Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પ્રભુ! કીપ ઇન ટચ

પ્રભુ! કીપ ઇન ટચ

19 August, 2020 07:34 PM IST | Mumbai
Sejal Ponda

પ્રભુ! કીપ ઇન ટચ

માત્ર તકલીફમાં જ સંપર્ક કરવો જોઈએ એવું નથી. વારે-તહેવારે, ખુશીના સમયમાં, આનંદના સમાચાર વહેંચવા આપણે આપણા ઓળખીતાઓને તરત ફોન જોડીએ છીએ

માત્ર તકલીફમાં જ સંપર્ક કરવો જોઈએ એવું નથી. વારે-તહેવારે, ખુશીના સમયમાં, આનંદના સમાચાર વહેંચવા આપણે આપણા ઓળખીતાઓને તરત ફોન જોડીએ છીએ


કિપ ઇન ટચ - એટલે કે સંપર્કમાં રહેજો. આ વાક્ય આપણે આપણા મિત્રોને, પરિવારજનોને કહેતાં હોઈએ છીએ. એકબીજાના સંપર્કમાં રહેવાથી એકબીજાના સુખ, દુઃખ, તકલીફો જાણી શકાય છે. હિંમત આપી શકાય છે. પ્રોબ્લેમનું સૉલ્યુશન મેળવી શકાય છે. વાતો શૅર કરવાથી મન હળવું બને છે. એવો સમય દરેકના જીવનમાં આવે છે જ્યારે મન સખત ઉચાટમાં હોય છે. આવા ઉચાટમાં પરિચિતો સાથે સંપર્કમાં રહેવાથી મનની અંદરનું તોફાન થોડું સમી જાય છે.
માત્ર તકલીફમાં જ સંપર્ક કરવો જોઈએ એવું નથી. વારે-તહેવારે, ખુશીના સમયમાં, આનંદના સમાચાર વહેંચવા આપણે આપણા ઓળખીતાઓને તરત ફોન જોડીએ છીએ. આપણી ખુશી વહેંચીએ છીએ. આપણી વ્યક્તિઓના અભિનંદનને ઝીલીએ છીએ અને છેલ્લે મળતાં રહીશું એવું કહીએ છીએ.
રૂબરૂ મળીએ ત્યારે પણ આવજો કહીએ છીએ-જેનો અર્થ છે મળતાં રહીશું, સંપર્કમાં રહીશું. કૉલેજ ફ્રેન્ડસ વારંવાર એકબીજાને કહેતા રહે છે - કીપ ઇન ટચ.
શું આપણે ભગવાનને ક્યારેય કહીએ છીએ? કીપ ઇન ટચ. સંપર્કમાં રહેજો ભગવાન. અથવા આપણે એવું કહીએ છીએ...હું તમારા સંપર્કમાં રહીશ. હા આપણે વારે-તહેવારે કે પછી સુખ-દુઃખની ક્ષણોમાં ભગવાનને યાદ કરીએ છીએ. મંદિરે એનાં દર્શને જઈએ છીએ. સુખ આવ્યું હોય તો આભાર માનવા જઈએ છીએ. દુઃખ મળ્યું હોય તો ફરિયાદ કરવા જઈએ છીએ. ભગવાન આભાર પણ સ્વીકારે છે અને ફરિયાદો પણ સાંભળે છે. એની સામે ગમે તેવો બોરિંગ ભક્ત ઊભો હોય, ભગવાનના ચહેરા પર હંમેશાં સ્માઇલ જોવા મળે છે.
આપણી અંદર પણ એક ભગવાન વસે છે. આપણે એની સાથે વધુ સંપર્કમાં રહેતા નથી. ક્યારેક ક્યારેક એની યાદ આવે તો ખબરઅંતર જણાવી દઈએ છીએ. ભગવાનના ખબરઅંતર પૂછવાનું આપણને સૂજતું નથી. ભગવાનને કેમ છો? પૂછવાની તસદી આપણે ક્યારેય લીધી નથી. મનને મંદિર માની એમાં વસતા ભગવાન સાથે નાતો બાંધ્યો નથી. ભગવાન આપણા જેવા સ્વાર્થી નથી. લાલચ તો આપણે એને આપીએ છીએ. મારું આટલું કામ કરી દે તો હું તને શ્રીફળ ચઢાવીશ, ચૂંદડી ચઢાવીશ. હા આભાર માનવાની આ એક રીત હોઈ શકે, પણ ભગવાનને જે કંઈ ધરીએ એ સ્વાર્થ વગરનું હોવું જોઈએ. મનથી હોવું જોઈએ. આપણે નાનાં બાળકોને લાલચ આપીએ કે ચાલ પૉયેમ બોલ તો હું તને ચૉકલેટ આપીશ. એવી જ રીતે આપણે ભગવાનને લાલચ આપીએ છીએ. ભક્ત જ્યારે ભગવાન પાસે જાય ત્યારે એણે સ્વાર્થના જોડાં ઉતારીને જવું જોઈએ. અહંકારના ચંપલ મૂકીને જવું જોઈએ. ભગવાન બાળક નથી, પણ આપણે એનાં બાળકો છીએ. જેમ માતા-પિતા એનાં બાળકોનું ધ્યાન રાખે છે એમ ભગવાન પણ આપણું ધ્યાન રાખે છે. અને સમજદાર થયા પછી જેમ આપણે આપણાં માતા-પિતાનું ધ્યાન રાખીએ છીએ એ જ રીતે આપણે ભગવાનનો પણ ખ્યાલ રાખવો જોઈએ. ભગવાનના મંદિરે જઈએ ત્યારે એણે કરેલી કૃપાના આભાર સાથે એને મળવું જોઈએ. આપણે તો માગણ બનીને જઈએ છીએ. ભગવાને જે કંઈ આપ્યું છે એ માટે જો કૃતજ્ઞ થઈને જઈએ તો ભગવાન પણ રાજી રહે. આપણે ભગવાનના રાજીપા માટે પણ વિચારવું જોઈએ. જિંદગીથી કંટાળેલો એક ભક્ત જ્યારે ભગવાન પાસે જાય છે ત્યારે ભગવાન સામે શું કહે છે એની કલ્પના કરી એક કાગળ લખ્યો છે. આ કાગળની વાત આપણા બધાની જ છે. આ કાગળમાં ભક્તનો આક્રોશ છે, એની દૃષ્ટિએ ભગવાન પ્રત્યેનો કટાક્ષ પણ છે અને છેલ્લે પોતે ભક્ત તરીકે ક્યાં ઓછો પડે છે એનું રીઅલાઇઝેશન પણ છે. કાગળના લખાયેલા શબ્દોમાં જો ક્યાંક આપણે આપણી જાતને જોઈ શકીશું તો ભયો-ભયો.
ભગવાનને પત્ર
પ્રિય ભગવાન, કુશળ હશો. જોકે તમને વળી શું તકલીફ હોય! હમણાંથી તો તમને આરામ જ આરામ છે. લોકોની ભીડ તમારા મંદિરમાં ઓછી થઈ ગઈ છે. ગણ્યાગાંઠયા લોકો તમારી સામે દેખાતા હશે. આ વખતે તો તહેવારોમાં પણ તમે દરવાજા બંધ રાખ્યા હતા. અમારા બધાની ફરિયાદો સાંભળીને, અમારા વીલા મોઢા જોઈને કંટાળી ગયા હશો નહીં? દરેક સીઝનમાં અમારા મૂડ બદલાયા કરે. હા પણ તમારો ચહેરો સદાય હસતો ને હસતો જ જોયો છે અમે. આ વખતે તમારી ઑનલાઇન આરતી જોઈ. એમાંય તમે મલકાતા જ દેખાયા. સુંદર લાગતા હતા સાજ-શણગારમાં. છેલ્લા કેટલાય મહિનાઓથી અમે તમારો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ તમે કંઈ દાદ આપતા નથી. અમે સતત તમારા સંપર્કમાં રહેતા હતા. તમારા મંદિરે આવ-જા કરતા હતા. તો શું તમારે ભક્તોના સંપર્કમાં ન રહેવું જોઈએ? જુઓને આ પત્રમાં પણ ફરિયાદો જ નીકળી. શું થાય? તમે અમારાથી વધારે પડતું જ ભક્તિ-ડિસ્ટન્સ કરી લીધું છે. લાગે છે અમારા જેવા માગણથી તમે ત્રાસી ગયા છો, પણ એક વાત કહું? ખોટું ન લગાડતા. સર્જનહારે એના સર્જનનું રક્ષણ કરવું જોઈએ. જેણે દાંત આપ્યા છે એ ચાવવાનું આપવાનો જ છે એવું અમે પાંચ મહિનાથી કહીને જાતને સાંત્વન આપીએ છીએ. વધારામાં કોઈના સંપર્કમાં આવીએ તો એને પણ આ જ સાંત્વન આપીએ છીએ. અમે તમને સદાય હસતા, આશીર્વાદ આપતા જ જોયા છે, એટલે એવી જ માન્યતા દૃઢ કરી ગઈ છે કે તમે તારણહાર છો. આ માન્યતા પર પાણી ન ફરી વળે એ માટે હવે તમે થોડાક દિલદાર બનો તો સારું. ચાલો ગઈગૂજરી ભૂલી જઈએ. ભૂલ-ચૂક માફ. ભક્ત તરીકે અમેય ઘણી ભૂલો કરી છે. તમારી કૃપાને સમજી નથી શક્યા. સતત ફરિયાદો ને આક્રોશનો ઢગલો જ ર્ક્યો છે તમારી સામે. તમારા ખબરઅંતર ક્યારેય પૂછયા નથી. સૉરી. અમે તમારા સંપર્કમાં રહીએ અને તમે અમારા સંપર્કમાં રહો એવું ન બની શકે? તમારી જેમ જ દરેક સીઝનમાં હસતાં રહેવાનું અમે વચન આપીએ તો? અમે તમને સતત પૂછતાં રહીએ કે કેમ છો ભગવાન?, બધું કુશળ મંગળ તો છેને?, કંઈક જોઈએ છે તમને? નિરાંતે ઊંઘ તો આવે છેને? એ પછી તો રહેશો ને અમારા સંપર્કમાં? તમને એક મિત્રની જેમ કહું છું પ્રભુ! કીપ ઇન ટચ.
લિખિતંગ – તમારો સંપર્ક ચૂકી ગયેલો એક ભક્ત.
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

19 August, 2020 07:34 PM IST | Mumbai | Sejal Ponda

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK