જુઓ. તમને જોવા મળશે કેવી ભીડ છે. માન્યું, કબૂલ કે કોરોના સાથે જીવવાની આદત પાડવાની છે, પણ કોરોના છે જ નહીં એવી માનસિકતા સાથે જીવવાની આદત નથી પાડવાની એ પણ યાદ રાખવાનું છે. કોરોના છે અને કોરોના ખતરનાક રીતે પ્રસરી રહ્યો છે એ આપણને ન્યુઝપેપરથી માંડીને ન્યુઝ-ચૅનલ કહી રહી છે. રાડો પાડી-પાડીને કહે છે અને દેકારાઓ કરી-કરીને કહે છે અને એ પછી પણ તેમની એ બૂમાબૂમ બહેરા કાને અથડાઈ છે. શું એવું માનવાનું કે આપણને પણ સ્કૂલના પેલા તોફાની છોકરાઓ જેવી આદત પડી ગઈ છે, ચીંટિયો ભરાશે નહીં ત્યાં સુધી આપણે સુધરીશું નહીં?
ચીંટિયો ભરાતો હોય છે ત્યારે હકીકત બદલાઈ જતી હોય છે. પાણી નાકની ઉપરથી પસાર થાય ત્યારે અનિચ્છાએ, કમને ચીંટિયો ભરવામાં આવે છે, પણ એ ચીંટિયો જ્યારે ભરાય છે ત્યારે નીકળતી રાડ બધા સાંભળે છે અને બધાને એવું જ લાગે છે કે માસ્તરે અન્યાય કરી લીધો. માસ્તર અન્યાય કેવા સંજોગોમાં કરે છે એ તોફાન બાળક જાણતું જ હોય છે. આ વખતે જો સ્ટેટ ગવર્નમેન્ટ કે પછી સેન્ટ્રલ ગવર્નમેન્ટ ચીંટિયો ભરે તો કબૂલ કરજો કે એ તોફાની બાળક તમે છો અને કહ્યું એમ, તોફાની બાળક જાણતો જ હોય છે કે પોતે કેવા સંજોગો ઊભા કર્યા કે માસ્તરે આકરા થવું પડ્યું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK