Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > અભિધાન રાજેન્દ્ર કોશના સર્જક શ્રીમદ્ રાજેન્દ્રસૂરિજી મહારાજને જાણો છો?

અભિધાન રાજેન્દ્ર કોશના સર્જક શ્રીમદ્ રાજેન્દ્રસૂરિજી મહારાજને જાણો છો?

25 November, 2019 02:16 PM IST | Mumbai Desk
chimanlal kaladhar

અભિધાન રાજેન્દ્ર કોશના સર્જક શ્રીમદ્ રાજેન્દ્રસૂરિજી મહારાજને જાણો છો?

અભિધાન રાજેન્દ્ર કોશના સર્જક શ્રીમદ્ રાજેન્દ્રસૂરિજી મહારાજને જાણો છો?


પરમોપકારી તીર્થંકર ભગવંતોએ સત્યનો મહિમા સમજાવતા ફરમાવ્યું છે કે ‘સચ્ચ ભગવંત, સચ્ચ લોગમ્મિ સારભુંય’ અર્થાત્ સત્ય જ પરમેશ્વર છે અને સત્ય જ દુનિયામાં સારભૂત છે. એથી જ જૈન ધર્મમાં સત્યની સાધનાને અગ્રીમ સ્થાન આપવામાં આવ્યું છે. સાચું સમજાય તો સાચું આચરણ કરી શકાય. સાચા માર્ગનો ખ્યાલ ન હોય તો સાચા માર્ગે શી રીતે ચાલી શકાય? સત્ય એ તો જીવનપંથને અજવાળનારો દિવ્ય પ્રદીપ છે. સત્યનો આવો અપૂર્વ મહિમા સમજી એ માર્ગે ચાલી પોતાની અપ્રતિમ સાધનાના બળે સમગ્ર જૈનજગત પર છવાઈ જનારા મહાન જૈનાચાર્ય શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજને આજે ૨૦૦ જેટલાં વર્ષ થવા આવ્યાં છે. તેમ છતાં તેમના જીવન અને સાહિત્યનો પ્રચંડ પ્રભાવ આજે પણ સમગ્ર જૈન સમાજમાં પ્રસરેલો જોવા મળે છે. વિક્રમની ૧૯મી સદીમાં થયેલ આ મહાપ્રતાપી સૂરિસમ્રાટનું નામ-સ્મરણ આજે પણ લોકોના હૃદયમાં અનેરો ભાવોલ્લાસ પ્રગટ કરે છે. 

શ્રી રાજેન્દ્રસૂરિજી મહારાજનો જન્મ ઇ.સ.૧૮૨૭ની ૩ ડિસેમ્બરના રાજસ્થાનના ભરતપુર ગામમાં થયો હતો. એમના પિતા ઋષભદાસ અને માતા કેસરબાઈનો ધર્મસંસ્કારનો વારસો તેમને મળ્યો હતો. તેમનું સંસારી નામ રત્નરાજ હતું. બાલ્યવયથી જ જિનમંદિરે જવું, પરમાત્માની પૂજા કરવી, સાધુ ભગવંતોને વંદન કરવા ઇત્યાદિ ધર્મક્રિયામાં તેઓ ઉત્સાહપૂર્વક ભાગ લેતા હતા. તેમના પિતાને ઝવેરાતનો વ્યવસાય હતો. ઉંમરલાયક થતાં રત્નરાજને તેમના પિતાએ પોતાના વ્યવસાયમાં જોડ્યો હતો. તેમના મોટાભાઈ માણેક અને રત્નરાજે ખૂબ કુશળતાથી પિતાનો ઝવેરાતનો વ્યવસાય વિકસાવ્યો હતો. એ અરસામાં થોડા થોડા સમયના અંતરે રત્નરાજનાં માતા-પિતા અવસાન પામ્યાં હતાં. માતા-પિતાની આ વિદાયનો આઘાત રત્નરાજ માટે અસહ્ય હતો. વેપાર-ધંધામાંથી તેનું મન ઊઠી ગયું હતું. ઊંડા ચિંતનમાં તેઓ સતત રહેવા લાગ્યા હતા. તેમના ભાઈ-ભાભી, સ્નેહીજનો તેમને સાત્વના આપતાં પણ તેમની ગમગીની ઓછી થતી ન હતી. તેમનાં ભાઈ-ભાભીએ તેમના લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો, પરંતુ તેમણે તેનો સાફ ઇનકાર કર્યો હતો.
ભરતપુરમાં તે સમયે શ્રી પૂજ્ય પ્રમોદસૂરિજી શિષ્યાદિસહ પધાર્યા હતા. એ દિવસોમાં ગુજરાત-રાજસ્થાન વગેરે પ્રદેશોમાં સંવેગી સાધુ કરતાં શ્રીપૂજ્યોની સંખ્યા સવિશેષ હતી. શ્રી પ્રમોદસૂરિ સારા વ્યાખ્યાનકાર હતા. તેમનું પ્રવચન સાંભળવા હજારો લોકો આવતા હતા. રત્નરાજ પણ પ્રમોદસૂરિનું વ્યાખ્યાન સાંભળવા આવ્યો હતો. પ્રમોદસૂરિના વ્યાખ્યાનની અસર રત્નરાજ પર એટલી તીવ્ર થઈ હતી કે તેણે મનોમન દીક્ષા લેવાનો સંકલ્પ કરી લીધો હતો. તેમણે ભાઈ-ભાભી-પરિવારજનો સમક્ષ દીક્ષા લેવાની સંમતિ માગી હતી. ઘણી ચર્ચા-વિચારણા-મથામણોના અંતે રત્નરાજની મક્કમતા જોઈ આખરે તેમના પરિવારે તેમને દીક્ષા લેવાની મંજૂરી આપી હતી. ઇ.સ. ૧૮૪૫માં ઉદયપુર મુકામે રત્નરાજની ધામધૂમપૂર્વક દીક્ષા થઈ હતી. દીક્ષા પછી તેમનું નામ રત્નવિજય રાખવામાં આવ્યું હતું અને તેમને પ્રમોદસૂરિના શિષ્ય જાહેર કરવામાં આવ્યા હતા, દીક્ષા પછી રત્નવિજયનો શાસ્ત્રાભ્યાસ શરૂ થયો હતો. કુશાગ્ર બુદ્ધિમતા અને તીવ્ર સ્મરણશક્તિ જોઈને તેમના ગુરુ પ્રમોદસુરિએ તેમને ખરતરગચ્છના વિદ્વાન સાધુ સાગરચંદ્રજી પાસે શાસ્ત્રાધ્યાયન માટે મૂક્યા હતા. રત્નવિજયજીએ તેમની પાસે રહીને જૈન આગમો, વ્યાકરણ, કાવ્યાલંકાર વગેરેનો ઊંડો અભ્યાસ કર્યો હતો. તેઓ તે પછી સાહિત્યકૃતિઓનું સર્જન પણ કરવા લાગ્યા હતા. ૨૨ વર્ષની યુવા વયે તેમણે ‘કરણ-કામધેનુ સારિણી’ નામની કૃતિનું સર્જન કર્યું હતું.
એ સમયે તપગચ્છના યતિઓમાં શ્રી પૂજ્ય દેવેન્દ્રસૂરિનું સ્થાન મુખ્ય હતું. વૃદ્ધાવસ્થાના કારણે તેઓએ ગચ્છની જવાબદારી તેજસ્વી યતિશ્રી રત્નવિજયને સુપરત કરાઈ હતી. ધરણેન્દ્રસૂરિ ઉંમરમાં શ્રી રત્નવિજય કરતાં ઘણા નાના હતા. તેઓ રત્નવિજયના જ્ઞાન, ચારિત્ર અને વ્યવસ્થાશક્તિથી અત્યંત પ્રભાવિત હતા. સતત છ વર્ષ સુધી વિવિધ સ્થળોએ ધરણેન્દ્રસૂરિ સાથે વિચરીને રત્નવિજયે અધ્યયનની સાથે ગચ્છની વ્યવસ્થા પણ સારી રીતે સંભાળી હતી. એ માટે સં. ૧૮૬૪માં રત્નવિજયને દફતરીનું માનભર્યું પદ એનાયત કરાયું હતું. એ વખતે જૈન યતિઓ પૈસા, રત્નો અને અન્ય પરિગ્રહ પણ રાખતા હતા. એ બધાની વ્યવસ્થા માટેની જવાબદારી રત્નવિજયને સોંપાઈ હતી. રત્નવિજયે આ પદ સ્વીકાર્યું તો હતું પરંતુ યતિઓમાં પ્રવેશેલ ઠાઠ-માઠ, મોજશોખ, અહંકાર, આસક્તિ વગેરે દૂષણો તેમને ખૂંચવા લાગ્યા હતા. તે સમયે કેટલાંક રાજ્યો તરફથી જૈન યતિઓને છત્ર, ચામર, પાલખી વગેરે ભેટ અપાતા. ધરણેન્દ્રસૂરિને પણ કેટલાંક રાજ્યો તરફથી આવો સરપાવ મળ્યો હતો. રત્નવિજયને આવો બાદશાહી ઠાઠ પસંદ ન હતો. તેથી તેઓ ધરણેન્દ્રસૂરિને સમજાવતા કે જૈન સાધુઓ માટે આવો ઠાઠ-માઠ શોભાસ્પદ નથી. એ અરસામાં રત્નવિજયને પોતાના ગુરુ પ્રમોદસૂરિને મળવા આહોર જવું પડ્યું. એ તકનો લાભ લઈને કેટલાક ખટપટિયા યતિઓએ રત્નવિજયે ગચ્છનાં નાણાંની ગોલમાલ કરી છે એવો પત્ર યતિનાયક ધરણેન્દ્રસૂરિને પાઠવ્યો. આ એક ગંભીર આક્ષેપ હતો. ધરણેન્દ્રસૂરિને ખાતરી હતી કે રત્નવિજય એક સાચા, ત્યાગી, નિખાલસ અને પ્રામાણિક સાધુ છે. તેઓ કદાપિ નાણાંની ગોલમાલ કરે નહીં. તપાસ કરાવતા આ વાત તદ્દન ખોટી નીકળી. રત્નવિજયની નિર્દોષતા સાબિત થઈ. આ આક્ષેપની વાત આહોરમાં રત્નવિજયજી પાસે પણ પહોંચી હતી. તેમને આ ઘટનાથી ઘણું દુ:ખ થયું હતું. ધરણેન્દ્રસૂરિએ પછી તેઓ નિર્દોષ છે તેવો પત્ર મોકલ્યો પરંતુ એથી તેમના મનનું સમાધાન થયું નહીં. તેઓ ધરણેન્દ્રસૂરિ પાસે પાછા ગયા નહીં તેમ જ ગચ્છની વ્યવસ્થા સંભાળવાનો પણ ઇનકાર કર્યો.
રત્નવિજય વિહાર કરી રાણકપુર તીર્થમાં પહોંચ્યા. અહીં શ્રી ઋષભદેવ પરમાત્મા પાસે તેમણે પાંચ વર્ષના યતિ જીવનમાં પ્રવેશેલા શિથિલાચારને દૂર કરવાનો અને શુદ્ધ સાધ્વાચારનું પાલન કરવા માટે ક્રિયોદ્ધાર કરવાનો અભિગ્રહ કર્યો અને એ માટે તેમણે અઠ્ઠમ તપનું પચ્ચક્ખાણ લીધું. રત્નવિજયના જીવનપરિવર્તનની આ શુભ શરૂઆત હતી. ઇ.સ. ૧૮૬૭ના વૈશાખ સુદ-૫ના આહોર મુકામે રત્નવિજયજીની યોગ્યતા જોઈ એમના ગુરુ પ્રમોદસૂરિએ એમને આચાર્ય પદવી આપી. હવે તેઓ રાજેન્દ્રસૂરિ તરીકે ઓળખાવા લાગ્યા. શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજે પોતાના સાધુ જીવનમાં કઈ રીતે ક્રાંતિકારી ફેરફાર કર્યા અને પ્રભુ મહાવીરપ્રણિત સાધુ ધર્મને કઈ રીતે સવિશેષ આચારચુસ્ત બનાવ્યો તેની વિગત હવે પછીના અંકમાં પ્રસ્તુત થશે.


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2019 02:16 PM IST | Mumbai Desk | chimanlal kaladhar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK