Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સોશ્યલ ડિસ્ટન્સની વ્યાખ્યા જરા વધારે સ્પષ્ટ કરવામાં આવે તો લાભ થશે

સોશ્યલ ડિસ્ટન્સની વ્યાખ્યા જરા વધારે સ્પષ્ટ કરવામાં આવે તો લાભ થશે

15 October, 2020 11:15 AM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

સોશ્યલ ડિસ્ટન્સની વ્યાખ્યા જરા વધારે સ્પષ્ટ કરવામાં આવે તો લાભ થશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આપણે ત્યાં અમુક વાતમાં અક્કલ વાપરવામાં નથી આવતી અને એના અઢળક પુરાવાઓ છે. કોવિડકાળમાં તો આ પુરાવાઓનો ઢગલો થવા માંડ્યો છે. માસ્ક પહેરવો કમ્પલ્સરી છે. રાઇટ, સારું છે, જરૂરી છે અને અનિવાર્ય પણ છે; પરંતુ માસ્ક પહેરવા માટેના જે નિયમો બનાવવામાં આવ્યા છે એમાંથી અમુક નિયમો હાસ્યાસ્પદ છે. એક જ કારમાં બે વ્યક્તિ જતી હોય, હસબન્ડ-વાઇફ હોય બન્ને અને એ પછી પણ બન્નેએ માસ્ક પહેરી રાખવાના અને એ પણ ફરજિયાત રીતે. ઘરમાં સાથે રહે છે, બેડ પર સાથે છે અને એ પછી પણ બહાર નીકળે, બંધ ગાડીમાં હોય તો પણ માસ્ક પહેરીને જ સાથે રહેવાનું. આ જરા હાસ્યાસ્પદ નિયમ છે. આવું જ અત્યારે મલ્ટિપ્લેક્સની બાબતમાં બનાવવામાં આવ્યું છે એ નિયમમાં પણ બન્યું છે.
મલ્ટિપ્લેક્સ અને ઑડિટોરિયમ ભલે હજી મુંબઈ અને મહારાષ્ટ્રમાં શરૂ ન થયાં હોય, પણ દેશનાં મોટા ભાગનાં શહેરોમાં એ આજથી શરૂ થઈ રહ્યાં છે. ખાસ તો મલ્ટિપ્લેક્સ શરૂ થાય છે. જૂજ શહેરોમાં ઑડિટોરિયમ શરૂ થવાનાં છે, પણ આ બન્ને માટેનો નિયમ સરખો છે. નિયમ એવો છે કે બે સીટ વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખવાનું અને બે બેઠક વચ્ચે એક સીટ ખાલી રાખવાની. પહેલી વાત કે આજના સમયમાં કોણ એકલું ફિલ્મ જોવા જતું હશે! બીજી વાત, જો સાથે જતા હોય તો તેમના વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ કરાવીને તમે શું પુરવાર કરવા માગો છો, શું સાબિત કરવું છે તમારે કે તમે બહાર ગમે એમ સાથે રહ્યા હો, અમને એની ચિંતા નથી. અહીં તો તમારે છૂટા જ રહેવાનું છે, વચ્ચે એક સીટ ખાલી રાખવાની છે. લાંબા અંતરાલ પછી જ્યારે મલ્ટિપ્લેક્સ ખૂલશે ત્યારે જવાનું વિચારનારાઓ પણ ફૅમિલી સાથે જવાનું જ વિચારશે. એવા સમયે તમે તે લોકોને હૉલમાં લાવીને છૂટા પાડી દેવાના હો તો પછી શું કામ તે તમારા મલ્ટિપ્લેક્સ, ઑડિટોરિયમ કે પછી થિયેટર સુધી આવે?
જરા વિચાર તો કરો કે એક ફૅમિલી ઘરમાં સાથે રહે છે, પ્રોગ્રામ સાથે બનાવે છે અને એક જ વેહિકલમાં બધા સાથે થિયેટર સુધી આવે છે અને અહીં આવ્યા પછી બધા છૂટા પડી જવાના છે. ન જ જાય માણસ આ રીતે ફિલ્મ જોવા અને જે જશે તે પરિવાર સાથે નહીં ગયું હોય. ધારો કે એકલદોકલ જોવા ગયા તો મલ્ટિપ્લેક્સને એમાંથી કશો ફાયદો થવાનો નથી. કહેવાનો ભાવાર્થ એ કે આ પ્રકારના નિયમ બનાવવામાં આવે ત્યારે ઍટ લીસ્ટ થોડું વધારે વિચારવામાં આવે કે સમજવામાં આવે તો બધાને એનો ફાયદો થશે. સોશ્યલ ડિસ્ટન્સિંગના નામે બધાને જુદા-જુદા બેસાડવાને બદલે જો ફૅમિલી-વાઇઝ બેસાડવામાં આવે અને ફૅમિલી વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખવામાં આવે તો એનો ફાયદો દેખાય છે. ફૅમિલીને છૂટું નથી પાડવાનું, ફૅમિલીને અજાણ્યાઓને મળતા અને તેના કૉન્ટેક્ટમાં આવતા અટકાવવાનું છે. ફૅમિલી એક જ ઘરમાં, એક જ છત નીચે રહે છે. સાથે જ આવ્યા છે ફિલ્મ જોવા અને સાથે મજા માણવાનું જ તેમનું મન છે.


Whatsapp-channel Whatsapp-channel

15 October, 2020 11:15 AM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK