Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કોરોનામાં આ લોકોની પણ જરા યાદ કરો કુરબાની

કોરોનામાં આ લોકોની પણ જરા યાદ કરો કુરબાની

14 May, 2020 03:06 PM IST | Mumbai
Jayesh Chitalia

કોરોનામાં આ લોકોની પણ જરા યાદ કરો કુરબાની

 આપણે સાચા હીરોને ઓળખતા થઈશું, તેમને આદર્શ બનાવીશું, આપણાં સંતાનોને પણ એ સમજાવીશું તો જ સમાજ ખરા અર્થમાં તંદુરસ્ત બનશે.

આપણે સાચા હીરોને ઓળખતા થઈશું, તેમને આદર્શ બનાવીશું, આપણાં સંતાનોને પણ એ સમજાવીશું તો જ સમાજ ખરા અર્થમાં તંદુરસ્ત બનશે.


આપણે આજના કોરોના કાળના સમયમાં ડૉક્ટર્સ, નર્સ, મેડિકલ સ્ટાફ, પોલીસો, સફાઈ કામદારો, બૅન્ક-કર્મચારીઓ સહિત ઘણા વર્ગની કદર કરવાનાં બૅન્ડવાજાં વગાડી રહ્યા છીએ; પરંતુ આ કદર, આ માન-આદર કોરોના બાદ ભુલાઈ જવાને બદલે કાયમ રહે તો એની સાર્થકતા ગણાય

કોરોના અને લૉકડાઉનના દિવસોમાં તમે એક નવી બાબત ઝીણવટપૂર્વક માર્ક કરી? તમે કહેશો, અરે ભાઈ ઘણી નવી બાબત માર્ક કરી છે. સીધું જ પૂછી લોને! ચાલો સીધી જ વાત કરીએ. આ તો વાત પર ભાર મૂકવા કે એનું મહત્ત્વ સમજવા-સમજાવવા આમ પૂછવું પડે, કારણ કે આ વાત પણ ગંભીર અને અતિ મહત્ત્વની છે જેને આપણે હાલ તો મહત્ત્વ આપ્યું છે, પરંતુ સવાલ એ છે કે આપણે ભવિષ્યમાં આ હકીકતને યાદ રાખી આટલું જ મહત્ત્વ આપીશું ખરા?
અત્યારના સંજોગોમાં આપણા જીવનમાં કોરોનાને કારણે ડૉક્ટર્સ, નર્સિસ, મેડિકલ સ્ટાફ, પોલીસ વિભાગ, સફાઈ કામદારો દરેક જણનું મહત્ત્વ વધી ગયું છે. એમાં બૅન્ક-કર્મચારીઓ અને ફાઇનૅન્શિયલ સર્વિસ પૂરી પાડતા તેમ જ શાકભાજી અને અનાજ-કરિયાણું પૂરાં પાડવા સહિત વિવિધ આવશ્યક સેવા પૂરી પાડતા લોકો પણ આવી જાય છે.
કદરના ખરા હકદારનું સન્માન
તાજેતરમાં આપણી આર્મીએ હેલિકૉપ્ટરમાંથી પુષ્પો વરસાવી આ સેવાભાવી, ખાસ કરીને તબીબ વર્ગનું સન્માન કર્યું હતું. દેશમાં કોરોના માટે કામ કરતા દરેકને દિલથી સલામ કરી છે. ખુદ મોદી સરકારે લોકોને થાળી અને ઘંટડી વગાવડાવીને પોતાના જીવના જોખમે તેમ જ પરિવારના જોખમે પણ કોરોનાની સામે લડનાર તબીબો, પોલીસો, સફાઈ કામદારો સહિતના લોકોનું સન્માન કર્યું- કરાવ્યું હતું. પ્રજાએ પણ તેમને વધાવી લીધા છે. પરંતુ મુખ્ય સવાલ એ છે કે શું કોરોના બાદ આપણે આ વર્ગ માટે આટલાં જ માન અને આદર જાળવીશું ખરા? આમ એટલા માટે પૂછવું પડે છે કે આપણી પ્રજા તરીકેની માનસિકતા બહુ જ ટીકાપાત્ર રહી છે. આપણો સ્વાર્થ પતી જાય પછી આપણે સગાં મા-બાપને પણ ભૂલી જઈએ છીએ તો વળી આ લોકોને યાદ રાખીશું ખરા? આપણી પ્રજા તરીકેની માનસિકતા લેભાગુ, સ્વાર્થી, તકસાધુની છે. આપણું કામ પતી જાય, આપણને જરૂર ન હોય તો આપણે કોઈને યાદ કરતા નથી. જોકે ગરજ હોય તો ગધેડાને પણ બાપ બનાવીએ છીએ. આપણે તો ભગવાનને પણ ભૂલી જઈએ છીએ ત્યાં વળી આ તો માણસો છે. ખેર, એટલે જ આપણે અત્યારથી આ વર્ગ માટે આપણા હૃદયમાં એક આગવું સ્થાન બનાવવું ‍જોઈએ. આ વર્ગ અત્યારના ખરા સમયે પોતાના જીવના જોખમે પણ આપણને કામ આવ્યો માત્ર એ માટે નહીં, પરંતુ આપણી માનસિકતા જ એવી બનવી જોઈએ કે સાચા માણસોની કદર કરવામાં આપણે મોડા કે મોળા કયારેય ન પડીએ અને એ કદર કાયમ રહે.
સાચા હીરો કોણ ગણાય?
સાચા હીરો ફિલ્મોના કે રીલ લાઇફના નથી બલકે રિયલ લાઇફ અને વાસ્તવિક જીવનના હોય છે. આપણે એ ફિલ્મી હીરોને કાયમ માથે ચડાવીને રાખતા હોઈએ છીએ, જેને કારણે જ તેઓ કરોડો રૂપિયા સાથે માન-સન્માન, યશ, કીર્તિ, પ્રતિષ્ઠા પામતા રહે છે. પરંતુ આપણા વાસ્તવિક જીવનમાં તેમની ઉપયોગિતા કેટલી? એ જ રીતે આપણે ક્રિકેટરોને પણ માથે બેસાડી રાખ્યા છે; જેને કારણે તેઓ પણ યશ, કીર્તિ, કરોડો રૂપિયાની કમાણી પામતા રહે છે. આ બધા આજે પોતપોતાના ઘરમાં સલામત બેઠા છે. બહુ-બહુ તો પૈસાનું દાન કરે છે. અલબત્ત, ઘણી સેલિબ્રીટીઝ આજના સમયમાં કોરોના સામે લડતા વર્ગની ભરપૂર પ્રશંસા-સરાહના પણ કરે છે. ખાસ વિડિયો બહાર પાડી તેમને બિરદાવે છે અને સમગ્ર સમાજને પણ એમ કરવા અનુરોધ કરે છે, જેથી આપણે આ સેલિબ્રીટીઝ વર્ગની ઝાઝી નિંદા કરવી પણ વાજબી નથી. અલબત્ત, અહીં તેમને ઉતારી પાડવાનો પણ કોઈ ઇરાદો યા ઉદ્દેશ જરાય નથી, પરંતુ યાદ એ રાખવાનું છે કે જે સમાજમાં સાચા હીરોની કદર થતી નથી અને ખોટા-કૃત્રિમ હીરોની બોલબાલા રહે છે અને તેઓ સમાજના-યુવા પેઢીના આદર્શ બની રહે છે ત્યારે બીજા અનેક સાચા હીરોને અન્યાય થતો રહે છે. કેટલાક સ્વાર્થી, નપાવટ અને ગંદા લોકોએ તબીબોને ગાળો અને માર પણ આપ્યા છે. તેમને જનતાએ અને સરકારે છોડી દીધા છે એ અન્યાયી અને ગંભીર ટીકાપાત્ર છે.
ખેર, એ કામ સરકારનું અને સંબંધિત સત્તાવાળાઓનું છે. પરંતુ આપણે કમ સે કમ આ દરમ્યાન અને પછી પણ આ વર્ગને માન-સન્માન આપતા રહેવાનું યાદ રાખવું એ સમાજ તરીકે આપણી ખરી ફરજ છે. આજે તેઓ પોતાની જાનના જોખમે પોતાનું કર્તવ્ય બજાવે છે. આપણે કદાચ તેમની પીડા, તકલીફ અન તેમના પરિવારના સભ્યોના ભય વિશે જાણતા-સમજતા નથી, કેમ કે આપણને તે જોવા મળતા નથી. બાકી આ વર્ગ જ્યારે કામ કરીને ઘરે પહોંચે છે ત્યારે પોતાના પરિવારના સભ્યોથી પણ તેણે યોગ્ય અંતર રાખીને રહેવું પડે છે. આ છેલ્લા બે મહિનામાં કેટલાય‍ ડૉક્ટર્સ, નર્સિસ, પોલીસો, પત્રકારો (ફીલ્ડમાં ફરતા પત્રકારો-ફોટોગ્રાફરો, ટીવી ચૅનલના સહિત) પણ માંદા પડ્યા છે, કોરોનાનો ભોગ બન્યા છે. આ પીડા સમજવા જેટલી સંવેદનશીલતા આપણામાં ન હોય તો આપણને આપણા માણસ હોવા સામે સંદેહ થવો જોઈએ.
પ્રત્યેક વર્ગનું મહત્ત્વ સમજવું જોઈએ
સવાલ માત્ર ચોક્કસ વર્ગનો હોવો ન જોઈએ. સમાજમાં દરેક વ્યક્તિનું મહત્ત્વ છે. દરેકની નાની-મોટી ભૂમિકા છે. સફાઈ માટે કચરો ઊંચકતા કે ગટર સાફ કરતા હોય અથવા પાણી પહોંચાડવા સમયસર બધે પહોંચતા હોય એ પાલિકાના કર્મચારીઓની પણ ઊંચી કદર થવી જોઈએ. સામાજિક સમાનતાનો સાચો અર્થ એમાં જ સમાયેલો છે. આપણે વરસોથી આ બાબતોની ઉપેક્ષા કરી છે. તેમને માન આપવાનું તો બાજુએ રહ્યું, તેમને હલકા ગણ્યા છે. આમ કરીને આપણે તેમની સાથે પરોક્ષ રીતે અન્યાય જ કર્યો કહેવાય. હવે તો જાગીએ. આજે આપણે આપણા ઘરમાં સલામત બેઠા છીએ તો એની પાછળ આવો બહુ મોટો વર્ગ જવાબદાર છે. જેમ સરહદ પર આપણી રક્ષા માટે સૈનિકો છે તેમ આપણી વચ્ચે આપણા સ્વાસ્થ્યની, આપણી સલામતી માટે સદા સક્રિય રહેતો વર્ગ ભુલાઈ ન જવો જોઈએ. આ કપરા સમયમાં અનેક સેવાભાવી સામાજિક સંસ્થાઓ અને તેમના કર્યાકર્તાઓ નિઃસ્વાર્થ ભાવે રોજેરોજ અનેક ગરીબ-જરૂરતમંદ પરિવારોને અનાજ સહિત જીવનજરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરવા પોતાના જાનના જોખમે નીકળી પડે છે, તેઓ પણ કદર અને પ્રણામના હકદાર ગણાય.
જે કામ આપણે અત્યાર સુધી કરવામાં ચૂકી ગયા છીએ એને હવે પછી કાયમ માટે યાદ રાખવું જોઈએ, એમાં સાચી માનવતા છે. આપણે સાચા હીરોને ઓળખતા થઈશું, તેમને આદર્શ બનાવીશું, આપણાં સંતાનોને પણ એ સમજાવીશું તો જ સમાજ ખરા અર્થમાં તંદુરસ્ત બનશે.



પરિવારની મહિલા સભ્યોને પણ સલામ થવી જોઈએ


અલબત્ત, આપણે જે વર્ગની કદરની વાત કરી છે એ તો થવી જ જોઈએ, પરંતુ આ સાથે દરેક પરિવારની ગૃહિણીઓ-મહિલા સભ્યોને પણ જરાય ભૂલવી ન જોઈએ. તેમનું યોગદાન પણ મોટું રહ્યું છે. માત્ર આ કોરોના કાળમાં નહીં બલકે દરેક સમયે. જોકે મહિલા સભ્યો ઘરની છે એટલે આપણે ઘર કી મુરગી દાલ બરાબર ગણીને તેમની ઉપેક્ષા કરતા હોઈએ છીએ અથવા તેમની સાચી કદર કરવાનું ચૂકી જઈએ છીએ. દરેક પુરુષે, પરિવારના સભ્યએ પોતાના ઘરની આ અન્નપૂર્ણા સમાન હસ્તીની કદર કરવામાં કોઈ કચાશ રાખવી ન જોઈએ. આમાં હજી ઘણી મહિલાઓ એવી પણ હોઈ શકે જેઓ ઘરની બહાર નોકરીની પણ ફરજ બજાવે છે અને ઘરે આવ્યા બાદ પરિવારની પણ તે જતનથી કાળજી લે છે. મા, બહેન, પત્ની, દીકરી, ભાભી જે પણ હોય તેમને સલામ, વંદન અને પ્રણામ કરવાં જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

14 May, 2020 03:06 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK