Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હાર સે મત હારો

હાર સે મત હારો

14 September, 2020 02:23 PM IST | Mumbai
Falguni Jadia Bhatt | feedbackgmd@mid-day.com

હાર સે મત હારો

 માનવસ્વભાવની લડાયક વૃત્તિ કહો કે તેની જીવતા રહેવા માટેની જીજીવિષા, પરંતુ આપણે સૌએ આ કપરા કાળમાં એ યાદ રાખવાની જરૂર છે કે આ સમય પણ ક્યારેક તો પસાર થઈ જ જશે

માનવસ્વભાવની લડાયક વૃત્તિ કહો કે તેની જીવતા રહેવા માટેની જીજીવિષા, પરંતુ આપણે સૌએ આ કપરા કાળમાં એ યાદ રાખવાની જરૂર છે કે આ સમય પણ ક્યારેક તો પસાર થઈ જ જશે


આ સમયમાં ઘણા લોકોને જીવનમાં હારી ગયા હોવાની લાગણીનો અનુભવ થતો હશે, પરંતુ માનવજાતમાં એવી શક્તિ છે જે ફિનિક્સ પક્ષીની જેમ રાખમાંથી પણ પાછા ઊભા થવાની આવડત ધરાવે છે. આવશ્યક્તા છે કોઈની થોડી મદદની, આશ્વાસનના બે શબ્દોની, કોઈ પોતાની પાસે છે, પોતાની સાથે છે એવા માનસિક સધિયારાની. તો શું આટલું આપવામાં પીછેહઠ કરવી જોઈએ?

હાલમાં ટીવી પર વર્ષો પહેલાં બનેલી એક પ્રસિદ્ધ વેબ સીરિઝમાં એક સારો ડાયલોગ સાંભળવા મળ્યો. આ સીરિઝમાં એક અતિશય લોકપ્રિય શાસક તેના સેનાપતિને કહે છે કે, ‘Defeat is not as bad as I had feared. Sun is still shining, water still tastes good.’ અર્થાત્ હાર એટલી પણ ખરાબ નથી જેટલી મેં ધારી હતી. સૂર્ય હજી પણ ચમકી જ રહ્યો છે, તરસ લાગ્યા બાદ પાણી પીધાનો સ્વાદ હજી પણ મીઠો જ લાગી રહ્યો છે. આમ તો આ સીરિઝ એક દાયકાથી પણ વધુ જૂની છે, પરંતુ અત્યારે વિશ્વની સ્થિતિ જોતાં અત્યંત તર્કસંગત અને પ્રાસંગિક લાગી રહી છે.
શું વાસ્તવમાં હાર એટલી ખરાબ હોય છે? આ પ્રશ્ન અત્યારે સૌથી મહત્ત્વપૂર્ણ છે. આ લખાય છે ત્યારે ભારતે તેના ઇતિહાસનો સૌથી નબળો જીડીપી વિકાસદર નોંધાવ્યો છે અને કોરોનાના કેસ રેકૉર્ડ સ્તરે વધી રહ્યા છે. આપણે જોકે આજે કોરોનાની વાત કરવી નથી. આપણે વાત કરવી છે હારની લાગણીની. અત્યારે ઘણા લોકો આ હારની લાગણીનો અનુભવ કરી રહ્યા હશે. લાખો લોકોએ પોતાની નોકરી ગુમાવી છે. કરોડો લોકોએ છેલ્લા છ મહિનાની ઘટનાઓને કારણે પગાર કપાવવાથી લઈને પગાર ન મળવા સુધીની મુશ્કેલીઓનો સામનો કર્યો છે. આપણા ઓળખીતામાં જ કેટલાય લોકો એવા છે, જે કદાચ ૬-૮ મહિનાથી ઘરે બેઠા છે, રોજેરોજ નવી નોકરીની તલાશ કરી રહ્યા છે અને છતાં ક્યાંય તેમનો પત્તો લાગી રહ્યો નથી.
બીજી તરફ હજારો લોકો એવા છે, જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે. જેઓ આ બીમારીનો ભોગ બની તેમાંથી બહાર તો નીકળ્યા છે, પરંતુ તેના માનસિક અને સામાજિક આઘાત સામે હજી પણ ઝઝૂમી રહ્યા છે. માત્ર ભારતમાં કોરોનાનો મરણાંક ૮૦,૦૦૦ નજીક પહોંચી રહ્યો છે. આ તો માત્ર કોરોનાનો મરણાંક છે, પરંતુ ગંભીર લૉકડાઉન બાદ જેમને અન્ય રોગોની સારવાર ન મળી અને તેના કારણે તેમની કૅન્સર કે હાર્ટ કે કિડનીની બીમારી વકરી જવાથી જેમણે જાન ગુમાવ્યા છે એવા લોકોનો તો આપણે આમાં સમાવેશ કરી જ રહ્યા નથી.
છેલ્લે ભારતમાં કયા એક સંકટે આટલા મોટાપાયે લોકોના જીવ લીધા હતા? સ્વાભાવિક છે કે ક્યાંક આખા દેશમાં, પણ કદાચ એક હારની લાગણી વ્યાપેલી હશે. આજથી છ મહિના પહેલાં એક રવિવારના પ્રાયોગિક સ્વૈછિક બંધ તથા સાંજે થાળી વગાડવાથી લઈને દીવા સળગાવવા સુધીના અનેક પ્રયાસોમાં હરખભેર ભાગ લેનારા લાખો લોકો કદાચ અત્યારે પોતાના અંગત જીવનમાં અંધકારની લાગણીનો અનુભવ કરી રહ્યા હશે.
એમાં તો કોઈ શંકા છે જ નહીં કે આ એક કપરો કાળ છે. જીવનમાં ઘણા પ્લાનિંગ કરવાવાળા લોકો પોતાની જાતને સૌથી ખરાબમાં ખરાબ પરિસ્થિતિ માટે પણ તૈયાર રાખવાનો પ્રયત્ન કરતા હોય છે. એવા ઘણા લોકોના જીવનમાં એ અત્યંત ખરાબ પરિસ્થિતિ અત્યારે ચાલી રહી હશે. નોકરી જતી રહેવી, સ્વજનો ગુમાવી દેવા વગેરે વગેરે. આવા લોકો માટે જ આ લેખની શરૂઆતનો પ્રસંગ ટાંક્યો હતો. ઘણી વખત જ્યારે આપણે જે વસ્તુનો બહુ ડર કે ભય પાળી રાખ્યો હોય તેવી હાર વાસ્તવમાં માથે પડે ત્યારે તેનો આઘાત નિશ્ચિત જ કમર તોડી નાખનારો હોય છે, પરંતુ ઘણા લોકો તેમાંથી સર્વાઈવ કરી જતા હોય છે. આને માનવસ્વભાવની લડાયક વૃત્તિ કહો કે તેની જીવતા રહેવા માટેની જીજીવિષા, પરંતુ આપણે સૌએ આ કપરા કાળમાં એ યાદ રાખવાની જરૂર છે કે આ સમય પણ ક્યારેક તો પસાર થઈ જ જશે. ક્યારેક તો આ અંધકાર હટી જશે. હારના વજન નીચે જો દબાઈ ગયા તો કામથી ગયા, પરંતુ જો જરાક ટટ્ટાર ઊભા રહીને પેલા રોમન શાસકની જેમ હારનો સામનો કરીશું તો જીવનમાં જીવવાની, આગળ વધવાની પ્રેરણા મળતી રહેશે.
આવું વાંચીને ઘણા લોકોને એમ પણ લાગતું હશે કે આવી બધી વાતો કરવી આસાન છે. એ તો જેના પર વીતે એ જ જાણે. આ વાત સાચી છે. ઘાયલ કી ગત ઘાયલ જાણે એ પંક્તિ કંઈ અમથી જ નથી લખાઈ, પરંતુ આવા સમયમાં આપણે એટલું જરૂર કરી શકીએ કે હાર માનવાને આરે ઊભેલી વ્યક્તિને આશા બંધાવીએ. જ્યાં જ્યાં, જ્યારે જ્યારે કોઈનો હાથ પકડવાની તક મળતી હોય તો એ સામે ચાલીને ઝડપી લઈએ. આજકાલ લિન્ક્ડઇન કે ફેસબુક જેવા સોશ્યલ પ્લૅટફૉર્મ્સ પર ઘણા લોકો નિખાલસતાથી પોતાની નોકરી છૂટી ગઈ હોવાની કબૂલાત કરી મદદ માગી રહ્યા છે. સામે પક્ષે અસંખ્ય લોકો તેમને સહાનુભૂતિ આપી તેમની પોસ્ટને આગળ શૅર પણ કરી રહ્યા છે. તમારી માત્ર આવી એક ક્લિકથી કોઈની મદદ થઈ શકતી હોય કે કોઈની હારની વેદના ઓછી થતી હોય તો એ જહેમત ઉઠાવવા જેવી છે. તે સિવાય પણ કોઈને આર્થિક મદદની જરૂર હોય તો તેને આર્થિક મદદ આપીએ, આપણા કામવાળાઓના પગાર ન કાપીએ, આપણી ભલામણના બે શબ્દોથી કોઈનું કામ થઈ જતું હોય, કોઈને નોકરી મળતી હોય તો તેમાં આનાકાની ન કરીએ, પોતાના નેટવર્કનો ઉપયોગ કરીએ, એકલવાયા રહેતા કોઈ વયોવૃદ્ધને આવી પરિસ્થિતિમાં બહાર ન જવું પડે એ માટે તેમને બહારથી જરૂરિયાતનો સામાન લાવી આપીએ, માનસિક રીતે પડી ભાંગેલાઓને સધિયારો આપીએ, નજીકના અને દૂરના સગાંવહાલાઓના સતત સંપર્કમાં રહી તેમને એકલતાનો અહેસાસ ન થાય તેનું ધ્યાન રાખીએ.
આ કપરો કાળ હજી કેટલો લાંબો ચાલશે તેની આપણને ખબર નથી. આવામાં કોઈએ એમ વિચારી ખુશ થવાની જરૂર નથી કે આપણે તો બચી ગયા. કલ કિસને દેખા એ વાત આખી માનવજાતને અત્યારે જેટલી લાગુ પડે છે એટલી ભાગ્યે જ ક્યારેય લાગુ પડી હશે. તેથી જ સત્કર્મ કરવાની તક સામે ચાલીને દ્વારે આવીને ઊભી છે ત્યારે હવે તો વિચારતા ન બેસી રહીએ?



ઘણી વખત જ્યારે આપણે જે વસ્તુનો બહુ ડર કે ભય પાળી રાખ્યો હોય તેવી હાર વાસ્તવમાં માથે પડે ત્યારે તેનો આઘાત નિશ્ચિત જ કમર તોડી નાખનારો હોય છે, પરંતુ ઘણા લોકો તેમાંથી સર્વાઈવ કરી જતા હોય છે. આને માનવસ્વભાવની લડાયક વૃત્તિ કહો કે તેની જીવતા રહેવા માટેની જીજીવિષા, પરંતુ આપણે સૌએ આ કપરા કાળમાં એ યાદ રાખવાની જરૂર છે કે આ સમય પણ ક્યારેક તો પસાર થઈ જ જશે. ક્યારેક તો આ અંધકાર હટી જશે.


કીપ ઇટ અપ!: અમદાવાદમાં રહેતા પ્રજ્ઞાચક્ષુ અશ્વિન ઠક્કર ટેલિફોન ઑપરેટર તરીકે કામ કરતા હતા પણ કોરોનાને કારણે તેમની નોકરી જતી રહી તો તેમણે પહેલાં કેરી વેચી, પછી શાકભાજી વેચ્યા અને હવે તેઓ નાસ્તા વેચીને આત્મનિર્ભર બની રહ્યા છે. જીવનમાં જ્યારે હિંમત ખૂટી જાય ત્યારે આ પ્રકારના જીવંત દાખલાઓ ફરીથી હામ ભરી જાય છે.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

14 September, 2020 02:23 PM IST | Mumbai | Falguni Jadia Bhatt

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK