Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > તમે લાગણીઓને બહુ નિયંત્રણમાં રાખો છો?

તમે લાગણીઓને બહુ નિયંત્રણમાં રાખો છો?

15 March, 2020 05:27 PM IST | Mumbai Desk
Kana Bantwa

તમે લાગણીઓને બહુ નિયંત્રણમાં રાખો છો?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ચપટીભર લાગણી માટે મરી પડવું એ સહજ છે. માનવસ્વભાવ છે. એક નાનું લાગણીસભર જેશ્ચર આપણને અત્તરના પૂમડાની જેમ મહેકાવી દે. લાગણી પામવા માટે માણસ વલખાં મારતો રહે છે પત્ની, પતિ, સહોદરો, મિત્રો, સગાંઓ અને વહાલાંઓ પાસે; સાથીકર્મચારીઓ, પાડોશીઓ અને અજાણ્યાઓ પાસે પણ. માણસ લાગણીશીલ છે, તેને ક્યારેક ખોટું લાગી જાય, ક્યારેક ખુશ થઈ જાય, ક્યારેક દુખી થઈ જાય. બધામાં લાગણીનો ઊભરો કારણભૂત હોય છે, પણ બધા ઊભરાની કેમિસ્ટ્રી અલગ હોય છે. લાગણી અદ્ભુત ચીજ છે. જીવનને એ જીવવા જેવું બનાવે છે. માણસ ક્યારેય લાગણીશૂન્ય હોઈ શકે નહીં, લાગણીનું પ્રમાણ ઓછું-વધતું હોઈ શકે. પથ્થર જેવો કઠોર માણસ પણ કોઈક તબક્કે તો લાગણીશીલ બની શકે. સામાજિક બનવા માટે લાગણી જરૂરી છે. અઢારે વાંકાં અંગવાળા ખોચરા મનુષ્યસ્વભાવ પર લાગણી રંદો મારીને તેને સુંવાળો બનાવે છે. લાગણી સિમેન્ટિંગ ફોર્સ છે; માણસને માણસ સાથે, સમાજ સાથે, વિશ્વ સાથે એ જોડેલો રાખે છે. લાગણીની ગર્ભનાળ ન હોય તો માનવ એકલોઅટૂલો ફરતો હોત. માણસ દેશપ્રેમી છે? લાગણીને કારણે. માણસ ઘરરખ્ખુ છે? લાગણીને કારણે. માણસ સમાજ પ્રત્યે નિષ્ઠા ધરાવે છે? લાગણીને કારણે. 
 લાગણીનું એક સૌથી મહત્ત્વનું ફૉર્મેશન પ્રેમ છે. પ્રેમ પ્રેમિકા પ્રત્યે હોઈ શકે, પત્ની પ્રત્યે હોઈ શકે, સંતાનો પ્રત્યે હોઈ શકે, પરિવાર પ્રત્યે હોઈ શકે કે માનવજાત પ્રત્યે હોઈ શકે, સમષ્ટિ પ્રત્યે હોઈ શકે. તમામનું કારણ હૃદયમાં વહેતું લાગણીનું ઝરણું છે. તમને ભરપૂર લાગણી મળે છે? તમે જેટલી લાગણી તમારી નજીકના લોકોને આપી છે એટલી બદલામાં મળે છે? દરેક કિસ્સામાં તમે હા પાડવાનો દંભ કરી શકશો નહીં. લાગણીમાં પારકે ભાણે મોટો લાડવો દેખાતો નથી. મોટા ભાગના માણસોની ફરિયાદ એક જ હોય છે, હું જેટલી લાગણી આપું છું એટલી સામેથી મળતી નથી. તમે તમારી જાતને પૂછી જુઓ, તમે કેટલા લોકો સામે ખૂલીને વ્યક્ત થાઓ છો? જેની સામે તમે ખૂલી શકો, ખીલી શકો ત્યાં સંબંધ લાગણીનો છે. લાગણી માપવાનાં કોઈ કાટલાં બજારમાં મળતાં નથી, પણ તમારું દિલ સતત એને ઝીલતું રહે છે. સમસ્યા એ છે કે દિલને દિમાગ નથી હોતું. એ ગણતરી કરી શકતું નથી. એણે રિસીવ કરેલી લાગણીનો જથ્થો કેટલો હતો એનો અંદાજ એ માંડી શકે, પણ ચોક્કસ આંકડો કહી શકે નહીં એટલે હિસાબ ખોટો પડે. એક મ્યુઝિક-ચૅનલમાં ‘લવ મીટર’ નામની એક બૉટમ સ્ટ્રિપ આવતી હતી. તમારું અને તમારા સાથીદારનું માત્ર નામ લખીને એસએમએસ કરો એટલે ચૅનલનું લવ મીટર આંકડો દર્શાવે કે લૈલા તેના મજનૂને ૬૧ ટકા પ્રેમ કરે છે. કોઈ મીટર લાગણીનું માપ ન કાઢી શકે. જ્યારે લાગણીના ધોધ વહે ત્યારે લાગણીની માગણી પણ સાથે જ શરૂ થાય છે, ‘મેં તને ૧૦ પત્ર લખ્યા અને તે માત્ર ૬ લખ્યા. મેં ૩૩ એસએમએસ કર્યા અને તારા ૨૭ જ આવ્યા. મને ઓછી લાગણી મળે છે. હજી વધુ જોઈએ.’
  વધુપડતી લાગણી, વધુપડતું આકર્ષણ હંમેશાં ડર પેદા કરે છે, પ્રિયજનને ખોઈ દેવાનો ડર. અને આ ડર પછીથી ઘણું એવું કરાવે છે જે કરવાનું લાગણીની ટેક્સ્ટ-બુકમાં લખ્યું નથી હોતું. પ્રિયજનને ગુમાવવા કરતાં તેને ગુમાવવાનો ભય વધુ દુ:ખ આપે છે. હું કેમ રહી શકીશ તેના વિના? રાતે ગુડનાઇટ સ્વીટ ડ્રીમ્સ કહ્યા વગર ઊંઘ આવશે? જે દુ:ખ આવ્યું નથી, આવવાની શક્યતા છે એની કલ્પના કરીને દુખી થવાની કળા દરેકને હસ્તગત હોય છે. મા-બાપને સંતાનો સાથે કંઈક અજુગતું બનવાનો ડર લાગતો રહે છે. આપણે ત્યાં એક કહેવત છે કે ‘સૌથી વધુ વહાલા સૌથી વધુ ખરાબ વિચારે.’ પુત્રને રાત્રે ઘરે આવવામાં મોડું થઈ જાય ત્યારે માતાના મનમાં પહેલો વિચાર એ આવે કે ક્યાંક કોઈ અકસ્માત તો નહીં થયો હોયને? મારો પુત્ર જીવતો તો હશેને?
 પ્રેમીઓ તો બિચારા સૌથી વધુ કફોડી સ્થિતિમાં હોય છે. તેમને એકબીજાને ગુમાવવાની ચિંતા બીજા કોઈ પણ કરતાં વધુ હોય છે. કેટલાક લડે છે, બળવો કરીને એક થઈ જાય છે. કેટલાક પલાયનવાદ અપનાવીને જીવનને ટૂંકાવી દે છે. પ્રેમની મોટી-મોટી વાતો કરનારા કાયરની જેમ મેદાન છોડીને ભાગી જાય છે. કેટલાકને ખબર જ હોય છે કે આ જન્મે એક થવાય એમ નથી. તે બીજા જન્મની રાહ જુએ છે. લાગણીની તીવ્રતા, લાગણી પામવાની ઉત્કટતા અને વિયોગનો ભય પ્રેમીઓને સૌથી વધુ પીડે છે. હકીકતમાં વિયોગ પછી શું થાય છે? લાગણી મરી પરવારતી નથી, પણ મગજ વિધ્વંશક કામ શરૂ કરી દે છે. આદમ, તને ઇવ ભૂલી ગઈ. તારા વગર એક ક્ષણ પણ રહી નહીં શકાય એમ કહેનાર તો મોજથી જીવે છે. મગજની ઉશ્કેરણી શરૂ થઈ જાય છે. બન્ને બાજુ સમાન પ્રવૃત્તિ ચાલે છે, જે આદમ તને એક ક્ષણ પણ નહીં ભૂલવાની વાતો કરતો હતો તે તો તને યાદ પણ નથી કરતો. ફરી એ જ લાગણી માપવાની કવાયત શરૂ થઈ જાય છે. અગેઇન, લાગણીની બલિહારી, બીજું શું? આવું થવાનું એક કારણ એ છે કે માણસનું પ્રેમ વિશેનું જ્ઞાન ગોખણિયું હોય છે. હોવાર્ડ રોર્કનું નામ જાણતા હોય એવા ઘણા વાચકો હશે. ‘ફાઉન્ટનહેડ’ નામની વિશ્વવિખ્યાત નવલકથાનો તે હીરો છે. વિશ્વથી સાવ ઉફરો ચાલનાર આર્કિટેક્ટ છે. આ ફાઉન્ટનહેડની લેખિકા આયન રેન્ડનું એક મજાનું વાક્ય છેઃ દુનિયામાં ૯૦ ટકા લોકો એવા છે જેમણે પ્રેમ વિશે કશું વાંચ્યું કે સાંભળ્યું ન હોત તો તેઓ ક્યારેય પ્રેમમાં પડ્યા ન હોત.’ વાત સાચી પણ છે. પ્રેમ વિશે દરેક પાસે ઉછીનું જ્ઞાન છે. પ્રેમ વિશે લોકો ઘણુંબધું જાણતા હોવાનો ભ્રમ છે. તેમણે માત્ર આદર્શો જોયા છે, જોખમો નહીં. ફિલ્મો તેમને એ શીખવાડી શકશે કે રિસાયેલા પ્રિયજનને કઈ રીતે મનાવવા, પણ એ નહીં શીખવાડી શકે કે પ્રિયજનને જિંદગીભર પ્રિય કઈ રીતે રાખવું. ફિલ્મો તમને શાયરીઓ અને ડાયલૉગ્સથી સામેના પાત્રને ઇમ્પ્રેસ કરવાનું શીખવી શકશે, પણ વિશ્વાસ જીતવા માટે શું કરવું એ નહીં શીખવી શકે. તે તમને પ્રેમમાં જીવનનો ભોગ આપીને ઇશ્કની વેદી પર બલિદાન આપી દેવાનું શીખવી શકશે, પણ છાતીમાં સતત ઝમતા જખમ સાથે આખી જિંદગી હસતે મોઢે કેમ જીવવી એ નહીં શીખવી શકે. એ તમને દેવદાસ બનતાં શીખવી શકશે, પણ દારૂમાં ડૂબ્યા વગર વિયોગ કેમ સહન કરી જવો એ નહીં શીખવે અને વ્યવહારુ જગતમાં તમારે એ જ કરવું પડે છે. તમારી પાસે અધૂરું જ્ઞાન છે. ઉછીનું જ્ઞાન છે. એના દ્વારા તમારે રિયલ લાઇફ જીવવાની છે. કબીરજી પણ કહી ગયા છે કે ‘પ્રેમ પ્રેમ સબ કરે, પ્રેમ ન જાને કોઈ.’
 વાંક પ્રેમનો નથી, વાંક પ્રેમ વિશેની આપણી માન્યતાઓનો છે. બગીચામાં પ્રેમીને પ્રપોઝ કરતી વખતે જીવનની રિયલિટીનો આછોપાતળો પણ વિચાર આવતો નથી. એ વખતે તો એડ્રિનાલિને અદ્ભુત વાતાવરણ સરજ્યું હોય છે, એમાં રંગ પૂર્યા હોય છે. આપણી પ્રેમ વિશેની કાલ્પનિક માન્યતા જ્યારે હકીકતની ધરતી પર પગ અડે છે ત્યારે ભાંગીને ભુક્કો થઈ જાય છે. કાચનું ફ્લાવરવાઝ જમીન પર પટકાઈને તૂટી જાય એમ પ્રેમનું પહેલું સપનું તૂટે છે અને પછીનો રસ્તો ઓળંગવો બહુ મુશ્કેલ બની જાય છે, કારણ કે કાચની તીક્ષ્ણ કરચો બધે વેરાયેલી હોય છે. એના પર પગ માંડીને પસાર થવું પડે. લગ્ન પહેલાં કામદેવની પ્રતિકૃતિ જેવો લાગતો યુવાન અને રતિને બ્યુટી કૉન્ટેસ્ટમાં હરાવી દે એવી લાગતી યુવતી જ્યારે માણસ લાગવા માંડે ત્યારે વાસ્તવિકતા સ્વીકારવી મુશ્કેલ બની જાય છે. અગેઇન વાંક પેલી કાલ્પનિક સૃષ્ટિનો જ છે, જે માણસના મનમાં કથાઓ, વાર્તાઓ, ફિલ્મો, નાટકો વગેરે દ્વારા ભરવામાં આવી હોય છે. આપણા ધર્મગ્રંથો, શાસ્ત્રો વગેરે પણ પ્રણયકથાઓથી ભરપૂર છે. ફિલ્મનો એવો કોઈ પ્લૉટ નહીં હોય જે પુરાતન ધર્મગ્રંથોમાં ન હોય. અર્થાત્ તમને ગળથૂથીમાં જ આ બધું મળેલું છે અને એ ધારણા મુજબ તમારું મગજ ડેવલપ થયું છે. એ મગજના નિયંત્રણમાં તમે છો, તમારી લાગણી છે તમારો વ્યવહાર છે. તમે લાગણીઓને નિયંત્રણમાં રાખી શકો, પણ સવા મણનો સવાલ એ છે કે લાગણીઓને નિયંત્રણમાં રાખવી જોઈએ કે નહીં? તેને ફુલ ફ્લોમાં વહેવા દેવી જોઈએ કે એના પર ડૅમ બાંધીને એને નિયંત્રિત કરવી જોઈએ? વહેતી લાગણીઓ ન હોત તો માણસો એકબીજાથી આટલા ભિન્ન ન હોત. કદાચ વિશ્વમાં બહુ અલગ હોત અને એ અલગ વિશ્વ આ વિશ્વ જેવું સુંદર પણ ન જ હોત. ભલે કાલ્પનિક પણ અહીં પ્રેમ છે, લાગણી છે, અનુબંધ છે, મસ્તી છે. અહીં તમે કહી શકો છો કે ‘અબ કે હમ બિછડે તો શાયદ કભી ખ્વાબોં મેં મિલેં...’


Whatsapp-channel Whatsapp-channel

15 March, 2020 05:27 PM IST | Mumbai Desk | Kana Bantwa

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK