વાતો કરવાની કળા વિશેના ઑનલાઇન ક્લાસમાં જોડાવું છે?

Published: Sep 03, 2020, 17:05 IST | Jayesh Chitalia | Mumbai

આપણે બોલીએ છીએ કે બકવાસ કરીએ છીએ?

શું તમને કોઈની સાથે વાત કરવાનો કંટાળો આવે છે? ક્યારે અને શું કામ?
શું તમને કોઈની સાથે વાત કરવાનો કંટાળો આવે છે? ક્યારે અને શું કામ?

આ લેખના ટાઇટલથી આપને જરૂર નવાઈ લાગી હશે, પરંતુ આમ કહેવાનો અમારો ઉદ્દેશ બરાબર સમજાશે ત્યારે નવાઈ દૂર થઈ જશે અને પોતાના વિશે કંઈક નવું જાણવા મળશે અને ગમશે પણ ખરું. ન ગમે તો ઍડ્વાન્સમાં જ ક્ષમા સાથે વાતની શરૂઆત કરીએ
આપણને આપણાં સગાંસંબંધી, પાડોશીઓ, પરિચિતો, ઑફિસના કલિગ્સ, મિત્રો વગેરે સાથે ફોન પર યા પ્રત્યક્ષ સ્વરૂપે વાત કરી લીધા બાદ ક્યારેય એવા વિચાર આવે છે કે આપણે કેટલીયે નકામી-અર્થહીન વાતો કરી દીધી, કેટલીયે વાતોમાં માત્ર નિંદારસ કે કોઈ બીજાની કૂથલી યા ઈર્ષ્યા હતી. તમે જે વાત પાંચ મિનિટમાં પતી શકે એમ હતી એને પાંત્રીસ મિનિટ ચલાવી, ક્યારેક તો બહુ નિખાલસતાપૂર્વક આપણી વાતોને મૂલવીએ તો એમાં બોલ-બોલ, બોલ બચ્ચન અને મહત્તમ બકવાસ કર્યો હોવાનું વધુ લાગી શકે. અલબત્ત, આ સમજવા માટે ખુલ્લા મને અને ખેલદિલી સાથે વિચાર કરવો આવશ્યક બને. ચાલો આજે આપણી વાતો કે બોલવાની રીતરસમનો હિસાબ કરીએ અને એમાંથી જ કંઈક શીખવા-સમજવાનો પ્રયાસ કરીએ.
વાતની શરૂઆત કેટલાક સવાલથી કરીએ. શું તમારે કઈ રીતે બોલવું, કોની સાથે કેટલું બોલવું, બોલતી વખતે શેનું ધ્યાન રાખવું, ક્યારે ન બોલવું, મોબાઇલ ફોન પર વાત કરતી વખતે કોની સાથે કેટલું બોલવું? આમનેસામને બોલતી વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવી? તમારી વાત સાંભળવામાં સામેની વ્યક્તિને રસ છે કે કેમ એ કઈ રીતે જાણવું, ક્યારે બોલતાં અટકી જવું? ઘરમાં, બહાર, હોટેલમાં, જાહેર સ્થળોએ, પાડોશમાં, સગાંસંબંધી સાથે બોલતી વખતે શું ધ્યાન રાખવું વગેરે જેવી બાબતોની તાલીમ લેવી છે? આ માટેના ઑનલાઇન કલાસ શરૂ થાય તો શું તમે એમાં જોડાઓ ખરા? તમને જરા નહીં, ઘણી નવાઈ લાગી શકે આ વાંચીને. તમને એમ પણ થાય કે હું તો બરાબર જ બોલું છું, મારે કોની સાથે, કઈ રીતે અને કેટલું બોલવું એ મારે શીખવાની કોઈ જરૂર નથી. જોકે હકીકતમાં આવું નથી. તમે ભલે તમારા બોલવા વિશે બધું બરાબર છે એમ માનતા હો, પણ વાસ્તવમાં આપણામાંથી મોટા ભાગના લોકો બહુ જ બોલતા હોય છે. બહુ બોલવું એ સમસ્યા નથી, પરંતુ અર્થહીન, તથ્યહીન અને જેને બકવાસ કહી શકાય એવું બોલાય ત્યારે સમસ્યા છે. ઘણી વાર આપણને બીજાઓને લાંબી-લાંબી અર્થહીન-બકવાસ વાતો કરતા જોઈને પણ બોધ મળી શકે છે. ક્યારેક બીજાના અનુભવમાંથી પણ આપણને ઘણું શીખવા-સમજવા મળતું હોય છે.
પોતાની જ ટેસ્ટ કરો
ચાલો થોડી જાતની જ ટેસ્ટ કરો. તમે પોતે કોઈની સાથે વાત કરો ત્યારે એ ફોનને રેકૉર્ડ કરો. એ પછી એ જ વાતોને તમે પોતે સાંભળો. તમને સમજાશે કે તમે અને સામેની વ્યક્તિ એ વાત કેટલી વારમાં પતાવી શક્યા હોત, તમે અને તેણે કેટલી વાર એકની એક વાત ફેરવી-ફેરવીને કરી, વાતના વિષય ક્યાંથી ક્યાં ગયા, વાતમાં કોઈ અર્થ હતો ખરો? એ માત્ર વાતો હતી કે કોઈની નિંદા-કૂથલી હતી? હતી તો એ વાજબી હતી? કોણ વધુ બોલ્યું? તમે તમને પૂછી શકો કે તમે પોતે બોલ્યા જ કરો છો કે બીજાને સાંભળો છો પણ ખરા? મોટા ભાગના માણસો બીજાને સાંભળતા નથી, તેઓ માત્ર બીજો ક્યારે બોલવાનું પૂરું કરે અને પોતે શરૂ કરે એની રાહ જોતા હોય છે. કવિઓ વિશે આ વિષયમાં એક જોક પ્રચલિત છે. બે જણ સતત એકબીજા પાછળ દોડ્યા કરતા હતા. એ જોઈને ત્રીજા માણસે એક જણને પૂછ્યું કે ભાઈસાહેબ, તમે કેમ પેલા ભાઈસાહેબની પાછળ દોડ્યા કરો છો? એટલે જવાબમાં પહેલા ભાઈએ કહ્યું, જુઓ મહાશય, અમે બન્ને કવિ છીએ. તેણે પોતાની કવિતા સંભળાવી દીધી, મારી બાકી છે...
આ વિષયમાં એક સ્પષ્ટતા જરૂરી છે. આ વાતોના કે બોલવાના હિસાબમાં જિગરી મિત્રો સાથેની વાતોમાં કંઈ પણ ચાલે, ત્યાં કોઈ તોલમાપ ન હોય. ત્યાં બહુ બુદ્ધિના ઉપયોગની પણ ચિંતા કરવી નહીં. એ બધી વાતો તો મસ્તીવાળી, હળવી, નિખાલસ હોઈ શકે. આ કિસ્સામાં બધું માફ, પરંતુ હા, દોસ્તોએ પણ બકવાસની હદ સુધી તો ન જ બોલવું જોઈએ.
સૌથી ખતરનાક નેગેટિવ વાતો
અર્થહીન, તથ્યહીન, બકવાસ વાતો કરતાં પણ વધુ ખરાબ અને ખતરનાક વાત નકારાત્મક-નેગેટિવ વાતો હોય છે. સતત નેગેટિવ વાતો કરીને આખરે તો આપણે ખુદને જ વધુ નુકસાન કરતા હોઈએ છીએ. આપણે આપણી ભીતર અને બીજાની ભીતર પણ અર્થહીન વાત કે નેગેટિવ વાતોનો પ્રસાર કરતા જઈએ છીએ જેની ચેઇન ક્યાંથી ક્યાં સુધી જાય છે અને એની સમાજ પર કે આપણાં સંતાનો અને સંબંધો પર કેવી અસર થાય છે એનો આપણને અંદાજ પણ નથી. આમ પરોક્ષ રીતે આપણે સમાજ માટે બહુ નેગેટિવ ભૂમિકા ભજવી રહ્યા હોઈએ છીએ જે સ્વહિત માટે પણ સારી વાત નથી. આ વિષયમાં જેટલા જાગ્રત થઈશું એટલું મૌન આપણી નજીક આવશે, મૌન વધશે એમ શાંતિ વધશે. અન્યથા આપણા મનમાં ફાલતુ વાતો-બકવાસ અને નેગેટિવ વાતોને લીધે અજંપો, બેચેની અને અશાંતિ રહ્યા કરશે, જેનો ચેપ કોરોના કરતાં પણ વધુ ખરાબ હોય છે. આવી વ્યક્તિના સંપર્કમાં આવનારને નકારાત્મકતા બહુ જ નુકસાન પહોંચાડે છે, તેનું માનસિક સ્વાસ્થ્ય બગાડીને જ રહે છે.
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો
લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)


આટલા સવાલના જવાબ ખુદ પાસેથી મેળવો
તમે કેટલું બોલો છો, કોની સાથે બોલો છો, શું વાત કરો છો, તમે જે વાત કરી હોય છે એ તમારે કરવી જરૂરી હતી એમ દર વખતે લાગે છે, તમે એકની એક વાત કેટલી વાર બોલો છો. શું તમને નથી લાગતું કે તમે મોટે ભાગે નકામી વાતો કરો છો, નિંદારસ ભોગવો છો, આખા દિવસનો રાતે સૂતા પહેલાં હિસાબ રાખો છો? મોબાઇલ પર કેટલા કલાક વાત કરો છો? કોની સાથે? ઘરમાં કેટલી વાત કોની સાથે કરો છો? ક્યારે ચૂપ હો છો? મૌન હો છો? શું તમને કોઈની સાથે વાત કરવાનો કંટાળો આવે છે? ક્યારે અને શું કામ?
શું તમને લાગે છે કે કોઈને તમારી સાથે વાત કરવાનું ગમતું નથી, શા માટે? તમારી વાતોના મોટા ભાગના વિષય કયા હોય છે? ધારો કે બહુ બોલવાને બદલે તમે શાંત રહી તમારા વિશે, સારા વિચારો વિશે, સારાં પુસ્તકો વિશે, પ્રકૃતિ વિશે, જીવન વિશે વધુ વિચારો તો કેવું? તમે એ પણ વિચારો કે કોની સાથે વાત કરીને તમે કંઈક પામતા હોવાનું ફીલ કરો છો.
અન્યથા નકામી, વ્યર્થ, નકારાત્મક વાતોથી તમારાં સમય-શક્તિને બચાવો, ખટપટથી દૂર રહો, એના સ્થાને બીજા સારા કાર્ય પર ધ્યાન આપી શકો. મનને શાંતિ મળી શકે, અજંપો ઘટી શકે, નિંદારસમાંથી મુક્તિ મળી શકે. જાત સાથે રહેવાનો આનંદ મળી શકે. પરિવાર અને રચનાત્મક કામમાં વધુ સમય આપી શકાય.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK