Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હારથી હારવું નહીં અને જીતથી આસમાને પહોંચવું નહીં

હારથી હારવું નહીં અને જીતથી આસમાને પહોંચવું નહીં

01 December, 2019 03:47 PM IST | Mumbai
Bhavya Gandhi | feedbackgmd@mid-day.com

હારથી હારવું નહીં અને જીતથી આસમાને પહોંચવું નહીં

નહીં માફ, નીચું નિશાનઃ અહમ્ કે ઘમંડ વિનાની સફળતા જ મહત્ત્વની છે, જે રૉજર ફેડરર સતત દેખાડ્યા કરે છે.

નહીં માફ, નીચું નિશાનઃ અહમ્ કે ઘમંડ વિનાની સફળતા જ મહત્ત્વની છે, જે રૉજર ફેડરર સતત દેખાડ્યા કરે છે.


આપણે ત્યાં ગેમ એટલે ક્રિકેટ. બીજી કોઈ વાત નહીં. ગેમના નામે બીજી એક પણ રમતની વાત નથી થતી. આપણો ધર્મ પણ ક્રિકેટ અને આપણું કર્મ પણ ક્રિકેટ. ન્યુઝ-ચૅનલ પણ આપણે ત્યાં ક્રિકેટની વાતને એવી રીતે દર્શાવે છે જાણે એ ટૉપિક આખા દેશને અસર કરતો હોય. ક્રિકેટ માટે ખાસ સ્પોર્ટ્સ ચૅનલ પણ ચાલે છે. માત્ર આપણી ટીમ જ નહીં, જગતમાં ક્યાંય ક્રિકેટ ન રમાતું હોય ત્યારે એના પર જૂની મૅચ આવ્યા કરે અને લોકો જુએ પણ ખરા. ક્રિકેટમાં પણ જો હરીફ ટીમ તરીકે પાકિસ્તાન હોય તો ટીવી તોડી નાખવામાં આવ્યાં હોય એવા કિસ્સા પર બન્યા છે અને જો આપણે પાકિસ્તાન સામે બહુ મોટી કહેવાય એવી જીત મેળવી લઈએ તો હાર્ટ-અટૅક આવી ગયાના પણ દાખલા આપણે ત્યાં છે.

વાત આજે આપણે સ્પોર્ટ્‌સમૅનની જ કરવાની છે, પણ એ ક્રિકેટર નથી. ક્રિકેટ કે ક્રિકેટર ટૉપિક નથી એવું ધારીને તમે તમારો મૂડ ખરાબ ન કરતા, કારણ કે હું જે ગેમની વાત કરવાનો છું એ ગેમ માટે આ વ્યક્તિ કોહલી અને ધોનીથી પણ બે ફુટ ઊંચો છે.



ધોની અને કોહલીની ઓળખાણની આપણને કોઈને જરૂર નથી. કોહલી હૉટમૅન કહેવાય છે અને ધોનીને આપણે માહી તરીકે ઓળખીએ છીએ, પણ એ સિવાય પણ તેનું એક ઉપનામ છે, કૅપ્ટન કૂલ. ધોનીને કૅપ્ટન કૂલ શું કામ કહેવામાં આવે છે એની પણ આપણને સૌને ખબર છે. ક્યારેય કોઈએ ધોનીને ફીલ્ડ પર કે ફીલ્ડની બહાર જરા પણ ગુસ્સે થતો કે એક્સાઇટ થતો આપણે નથી જોયો. તેનામાં અગ્રેશન છે પણ એ અગ્રેસિવનેસ તેની રમતમાં દેખાશે, પણ ક્યારેય ફીલ્ડ પર તેને ઉશ્કેરાયેલો કોઈએ જોયો નથી. આવો જ એક બીજો પ્લેયર છે અને એ પ્લેયર ધોનીનો પણ ફેવરિટ છે, નામ તેનું રૉજર ફેડરર. ટેનિસ પ્લેયર રૉજર ક્યારેય પોતાની કૂલનેસ ગુમાવતો નથી. હંમેશાં શાંત અને એકદમ ઠરેલું વર્તન કરે. તેની સામે ઉપાડવામાં આવતા દરેક સવાલનો જવાબ તે પોતાની ગેમથી આપશે. તમે તેના વિડિયો જુઓ. તમને અણસાર આવશે કે તે કેવી કૂલનેસ સાથે પોતાની ગેમ રમે છે. સામેનો પ્લયેર ગમે એવી કમેન્ટ કરે કે તેને ઉશ્કેરવા મથશે તો પણ તે કૂલ રહેશે. રૉજર ફેડરરના ઇન્ટરવ્યુ જુઓ તમે. તમને ખ્યાલ આવશે કે દરેક વખતે ઇન્ટરવ્યુ સમયે તેની સામે ભૂખ્યા વરુઓની જેમ બધા તૂટી પડ્યા હોય અને એકધારા પ્રશ્નો ચાલુ જ હોય, પણ રૉજરના ચહેરા પર એકદમ ઠંડક રહે. તે જરા પણ ઉશ્કેરાય નહીં, ગુસ્સે થાય નહીં કે અકળામણ સાથે ઊભો પણ થાય નહીં. તે ચાહે ગેમ હાર્યો હોય, ચાહે ગેમ જીત્યો હોય. કોઈ ટુર્નામેન્ટનું બહુ મહત્ત્વનું ટાઇટલ જીત્યો હોય કે પછી ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયો હોય, તેના ચહેરા પર તમને અકળામણ ક્યારેય જોવા નહીં મળે. ક્યારેય નહીં. એકદમ શાંત, એકદમ કૂલ અને એકદમ નમ્રતા સાથે જ તે તમને જોવા મળશે. જેવો તે ફીલ્ડ પર આવે એવી તેની ગેમ પણ બદલાઈ જાય.


ફેડરર જ્યારે રમતો હોય ત્યારે રીતસર તમને તેની ગેમમાં મૅજિક જોવા મળે. એકેક સ્ટ્રોક તેનો અદ્ભુત હોય. ધોનીનો જેમ હેલિકૉપ્ટર શૉટ ફેમસ છે એ જ રીતે ફેડરરના પણ અમુક શૉટ્સ એવા છે જે ટેનિસની ગેમની જાણકારી હોય એવા લોકોમાં પૉપ્યુલર છે. બૉલને એક કૉર્નરથી બીજા કૉર્નર પર મોકલીને સ્કોર કરવાનો હોય ત્યારે ફેડરર એવી રીતે કરે છે જાણે એ માણસ નહીં, બટરફ્લાય છે. રમત જોતી વખતે તમને પણ એવું લાગે કે હવે આ શૉટ્સના જવાબ આપવાનું કામ ફેડરર નહીં કરી શકે, પણ એ અદ્ભુત રીતે એનો જવાબ આપે અને બેસ્ટ રીતે એ પર્ફોર્મ પણ કરે. આ જ કારણ છે કે આજે ટેનિસ પ્લેયરમાં ફેડરર ટૉપ-ત્રણમાં છે. ઇન્ટરનૅશનલ ટેનિસ પ્લેયરમાં કોઈ એવું નથી રહ્યું જે ફેડરરને પછડાટ આપી શકે.

ફેડરરની આટલી તારીફનું કારણ શું? એવો વિચાર તમને આવી શકે અને એ આવવો જ જોઈએ. ૨૦ ગ્રૅન્ડ સ્લૅમ જીતી ચૂકેલા પ્લેયરની ગેમનાં વખાણ કરવાં એટલે આમ જોઈએ તો ટ્યુબલાઇટ સામે સૂર્યનાં વખાણ કરવા બરાબર કહેવાય, પણ અત્યારે આપણે તેનાં આ વખાણ તેની ગેમ માટે નથી કરી રહ્યાં. આપણે તેની કૂલનેસને કારણે કરી રહ્યા છીએ તો સાથોસાથ એ જે રીતે આ સ્તરે જીત્યા પછી પણ પોતાની જાતને જમીન પર રાખે છે એને માટે કરીએ છીએ. તમને હમણાંની એક મૅચની વાત કરું.


હમણાં એક મૅચ જોવા આવેલા એક ટેનિસચાહકે રૉજરને પોઝ આપવાનો ઇશારો કર્યો અને ફેડરરે એકધારી ૨૦ સેકન્ડ સુધી અલગ-અલગ પોઝ આપીને પેલા ટેનિસ-પ્લેયરને ખુશ કરી દીધો. હાજર રહેલું ઑડિયન્સ તો ઠીક, આખા જગતના મીડિયાવાળા પણ આ જોઈને હેબતાઈ ગયા હતા. અત્યંત મહત્ત્વની કહેવાય એવી મૅચ ચાલુ હતી અને એ પછી પણ ફેડરરે જે રીતે રીઍક્શન આપ્યું એ માનવામાં આવે એવું નહોતું, પણ આ ફેડરર છે. તમે ફૅન્સ થકી છો એ સમજવું પડે અને એ વાત તમને સમજાવી પણ જોઈએ. જો તમે ફૅન્સને અવગણો તો ક્યારેય નહીં ચાલે, તમે તમારા કામને અવગણો તો પણ ન ચાલે અને તમે તમારા ચાહકોને તુચ્છકારો એ પણ ન ચાલે. આપણે ત્યાં આવું કામ અક્ષયકુમાર કરતો હોય છે, પણ અત્યારે આપણે વાત ફેડરરની કરીએ છીએ. તમે ગૂગલ કરીને આ જોઈ શકશો. આપણે ત્યાં અનેક ન્યુઝપેપરની વેબસાઇટ પર પણ આના વિડિયો છે. રીતસર જાણે કે સામે પ્રોફેશનલ ફોટોગ્રાફર હોય એ રીતે ફેડરરે તેના ફૅનને પોઝ આપ્યા. તેને ખબર હતી કે આ ફોટોગ્રાફની વૅલ્યુ કઈ હદે વધવાની છે, પણ એવો કશો વિચાર કર્યા વિના પોતાના મસ્તમજાના સ્માઇલ સાથે તેણે એ કામ કર્યું અને બન્યું પણ એવું જ. એ ફૅન્સ પાસે બીજી જ સેકન્ડે એ પોઝની ડિમાન્ડ થવા માંડી.

હવે તમને અંદરની વાત કહું.

મૅચ પૂરી થયા પછી એ ફૅન મહામુશ્કેલીએ ફેડરર પાસે પહોંચ્યાે અને જઈને તેણે કહ્યું કે મારી પાસે આ ફોટોગ્રાફ્સ મિલ્યન ડૉલર્સમાં માગવામાં આવે છે, મારે શું કરવું જોઈ? ફેડરરે જે જવાબ આપ્યો એ અદ્ભુત હતો. ફેડરરે કહ્યું કે મારું કામ પોઝ આપવાનું હતું, મેં એ કરી નાખ્યું. હવે તમારે એનું જે કરવું હોય એ કરો. ઇટ્સ યૉર પ્રૉપર્ટી નાઉ.

દરેક સ્પોર્ટ્સનું મહત્ત્વ છે અને દરેક વખતે એ તમને સ્પોર્ટ્સમૅન સ્પિરિટ શીખવે છે અને મહત્ત્વનું એ જ છે. આ સ્પોર્ટ્સમૅન સ્પિરિટ જ તમને દુનિયાથી જુદા તારવે છે. જો રમ્યા હશો તો તમને બે વાત શીખવા મળી હશે. જીત શીખવે છે કે જીત્યા પછી પગને જમીન પર કેમ રાખવા અને હાર શીખવે છે કે એને પચાવવી કઈ રીતે. જો આ બન્ને વાત શીખી ગયા તો તમે જીવનમાં ક્યાંય પછડાટ નહીં ખાઓ.

ફેડરર ૨૦૦૪માં નંબર વન પોઝિશન પર હતો અને આજે ત્રીજા સ્થાને છે પણ એનો મતલબ એ નથી કે તે ક્યારેય પાછો નંબર-વન નહીં બની શકે અને એનો અર્થ એ પણ નથી કે તે જ્યાં સુધી રમશે ત્યાં સુધી એ જ પોઝિશન પર રહેશે, પણ સ્પોર્ટ્‌સ આ જ શીખવે છે કે હારથી હારો નહીં અને જીતથી આસમાન પર પહોંચો નહીં. તમારે મહેનત કરતા રહેવાનું અને સતત ડિલિવર કરતું રહેવાનું. તમારે માટે કોઈ પણ સ્ટૉપ છેલ્લું ન હોવું જોઈએ અને દરેક જીત સાથે સમજતા જવાનું કે હવે તમારી જવાબદારી વધી છે. તમારી જીતના ભારથી બીજા કોઈ દબાઈ ન જાય એનું ધ્યાન રાખવાનું અને આ ધ્યાન સામેવાળાએ નહીં, તમારે જ રાખવાનું હોય છે. જો ધ્યાન રાખી શક્યા તો તમે જીતી ગયા અને જો ધ્યાન રાખવામાં ક્યાંક પણ થાપ ખાધી તો, તો ખેલ ખતમ.

Whatsapp-channel Whatsapp-channel

01 December, 2019 03:47 PM IST | Mumbai | Bhavya Gandhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK