શા માટે મહેન્દ્ર કપૂરે નિર્ણય કર્યો કે હું કદી ફિલ્મલાઇનમાં નહીં આવું

Published: 29th November, 2020 18:57 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

એક પ્લેબૅક સિંગર તરીકે તેમને નામ, દામ અને શોહરત આ ફિલ્મલાઇનમાં જ મળવાનાં હતાં અને એ તેમના નસીબમાં લખાયેલું હતું

સી. રામચંદ્ર, વાય.બી. ચૌહાણ, જયરાજ, ડેવિડ, તલત મહેમૂદ અને મહેન્દ્ર કપૂર
સી. રામચંદ્ર, વાય.બી. ચૌહાણ, જયરાજ, ડેવિડ, તલત મહેમૂદ અને મહેન્દ્ર કપૂર

A person often meets his destiny on the road he took to avoid it.

- Jean da La Fontaine [French poet]

જીવનમાં એકાદ કડવો અનુભવ થાય ત્યારે આપણે મનોમન નક્કી કરી લેતા હોઈએ છીએ કે હવે આ રસ્તે કદી નથી જવું. જે ગામ ન જવું હોય એનું નામ જ ન લેવું એવી મનમાં ગાંઠ વાળી હોય  ત્યારે ખબર નથી હોતી કે જે કેડીને આપણે પડતી મૂકી છે એ જ આપણને સફળતાના રાજમાર્ગ પર લઈ જવાની છે. આને કહેવાય નસીબની બલિહારી. હળવાશથી કહીએ તો જે કન્યા રિજેક્ટ કરી હોય અંતે તેની સાથે જ પરણીને સુખી થયા હોય એવી આ વાત છે.

તમને નવાઈ લાગશે કે મહેન્દ્ર કપૂરે જીવનમાં એક તબક્કે નિર્ણય કર્યો હતો કે હું કદી ફિલ્મલાઇનમાં નહીં જાઉં, પરંતુ ડેસ્ટિનીની ડિઝાઇન કંઈક અલગ હતી. એક પ્લેબૅક સિંગર તરીકે તેમને નામ, દામ અને શોહરત આ ફિલ્મલાઇનમાં જ મળવાનાં હતાં અને એ તેમના નસીબમાં લખાયેલું હતું. તો પછી એવું શું બન્યું કે મહેન્દ્ર કપૂરે આવો વિચાર કરવો પડ્યો? આ વાત તેમના જ શબ્દોમાં પ્રસ્તુત છે...      

 ‘ખૈયામસાહેબ સાથે મારો સ્કૂલના દિવસોથી પરિચય હતો. હું તેમને મોટા ભાઈ માનું છું. જ્યારે  ફિલ્મ ‘પાપી’ માટે રફીસા’બનું ‘અકેલે મેં વો ગભરાતે તો હોગે’ રેકૉર્ડ કર્યું ત્યારે તેમણે મને સ્ટુડિયોમાં ખાસ બોલાવ્યો હતો. રણજિત સ્ટુડિયોમાં એ રેકૉર્ડિંગ થયું હતું. બીજા દિવસે મને કહે, ‘કાકા, કલ જો ગાના રેકૉર્ડ હુઆ ના, વો જરા ગા તો.’ મેં એ ગીત ગાયું ત્યારે તેમણે મને સલાહ આપી કે તારે ક્લાસિકલ શીખવું જોઈએ, તો જ તારી અલગ ઓળખ બનશે. આ જ વાત રફીસા’બે પણ મને કહેલી. તેમની વાત માનીને મેં નિયાઝ અહમદ ખાં સાહેબ પાસે તાલીમ લેવાની શરૂઆત કરી, જેનો આગળ જતાં મને ખૂબ ફાયદો થયો.’

‘એક દિવસ હું અને મારો મોટો ભાઈ ઘરે એકલા હતા. પૂરો પરિવાર અમ્રિતસર ગયો હતો, ત્યાં ખૈયામસા’બ આવ્યા. ‘ક્યા હાલ હૈ? સબ ઠીક તો હૈ ના? ચલો મેરે સાથ ફિલ્મિસ્તાન સ્ટુડિયો.’ મેં પૂછ્યું, ‘ત્યાં શું છે?’ તો કહે, ‘અનિલ બિસ્વાસે બોલાવ્યો છે. તેમની એક ફિલ્મમાં પંજાબી હીર ગાઈ શકે એવો સિંગર જોઈએ છે. મહિન્દર, તારા માટે આ સારો ચાન્સ છે.’ મનોમન હું ખુશ થઈ ગયો. જોકે એ દિવસે મને તાવ આવતો હતો. મેં મોટા ભાઈ સામે જોયું. તેઓ મારી ઇચ્છા જાણી ગયા હતા. મને કહે, ‘તુમ ચલે જાઓ.’

‘અમે ટ્રેનમાં બેસી ગોરેગામ ફિલ્મિસ્તાન સ્ટુડિયો પહોંચ્યા. ત્યાં અનિલ બિસ્વાસ ફિલ્મ માટે બૅકગ્રાઉન્ડ સ્કોર તૈયાર કરતા હતા. ખૈયામસા’બે તેમના કાનમાં વાત નાખી, ‘વો લડકા આ ગયા હૈ.’ અમે રાહ જોતા બેઠા હતા. તમે માનશો, રાતે બે વાગ્યા સુધી અમે બેઠા હતા, પણ મારો વારો આવે જ નહીં. અનિલદા પોતાના કામમાં બિઝી હતા. એમ કરતાં રાતે સાડાત્રણ થયા. હું તાવમાં થરથર ધ્રૂજતો હતો. શરીર તવાની જેમ તપતું હતું. ખૈયામસા’બે તેમને યાદ દેવડાવ્યું, ‘વો લડકા બૈઠા હૈ, ક્યા કરના હૈ?’ અનિલદા બોલ્યા, ‘ખૈયામ, એક કામ કરો. તુમ્હી હાર્મોનિયમ લે કર હીર રેકૉર્ડ કર લે. ચાર હી તો લાઇન હૈ.’

‘આમ વહેલી સવારે ૪ વાગ્યે આ હીર રેકૉર્ડ થઈ. હું ઘરે આવ્યો ત્યારે મારી હાલત એકદમ ખરાબ હતી. બીજા દિવસે ખબર પડી કે મને સ્મૉલ પૉક્સ થયા છે. એ દિવસોમાં આ બીમારી ભયંકર ગણાતી. ચેપી રોગ કહેવાતો એટલે એક મહિના સુધી હું ઘરમાં જ પડ્યો રહ્યો. સાજો થઈ કૉલેજમાં જતો હતો ત્યાં રસ્તામાં ખૈયામસા’બ મળ્યા. કહે, ‘કાકા, તુને જો હીર ગાઈ થી ના, ઉસકે પૈસે લેને ગયા થા કિ નહીં.’ મેં ના પાડી. તો કહે, ‘કમાલ હૈ. પૂરી રાત બૈઠે, તુઝે ઇતના બુખાર થા, જાના ચાહિએ થા. જા, જા કે પૈસે લે કે આ.’ તેમને મારી બીમારીની ખબર નહોતી. હું પૈસા મળશે એવી આશાએ તેમની સાથે નહોતો ગયો.  

 ‘તેમના કહેવાથી હું ફિલ્મિસ્તાન સ્ટુડિયો ગયો. બહાર વૉચમૅન કહે, ‘ક્યોં આયા હૈ?’ મેં કહ્યું, ‘મેં ફિલ્મ માટે એક હીર ગાઈ હતી એના પૈસા લેવા આવ્યો છું.’ એટલે મને અંદર જવા દીધો. ત્યાં એક પારસી બાવા કૅશિયર હતા. તેમને કહ્યું કે ફિલ્મમાં હીર ગાઈ હતી એના પૈસા લેવાના બાકી છે. તો કહે, ‘અચ્છા, પૈસા લેને કા બાકી હૈ? ફિલ્મ તો ફ્લૉપ હો ગઈ. અભી તુ પૈસા લેને આયા હૈ? ચલ ચલ, બહાર નિકલ.’ અમારા સંસ્કાર એવા નહોતા કે કોઈની સાથે ઝઘડો કરીએ. હું ચૂપચાપ ઑફિસમાંથી બહાર નીકળ્યો ત્યાં અનિલદા મળ્યા. મને કહે, ‘અરે મહિન્દર, તુમ ઇધર? ક્યા બાત હૈ?’ શરમના માર્યા મારે સાચી વાત કહેવી પડી. તેમને યાદ આવ્યું. ‘હાં, હાં, તુમને હીર ગાઈ થી’ અને તેમના અસિસ્ટન્ટ શંકરદાસને બૂમ પાડીને બોલાવ્યા અને કહ્યું, ‘વો પેમેન્ટ કી લિસ્ટ મેં મહિન્દર કા નામ લિખા થા કી નહીં?’ જવાબ મળ્યો, ‘નહીં જી, વો તો મૈં ભૂલ ગયા થા.’ અનિલદાએ મને આશ્વાસન આપતાં કહ્યું, ‘કોઈ બાત નહીં, નેક્સ્ટ ટાઇમ મૈં યાદ રખુંગા.’ મારી આંખમાં પાણી આવી ગયાં. એ દિવસે મેં નિર્ણય કર્યો કે હું કોઈ દિવસ આ લાઇનમાં નહીં આવું.’

મહેન્દ્ર કપૂરના જીવનની આ ઘટના હું સાંભળતો હતો ત્યારે આટલાં વર્ષો બાદ પણ એની વેદના  તેમના શબ્દોમાં અનુભવાતી હતી. આમ પણ કલાકારનું પોત સંવેદનશીલ હોય છે. તેની પરવરિશ અને સંસ્કાર આવા સમયે તેના આક્રોશ અને પીડાને કાબૂમાં રાખે છે. ભવિષ્યમાં આવી પરિસ્થિતિ આવશે તો એનો સામનો કેવી રીતે કરીશ એનો ભય એક અણગમતો સંકલ્પ કરવા માટે વ્યક્તિને  મજબૂર કરે એ સ્વાભાવિક છે, પરંતુ નસીબની શતરંજમાં ઈશ્વરે જે પાસા ફેંક્યા હોય છે એની તેને ખબર નથી હોતી. અધૂરી વાતનું અનુસંધાન સાધતાં મહેન્દ્ર કપૂર કહે છે...     

‘બીજા જ મહિને મર્ફી રેડિયોની કૉમ્પિટિશન હતી. એમાં શરત એ હતી કે જે કોઈ સિંગર ભાગ લે He should be amateur મતલબ કે તે પ્રોફેશનલ સિંગર ન હોવો જોઈએ. જો એ દિવસે મને હીર ગાવાના પૈસા મળ્યા હોત તો હું પ્રોફેશનલ સિંગર ગણાત. ભગવાનની મરજી હતી એટલે જ હું વિનર બન્યો અને સિંગર બન્યો.’

એક સરસ ક્વોટેશન વાચ્યું હતું, ‘Life has a way of setting things right to make it orderly and tidy.’ ઈશ્વર પરથી આપણો ભરોસો કોઈ વાર ઊઠી જાય છે, પરંતુ તેની કૃપા અસીમ હોય છે; પછી ભલે એ કોઈ વાર કઠોર લાગતી હોય. પ્રિય કવિમિત્ર સૂર્યભાનુ ગુપ્તની પંક્તિઓ યાદ આવે છે...

અય દોસ્ત, જિંદગી સે ઇતના નિરાશ ન હો

સુખી ભી હૈ નદી તો સમઝ રાસ્તા હુઆ. 

મહેન્દ્ર કપૂરની વાતો એક રોમાંચક નવલકથા જેવી હતી. એમાં દરેક પ્રકરણ ખૂબ રસપ્રદ હતાં, કારણ કે કહાનીમાં એક નહીં, અનેક ટ્વિસ્ટ આવતા. આવા જ એક કિસ્સાની વાત કરતાં તેઓ કહે છે...  

‘બીજી એક ઘટના એવી બની કે કદાચ મારી કરીઅર શરૂ થતાં પહેલાં જ ખતમ થઈ જાત. સોહની મહિવાલના ‘ચાંદ છુપા ઔર તારેં ડૂબે રાત ગઝબ કી આયી’ એ મારી પ્રોફેશનલ કારકિર્દીનું રેકૉર્ડ થયેલું બીજું ગીત હતું. એ પહેલાં સી. રામચંદ્રના સંગીતમાં ફિલ્મ ‘નવરંગ’નું ‘આધા હૈ ચંદ્રમા રાત આધી, રહે ન જાયે તેરી મેરી બાત આધી, મુલાકાત આધી’ આશા ભોસલે સાથે રેકૉર્ડ થયું હતું. બન્યું એવું કે સોહની મહિવાલ લગભગ પૂરી થઈ હતી એને કારણે પહેલાં રિલીઝ થઈ એટલે એનું ગીત મારું પ્રથમ ગીત ગણવામાં આવે છે.’

‘એ દિવસોમાં રેકૉર્ડિંગ સ્ટુડિયો નહોતા એટલે ફિલ્મોનું શૂટિંગ જે સ્ટુડિયોમાં થતું ત્યાં જ ગીતોનું રેકૉર્ડિંગ થતું. મ્યુઝિશ્યન્સ, ટેક્નિશ્યન્સ, સિંગર્સ દરેક એકસાથે જ બેઠા હોય. ‘નવરંગ’ના ગીતનું અમે રિહર્સલ શરૂ કર્યું. થોડી વારમાં રેકૉર્ડિસ્ટ મંગેશ આવ્યા. અમારી નજીક આવ્યા, ઉપર-નીચે જોયું અને જતા રહ્યા. ફરી પાછું રિહર્સલ શરૂ થયું અને બીજો ટેક્નિશ્યન આવીને ઉપર-નીચે જોઈને જતો રહ્યો. આ જોઈ આશાજીએ મંગેશને પૂછ્યું, ‘મંગેશ, કાય ઝાલા, તું કાય બગતોશ?’  જવાબ મળ્યો, ‘કાય નાય, કાય નાય.’ એટલી વારમાં અણ્ણાસા’બ આવ્યા અને કહે, ‘આશા, આજે રેકૉર્ડિંગ કૅન્સલ કરીએ, કાલે રેકૉર્ડ કરીશું. મને લાગે છે મહિન્દર થોડો નર્વસ છે.’ આશાજી કહે, ‘શું વાત કરો છો? મહિન્દર તો બરાબર ગાય છે.’ અણ્ણા બોલ્યા, ‘તેનો અવાજ અંદર (કૅબિનમાં) આવતો જ નથી.’

આશાજી કહે, ‘મને લાગે છે કે તમારી રેકૉર્ડિંગ સિસ્ટમમાં કંઈક ગરબડ છે. બરાબર ચેક કરો અને  તમે અહીં જ ઊભા રહો, બરાબર સાંભળો એટલે તમને ખબર પડશે.’ અમે રિહર્સલ શરૂ કર્યું. અણ્ણા બોલ્યા, ‘યે તો ફર્સ્ટ ક્લાસ ગાતા હૈ. મંગેશ, તુ સબ વાયરિંગ ચેક કર.’ મંગેશ આવ્યા, બધું ચેક કરતાં જોયું કે મારા માઇક્રોફોનનું પ્લગ જ બોર્ડમાં લગાવાયું નહોતું. ત્યાર બાદ એ ગીત રેકૉર્ડ થયું. અણ્ણાસા’બ અને આશાજી ઉપરાંત દરેકે મને અભિનંદન આપ્યાં. ઈશ્વરની કૃપા કે આ ભૂલ પકડાઈ ગઈ અને મારી કરીઅર બચી ગઈ. નહીંતર આખી ઇન્ડસ્ટ્રીમાં વાત ફેલાઈ જાત કે નવો સિંગર ગીત ગાઈ ન શક્યો.’

‘અણ્ણાસા’બ ખૂબ ઇન્ટેલિજન્ટ સંગીતકાર હતા. જેટલી ક્લાસિકલ મ્યુઝિકની સમજ હતી એટલી જ લાઇટ અને વેસ્ટર્ન મ્યુઝિકની જાણકારી હતી. પ્લેબૅક સિંગરને ખૂબ મહેનતથી શીખવાડે. પોતે ગાઈને સમજાવે. ફિલ્મ ‘નવરંગ’નું એક ગીત છે ‘યે માટી સભી કી કહાની કહેગી’ રેકૉર્ડિંગ વખતે ભૂલો તો થાય. જેવો હું ગરબડ કરું એટલે અંદરથી બૂમ મારે, ‘ધત્ત, યે ક્યા કર રહે હો?’ હું કહું, ‘સૉરી અણ્ણાજી’ એટલે થોડા અકળાઈને કહે, ‘ક્યા સૉરી-સૉરી કહતા હૈ. તુ હંમેશાં ઐસા હી કરતા હૈ. ચલો, અભી ઠીક સે ગાના. ફિર સે સમઝાઉં કિ ગાઓગે?’ હું જવાબ આપું, ‘ના અણ્ણાજી, અબ ઠીક સે ગાઉંગા.’ રેકૉર્ડિંગ પૂરું થયું એટલે ખુશ થઈ ગયા. શાંતારામજીને કહે, ‘ઇસ લડકે કિ મુઝે આજ તક સમઝ નહીં આયુ. યે હંમેશાં અચ્છા અણ્ણાજી, અચ્છા અણ્ણાજી કહેતા રહતા હૈ. મૈં રેકૉર્ડિંગ મેં કુછ ભી કહેતા હૂં, પર વો નર્વસ નહીં હોતા હૈ. બાર બાર સૉરી-સૉરી કહેતા હૈ પર આખિર ઠીક ગાતા હૈ. અભી તક મુઝે યે સમઝ મેં નહીં આયા હૈ.’

‘ક્લાસિકલ સંગીત શીખવાનો એક ફાયદો છે. ઉસ્તાદોની જેમ તમે ત્રણ કલાક ન ગાઈ શકો, પરંતુ બે-ત્રણ મિનિટ તો સરખું ગાઈ શકો. અણ્ણા એ બાબતમાં ખૂબ ચોક્કસ હતા. ઝીણવટથી ગાઈને  સમજાવે. ‘યે સૂર કૌનસા હૈ?’ હું કહું, ‘કોમલ ગાંધાર.’ બીજો સૂર લગાવે, ‘યે કૌનસા હૈ?’ હું કહું, ‘તીવ્ર મધ્યમ’ તો કહે, ‘તુમ ભી લગાઓ.’ હું ગાઉં એટલે કહે, ‘યે અલગ હૈ. તીવ્ર મધ્યમ નહીં હૈ. કોમલ ગાંધાર હૈ.’ હું ‘સૉરી’ કહું એટલે ચિડાઈને કહે, ‘બસ, સારા દિન સૉરી ઔર હાં જી કહેતા રહેતા હૈ.’ આ સાંભળી શાંતારામજી કહે, ‘અણ્ણા, અભી વો બચ્ચા હૈ’ એટલે પ્રેમથી અણ્ણા કહે, ‘યે તો હૈ, પર એક બાત હૈ, વો ગભરાતા નહીં.’    

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK