રમકડાંની રંગીન દુનિયા પાછળની હકીકતથી કેટલા પેરન્ટ્સ ​પરિચિત છે?

Published: Aug 23, 2019, 15:21 IST | યંગ વર્લ્ડ વર્ષા​ ચિતલિયા | મુંબઈ

ટીથર જેવાં ટૉય ખરીદતી વખતે લીકેજનો ડર રહે છે. પ્લાસ્ટિક મટીરિયલની એક્સ્પાયરી ડેટ હોય છે એ વાત પણ નોંધી લો. અહીં ક્વૉલિટીમાં કૉમ્પ્રોમાઇઝ ન કરો. બૅટરી કે અન્ય નાની વસ્તુ ગળી જવા જેવા કિસ્સા પેરન્ટ્સની બેદરકારીના કારણે બને છે.’

રમકડાંની રંગીન દુનિયા પાછળની હકીકતથી કેટલા પેરન્ટ્સ ​પરિચિત છે?
રમકડાંની રંગીન દુનિયા પાછળની હકીકતથી કેટલા પેરન્ટ્સ ​પરિચિત છે?

બાળકોને મનપસંદ ચિપ્સ અને અન્ય ખાદ્ય સામગ્રી સાથે ફ્રીમાં આપવામાં આવતા ટૉય પર પ્રતિબંધ મૂકવાની ઘણા સમયથી ચાલતી માગણીને સરકારે ગંભીરતાથી લેતાં ટૂંક સમયમાં રૅપરની અંદર ટૉય અને ટૅટૂ જેવી વસ્તુઓ મળતી બંધ થઈ જશે. તાજેતરમાં ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આવા પ્રોડક્ટ્સના વેચાણને અટકાવવાની દિશામાં નક્કર પગલાં લેવાની તાકીદ કરી છે. ખાદ્ય સુરક્ષા આયુક્તને નવા નિયમોના અમલીકરણ પર નજર રાખવાની અંતિમ જવાબદારી સોંપવામાં આવી છે.
ઉત્તરાખંડના એક યુવાને બે વર્ષ પહેલાં શરૂ કરેલી ઝુંબેશનો સુખદ અંત આવતાં બાળકોના સ્વાસ્થ્ય માટે જોખમી અનેક પ્રકારની પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં સેફ્ટી નૉર્મ્સને ગંભીરતાથી લેવામાં આવશે એવી અપેક્ષા છે. ઉત્તરાખંડના આરટીઆઇ કાર્યકર્તા અજય કુમારે ખાદ્ય પદાર્થના પૅકેટ્સ સાથે આપવામાં આવતાં રમકડાંને અનસેફ જાહેર કરવા સરકાર સમક્ષ માગણી કરી હતી. બે વર્ષ પહેલાં આવી જ એક પ્રોડક્ટની અંદર મૂકવામાં આવેલા ટૉયને અજાણતાં ગળી જતાં આંધ્ર પ્રદેશના બાળકનું મૃત્યુ થયું હતું. આ મુદ્દાને લઈને અજયે પીએમઓ (પ્રાઇમ મિનિસ્ટર ઑફિસ)ને પત્ર લખ્યો હતો. પીએમઓએ સંબંધિત વિભાગ સાથે ચર્ચાવિચારણા કર્યા બાદ ઉપરોક્ત નિર્ણય લીધો છે એટલું જ નહીં, બાળકોને લલચાવતાં અટ્રૅક્ટિવ રમકડાં બનાવતી ડઝનબંધ કંપનીઓ પણ હવે સરકારની ચાંપતી નજરથી બચી શકશે નહીં. માર્કેટમાં નવાં ટૉય્ઝ લૉન્ચ કરતાં પહેલાં કંપનીઓએ સેફ્ટી નૉર્મ્સને ફૉલો કરવા પડશે.
થોડા સમય પહેલાં રમકડાંના ઉત્પાદન માટેના સેફ્ટી નૉર્મ્સને ફૉલો ન કરવાને કારણે યુકેની એક જાણીતી બ્રૅન્ડને માર્કેટમાંથી બે ટીથર ટૉય્ઝ (દાંત આવતા હોય ત્યારે ચાવવાના)ને પાછાં ખેંચી લેવાની ફરજ પડી હતી. આ બન્ને રમકડાંમાં બોરોન નામના રસાયણની માત્રા અધિક હોવાનું સામે આવતાં સરકારે લાલ આંખ કરી હતી. માર્કેટમાં મળતાં મોટા ભાગનાં રમકડાંમાં થેલેટ્સ અને ડાયોક્સ‌િન જેવા હાનિકારક પદાર્થ પણ ભેળવવામાં આવે છે. રિસર્ચ કહે છે કે હાનિકારક પદાર્થ ભેળવીને બનાવવામાં આવેલાં રમકડાંથી વહેલી પ્યુબર્ટી, અસ્થમા અને બિહેવિયર ડિસઑર્ડર જેવાં જોખમ રહેલાં છે.
રમકડાંનાં જોખમો વિશે વાત કરતાં પીડિયાટ્રિશ્યન કવિતા ગોહિલ કહે છે, ‘સંતાનની સલામતી અને સ્વાસ્થ્યની વાત આવે ત્યારે પેરન્ટ્સે અન્ય સાવધાની રાખવાની સાથે ટૉય્ઝ ખરીદવામાં પણ કાળજી રાખવી જોઈએ. આપણે નાનાં બાળકોના હાથમાં ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ્સ અને દવાઓ નથી આપતાં એ જ વાત રમકડાં માટે લાગુ પડે છે. આ બાબત જાગ્રતતા જોવા મળતી નથી. મારી સૌથી પહેલી સલાહ એ છે કે જો તમે સો ટકા સુપરવિઝન રાખી શકતા ન હો તો કૉસ્ટ કટિંગના ચક્કરમાં ન પડો. બે અલગ એજનાં સંતાનો માટે કૉમન ટૉયથી રિસ્ક વધી જાય છે. દરેક ટૉય પર એજ ગ્રુપ લખેલું હોય છે. મારું સંતાન મૅચ્યોર છે એનો અર્થ એ નથી કે તમે તેને કોઈ પણ રમકડું પકડાવી દો. ઘણાં બાળકોને રમકડું હાથમાં આવે એટલે બધા જ પાર્ટ‍્‍સ ખોલી નાખવાની ટેવ હોય છે. હવે ત્રણ વર્ષના બાળકને ફરીથી એસેમ્બલ કરતાં આવડવાનું છે? બાળકની વય અને નેચરને ધ્યાનમાં લઈ રમકડાં ખરીદવાં જોઈએ. ટીથર જેવાં ટૉય ખરીદતી વખતે લીકેજનો ડર રહે છે. પ્લાસ્ટિક મટીરિયલની એક્સ્પાયરી ડેટ હોય છે એ વાત પણ નોંધી લો. અહીં ક્વૉલિટીમાં કૉમ્પ્રોમાઇઝ ન કરો. બૅટરી કે અન્ય નાની વસ્તુ ગળી જવા જેવા કિસ્સા પેરન્ટ્સની બેદરકારીના કારણે બને છે.’
કયા દેશમાં સંશોધન થયું છે અને કેટલી ડેપ્થમાં થયું છે એની સચોટ માહિતી વગર રમકડાની બનાવટમાં વપરાતાં કેમિકલ્સ વિશે બોલવું ઉચિત નથી એવો મત વ્યક્ત કરતાં કવિતા કહે છે, ‘દરેક દેશની પોતાની જુદી ગાઇડલાઇન્સ હોય છે. ક્યા કેમિકલની માત્રા કેટલી હોવી જોઈએ એના નિયમો છે. ટૉયના કારણે હૉર્મોનની ઊથલપાથલ થઈ હોય એવા કેટલાક કિસ્સા બન્યા છે, પરંતુ ચોક્કસ આંકડા નથી. રમકડાંની ખરીદીમાં ઘણા ફૅક્ટર મૅટર કરે છે. પહેલાંના સમય જેવાં લાકડાંનાં રમકડાં હવે મળતાં નથી તેથી પેરન્ટ્સે લેબલિંગ વાંચવું જોઈએ અને એના પર દર્શાવેલા સેફ્ટી નૉર્મ્સને ફૉલો કરવા જોઈએ. ખાદ્ય પદાર્થની સાથે મળતાં ટૉય માર્કેટિંગ ગિમિક છે અને એના પર રોક લાગતો કાયદો અમલમાં આવે એ આવકારદાયક છે. અહીં માત્ર ટૉયની વાત નથી આવતી, જન્ક ફૂડનો રોલ પણ છે. વાસ્તવમાં કંપનીઓ બાળકોને જન્ક ફૂડ માટે પ્રેરે છે, ટૉય જરિયો છે. સંતાનની હેલ્થ માટે આ બાબત પણ પેરન્ટ્સે ધ્યાનમાં લેવાની છે.’

ટૉય્ઝ ખરીદતી વખતે સામાન્ય રીતે પેરન્ટ્સ એની પ્રાઇસ અને લુક જુએ છે. એમાં કઈ વસ્તુ ભેળવવામાં આવી છે એ બાબત તેઓ અજાણ હોય છે. હેત્વીને હવે ટૉય કરતાં ગેમ્સ રમવામાં વધુ મજા પડે છે તેથી બહુ ધ્યાન રાખવાની જરૂર પડતી નથી
- મૌસમી કોઠારી

બાળકોને પૅકેટ્સની અંદર ખાવાની આઇટમ શું છે એમાં નહીં, એની સાથે ફ્રીમાં મળતાં ટૉય અને સ્ટિકરમાં વધુ રસ હોય છે. સેફ્ટીની દૃષ્ટિએ સલામત નથી તેમ છતાં બાળકોની જીદ સામે ક્યારેક પેરન્ટ્સે નમવું પડે છે. જોકે મને બાળકોની ક્રીએટિવ‌િટી ખીલે એવાં ટૉય્ઝ વધુ પસંદ છે
-સરોજ જૈન

રમકડાંની બનાવટમાં કેટલાંક કેમિકલ ભેળવવામાં આવે છે, પરંતુ એની માત્રા કેટલી હોવી જોઈએ એ બાબત દરેક દેશની પોતાની ગાઇડલાઇન્સ હોય છે. સંતાનોની સલામતી માટે પેરન્ટ્સે ટૉયના બૉક્સ પર લખેલા સેફ્ટી નૉર્મ્સને સ્ટ્રિક્ટ્લી ફૉલો કરવા જોઈએ. બીજું એ કે ખાદ્ય પદાર્થ સાથે મળતા ટૉય પાછળ જન્ક ફૂડનો રોલ છે. કંપની ટૉયના માધ્યમથી તમારા સંતાનને જન્ક ફૂડના રવાડે ચડાવવા માગે છે એ નોંધી લો
- કવિતા ગોહિલ, પીડિયાટ્રિશ્યન

ટૉય્ઝ માટે ધમપછાડા કરતાં બાળકોના પેરન્ટ્સ શું કહે છે?
ટૉય બાળકોની કમજોરી છે. થોડાઘણા ધમપછાડા બધા જ કરતાં હોય છે એવો જવાબ આપતાં દસ વર્ષની હેત્વીનાં મમ્મી મૌસમી કોઠારી કહે છે, ‘રમકડાંની ખરીદીમાં સામાન્ય રીતે પેરન્ટ્સ એની પ્રાઇસ અને લુકને ફોકસ કરે છે. ટૉય અફૉર્ડેબલ છે કે નહીં એ મુખ્ય મુદ્દો હોય છે. મને યાદ છે બે વર્ષ પહેલાં હેત્વીએ ટેન્ટ હાઉસ માટે જીદ કરી હતી. અમે તેને માંડ-માંડ સમજાવી હતી. એક તો ટેન્ટ હાઉસ બહુ મોંઘું આવે છે અને અમારા ઘરમાં એટલી જગ્યા પણ નથી. નાનાં બાળકોને રમકડાંની કિંમતની સમજણ ન પડે એટલે તેમને બીજી રીતે વાળવાં પડે. અમે તેને સમજાવ્યું કે તું આખો દિવસ હાઉસ ખોલીને રમીશ તો ઘરમાં હાલવા-ચાલવાની જગ્યા નહીં રહે. એ જ રીતે એકાદ વાર બીજા રમકડા માટે પણ ના પાડવી પડી છે.’
રમકડાંમાં કોઈ પ્રકારનાં કેમિકલ્સ ભેળવેલાં હોય છે એવી મને આજે ખબર પડી એમ જણાવતાં મૌસમી કહે છે, ‘આ બાબત મોટા ભાગના પેરન્ટ્સ અજાણ્યા જ હશે એવું મને લાગે છે. હા, રમતાં-રમતાં વાગી જાય એવાં ટૉય્ઝ ન અપાવીએ. થોડા સમય પહેલાં પાણીમાં નાખો એટલે ફૂલી જાય એવા બૉલ્સ આવ્યા હતા. એ સસ્તા હતા તો પણ નહોતા અપાવ્યા, કારણ કે એ વખતે હેત્વી નાની હતી અને મને ડર હતો કે ક્યાંક મોઢામાં ન નાખે. હવે તો તેને રમકડાં કરતાં ગેમ્સ રમવામાં વધુ રસ પડે છે તેથી સમજાવવાની કે ધ્યાન રાખવાની જરૂર રહેતી નથી.’    
પેરન્ટ્સ પ્રાઇસ જુએ છે એ વાત સાથે સહમત થતાં પાંચ વર્ષના ધ્રુવિકનાં મમ્મી સરોજ જૈન કહે છે, ‘આ ઉંમરમાં બધાં જ બાળકો જીદ કરતાં હોય એમાં નવાઈ નથી. મારા દીકરાને કાર અને બાઇકનો ગાંડો શોખ છે. રમકડાંની શૉપ જુએ એટલે ઊભો રહી જાય. કાર અને બાઇક જેવાં રમકડાં બહુ તકલાદી હોય છે તેથી ધ્રુવિકને સમજાવવો પડે. મને પર્સનલી બ્લૉક્સ અરેન્જ કરવાના હોય એવા ક્રીએટિવ ટૉય્ઝ વધુ ગમે છે. ટૉય ઉપરાંત અમે પેઇન્ટિંગ અને એબીસીડીની બુક લાવી દઈએ. એનાથી માઇન્ડ ડેવલપ થાય. માત્ર આમથી તેમ ફેરવ્યા કરવાનાં રમકડાં પાછળ પૈસા વેડફવાનો કોઈ અર્થ નથી.’
નાનાં બાળકોને પૅકેટ્સની અંદર ખાવાની આઇટમ શું છે એમાં નહીં, એની સાથે ફ્રીમાં મળતાં ટૉય અને સ્ટિકરમાં વધુ રસ હોય છે એમ જણાવતાં સરોજ કહે છે, ‘ચૉકલેટ અને વેફર્સ હેલ્થ માટે ખરાબ છે એવું સમજવાની તેમની ઉંમર નથી એનો ફાયદો કંપનીઓ લે છે. આ વસ્તુઓ સાથે મળતાં નાનાં-નાનાં ટૉય છૂટકમાં મળતાં નથી તેથી બાળકોની જીદ સામે પેરન્ટ્સે ક્યારેક નમતું જોખવું પડે છે. સેફ્ટીની દૃષ્ટિએ એકદમ જ નાની સાઇઝના ટૉય અમે આપતાં નથી અને એટલે જ આવાં પૅકેટ્સનો વિરોધ કરું છું. હું હંમેશાં બ્રૅન્ડેડ વસ્તુ વાપરવાનો આગ્રહ રાખું છું તેથી રમકડાંમાં ભેળસેળ થઈ શકે એવી કોઈ જાણકારી નથી.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK