Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હીરો અને કોલસો : એકની વૅલ્યુ બળવાની, એકની વૅલ્યુ અબજોની

હીરો અને કોલસો : એકની વૅલ્યુ બળવાની, એકની વૅલ્યુ અબજોની

04 January, 2020 03:43 PM IST | Mumbai
Sanjay Raval

હીરો અને કોલસો : એકની વૅલ્યુ બળવાની, એકની વૅલ્યુ અબજોની

ડાયમેડ

ડાયમેડ


હીરો કેમ બને એની ખબર છે તમને? ખાણમાંથી હીરો મળે એ બધાને ખબર છે, પણ એ બને કેવી રીતે એની ખબર છે?

કોઈનો જવાબ એવો હશે કે એ તો સુરતની ફૅક્ટરીમાં બને અને કોઈ એવું કહેશે કે આર્ટિફિશ્યલ હોય તો એ આખેઆખો ફૅક્ટરીમાંથી મળે. કોઈ એવું પણ કહેશે કે એ ખાણમાંથી બને અને કોઈ એવું પણ કહેશે કે હીરો કોલસામાંથી બને. આ છેલ્લો જવાબ આપનારો પણ સંપૂર્ણ સાચો નથી, કારણ કે કોલસામાંથી હીરો બને એ જો પૂર્ણ સાચું હોય તો પછી શું કામ દરેક કોલસો હીરો નથી બનતો? શું કામ દરેક કોલસાની ખાણમાંથી ૦.૦૦૦૧ પર્સન્ટ જ હીરો મળવાની સંભાવના હોય છે. સંભાવના, ખાતરી તો નહીં, નહીં ને નહીં જ. શું કામ?



દરેક કોલસો હીરો બનવાને લાયક નથી હોતો. હવે થોડી સાયન્સની ભાષા લાગી શકે, પણ આ વાતને સમજવાનો બીજો કોઈ રસ્તો નથી એટલે આપણે એ જ બોલીમાં વાત કરી લઈએ. કાર્બન ઍટમનું પ્રોપર સ્ટ્રક્ચરિંગ થાય એ પછી જ ખબર પડે કે બનેલું સંયોજન હીરો છે કે કોલસો. એ સ્ટ્રક્ચર ખોટું અથવા તો ધારણા મુજબનું ન થયું તો એ કોલસો બનશે અને સ્ટ્રક્ચર સાચું થયું કે પછી ધારણા મુજબનું થયું તો એની કિંમત કરોડો રૂપિયામાં આંકવામાં આવે છે એવો ડાયમન્ડ બનશે. હા, એક જ સ્ટ્રક્ચરમાં એક જ ખોટું સ્ટેપ એટલે એ કોલસો, જેનું મૂલ્ય કોડીનું છે, જે સળગવા માટે જ જન્મે છે અને જેના હવે પારાવાર ઑપ્શન શોધી લેવામાં આવ્યા છે અને જો એક જ સ્ટેપ સાચું, સ્ટ્રક્ચર વ્યવસ્થિત ગોઠવાઈ ગયું તો મૂલ્ય કરોડો રૂપિયાનું.


આ સ્ટ્રક્ચર જ મહત્વનું છે હીરા અને કોલસા વચ્ચે, અને એવું જ આપણને પણ લાગુ પડે છે. સ્ટ્રક્ચર જ મહત્વનું છે આપણા બધા વચ્ચે પણ. કઈ રીતે આપણે આપણું સ્ટ્રક્ચર ગોઠવીએ છીએ એની મહત્તા છે. જો ૧૦ અને ૧૧ કે ૧૯ અને ૨૦ની સરખામણી જ કરતા રહ્યા તો કોઈ વૅલ્યુ નહીં, પણ સમય મુજબ જાતને ઢાળીને સ્ટ્રક્ચરિંગ પ્રોપર કરી લીધું તો મૂલ્ય અમૂલ્ય. સમય જતાં એ મૂલ્યમાં વધારો પણ નક્કી. મિત્રો, એક વાત યાદ રાખજો કે એક વખત કોઈ બાબતમાં તમારી કિંમત નક્કી થઈ તો એ પછી એ સતત વધવાની છે, ઘટવાની નથી અને એટલે જ તમને કહું છું કે જે મહત્વનું છે એ સ્ટ્રક્ચર છે. વાત અહીંથી જ શરૂ થાય છે. વાત એ જ છે કે આપણે સ્ટ્રક્ચર તૈયાર કરવામાં ક્યાંક ને ક્યાંક ગોટાળો કરી દઈએ છીએ.

જો તમે તમારી આસપાસ જોશો તો પણ ખ્યાલ આવશે કે સાચા સમયે જેણે સ્ટ્રક્ચર ગોઠવી લીધું, જેણે સ્ટ્રક્ચર બનાવી લીધું એ આજે પણ કરોડો કમાય છે અને એ પણ માત્ર એક જ આઇડિયાનો. વિશ્વાસ ન આવતો હોય તો તમને આ જ વાત દાખલા સાથે સમજાવું; ગૂગલ, ફેસબુક, સ્નૅપચૅટ, ગાના, ઓયો રૂમ્સ, ગોઆઇબિબો, ઓલા, ઝોમૅટો. આ બધી બ્રૅન્ડથી તમે પરિચિત છો જ. આમાંથી કોઈ ને કોઈ બ્રૅન્ડ સાથે તમારો ક્યારેક ને ક્યારેક તો પનારો પડ્યો જ હશે. આ બધી બ્રૅન્ડ વચ્ચે જો કોઈ એક વાત કૉમન હોય તો એ છે, આઇડિયા. સ્ટ્રક્ચર. તમે જુઓ, માત્ર ને માત્ર કૂથલી કરવાના હેતુથી અને જન્મદિવસ જણાવવાના હેતુથી બનેલી એક સામાન્ય વેબસાઇટ એટલી હદે પૉપ્યુલર થઈ કે આજે અડધાથી વધારે દુનિયા એનો ઉપયોગ કરે છે. નામ છે એનું ફેસબુક. એક આઇડિયા, એક એવું પ્લૅટફૉર્મ જ્યાં લોકો માત્ર વાતો કરવા અને ગપાટા મારવા માટે ભેગા થાય છે. જો આ વાત કોઈને કહેવામાં આવે તો કોઈ માને પણ નહીં. દલીલ પણ કરે કે એવા નવરા ક્યાં છીએ આપણે, પણ આ વિચારનું, આ આઇડિયાનું સ્ટ્રક્ચરિંગ કરવામાં આવ્યું અને આજે એ ફેસબુક નામની આટલી મોટી બ્રૅન્ડ બની ગઈ છે, જેની વૅલ્યુ અબજો રૂપિયામાં કરવામાં આવે છે. ફેસબુકની જ વાત તમને કહું, દુનિયાના દરેકેદરેક દેશમાં ફેસબુકનું હબ છે, હજારોની સંખ્યામાં સ્ટાફ છે. લાખો સ્કવેર ફુટની જગ્યા ફેસબુક પાસે છે અને કરોડોની અસ્કયામત ફેસબુક પાસે છે. એટલું જ નહીં, જે પોતે સાવ નવો વિચાર હતો એ ફેસબુકે કેટલી બ્રૅન્ડ ખરીદી લીધી. વિચાર કરો, એક આઇડિયાને સાચી દિશામાં સ્ટ્રક્ચરિંગ કરવાનો આ ફાયદો છે. આ પાવર છે. ફેસબુક પછી વાત કરીએ આપણે ગૂગલની.


આજના સમયમાં માણસ ગૂગલ વગર રહી શકે એમ નથી. કંઈ પણ શોધવું હોય, કોઈ વસ્તુ શોધવી હોય, જગ્યા કે પછી કોઈ માહિતી. તરત જ આપણને ગૂગલ યાદ આવે છે. વાત ભલે સિકંદર અને પોરસની લડાઈની હોય કે પછી વાત, અમદાવાદમાં મળતા ફેમસ દાળવડાંની હોય. એ શોધવા માટે આપણે ગૂગલનો જ ઉપયોગ કરીએ છીએ. શા માટે આવું થવું જોઈએ? એક સમયે આ દુનિયા પાસે યાહૂ અને એમએસએન હતા જ, આ સિવાયનાં પણ અનેક પ્લૅટફૉર્મ હતાં અને તો પછી ગૂગલની શું જરૂર હતી? કોઈ જ આવશ્યકતા નહોતી, પણ એક આઇડિયાને એટલી પ્રોપર રીતે સ્ટ્રક્ચર આપવાનું કામ કરવામાં આવ્યું કે જગતઆખાનાં બધાં સર્ચ એન્જિનને તાળાં લાગી ગયાં. ફેસબુક યંગસ્ટર્સમાં પૉપ્યુલર છે એ સ્નૅપચૅટ ખરીદવાની ત્રણ વખત ઑફિશ્યલ ઑફર મૂકી દીધી, પણ વાત આગળ વધી નથી. વર્લ્ડ ન્યુઝનું કહેવું છે કે સ્નૅપચૅટના સ્થાપકોને પોતાની પ્રોડક્ટ વેચવામાં કોઈ રસ નથી, કારણ કે તેમને ખબર છે કે તેમનો આઇડિયા આજે કેવો મોટો થઈ ગયો છે, આજે એની શું વૅલ્યુ છે. સ્નૅપચૅટ જેવાં ફીચર્સ આજે ફેસબુક-મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામમાં આવવા લાગ્યાં છે એ જ બતાવે છે કે એ આઇડિયામાં કેવો પાવર છે કે ફેસબુકે પણ નાછૂટકે એ ફીચર્સ લેવાં પડે છે.

બધા મ્યુઝિક સાંભળીએ છીએ. પ્લેયરમાં કે ફોનમાં, પણ હવે બધું મ્યુઝિક ઑનલાઇન મળે છે. મોબાઇલમાં એને સંઘરવાની કોઈ ઉપાધિ નથી. એ મ્યુઝિક શોધવા જવાની કોઈ કડાકૂટ પણ નથી. અડધી મિનિટ લાગે શોધવામાં અને તમારું મનગમતું ગીત હાજર. ગાના જેવી બીજી ઘણી ઍપ છે, પણ ગાના સૌથી વધારે પૉપ્યુલર શું કામ છે, જવાબ તમને ખબર છે, આઇડિયા અને એનું સ્ટ્રક્ચરિંગ. પહેલાંના સમયમાં હોટેલ ભાડે કરવી હોય એટલે કોઈ પણ સ્ટેશનની બહાર નીકળીને રિક્ષા કરવાની અને કહેવાનું કે ભાઈ સારી હોટેલ દેખાડ, પણ હવે એની જરૂર નથી. ઓયો, મેકમાય ટ્રિપ કે બુકિંગડૉટકૉમ જેવી અઢળક વેબસાઇટ તમારી સામે છે. તમારે હોટેલ ઑનલાઇન જોઈ લેવાની, બુક કરી લેવાની, પિક-અપ માટે કહી દેવાનું અને બસ, પછી તમારે જે-તે શહેરમાં પહોંચી જવાનું. હવે તો બ્રેકફાસ્ટની પણ પૂછપરછ કરી લેવામાં આવે છે. તમારો બ્રેકફાસ્ટ-પ્રેફરન્સ કહી દો એટલે તમને જે બ્રેકફાસ્ટ સર્વ થાય એ તમારા ટેસ્ટ મુજબનો હોય. ફાઇવસ્ટાર લેવલની ફૅસિલિટી સામાન્ય હોટેલમાં મળે અને એ પણ માત્ર એક જ ક્લિકથી. ઓયોડૉટકૉમ એટલે જ ફેમસ થયું છે અને એટલે જે ગોઆઇબિબો જેવી બ્રૅન્ડ્સ ચાલે છે. આપણા દેશમાં દરેક ત્રીજી વ્યક્તિને ક્યાંક ને ક્યાંક જવાનું હોય છે એટલે ટ્રેન, ફ્લાઇટ, હોટેલનો ઉપયોગ કરવાનો જ છે. બધું ઑનલાઇન આપી દો, બધું હાથમાં આપી દો. તમને ખબર ન હોય તો કહેવાનું કે ઓલા અને ઉબર નામની ટૅક્સી સર્વિસ આપતી કંપની પાસે પોતાની એક પણ કાર નથી અને એ પછી પણ એ દરરોજ લાખો અને કરોડો રૂપિયા કમાય છે. ઝોમૅટો અને સ્વિગિની એક પણ રેસ્ટોરાં નથી છતાં એ દરરોજ તમને જમાડીને કરોડો રૂપિયા કમાઈ રહી છે. એક આઇડિયા અને આઇડિયાનું પ્રોપર સ્ટ્રક્ચરિંગ.

આ અને આવાં જેકોઈ એક્ઝામ્પલ છે એ બધાની એક ખાસ વાત એ છે કે કોઈને બીજા જેવું થવું નહોતું. બધાને પોતાનો સ્ટૅમ્પ મારવો હતો, કોઈને બીજા જેવું બનવાની ઇચ્છા નહોતી. આપણે ભૂલ જ એ કરીએ છીએ કે બીજાનું જોઈને આપણે એવું કરવા માટે ભાગીએ છીએ. હકીકત એ છે કે આપણે અલગ જ ઍટમ છીએ તો પછી બીજા જેવા કેવી રીતે બની શકીશું? આપણી દુનિયા અલગ છે, વિચારો અલગ છે તો બીજાની જેમ શું કામ કરવાનું. જે કરો એ નવું કરો, જે કરો એ ૧૦૦ ટકા કરો અને જે કરો એની પાછળ પૂરતો સમય આપીને સ્ટ્રક્ચરિંગ કરીને એને આગળ લઈ જાઓ. અહીં જેકોઈની વાત કરી એ કોઈ રાતોરાત પ્રસ્થાપિત નથી થયા, બધાને સમય લાગ્યો છે, પણ તેમનો વિચાર, તેમનો આઇડિયા મહાન હતો અને એટલે એ ક્લિક થયો. રાતોરાત ફેમસ નથી બનાતું, રાતોરાત કરોડપતિ પણ નથી થવાતું. તમારે સતત ચાલતા રહેવું પડે છે. ચાલતા રહેશો તો જ પ્રસિદ્ધિ પામશો. ચાલતા રહેશો તો જ મંઝિલે પહોંચશો અને મંઝિલે પહોંચવા માટે સ્ટ્રક્ચર સાચું ઊભું કરતા રહેજો.

જો ૧૦ અને ૧૧ કે ૧૯ અને ૨૦ની સરખામણી જ કરતા રહ્યા તો કોઈ વૅલ્યુ નહીં, પણ સમય મુજબ જાતને ઢાળીને સ્ટ્રક્ચરિંગ પ્રોપર કરી લીધું તો મૂલ્ય અમૂલ્ય. સમય જતાં એ મૂલ્યમાં વધારો પણ નક્કી. મિત્રો, એક વાત યાદ રાખજો કે એક વખત કોઈ બાબતમાં તમારી કિંમત નક્કી થઈ તો એ પછી એ સતત વધવાની છે, ઘટવાની નથી અને એટલે જ તમને કહું છું કે જે મહત્વનું છે એ સ્ટ્રક્ચર છે. વાત અહીંથી જ શરૂ થાય છે. વાત એ જ છે કે આપણે સ્ટ્રક્ચર તૈયાર કરવામાં ક્યાંક ને ક્યાંક ગોટાળો કરી દઈએ છીએ.

Whatsapp-channel Whatsapp-channel

04 January, 2020 03:43 PM IST | Mumbai | Sanjay Raval

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK