Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > શું તમે ઇચ્છો એ જ સાંભળો, જુઓ કે વાંચો છો?

શું તમે ઇચ્છો એ જ સાંભળો, જુઓ કે વાંચો છો?

04 October, 2020 07:11 PM IST | Mumbai
Kana Bantwa

શું તમે ઇચ્છો એ જ સાંભળો, જુઓ કે વાંચો છો?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આપણે જે જાણવું છે, આપણે જે જોવું છે, આપણે જે વાંચવું છે, આપણે જે સાંભળવું છે એ આપણને મળે છે ખરું? સોશ્યલ મીડિયાની તો વાત જ જવા દો, મેઇન સ્ટ્રીમ મીડિયા પણ આપણે જે ઇચ્છીએ છીએ એ જણાવે છે? બતાવે છે? આપણને એ જ પીરસવામાં આવે છે જે તેમણે નક્કી કર્યું હોય છે. મેન્યૂ તો તેઓ નક્કી કરે છે. એમાં તમારી મરજી ચાલતી નથી. સોશ્યલ મીડિયા પણ એવું કહીને પોતાની ઇચ્છા મુજબનું કન્ટેન્ટ તમારા સુધી પહોંચાડે છે કે મેઇન સ્ટ્રીમ મીડિયા તમને આ નહીં બતાવે. સોશ્યલ મીડિયાનું કન્ટેન્ટ તો એકદમ જ મનસ્વી અને ટાર્ગેટેડ હોય છે એટલે જ એક મજબૂત ઑલ્ટરનેટ મીડિયા બનવાની સંભાવના ધરાવનાર સોશ્યલ મીડિયા બહુ જ ટૂંકા ગાળામાં વિશ્વસનીયતા ખોઈ બેઠું. એની આ અવદશા પાછળ સૌથી મોટો હાથ રાજકીય પક્ષોનો છે, કારણ કે સોશ્યલ મીડિયાનો સૌથી વધુ ઉપયોગ, જેને દુરુપયોગ જ કહેવો જોઈએ એ પૉલિટિકલ પાર્ટીઓએ જ કર્યો છે. મેઇન સ્ટ્રીમ મીડિયાનો ઉપયોગ પણ રાજકીય પક્ષો કરતા રહ્યા છે, પણ એ ઉપયોગ મર્યાદિત રહે છે.

પ્રજાને નૉન-ઇશ્યુમાં ગૂંચવાયેલી રાખવાનું એક વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર ચાલી રહ્યું છે. માત્ર શાસકો જ નહીં, જેમને સત્તામાં રસ છે એ તમામ ઇચ્છે છે કે નૉન-ઇશ્યુ જ મોટા ઇશ્યુ તરીકે મહત્ત્વના મુદ્દા તરીકે, પ્રાણપ્રશ્ન તરીકે ઊપસતા રહે. જે ધરાતલના પ્રશ્ન છે, મૂળ સમસ્યાઓ છે એ દબાયેલી રહે. જે બાબતો પ્રજાના જીવન સાથે સીધી જોડાયેલી છે, જેની અસર પૃથક્ જનના ખિસ્સા પર, નિર્વાહ પર પડે છે એ બાબતોને દેશના મુખ્ય પ્રશ્ન તરીકે ઊપસવા જ ન દેવા માટે સામાન્યજન સિવાયના તમામ સતત પ્રયત્નશીલ રહે છે. અત્યારે દેશ સામે સૌથી મોટી સમસ્યા બેરોજગારીની છે. કોરોનાને લીધે નાખવામાં આવેલા લૉકડાઉન પહેલાં પણ બેકારીની સમસ્યા દેશમાં એટલી ભયંકર હતી કે સરકારે આંકડા જાહેર કરવાનું બંધ કરી દેવું પડ્યું હતું. પ્રથમ વખત એવું બન્યું હતું કે સરકારે બેરોજગારીના આંકડા જાહેર ન કર્યા. આ સિલસિલો પછીના વર્ષે પણ યથાવત્ રહ્યો. આ વર્ષે તો કોરોનાનું બહાનું દરેક નિષ્ફળતા ઢાંકવા માટે મળી ગયું છે એટલે બેરોજગારી માટે પણ કોરોનાને જ આગળ ધરવામાં આવી રહ્યો છે, પણ કોરોનાને લીધે બેરોજગારી એટલી વધી છે કે સ્થિતિ વિસ્ફોટક બની રહી છે, પણ આ બાબતને રાષ્ટ્રીય મુદ્દો કોઈ બનવા નહીં દે. દરેક એનાથી ભાગતા ફરશે, કારણ કે જો ખરા રાષ્ટ્રીય મુદ્દાઓ, વાસ્તવિક હકીકતોને મહત્ત્વ મળવા માંડે તો પરિસ્થિતિ બદલાઈ જાય, તો જનતાની આંખ ઊઘડી જાય. અને જનતા જાગે એ કોઈને પોસાતું નથી. જનતાને સતત કેફમાં રાખવાના પ્રયત્નો એટલે જ થતા રહે છે. કેફ માટે, નશા માટે તેને એવી બાબતોમાં ગૂંચવાયેલા રાખવામાં આવે છે જે ભ્રમજાળ જેવી હોય. એ નશો ભાવનાત્મક મુદ્દાઓ પૂરો પાડી શકે છે. ધરાતલના મુદ્દાઓમાં નશો નથી હોતો, પીડા હોય છે. તમે ધ્યાનથી જોશો તો દેખાશે કે જેને મુદ્દા બનાવીને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યા છે એ તમારી ભાવનાઓ સાથે જોડાયેલા છે. તમારી લાગણીને ઉત્તેજિત કરનાર છે. તમને પીડા આપનાર મુદ્દા રાષ્ટ્રીય સ્તરે ચગાવવામાં આવે એવું ભાગ્યે જ બને છે. જ્યારે ઘટના પોતે જ એટલી મોટી હોય કે એને અવગણવી સંભવ જ ન હોય ત્યારે એને ઉઠાવવી પડે છે. પત્રકારશિરોમણિ ‘સમકાલીન’ના તંત્રી હસમુખ ગાંધી કહેતા કે ‘સમાચાર પોતે જ પોતાનું સ્થાન અને વજન નક્કી કરે છે.’ જે ઘટના પોતે જ હાથરસના સામૂહિક દુષ્કર્મકાંડ જેવા જઘન્ય હોય એને તો માધ્યમો પણ રાષ્ટ્રીય મુદ્દો બનતાં રોકી શકતાં નથી. જોકે હાથરસ-કાંડ વખતે પણ અમુક ચૅનલો તો પોતે ઊભા કરેલા આભાસી મુદ્દાને જ પકડીને બેઠી હતી. હાથરસનો ઘટનાક્રમ તો તેમણે પરાણે બતાવવો પડતો હતો.



 આપણો મુદ્દો એ છે કે તમને જે કન્ટેન્ટ થાળી ભરીને આપવામાં આવે છે એ તમે ઑર્ડર કરેલું નથી હોતું, અન્યની ઇચ્છા મુજબનું હોય છે. જૂના જમાનામાં આવું થવું સ્વાભાવિક હતું, પણ અત્યારના જમાનામાંયે આવું થાય એ દુખદ છે. અગાઉ સમાચારપત્રો સિવાય કોઈ માધ્યમ નહોતું. સમાચારપત્ર જે નક્કી કરે એ જ ન્યુઝ હતા. રેડિયો આ પરિભાષાને જરાય બદલી શક્યો નહીં. ટીવી પાસે બદલવાની પૂરી ક્ષમતા હતી છતાં ટીવી પણ એ જ ઘરેડમાં જોડાઈ ગયું અને એણે પણ સ્થિતિ બદલી નહીં. પોતે આપે એ જ ન્યુઝ એવું એનું પણ વલણ રહ્યું. ઇન્ટરનેટ આવતાં એક મજબૂત માધ્યમ સામે આવ્યું જે પરિવર્તન લાવી શકે એમ હતું, હજી છે. સમાચારો હવે અખબારો કે ટીવીના મોહતાજ નથી રહ્યા, ઑનલાઇન તમને જેટલા જોઈએ એટલા સમાચારો, મનોરંજન, વિચાર બધું જ મળી જાય છે. આટલું સક્ષમ નવું માધ્યમ આવવા છતાં ન સોશ્યલ મીડિયા પરિવર્તન લાવી શક્યું કે ન નવાં મીડિયા-પ્લૅટફૉર્મ્સ લાવી શક્યાં. કેમ આવું બન્યું? એવું તે શું છે આ સરોવરમાં કે જેટલા પડે છે એ બધા સરખા જ થઈ જાય છે? કેમ કોઈ એવું નથી નીકળતું જે ધરાતલના મુદ્દાઓને રજૂ કરે? મૂળભૂત મુદ્દાઓ ઉઠાવવાની વાતો જેમણે કરી એ બધા પણ એક યા બીજી રીતે પોતાને ફાવતું જ રજૂ કરવા માંડ્યા. આવું બનવા પાછળનું કારણ માત્ર આર્થિક નથી. માત્ર સત્તા માટે પણ આવું થતું નથી, કારણ માનવમનમાં પડેલું છે. જે પોતાને ગમે છે એ જ સત્ય છે એવું માનવાનો માનવસ્વભાવ છે. શ્રેય નહીં, પ્રેયને જ પકડે છે માનવી.


જે નચિકેતાને લીધે કઠોપનિષદ જેવું અદ્ભુત ઉપનિષદ મળ્યું એ નચિકેતાનું તેના પિતાએ યમરાજને દાન કરી દીધું. પાંચ વર્ષનો નચિકેતા જાતે યમરાજના ઘરે પહોંચ્યો. ત્રણ દિવસ અને ત્રણ રાત તેણે યમની રાહ જોઈ. યમરાજ આવ્યા, નચિકેતાનું આવવાનું કારણ પૂછ્યું. તેની નિષ્ઠાથી પ્રભાવિત થઈને વરદાન માગવાનું કહ્યું. નચિકેતાએ બ્રહ્મવિદ્યા અને મૃત્યુ સમજવાનો આગ્રહ રાખ્યો ત્યારે યમરાજે નચિકેતાને બોધ આપવાની શરૂઆત કરતાં કહ્યું હતું કે ‘શ્રેય અને પ્રેય બન્ને અલગ છે. આ બન્ને સાધન મનુષ્યને બાંધે છે, પોતાની તરફ ખેંચે છે.’ શ્રેય કડવું હોય છે, પણ એનું ફળ મીઠું હોય છે. પ્રેય મીઠું હોય છે, પણ એનું ફળ કડવું હોય છે. માણસને પ્રેય ગમે છે. આપવું પણ અને લેવું પણ. શ્રેયકર બાબત ભલે કલ્યાણકારી હોય, એ ગમતી નથી. આપનારાઓને ખબર છે કે આ શ્રેય નથી, પણ તમને એ પકડી રાખશે, જકડી રાખશે. તમને એના બંધાણી બનાવી દેશે. એક સરખામણી જોઈ લઈએ. સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યાનો કેસ હવે બૉલીવુડના ડ્રગ્સ-કેસમાં પરિવર્તિત થઈ ગયો છે. આખા દેશનું મીડિયા, સોશ્યલ મીડિયા, ઑલ્ટરનેટ મીડિયા બધાં જ આ ડ્રગ્સ-કેસની પાછળ પડ્યાં છે. બૉલીવુડની અભિનેત્રીઓ અને બાૅલીવુડના થોડા અભિનેતાઓનાં નામની આજુબાજુ જ છેલ્લા એક મહિનાથી તમામ સમાચારો ફરી રહ્યા છે. હવે એક બીજી વાસ્તવિકતા જુઓ. દેશમાં દોઢ કરોડ, હા દોઢ કરોડ બાળકો નશાનાં બંધાણી છે. આ બાળકોનો મુદ્દો કેમ રાષ્ટ્રીય ન બન્યો? દેશમાં કરોડો યુવાનો ડ્રગ્સના બંધાણી છે એ મુદ્દો કેમ રાષ્ટ્રીય નથી બનતો? કારણ કે એ વરવી વાસ્તવિકતા છે. હકીકત હંમેશાં કદરૂપી, વિકરાળ, ડરામણી અને ભયંકર હોય છે. એનામાં ભાવનાત્મક મુદ્દાઓ જેવી બનાવટી સુંદરતા નથી હોતી. એનામાં એવી મોહકતા નથી હોતી. એ તો હકીકતની બદબૂથી સરાબોર હોય છે. એમાં ગિલેટ ચડાવેલું ગ્લૅમર નથી હોતું. એના ચહેરા પર ભ્રામક મેકઅપ નથી હોતો. હકીકતનો સામનો કરવો સહેલો નથી હોતો અને એટલે હકીકતથી ભાગવા માટેનો શ્રેષ્ઠ રસ્તો ભાવનાત્મક, મનોરંજક, નશીલા મુદ્દાઓ હોય છે. સમાચારોને વાઘા પહેરાવવા પડે ત્યારે વાસ્તવનું ગળું ઘોંટવામાં આવતું હોય છે. પ્રજાને પણ ભ્રામક જગતમાં જીવવાની ટેવ પાડી દીધી છે. ‘મેટ્રિક્સ’ નામની અફલાતૂન ફિલ્મમાં જેમ જગત માયામાં જીવે છે એમ આપણે અલગ જ મેટ્રિક્સમાં જીવી રહ્યા છીએ, દોસ્તો.  

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના છે, ન્યુઝપેપરના નહીં)


Whatsapp-channel Whatsapp-channel

04 October, 2020 07:11 PM IST | Mumbai | Kana Bantwa

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK