Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તમે સંબંધોથી થાકો કે પછી સંબંધો તમારાથી?

તમે સંબંધોથી થાકો કે પછી સંબંધો તમારાથી?

07 August, 2020 05:49 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

તમે સંબંધોથી થાકો કે પછી સંબંધો તમારાથી?

નરી વાસ્તવિકતા છે કે આ જવાબદારી બન્ને પક્ષ પર  આવે છે અને બન્ને પક્ષે પોતપોતાની જવાબદારી નિભાવવી પડશે.

નરી વાસ્તવિકતા છે કે આ જવાબદારી બન્ને પક્ષ પર આવે છે અને બન્ને પક્ષે પોતપોતાની જવાબદારી નિભાવવી પડશે.


સંબંધોમાં ક્યારેક ઉતારચડાવ આવે એ સમજી શકાય, પણ સંબંધોમાં જો એકધારો ઉતાર આવવો શરૂ થઈ જાય તો ચોક્કસપણે નિરાંતે અને શાંત ચિત્તે બેસીને એના વિશે વિચારવું જોઈએ અને જો સંબંધો વહાલા હોય તો એના માટે આત્મમંથન પણ કરવું જોઈએ. સંબંધો જ્યારે તૂટે છે ત્યારે એ સંબંધો માટેનો દોષોનું પ્રત્યાર્પણ થયા કરે છે, પણ એ પણ હકીકત છે કે કોઈ એક પક્ષે ઓછો વાંક હોય અને સામેના પક્ષે વાંકનું પ્રમાણ વધારે હોય. એક સમયે વ્યક્તિ સંબંધોથી થાકી હોય છે, પણ બીજા તબક્કામાં વાત અવળી બની જાય છે. સંબંધો વ્યક્તિથી થાકવા માંડે છે. નર અને નારીના બેઝિક સ્વભાવના દૃષ્ટિકોણથી જો આ જ વાતને જોવામાં આવે તો સૌથી પહેલાં તો યાદ કરાવવાનું રહે કે આ સૃષ્ટિમાં સ્ત્રીનું કામ નર્ચર એટલે કે પાલન કરવાનું છે તો પુરુષોની પ્રોટેક્ટરની ભૂમિકા રહી છે. પ્રોટેક્ટર. રક્ષક. આ જ દૃષ્ટિકોણને જો જીવનપર્યંત યાદ રાખવાનો હોય તો કહી શકાય કે સંબંધોને મોટા કરવાનું કામ સ્ત્રીઓના પક્ષે રહ્યું છે, જ્યારે એ જ સંબંધોને તમામ પ્રકારનાં તોફાનોથી બચાવવાનું કામ પુરુષોનું છે. પુરુષો પોતાની ફરજ અદા કરવાનું ચૂકે તો સ્વાભાવિક રીતે ગુલાબનો છોડ કોઈ પણ આવીને પોતાના ઘરમાં મૂકી દેશે અને જો સ્ત્રી પેલા છોડને જતનપૂર્વક ઉગાડવાનું છોડી દેશે તો પુરુષના પ્રોટેક્શનની, તેની રક્ષણાત્મક નીતિનો કોઈ અર્થ સરવાનો નથી. સંબંધોને કાળજી અને કદરની જરૂરિયાત છે અને જો એ કાળજી અને કદર મળતાં રહેશે તો અને તો જ એ સંબંધોને રક્ષણની આડશ વાજબી રીતે મળી રહેશે. અલબત્ત, આ વાઇસેવર્સા છે અને એ જ રીતે આ વ્યવહાર જળવાયેલો રહેવાનો. જો તમે ઇચ્છતા હો કે તમારા સંબંધોની ખુશ્બૂ તમારા પૂરતી જ સીમિત રહે તો એ સંબંધોની સાથે ફુટબૉલગીરી કરવાની જરૂર નથી. જો તમે ઇચ્છતા હો કે જે મહત્ત્વ તમને મળ્યું છે એ અકબંધ રહે તો ખબરદાર, પામેલું મહત્ત્વનું સ્થાન ગુમાવો નહીં. જો તમે ઇચ્છતા હો કે પેટમાં ઊડી રહેલાં પતંગિયાં સદાયના માટે અકબંધ રહે અને જો તમે ઇચ્છતા હો કે આંખોમાં અંકાયેલા મેઘધનુષના તમામ રંગો અકબંધ રહે તો પ્રેમ, લાગણી અને પરસ્પરની સંવેદનાને સહેજ પણ ઓછી થવા ન દો.
સંબંધોમાં જ્યારે પણ વાણિયાગીરી આવે છે, હિસાબકિતાબ થાય છે અને અકાઉન્ટન્સી નામનો સબ્જેક્ટ વ્યવહારમાં મુકાઈ જાય છે ત્યારે-ત્યારે દાખલારૂપ બની ગયેલા સંબંધો પર સીઝન બૉલ ફેંકાતો રહેતો હોય છે. યાદ રહે, સંબંધો ગોરિલા ગ્લાસથી સજ્જ છે, પણ સાહેબ, ફેંકવામાં આવેલા તમામ સીઝન બૉલ એ ગોરિલા ગ્લાસ પર ખરોંચ ઊભી કરવાનું કામ તો સહજપણે કરી જાય છે. ભલે સંબંધો કોઈ પણ હોય, ભાઈબંધીનો વ્યવહાર હોય કે પછી પતિ-પત્નીના લાગણીભર્યા સંબંધો હોય, ભાઈ-બહેનના પ્રેમભર્યા સંબંધો હોય કે પછી મા-દીકરીના વાત્સલ્યનો સંબંધ હોય; ફેંકાયેલો સીઝન બૉલ પોતાનું કામ કરવાનો છે અને ગોરિલા ગ્લાસ પણ પોતાની ખરોંચ ઊભી કરવાની મર્યાદાને વળગી રહેવાનો છે.
નારીનું નર્ચર રૂપ અને નરનું પ્રોટેક્ટર સ્વરૂપ. પ્રક્રિયા પણ આ જ પ્રકારની અને સ્વભાવ પણ આ જ મુજબનો. આ પ્રક્રિયા અને આ સ્વભાવ જ્યારે-જ્યારે બદલાય છે, આ કાર્યપદ્ધતિ જ્યારે-જ્યારે ચેન્જ થઈ છે ત્યારે-ત્યારે સંબંધોની નજાકતને અસર થઈ છે અને અસરગ્રસ્ત નજાકતને જો જાળવવાનો પ્રયાસ નથી થતો તો એ મરવી પણ શરૂ થઈ જાય છે. જે સમયે એવા સંજોગો ઊભા થાય છે એ સમયે કાં તો સંબંધો મરે છે અને કાં તો સંબંધો પૅરેલાઇઝ્ડ થાય છે. એક વાત યાદ રાખજો, મરતા સંબંધોને સ્વીકારજો પણ લકવાગ્રસ્ત સંબંધોને ક્યારેય કોઈ હિસાબે પાસે આવવા નહીં દેતા. લકવાગ્રસ્ત સંબંધો જિંદગીની મીઠાશ છીનવી લેવાનું કામ કરે છે અને સાહેબ, જે સમયે જીવનની મીઠાશ છીનવાઈ જાય છે એ સમયે ખરેખર બદથી પણ બદતર હાલત થઈ જાય છે. સુધારી શકાય તો સંબંધોને સુધારવાના પ્રયાસ કરજો. એ તમારાથી થાકી જાય એ પહેલાં.
જો સંબંધો વહાલા હોય તો અને જો સંબંધો માટેની પરવા હોય તો, કારણ કે સંબંધોનું વહાલપ ક્યાંય તમને ક્યારેય કોઈ જગ્યાએથી મળવાનું નથી અને એના વિના તમે રહી પણ નથી શકવાના. એવું જ અન્ય દિશામાં છે. નાસુર બનેલા સંબંધો પણ ક્યારેય પોતાની ધાર માર્યા વિના રહેવાના નથી અને એ ધાર વાગ્યા વિના રહેવાની પણ નથી. જો નાસુર બનેલા સંબંધોની ધારથી સલામત રહેવું હોય તો સંબંધોને સાચવી રાખવાની ક્ષમતા અને જરૂર પડ્યે સંબંધોને સાચવી લેવાની માનસિકતા કેળવવી પડશે. નરી વાસ્તવિકતા છે કે આ જવાબદારી બન્ને પક્ષ પર આવે છે અને બન્ને પક્ષે પોતપોતાની જવાબદારી નિભાવવી પડશે. જો કોઈ એક પક્ષ, કોઈ એક વ્યક્તિ એવું ધારીને ઊભી રહી જશે કે મને શું લેવાદેવા તો બીજી જ ક્ષણે સંબંધથી જોડાયેલી બીજી વ્યક્તિ પણ તમારા એ વિચારો સાથે ચાલવાનું આરંભી દેશે. આ આરંભ કરવામાં નિમિત્ત બનવાને બદલે બહેતર છે કે આરંભની દિશા એક જ રહે અને સુખાકારીનો અનુભવ કરે એ પ્રકારનો વ્યવહાર જળવાયેલો રહે. માનવું અઘરું છે, સહેજ તકલીફદાયી પણ છે; પણ હકીકત છે એટલે કહેવાનું મન થાય છે કે સંબંધોનો તનાવ તમામ પ્રકારની હકારાત્મક ક્ષમતા છીનવી લેવા સક્ષમ છે અને જે સમયે એ હકારાત્મકતા છીનવાઈ જાય છે એ સમયે સંબંધો તમારાથી થાકવાનું કામ શરૂ કરી દે છે. સંબંધોથી તમે થાકશો તો ચાલશે, ચલાવી લેવાશે; પણ જો સંબંધો તમારાથી થાક્યા તો માર્યા ઠાર ભાઈ. કોઈ માઈનો લાલ એ સંબંધોને બચાવી નહીં શકે. બહેતર છે કે સંબંધો એ દિશામાં પહોંચીને ઊભા રહી જાય એ પહેલાં ઍટ લીસ્ટ એક વખત રિવાઇન્ડ થઈને ફરી પાછળ જઈ જરા જોઈ લો કે તમે થાક્યા છો કે પછી તમારા સંબંધો તમારાથી તંગ આવી ગયા છે? જો તમે થાક્યા હો તો સંબંધોમાં થયેલી ભૂલો સુધારીને નવેસરથી એમાં ઉષ્મા ભરવાનું કામ કરો, પણ જો દેખાય કે સંબંધો થાક્યા છે તો-તો અત્યારે જ ઑફિસમાં રજા મૂકીને કે કિચનના ડબ્બાઓ બંધ કરીને સીધા ભાગો તમારા પ્રિયજન પાસે.
ગંધ મારતા મૃતદેહ સાથે જીવવા કરતાં તો બહેતર છે કે ખોડંગાયેલા પગ ધરાવતી લાગણીઓ સાથે આખી જિંદગી રહેવું. સંબંધોનું પણ એવું જ તો હોય છે.
નાસુર બનેલા સંબંધો પણ ક્યારેય પોતાની ધાર માર્યા વિના રહેવાના નથી અને એ ધાર વાગ્યા વિના રહેવાની પણ નથી. જો નાસુર બનેલા સંબંધોની ધારથી સલામત રહેવું હોય તો સંબંધોને સાચવી રાખવાની ક્ષમતા અને જરૂર પડ્યે સંબંધોને સાચવી લેવાની માનસિકતા કેળવવી પડશે. નરી વાસ્તવિકતા છે કે આ જવાબદારી બન્ને પક્ષ પર આવે છે અને બન્ને પક્ષે પોતપોતાની જવાબદારી નિભાવવી પડશે.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

07 August, 2020 05:49 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK