તમને સતત પીઠનો દુખાવો રહ્યા કરે છે?

Published: 4th January, 2019 15:44 IST | જિગીષા જૈન

તો એને અવગણો નહીં. આજકાલ બેઠાડુ જીવનને કારણે ડોક, પીઠ કે કમરના દુખાવાની તકલીફ અત્યંત સામાન્ય બનતી જાય છે. આ એ તકલીફ છે જેને મોટા ભાગના લોકો અવગણે છે અને પછી પસ્તાય છે. કોઈ પણ સંજોગોમાં એનો ઉપાય ફક્ત એ છે કે તમે તમારી બૅકને સશક્ત બનાવો. એના સ્નાયુઓ સ

પીઠના દુખાવાની પરેશાની તમને પણ નડે છે?
પીઠના દુખાવાની પરેશાની તમને પણ નડે છે?

આપણા શરીરમાં કરોડરજ્જુ જ છે જે આપણને માણસ તરીકે પ્રાણીઓથી જુદી ઓળખ આપે છે, કારણ કે આ કરોડરજ્જુ આડી નહીં સીધી છે. એનાથી આપણું સ્ટ્રક્ચર બને છે. હાથ અને પગ જે પણ કાર્ય કરે એનું સ્ટ્રેસ કરોડરજ્જુ જ ઉઠાવે છે. શરીરનું વળવું, વજન ઉઠાવવું વગેરે જેવાં કામોનું ભારણ કરોડરજ્જુ પર છે. એમ કહીએ કે આ કામો માટે જ કરોડરજ્જુનું નર્મિાણ થયું છે, પરંતુ જ્યારે આપણે કરોડરજ્જુનો ગેરફાયદો ઉઠાવવા માંડીએ છીએ ત્યારે તકલીફો શરૂ થાય છે, જે વિશે સજાગતા જરૂરી છે. અમુક રિસર્ચ કહે છે કે બૅક અને નેક પેઇન કામ પરથી રજા લેવા માટેનું સૌથી સામાન્ય બહાનું છે. ૫૦ ટકા કામ પર જતા લોકો વર્ષમાં ઓછામાં ઓછા એક વાર બૅક પેઇન અને નેક પેઇનના શિકાર બને જ છે. વળી રિસર્ચ એ પણ જણાવે છે કે કમરની નીચેના ભાગનો દુખાવો જે વ્યક્તિને પથારીવશ કરતી અવસ્થા છે એ બીમારીઓમાં છઠ્ઠું સ્થાન ધરાવતી બીમારી છે જેની પાછળ લોકોએ ખૂબ પૈસા ખર્ચ કરવા પડે છે.

નાની ભૂલો

આજની આપણી લાઇફ-સ્ટાઇલ ખૂબ જ પરિવર્તિત થઈ ગઈ છે. ખાસ કરીને વર્કિંગ ક્લાસ જે ઑફિસમાં ૮-૧૦ કલાક બેઠાં-બેઠાં કામ કરે છે એની હાલત સૌથી વધુ ખરાબ છે. આ સિવાય વજન ઉપાડતા મજૂરો કે બાળકોને સતત તેડતી મમ્મીઓની પણ આ હાલત થઈ જતી હોય છે. આ તકલીફોનાં કારણો વિશે જણાવતાં ફિઝિયોરીહૅબ, બાંદરાનાં ફિઝિયોથેરપિસ્ટ ડૉ. અંજના લોંગાણી કહે છે, ‘વ્યક્તિનું સૂવાનું-ઊઠવાનું કે બેસવાનું ખોટું પૉર, ખોટી રીતે વજન ઉપાડવામાં આવે ત્યારે, વધુ ઝૂકવામાં આવે ત્યારે કે ખૂબ વજન ઉપાડવું પડે ત્યારે આ પ્રકારની તકલીફો ઉદ્ભવી શકે છે. મારી પાસે એક દરદી આવેલા જેમને ભયંકર દુખાવો હતો, પણ એનું કોઈ કારણ જ સમજમાં આવતું નહોતું. તેમની આખી દિનચર્યા પૂછી તો ખબર પડી કે તે ઑફિસથી આવીને તેમની ૬-૭ વર્ષની દીકરી જોડે જે રીતે રમતા એ રીત ખોટી હતી. તે પથારીમાં સૂતાં-સૂતાં આડા થઈને તેને ઊંચકતા. આવી નાની-નાની ઘણી ભૂલો આપણે કરતા હોઈએ છીએ, પરંતુ એનો અહેસાસ આપણને થતો નથી અને આ ભૂલોનું પરિણામ આપણી સ્પાઇને ભોગવવું પડે છે.’

અવગણીએ ત્યારે...

કોઈ પણ પ્રકારનો કમરમાં, પીઠમાં કે ડોકમાં દુખાવો થતો હોય અને એ એવો દુખાવો હોય કે તમે સહન કરી શકો તો એ પણ શરૂઆતી લક્ષણ જ છે. શરૂઆતમાં આ દુખાવો સતત નથી હોતો. થોડી વાર આરામ કરવાથી એ દૂર થઈ શકે છે. આવા સંજોગોમાં મોટા ભાગે વ્યક્તિ આ પ્રકારના દુખાવાઓને અવગણે છે અને પછી ધીમે-ધીમે એ સતત વધતો જાય છે. જોકે આ દુખાવાનો કોઈ ઉપાય તમે કરો નહીં એટલે શરીર એને અપનાવી લે. એવું પણ બને છે કે લોકોને એ અહેસાસ જ ન થતો હોય કે તેમને કેટલો ભયાનક દુખાવો થઈ રહ્યો છે અને આ જ પરિસ્થિતિમાં એ લોકો વરસો પસાર કરી નાંખે. દુખાવા સિવાય જો સ્નાયુઓ અકળાઈ જાય, એમાં ઝણઝણાટી આવે. એવું નથી કે ફક્ત કમરમાં જ દુખાવો રહે, ઘણા લોકોને કરોડરજ્જુને કારણે પગમાં પણ દુખાવો રહે છે. આ બધાં જ લક્ષણોને જો અવગણો તો શું થાય એ જણાવતાં ડૉ. અંજના લોંગાણી કહે છે, ‘શરીરે એક તો સતત ઘણું જ સહન કરતાં રહેવું પડે એટલું જ નહીં, દુખાવો ધીમે-ધીમે અસહ્ય બનતો જાય. વાંકું વળવાનું અને વજન ઉપાડવામાં તકલીફ પડતી જાય અને એક સમય એવો આવે કે એ અશક્ય જ બની જાય. આ સિવાય સ્નાયુઓ જકડાઈ જવાને કારણે જો કોઈ નસ દબાવા લાગે તો હલન-ચલન પર અસર પડી શકે છે. ધીમે-ધીમે પરિસ્થિતિ બગડતી જ જાય.’

શેકની ઉપયોગિતા

કમર અને પીઠ બન્નેનો કે કોઈ એકનો કોઈને દુખાવો હોય તો ગરમ કે ઠંડા શેક કરવાની ઘણા લોકો સલાહ આપતા હોય છે. સમજવા જેવી બાબત એ છે આ શેક કરવાથી બૅકનો પ્રૉબ્લેમ તો જ ઠીક થાય જો એ પ્રારબ્લેમ સ્નાયુઓનો પ્રૉબ્લેમ હોય. વળી આ પ્રકારના શેક એ દુખાવા પર અસર ચોક્કસ કરે છે, પરંતુ એ અસર રોગનાં લક્ષણો પર હોય છે એટલે કે એનાથી દુખાવો દૂર થાય છે, દુખાવાનું કારણ નહીં. એના માટે તો નિષ્ણાત ડૉક્ટરની જ જરૂર પડે છે જે દુખાવાનું કારણ શોધી કાઢી એનો ઇલાજ કરી શકે. જો સ્નાયુઓ જકડાઈ ગયા હોય તો ગરમ શેક અને સ્નાયુ પર સોજો આવી ગયો હોય તો ઠંડો શેક ઉપયોગી થાય છે. વળી મોટા ભાગના લોકો સામાન્ય રીતે પીઠ કે કમરનો દુખાવો સહન કરતા હોય છે. ૧૦માંથી બે બૅક પ્રૉબ્લેમ્સ ધરાવતી વ્યક્તિ ડૉક્ટર પાસે જાય છે, કારણ કે મોટા ભાગના લોકોને થોડા આરામ, એક્સરસાઇઝ કે યોગ્ય ડાયટ વડે સારું થઈ જતું હોય છે.

ઉપાય

કામને કારણે આપણી ખભા, પીઠ અને કમર બધા પર થોડી કે વધુ અસર થાય જ છે. આ કામને છોડી શકવું શક્ય નથી અને કામ તમારી સ્પાઇનની હેલ્થને બગાડે એ પણ યોગ્ય નથી તો શું કરી શકાય?

સૌપ્રથમ તમારા બૅક પ્રૉબ્લેમના પાછળનું કારણ શોધવું જરૂરી છે. કામનો કયો પ્રકાર તમને હેરાન કરે છે એ જાણો.

૧. ઘણી વાર નાના ફેરફાર કરવાથી ઘણાં સારાં પરિબળો હાથ લાગે છે. જેમ કે કામ પર તમારી ઊંચાઈ, તમારાં કદ-કાઠી મુજબની ટેબલ અને ખુરસી છે કે નહીં, તમારું કમ્પ્યુટર તમારા આઇ-લેવલ જેટલું છે કે નહીં, આ બધાને અનુકૂળ પૉર તમે આખા દિવસ દરમ્યાન જાળવી રાખો છો કે નહીં વગેરે જાણો અને યોગ્ય ન હોય તો બદલો.

૨. તમારી સૂવાની આદત બરાબર હોય, ગાદલું-તકિયો યોગ્ય હોય અને આખો દિવસ ઊભું રહેવાનું હોય ત્યારે તમારા શૂઝની હીલ વધુ ન હોય જેવી નાની બાબતોનું પણ ધ્યાન રાખો. ઘણી વાર જે લોકોને ખૂબ જ ટ્રાવેલિંગ રહેતું હોય તેમને બાઇકને બદલે ટ્રેનમાં જવાનું સૂચન કરવામાં આવે છે અને ફક્ત આવા નાના ફેરફારોથી તેમની મોટી સમસ્યા હલ થઈ જતી હોય છે.

૩. જો તમને બૅકમાં કોઈ પણ જાતની તકલીફ હોય તો એને અવગણો નહીં. શરૂઆતમાં જો એને ઠીક કરશો તો આગળ જતાં વાંધો નહીં આવે.

આ પણ વાંચોઃ તમે આ વર્ષે હેલ્થનું ધ્યાન રાખવા માટે શું વિચાર્યું છે?

૪. કામને લીધે થતા પ્રૉબ્લેમ્સમાં કામને છોડી શકાતું નથી, પરંતુ તમારા કામ માટે તમારી બૅકને સ્ટ્રૉન્ગ બનાવી શકાય છે. એક્સરસાઇઝ, યોગ્ય ડાયટ, પ્રૉપર પૉશ્ચર અને થોડા નાના ફેરફારો સાથે તમે કામ કરતાં-કરતાં પણ યોગ્ય સ્ટ્રેંગ્થ જાળવી કામ કરી શકો છો.

૫. કોઈ પણ પ્રકારનું કામ કરતાં-કરતાં વચ્ચે બ્રેક લેવો અત્યંત જરૂરી છે. એક જ પોઝિશનમાં જો બૅકને રાખશો તો પ્રૉબ્લેમ થવાનો જ છે. બૅકને રાહત મળે એ માટે કામની વચ્ચે નાના-નાના બ્રેક લો.

૬. જે લોકો પાણી ઓછું પીએ છે તેમને પણ કામને કારણે બૅકનો પ્રૉબ્લેમ થઈ શકે છે. દરરોજનું અઢીથી ત્રણ લીટર પાણી પીઓ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK