Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > નાની-નાની બાબતો પર પસીનો પાડવો યોગ્ય નથી

નાની-નાની બાબતો પર પસીનો પાડવો યોગ્ય નથી

10 August, 2020 07:50 PM IST | Mumbai
Falguni Jadia Bhatt | feedbackgmd@mid-day.com

નાની-નાની બાબતો પર પસીનો પાડવો યોગ્ય નથી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહાભારતની જેમ જેને માટે ડૂ ઑર ડાઇ કરવું પડે એવાં યુદ્ધો જીવનમાં બહુ ઓછાં હોય છે. મોટા ભાગનાં તો પડતાં મૂકવાલાયક જ હોય છે. આ સત્યને યાદ રાખીશું તો ફક્ત અને ફક્ત પોતાના પરિવારજનોના સહવાસમાં વીતી રહેલો કોરોનાનો આ સમયગાળો જ નહીં, સમગ્ર જીવન એકમેક સાથે સુખે માણી શકીશું

કોરોનાના આ સમયે અત્યાર સુધીમાં આપણને સૌને આ પહેલાં ક્યારેય ન થયા હોય એવા અનેક અનુભવો કરાવી દીધા છે. બહાર કરફ્યુ ન હોવા છતાં દિવસ-રાત ઘરમાં પુરાઈ રહેવું, દુકાળ ન હોવા છતાં ઘરમાં જેકાંઈ ખાદ્ય સામગ્રી હોય એનાથી કામ ચલાવી લેવું, પેટમાં કોઈ ગરબડ ન હોવા છતાં ફક્ત ઘરનું જ બનાવેલું ભોજન ખાવું વગેરે વગેરે. આ બધામાં સૌથી યુનિક કોઈ અનુભવ હોય તો ઘરના બધા જ સભ્યોના સહવાસમાં સતત રહેવાનો અનુભવ છે. કોરોના પહેલાંના સમયમાં લોકોની જીવન સાથે સૌથી મોટી ફરિયાદ જ એ હતી કે પરિવારજનો સાથે રહેવા માટે સમય જ મળતો નથી. કોરોનાના આ સમયકાળે એ ફરિયાદને ધરમૂળથી દૂર કરી દીધી છે. છેલ્લા પાંચ મહિનાથી આપણે બધા દુનિયાઆખીથી દૂર, પોતાના પરિવારજનો સાથે રહેવા સિવાય બીજું કંઈ જ કરી રહ્યા નથી. પોતાના લગ્નજીવનની પચીસ અને પચાસમી વર્ષગાંઠ ઊજવી ચૂકેલાં દંપતીઓ પણ સોગંદ ખાઈને કહે છે કે આટલું લાંબું અને આટલું એકધારું તો અમે બંને એકબીજા સાથે ક્યારેય રહ્યાં નથી. આ સંદર્ભમાં જેમનાં લગ્નને હજી બહુ લાંબો સમય થયો નથી એવાં કેટલાંક કપલ્સ કોરોનાથી બહુ ખુશ પણ છે કે એને પગલે તેમને પોતાના જીવનસાથી સાથે આટલો લાંબો સમય વ્યતીત કરવા મળી રહ્યો છે. લગ્નજીવનના દોઢ-બે દાયકા વિતાવી ચૂકેલાં દંપતી એ વિચારથી આશ્વાસન લઈ રહ્યાં છે કે જો આપણે બન્ને આટલો લાંબો સમય એકબીજા સાથે શાંતિથી વિતાવી શકીએ છીએ તો એનો અર્થ એ થયો કે આપણી વૃદ્ધાવસ્થા સુરક્ષિત છે. તો વળી સિક્કાની બીજી બાજુ જેવાં કેટલાંક યુગલ એવાં પણ છે જેઓ ફક્ત પોતાના પાર્ટનર સાથે રહી-રહીને કંટાળી ગયાં છે. અરે, ત્યાં સુધી કે વચ્ચે એક સર્વેક્ષણમાં એવું પણ બહાર આવ્યું હતું કે ચીન અને જપાન જેવા દુનિયાના કેટલાક દેશોમાં તો આ એકધારા સહવાસે પતિ-પત્નીને એકબીજાથી એટલા વિમુખ કરી દીધા છે કે ત્યાં છૂટાછેડાનો દર વધી ગયો છે.



આવાં સર્વેક્ષણ વાંચીએ ત્યારે પહેલાં તો થોડી નવાઈ લાગે કે આવું પણ બની શકે? જે જીવનસાથી સાથે રહેવા તમે આખી દુનિયા સામે થઈ જવા તૈયાર હો તેની જ સાથે રહેતાં-રહેતાં કંટાળી જવાય? પરંતુ થોડો વિચાર કરતાં લાગે કે હા, આવું પણ શક્ય છે, કારણ, ભલે આપણને સૌને પોતાના પાર્ટનરના સહવાસમાં મળતાં પ્રેમ, લાગણી અને હૂંફની ઝંખના હોય છે, પરંતુ સાથે જ આપણને સૌને પોતપોતાની સ્પેસ પણ જોઈતી જ હોય છે.
બલકે, થોડું તટસ્થતાથી વિચારીએ તો સમજાય કે ફક્ત જીવનસાથી જ નહીં, વાસ્તવમાં તો જીવનના દરેક સંબંધોનું આવું જ હોય છે. કોઈ પણ સંબંધ જ્યારે એની પ્રાથમિક અવસ્થામાં હોય ત્યારે જ મીઠો લાગે. જેમ-જેમ સમય વીતતો જાય તેમ-તેમ એમાં અપેક્ષાઓનો બોજ વધતો જાય, જે આગળ જતાં ક્યારેક મતભેદ તો ક્યારેક મનભેદનું કારણ બની જાય છે. પછી એ સંબંધ આપણા જીવનસાથી સાથેનો હોય, પરિવારના અન્ય સભ્યો સાથેનો હોય કે પછી મિત્રો સાથેનો હોય. આવું કેમ થાય છે એ કહેવું મુશ્કેલ છે, પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે આવું થવું એકદમ સહજ છે.
આવું ન થાય એ માટે કંઈ કરી શકાય? આ સવાલનો જવાબ ‘ના’માં જ હોઈ શકે, પરંતુ આવું બને એટલું ઓછું થાય એ માટે ચોક્કસ કંઈક કરી શકાય. એ છે પોતાનું યુદ્ધ સમજી-વિચારીને પસંદ કરવું. બીજા શબ્દોમાં કઈ બાબત વિવાદમાં પડવા યોગ્ય છે અને કઈ બાબત એમ જ પડતી મૂકવા યોગ્ય છે એનો નિર્ણય સમજદારીપૂર્વક લેવો જોઈએ. બાળકો નાનાં હોય ત્યારે વાલી તરીકે તેમના પર ગુસ્સે થવું આપણે માટે અત્યંત સહજ હોય છે, પરંતુ મારા પિતાશ્રી અમારા પર બહુ ઓછા ગુસ્સે થતા. વળી પાછું એનું કારણ સમજાવતાં કહેતા પણ ખરા કે ક્રોધ એ બહુ ધારદાર હથિયાર છે. એથી એનો ખૂબ સમજીવિચારીને ઉપયોગ કરવો જોઈએ. મહાભારતની જેમ જેને માટે ડૂ ઑર ડાઇ કરવું પડે એવાં યુદ્ધો જીવનમાં બહુ ઓછાં હોય છે. મોટા ભાગનાં તો પડતતાં મૂકવાલાયક જ હોય છે. આવાં યુદ્ધો પાછળ સમય બગાડવાનો અર્થ માત્ર પોતાની શક્તિનો વ્યય કરવો થાય છે. આમ પણ હવેના સમયમાં જ્યાં આપણી શક્તિ અને ધીરજની સીમાઓની બહાર આપણી પાસે અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે ત્યાં જે ખરેખર લડી લેવાલાયક હોય એવી બાબતો માટે જ દ્વંદ્વમાં ઊતરવું જોઈએ. નાહકના જ આપણાં માનસિક શાંતિ અને સમય કોઈ એવા મુદ્દા પર ખર્ચ કરવાનો શો અર્થ જેના પરિણામથી ખુદ આપણને પણ આનંદ કે સંતોષ ન મળવાના હોય?
આપણાં સંતાનો હોય કે આપણી સાથે સંકળાયેલી અન્ય કોઈ વ્યક્તિ, કેટલીક વાર આપણી સાચી વાત પણ તેમના ગળે ઉતારી શકાતી નથી. આવા વખતે વાદવિવાદમાં પડીને પોતાનો કક્કો સાચો કરવાનો પ્રયત્ન કરવો નક્કામો છે. એમ કરીને આપણે માત્ર આપણા સંબંધમાં કડવાશ ઉમેરવાનું કામ કરીએ છીએ. એથી જેવું એમ લાગે કે હવે વિચારોની આપ-લે અહંકારના દાયરામાં પ્રવેશી રહી છે ત્યારે તરત જ ત્યાંથી ખસી જવું હિતાવહ છે. આપણી આવી પીછેહઠને કોઈ આપણી હાર સમજવાની ભૂલ પણ કરી શકે, પરંતુ અંદરખાને આપણને ખબર હોય છે કે આવું કરીને આપણે આપણા સંબંધને મોટા નુકસાનથી બચાવી લીધો છે. આમેય લાંબા ગાળે કઈ લડાઈમાં કોણ જીત્યું હતું એ કોને યાદ રહેવાનું છે? યાદ તો એકમેક માટેના પ્રેમ અને આદર જ રહેવાના છે એથી તમને તમારા વિચારોમાં દૃઢ હો પછી દુનિયાઆખીને એની સાથે સહમત કરવાનો પ્રયત્ન કરવો નિરર્થક છે.
અલબત્ત આવું કહેવાનો અર્થ એવો પણ નથી કે દરેક બાબતમાં આપણે નમતું જ જોખવાનું અને લોકોને પોતાની મનમાની કર્યા કરવા દેવાની. વાત જ્યારે આપણા જીવન પર કે આત્મસન્માન પર આવે ત્યારે લડી લેવામાં કશું જ બાકી રાખવું જોઈએ નહીં. જ્યારે એવું લાગે કે આ લડાઈ નહીં લડીએ તો આપણે આપણી જ નજરમાં ઊતરી જઈશું કે પછી આપણી સમગ્ર ઓળખ ગુમાવી દઈશું ત્યારે બધાં જ અસ્ત્ર-શસ્ત્ર સાથે મેદાનમાં ઊતરી પડવામાં કશું જ ખોટું નથી, પરંતુ એ લડાઈ એ કૅટેગરીની હોવી જરૂરી છે. દાખલા તરીકે, મુંબઈની લોકલ ટ્રેનમાં સીટ માટે કે પછી શાકવાળા ભૈયા સાથે બે-પાંચ રૂપિયા માટે મોટે-મોટેથી બૂમાબૂમ કરી લડવું વાહિયાત છે, પરંતુ જે લગ્નજીવને આપણને સુખની એક ક્ષણ પણ આપી ન હોય એમાંથી છુટકારો મેળવવા જીવસટોસટની લડાઈ લડી લેવામાં કોઈ પાપ નથી. બાકી નાનામોટા મતભેદો માટે તો સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી આગળ વધી જવામાં જ શાણપણ છે.
અંગ્રેજીમાં એક કહેવત છે કે ‘ડોન્ટ સ્વેટ ધ સ્મૉલ સ્ટફ.’ અર્થાત્ નાની-નાની બાબતો પર પસીનો પાડવો યોગ્ય નથી. આપણી આસપાસ એવા ઘણા હોય છે, જેમને આપણા જીવનની લગામ પોતાના હાથમાં રાખવાનો શોખ હોય છે. તેમની આ માનસિકતા સામે અવારનવાર વિવાદમાં ઊતરવા કરતાં તેઓ ખરેખર એવું કરવામાં સફળ થઈ રહ્યા છે એવા ભ્રમમાં તેમને રાખી આપણે જે કરવું છે એ કર્યા કરવું વધુ હિતાવહ નથી? કારણ, એક દિવસ એવો ચોક્કસ આવશે જ્યારે તેમને સત્ય સમજાઈ જશે. એ દિવસે તેઓ જાતે જ પીછેહઠ કરી લેશે. ત્યાં સુધી આપણે શા માટે કહાણાને કહાણો કહીને અળખામણા થવું? ચૂપચાપ આપણું કામ પતાવી આગળ ન વધી જવું?
સિક્કાની બીજી બાજુ જેવાં કેટલાંક યુગલ એવાં પણ છે જેઓ ફક્ત પોતાના પાર્ટનર સાથે રહી-રહીને કંટાળી ગયાં છે. અરે, ત્યાં સુધી કે વચ્ચે એક સર્વેક્ષણમાં એવું પણ બહાર આવ્યું હતું કે ચીન અને જપાન જેવા દુનિયાના કેટલાક દેશોમાં તો આ એકધારા સહવાસે પતિ-પત્નીને એકબીજાથી એટલા વિમુખ કરી દીધા છે કે ત્યાં છૂટાછેડાનો દર વધી ગયો છે.


(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

10 August, 2020 07:50 PM IST | Mumbai | Falguni Jadia Bhatt

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK