Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બેહિસાબ હસરતેં ન પાલિએ જો મિલા હૈ ઉસે સંભાલિએ

બેહિસાબ હસરતેં ન પાલિએ જો મિલા હૈ ઉસે સંભાલિએ

21 September, 2020 11:48 AM IST |
Pravin Solanki | pravin.solanki@mid-day.com

બેહિસાબ હસરતેં ન પાલિએ જો મિલા હૈ ઉસે સંભાલિએ

પી. એન. હક્સર

પી. એન. હક્સર


પી. એન. હક્સર સામે મલ્હોત્રા થાંભલાની જેમ ખોડાઈ ગયા. સુધબુધ, હોશકોશ ઊડી ગયા હતા. પી. એન. હક્સર મલ્હોત્રાની વાત સાંભળીને લાલઘૂમ થઈને ખુરસી પરથી ઊભા થઈને બોલ્યા, ‘આમ મારી સામે ટગર-ટગર શું જુઓ છો? હું મજાક નથી કરતો. મેં ખરેખર કોઈ ફોન નથી કર્યો અને મૅડમ તો આ બાબતે કશું જાણતાં જ નથી.’ હક્સર પણ વાત સાંભળીને પીળા પડી ગયા હતા. તેઓ પણ રઘવાયા થઈ ગયા હતા. ગુસ્સામાં ટેબલ પર બે-ત્રણ મુક્કા મારતાં બોલ્યા, ‘મિસ્ટર, શું નામ કહ્યું તમે તમારું? તમને કંઈ સમજાય છે? તમે છેતરાયા છો. આબાદ રીતે તમને કોઈકે મૂર્ખ બનાવ્યા છે. વળી વાતમાં મારું અને મૅડમનું નામ સંડોવાયું છે. એની ગંભીરતા તમને સમજાય છે? જલદી, જરા પણ સમય બગાડ્યા વગર પોલીસ-સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવો.’
બીજી બાજુ મલ્હોત્રાને પાછા આવતાં વાર લાગી એટલે સહાયક રોહિત સિંહના પેટમાં ચૂંક ઊપડી. શંકા-કુશંકા જાગી. તે મૂંઝાયો. ગભરાટમાં તેણે બધી વાત, અતથી ઇતિ સુધીની કહાણી મૅનેજરને કહી દીધી. હવે મૅનેજરનાં ગાત્રો ગળી ગયાં. ઘડીભર તો શું કરવું, શું બોલવું એ સમજાયું જ નહીં. ત્યાં અચાનક બૅન્કમાં મલ્હોત્રાની એન્ટ્રી થઈ. એક ક્ષણ પૂરતી બધાને ટાઢક વળી.
બધા સંસદ માર્ગ પોલીસ-સ્ટેશન આવ્યા. એકડેએકથી રામકહાણી સંભળાવી. હવે બેહોશ થવાનો વારો ફરિયાદ સાંભળનાર પોલીસ-ઇન્સ્પેક્ટરનો હતો. અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર જે. કે. કશ્યપને ઘડીભર તો આ વાત સમજમાં જ ન આવી. તેમણે ફરીથી વાત સાંભળી. એકદમ સાબદા થઈ ગયા. વાતની ગંભીરતા સમજી. ‘ઑપરેશન તૂફાન’ નામનો પ્લાન ત્યાં ને ત્યાં જ ઘડીને ઇન્સ્પેક્ટર હરિદેવ અને એ. આર. ઘોષની આગેવાની હેઠળ પોલીસનો કાફલો તરત જ તપાસ માટે રવાના
કરવામાં આવ્યો!!
૧૯૭૧માં બંગલા દેશ પાકિસ્તાનનો જ એક ભાગ હતો, પરંતુ બંગલાદેશીઓની લાગણી એવી હતી કે પાકિસ્તાનના શાસકો બંગલાદેશીઓને અન્યાય કરી રહ્યા છે, અત્યાચાર કરી રહ્યા છે. તેઓ પાકિસ્તાનથી અલગ થવા માગતા હતા અને એ માટે ભારત સરકાર તેઓને સાથ આપે એવી માગણી કરી હતી, જે ઇન્દિરાજીએ સહર્ષ સ્વીકારી હતી અને પછીનો ઇતિહાસ તો બધા જાણે જ છે. આ પરિસ્થિતિનો નગરવાલાએ બરાબરનો લાભ લીધો હતો.
તપાસની કાર્યવાહી વીજળીની ત્વરાથી, વાયુવેગે શરૂ થઈ ગઈ. બપોરના અપરાધ, સાંજના ફરિયાદ અને રાતે અપરાધીની ગિરફ્તારી. રાજા વિક્રમના હુકમથી જેમ વેતાલ ચપટી વગાડતાં જ કામ પાર પાડી નાખે એમ કામ પાર પડી ગયું.
રાતે લગભગ ૧૦ વાગ્યાની આસપાસ. દિલ્હી ગેટ પાસે આવેલી પારસી ધર્મશાળામાંથી નગરવાલાને પકડી પાડ્યો, એટલું જ નહીં, ડિફેન્સ કૉલોનીમાંના તેના મિત્રના ફ્લૅટ-નંબર ૨૭૭માંથી ૫૯,૯૫,૦૦૦ રૂપિયા કૅશ હસ્તગત પણ કરી લીધા. જાદુમંતર! VIPના નામનો કરિશ્મા!
ખેર, પિક્ચર તો અભી બાકી હૈ! એ જ મધરાતે પોલીસે એક પ્રેસ-કૉન્ફરન્સ બોલાવીને નિવેદન કર્યું કે અપરાધનો ઉકેલ આવી ગયો છે, અપરાધીને ઝડપી લીધો છે અને માલમતા પણ હસ્તગત કરી લીધી છે. પોલીસે પત્રકારોને વિગત આપતાં જણાવ્યું કે ‘નગરવાલાને મલ્હોત્રાએ ટૅક્સી-સ્ટૅન્ડ પર છોડ્યા પછી તેઓ એક ટૅક્સી કરીને રાજેન્દ્રનગર તેમના ઘર પાસે પહોંચ્યા. ટૅક્સી થોભાવી, ઘરમાંથી એક મોટી સૂટકેસ લઈને પાછા ટૅક્સીમાં બેઠા. નિકલસન રોડ પર આવ્યા પછી બૅન્કની ટ્રન્ક ખોલીને ડ્રાઇવરની હાજરીમાં જ પોતાની સૂટકેસમાં રૂપિયા ઠાલવ્યા. ડ્રાઇવરને ચૂપ રાખવા કે ખુશ કરવા ૫૦૦ રૂપિયાની ટિપ પણ આપી.’ પત્રકારો સામે આ અને આવી વાતો કરીને પોલીસ-ડિપાર્ટમેન્ટની કામગીરીની પ્રશંસા કરીને છૂટા પડ્યા.
બીજા દિવસે છાપાંમાં સમાચાર આવતાં લોકોમાં ખળભળાટ મચી ગયો. જોકે રૂપિયા મળી ગયા એટલે થોડી ધરપત હતી, પણ વિપક્ષોના હાથમાં એક મોટું હથિયાર આવી ગયું હતું. દેશમાં કોઈ પણ ઘટના બને એટલે એને રાજકીય રંગ આપી દેવાની પ્રથા તો બહુ પુરાણી છે. રિયા ચક્રવર્તી, સુશાંતસિંહ અને કંગના રનોટના દાખલા આપણી સામે છે.
સંસદનું સત્ર ચાલુ હતું. વિરોધ પક્ષોએ હંગામો શરૂ કરી દીધો. સરકાર પર પસ્તાળ પડી. સવાલોની ઝડી વરસી. ૬૦ લાખ રૂપિયા જેવડી મોટી રકમ વડા પ્રધાનના મૌખિક આદેશથી કાઢી જ કેમ શકાય?
મલ્હોત્રાને જ ફોન શું કામ? બૅન્કના મૅનેજરને કેમ નહીં? શું આ પહેલાં પણ મલ્હોત્રાએ આ રીતે પૈસા પહોંચાડ્યા હતા? ઇન્દિરાજીના અવાજથી મલ્હોત્રા પરિચિત હતા? પી. એન. હક્સર, ઇન્દિરા ગાંધી અને મલ્હોત્રાની ‘ટોળી’ એકબીજાને કેટલા સમયથી ઓળખતી હતી?
સૌથી મોટો સવાલ તો એ થયો કે જે વ્યક્તિ ઇન્દિરા ગાંધી અને હક્સર જેવો અવાજ કાઢી શકે, ચતુરાઈપૂર્વકનો પ્લાન બનાવી શકે એ નગરવાલા મહામૂરખની જેમ રૂપિયાની અદલાબદલી ટૅક્સીવાળા સામે શું કામ કરે? અને યક્ષપ્રશ્ન એ થયો કે પૈસા કોના ખાતામાંથી ડેબિટ થયા? ૧૯૭૧ની ૨૭ મેએ નગરવાલાને અદાલતમાં રજૂ કરવામાં આવ્યા. નગરવાલાએ અદાલતમાં પોતાનો ગુનો કબૂલ કરતાં કહ્યું કે ‘મારો ઇરાદો ફક્ત એટલો જ હતો કે બંગલા દેશના પ્રશ્નમાં સરકાર તાત્કાલિક પગલાં ભરે,’ આવા લૂલા-પાંગળા બચાવના અંતે સરકારે ન્યાયમૂર્તિ ખન્ના સમક્ષ પોતાનો કેસ રજૂ કર્યો.
અબ આયેગા મઝા! સાહેબાનો, કદરદાનો, પ્રજાજનો તમે કોઈ દિવસ સાંભળ્યું છે કે માત્ર ૧૦૦ રૂપિયાનો ગોટાળો હોય તો પણ એના કેસનું પરિણામ માત્ર ત્રણ દિવસમાં આવ્યું હોય? આ તો ૬૦ લાખ રૂપિયાના ગોટાળાનો કેસ હતો છતાં ત્રણ દિવસમાં ઈતિસિદ્ધમ્ થઈ ગયું. ન્યાયાધીશ ખન્ના સામે નગરવાલાએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો અને અદાલતે તેમને ૪ વર્ષની સખત મજૂરી સાથેની કેદ અને ૧૦૦૦ રૂપિયા દંડની સજા ફટકારીને કાર્યવાહી પૂરી કરી દીધી. ન કોઈ સાક્ષી, ન કોઈ દલીલ, ન કોઈ પુરાવા‍, ન કોઈ તારીખ પડી! પણ અદાલતના ઇતિહાસમાં ખટલો તવારીખ બની ગયો. કદાચ ટૂંકામાં ટૂંકો ચાલેલો આ ખટલો હશે.
હવે નાટકનો બીજો અંક શરૂ થાય છે. થોડા દિવસ પછી નગરવાલાનું ફટક્યું. તેમણે પોતાનું બયાન બદલવા અને ફેંસલા વિરૃદ્ધ અપીલ કરવાની પરવાનગી માગી, પણ અદાલતે ૨૮ ઑક્ટોબરે એ માગણીને ઠુકરાવી દીધી.
લો બીજો એક રહસ્યમય વળાંક. શરૂઆતથી જ આ કેસની તાપસનો દોર જેના હાથમાં સોંપાયો હતો અને હવે જ્યારે કેસની સુનાવણીની ફરીથી સુનાવણીની માગણી ઊઠી ત્યારે જ ઇન્સ્પેક્ટર કશ્યપને માર્ગ-અકસ્માત નડ્યો અને એમાં તેમનું મૃત્યુ થયું. વિરોધ પક્ષોના લોકોને ચર્ચાનું બીજું એક બહાનું મળ્યું.
આ દરમ્યાન નગરવાલાએ પ્રસિદ્ધ અંગ્રેજી સાપ્તાહિક ‘કરન્ટ’ના સંપાદક ડી. એમ. કરાકા પાસે ઇન્ટરવ્યુ માટે મુલાકાત માગી. ‘કરન્ટ’ સાપ્તાહિકનો એ સમયે દબદબો હતો, અતિશય લોકપ્રિય હતું. એમાં છપાતા લેખોને લોકો પ્રમાણ માનતા. કરકાની તબિયત ખરાબ હોવાથી તેમના સહાયક ઇન્ટરવ્યૂ લેવા ગયા, પરંતુ નગરવાલાએ તેમને પાછા મોકલી દીધા.
ફેબ્રુઆરી ૧૯૭૨માં કારાવાસમાં નગરવાલાની તબિયત બગડી. તેમને તિહાડ જેલની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સારું ન થતાં તેમને બીજી ખાનગી હૉસ્પિટલમાં ખસેડ્યા. ત્યાં તેમને હાર્ટ-અટૅક આવ્યો અને ત્યાં જ તેમનું અવસાન થયું. જોગાનુજોગ એવો થયો કે એ જ દિવસે તેમની ૫૧મી વર્ષગાંઠ હતી.
નગરવાલા ગયા, પણ ઇન્દિરા ગાંધીની આબરૂના ધજાગરા ઉડાડતા ગયા. નગરવાલા દુનિયામાંથી ગયા અને ૧૯૭૭માં ઇન્દિરાજી સત્તા પરથી ઊખડી ગયાં, છતાં નગરવાલા-કેસનું ભૂત ધૂણતું રહ્યું. ૧૯૭૭માં જનતા પાર્ટીની સરકારે ‘જગમોહન રેડ્ડી આયોગ’ નીમીને કેસને ફરી ઉખેડ્યો, પરંતુ આયોગને તપાસના અંતે કાંઈ વાંધાજનક હાથ ન આવ્યું.
બહુ પછીથી એક સમાચાર આવ્યા હતા કે નગરવાલા સીઆઇએ માટે કામ કરતા હતા અને ઇન્દિરા ગાંધીને બદનામ કરવા માટે જ આ કાવતરું ઘડાયું હતું, કારણ કે બંગલા દેશની તરફેણ ઇન્દિરાજીએ કરી હતી એથી અમેરિકાના પેટમાં તેલ રેડાયું હતું. એ સમયે અમેરિકાને પાકિસ્તાન પ્રત્યે કૂણી લાગણી હતી.
અને છેલ્લે : મલ્હોત્રાનું શું થયું?
૬૦ લાખ રૂપિયામાં જે ૫૦૦૦ રૂપિયા ખૂટતા હતા એ મલ્હોત્રાએ પોતાના ખિસ્સામાંથી ભરી દીધા હતા છતાં તેમણે નોકરી તો ગુમાવી જ હતી, પરંતુ તેમણે હવેલી લેતાં ગુજરાત ખોવાનો વારો ન આવ્યો. ૧૦ વર્ષ પછી જ્યારે દેશમાં મારુતિ ઉદ્યોગ શરૂ થયો ત્યારે એમાં મલ્હોત્રાની નિમણૂક ચીફ અકાઉન્ટન્ટ તરીકે થઈ!! ત્યારે કોઈકે લખ્યું પણ હતું કે રાજકીય રસમ સદા ચાલી આયી, ઇમાન જાયે પર વચન ન જાયે.

સમાપન
હો ગઈ હૈ પીર પરબત-સી
પિઘલની ચાહિએ
ઇસ હિમાલય સે કોઈ ગંગા
નિકલની ચાહિએ
આજ યે દીવાર પરદોં કી તરહ
હિલને લગી
શર્ત થી લેકિન કિ યે બુનિયાદ હિલની ચાહિએ
સિર્ફ હંગામા ખડા કરના મેરા
મક્સદ નહીં
મેરી કોશિશ હૈ કિ યે સૂરત
બદલની ચાહિએ
મેરે સીને મેં નહીં તો તેરે
સીને મેં હી સહી
હો કહી ભી આગ લેકિન આગ જલની ચાહિએ!
- દુષ્યંત કુમાર


Whatsapp-channel Whatsapp-channel

21 September, 2020 11:48 AM IST | | Pravin Solanki

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK