Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કોઈ ઇચ્છાઓ કે અપેક્ષાઓ છે કે નહીં તમારા જીવનમાં?

કોઈ ઇચ્છાઓ કે અપેક્ષાઓ છે કે નહીં તમારા જીવનમાં?

21 December, 2020 12:28 PM IST | Mumbai
Falguni Jadia Bhatt | feedbackgmd@mid-day.com

કોઈ ઇચ્છાઓ કે અપેક્ષાઓ છે કે નહીં તમારા જીવનમાં?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આજકાલ જેને જુઓ તે વર્તમાનમાં જીવવાની સલાહ આપતું ફરે છે, પરંતુ ફક્ત ને ફક્ત વર્તમાનમાં જીવવું જ્ઞાનીઓ અને યોગીઓ માટે શક્ય હશે; સામાન્ય માણસો માટે, તમારા અને મારા જેવા માટે તો ભવિષ્યમાં મળનારા સુખની અપેક્ષા તથા એ માટે બનતી યોજનાઓ જ વર્તમાનના બોજને સહનીય બનાવવાનું કામ કરતી હોય છે

વર્ષો પહેલાં એક ઉંમરલાયક વ્યક્તિને મળવાનું થયું હતું. પૈસે ટકે અત્યંત ધનાઢ્ય એ ભાઈના બાપ-દાદાઓ તેમના માટે કરોડોની સંપત્તિ તથા દક્ષિણ મુંબઈના વાલકેશ્વર વિસ્તારમાં એક આલિશાન ફ્લૅટ છોડીને ગયા હતા. વળી એ ભાઈએ પહેલેથી જ નક્કી કરી રાખ્યું હતું કે જીવનમાં ક્યારેય લગ્ન કરવાં નહીં. તેથી ન તેમને ઘર ચલાવવાની ચિંતા હતી, ન પત્નીની ઇચ્છાઓ પૂરી કરવાની કે ન બાળકોના ભવિષ્યની. તેમણે જીવનમાં ફક્ત એક જ શોખ પાળ્યો હતો, વાંચનનો. દક્ષિણ મુંબઈની લગભગ બધી જ નામાંકિત લાઇબ્રેરીઓના તેઓ મેમ્બર હતા. તેથી દર અઠવાડિયે એ લાઇબ્રેરીઓમાંથી ભરી-ભરીને પુસ્તકો લઈ આવે અને દિવસના કલાકોના કલાકો ફક્ત બેસીને વાંચ્યા કરે. તેથી જ્ઞાનની બાબતમાં ભલભલા જ્ઞાનીઓને માત આપી શકે એવી તેમની લાયકાત. તેમના મિત્રવર્તુળમાં પણ તેમની ખૂબ શાખ. બધાને તેમની કંપની ગમે છતાં પીઠ પાછળ સૌકોઈ તેમની મજાક ઉડાવે. મને તેમના મિત્રોનું આવું વર્તન ખૂબ અજીબ લાગતું. તેથી એક વાર મેં તેમના એક મિત્રને ખાનગીમાં પૂછી જ લીધું કે તેમની સામે તો બહુ સારી રીતે વાત કરો છો તો પછી તેમની પાછળ તેમની ઠેકડી ઉડાડવાનું શું કારણ?
તેમના મિત્રે જવાબ આપતાં કહ્યું કે જીવન ફ્કત જ્ઞાનથી જ નથી ચાલતું. જીવન ચાલે છે વ્યવહારબુદ્ધિથી અને એ વ્યવહારબુદ્ધિ આવે છે જીવન જીવવાથી. એના પ્રત્યેક અનુભવમાંથી પસાર થવાથી. ભૂતકાળના અનુભવોમાંથી અને ભવિષ્યની ચિંતાઓમાંથી. તેમના જ્ઞાનને નતમસ્તક પ્રણામ, પરંતુ એ સિવાય તેમનું સમગ્ર જીવન સાવ કોરી પાટી જેવું છે. નથી તેમની પાસે અનુભવોનું કોઈ ભાથું, નથી તેમની આંખોમાં ભવિષ્યનાં કોઈ સપનાં. આજે તેઓ ખાલી ઘડો છલકાય ઘણો જેવા બની ગયા છે. જ્યાં જુઓ ત્યાં ફક્ત પોતાના જ્ઞાનનું પ્રદર્શન કર્યા કરે છે, પરંતુ તેમની પાસેથી જીવનમાં ઉતારવા જેવું તમે કશું પામી શકો નહીં. તેમણે જીવનમાં ફક્ત શાંતિને મહત્ત્વ આપ્યું, પરંતુ શાંતિ અને ફક્ત શાંતિ જીવનને નીરસ બનાવી દે છે. જીવનને ખરા અર્થમાં માણવા માટે આંખોમાં સપનાં હોવાં જોઈએ અને મનમાં ધગશ.
આપણને હંમેશાં કહેવામાં આવે છે કે વર્તમાનમાં જીવો, કારણ કે ભૂતકાળનો બોજ આપણને ફક્ત ડિપ્રેશન જ આપી શકે છે; જ્યારે ભવિષ્યની ચિંતા ઍન્ગ્ઝાયટી. તેથી એક સુખી અને સંતુષ્ટ જીવન જીવવાની સાચી ચાવી તો વર્તમાનમાં જીવવાની જ છે. તેમ છતાં સિક્કાની બીજી બાજુ એ પણ છે કે જો આપણે આપણું બધું ધ્યાન ફક્ત વર્તમાન પર જ લગાડી દઈએ તો જીવન સાવ બોરિંગ બની જાય. શાંતિનું મૂલ્ય ત્યારે જ સમજાય છે જ્યારે જીવનમાં થોડી દોડાભાગી, થોડા ઉતાર-ચડાવ હોય. કોઈ પણ પ્રકારના દ્વંદ્વ વિનાનું જીવન જીવન નથી, માત્ર અસ્તિત્વ છે. જીવન બને છે સપનાંઓ અને મહત્ત્વાકાંક્ષાઓથી, એ માટે ઘડાતી યોજનાઓમાંથી અને એ યોજનાઓને પાર પાડવા માટે થતી મહેનતથી. ટૂંકમાં ભવિષ્ય માટેની ઉન્નત નજર જ આપણા વર્તમાનને રોમાંચ અને રોમૅન્સથી છલોછલ રાખે છે.
આ વાતને બહુ સાદા શબ્દોમાં સમજવી હોય તો આપણે વેકેશન દરમિયાન ક્યાંય ફરવા જવાના હોઈએ એ પહેલાંનો સમય યાદ કરી જુઓ. ક્યાં ફરવા જવું છે એ સ્થળની શોધથી લઈ ટિકિટનું બુકિંગ, હોટેલનું બુકિંગ, કપડાંલત્તાની ખરીદી, સામાન પૅક કરવો, દવાઓ લેવી વગેરે કેટકેટલી બાબતનું આપણે પ્લાનિંગ કરતા હોઈએ છીએ; જેને પગલે વેકેશન શરૂ થાય એ પહેલાં જ એની થ્રિલ શરૂ થઈ જાય છે અને આ થ્રિલ જ છેલ્લે સુધી આપણા ઉત્સાહને જાળવી રાખવાનું કામ કરતી હોય છે.
બલકે એ યોજનાઓ દર વખતે લાંબા ગાળાની જ હોય એ પણ જરૂરી નથી. કેટલીક વાર નજીકના ભવિષ્યમાં જ મળવાનું હોય એવા સુખની અપેક્ષા પણ આપણને આપણા વર્તમાનની મુશ્કેલીઓ તથા એકલતા સામે ઝૂઝવાની ક્ષમતા આપતી હોય છે. જેમ કે કોઈ છોકરીનો બૉયફ્રેન્ડ બહારગામ ગયો હોય તો તે પોતાના વિરહના દિવસોને તેની પ્રતીક્ષામાં નિરાંતે વિતાવી દેશે. એવી જ રીતે જે માબાપનાં બાળકો વિદેશ ભણવા ગયાં હોય તેઓ તેમના સુખદ ભવિષ્યની આશામાં પોતાના વર્તમાનની એકલતાને હસતા મુખે સહન કરી લેશે. અરે! એટલું લાંબું પણ ન વિચારવું હોય તો કેટલીક વાર એવું નથી બનતું કે ગૃહિણીઓ બપોરે આવતી પોતાની ગમતી સિરિયલ જોવાની પ્રતીક્ષામાં સવારનું બધું કામ ઝટપટ પતાવી દેતી હોય છે કે પછી પુરુષો લંચ બ્રેકની રાહમાં સવારનું માથાકૂટભર્યું ઑફિસનું કામ સરળતાથી પૂરું કરી લે છે?
આપણને ખ્યાલ આવે કે ન આવે, આપણે બધા જ આ સાઇકોલૉજિકલ ટ્રિક અવારનવાર અપનાવતા રહીએ છીએ. જ્યારે વર્તમાનની વાસ્તવિકતા આપણને નારાજ કે નિરાશ કરે છે ત્યારે આપણે નજીકના કે દૂરના ભવિષ્યમાં મળનારા આનંદની યોજનાઓ બનાવી વર્તમાનના બોજને હળવો કરવાનો પ્રયત્ન કરવા માંડીએ છીએ. મનોવિજ્ઞાનની ભાષામાં આ ટ્રિકને રોઝી પ્રોસ્પેક્શન કહેવાય છે. આપણને ગમતું કંઈ કરવાની પૂર્વતૈયારીઓ ન ફક્ત આપણને આપણી હાલની અડચણો અને માનસિક અશાંતિ સામે ઝઝૂમવાની તાકાત આપે છે, પરંતુ આપણા રૂટીનમાં પણ થોડું રોમાંચનું તત્ત્વ ઉમેરવામાં સહભાગી બને છે.
ટૂંકમાં કોઈ પણ પ્રકારની ઇચ્છા કે આકાંક્ષા વિનાનું જીવન અત્યંત એકધારું અને નીરસ બની જાય છે જેમાં ભવિષ્યમાં કશું જ મળવાની, પામવાની કે બનવાની ગુંજાઇશ જ ન હોય એવું જીવન કદાચ જ્ઞાનીઓ કે યોગીઓને માફક
આવી શકે, પરંતુ તમારા અને મારા જેવા
સામાન્ય માણસોને એ ફાવે નહીં. આપણે
બધા કદાચ કેટલીક ક્ષણો માટે કોઈ જ વિચાર વિના ફક્ત આપણા હોવાપણાનો અહેસાસ કરી શકીએ, પરંતુ સમગ્ર જીવન એ રીતે જીવી નાખવું આપણા માટે સંભવ નથી. જીવનમાં એક
ચોક્કસ પ્રમાણમાં ઇચ્છાઓ અને અપેક્ષાઓ પણ હોવી જ જોઈએ.
તકલીફ ત્યારે ઊભી થાય છે જ્યારે આપણે એ સુખદ ઘટનાઓ માટેના ઇન્તેજાર પાછળ વર્તમાનનો જરૂર કરતાં વધુ સમય ખર્ચવા માંડીએ છીએ. એવું થાય ત્યારે વર્તમાન બોજ બની જાય છે અને જીવન નિરર્થક. તેથી સારું તો એ જ છે કે આપણે આપણું સંપૂર્ણ ધ્યાન વર્તમાન પર કેન્દ્રિત રાખીએ અને એના વળતરરૂપે ભવિષ્યમાં મળનારા સુખ માટે નાની-નાની યોજનાઓ સતત બનાવતા રહીએ.



કોઈ પણ પ્રકારની ઇચ્છા કે આકાંક્ષા વિનાનું જીવન અત્યંત એકધારું અને નીરસ બની જાય છે જેમાં ભવિષ્યમાં કશું જ મળવાની, પામવાની કે બનવાની ગુંજાઇશ જ ન હોય એવું જીવન કદાચ જ્ઞાનીઓ કે યોગીઓને માફક આવી શકે, પરંતુ તમારા અને મારા જેવા સામાન્ય માણસોને એ ફાવે નહીં. આપણે બધા કદાચ કેટલીક ક્ષણો માટે કોઈ જ વિચાર વિના ફક્ત આપણા હોવાપણાનો અહેસાસ કરી શકીએ, પરંતુ સમગ્ર જીવન એ રીતે જીવી નાખવું આપણા માટે સંભવ નથી. જીવનમાં એક ચોક્કસ પ્રમાણમાં ઇચ્છાઓ અને અપેક્ષાઓ પણ હોવી જ જોઈએ.


(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

21 December, 2020 12:28 PM IST | Mumbai | Falguni Jadia Bhatt

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK