બાળકો પર સવાર ન થાવ - લાઇફ કા ફન્ડા

Published: 18th November, 2020 14:47 IST | Heta Bhushan | Mumbai

એક સફળ વકીલ, તેઓ જે કેસ હાથમાં લે એ જીતે જ. વકીલને એકનો એક દીકરો, નામ તેનું અનય અને તે ભણવામાં હોશિયાર પણ ખરો.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

એક સફળ વકીલ, તેઓ જે કેસ હાથમાં લે એ જીતે જ. વકીલને એકનો એક દીકરો, નામ તેનું અનય અને તે ભણવામાં હોશિયાર પણ ખરો. નવમા ધોરણમાં હતો ત્યારથી જ તેની મમ્મી તેને કહેવા લાગી કે ‘જો દીકરા, તારા પપ્પાનું નામ બહુ મોટા વકીલ તરીકે પ્રખ્યાત છે. તું તેમનો દીકરો છે એટલે તારે પણ મોટા વકીલ બનવાનું છે અને તેમનું નામ અને કામ આગળ વધારવાનાં છે.’
અનયને કોઈએ પૂછ્યું જ નહીં કે ‘તેને શું કરવું છે?’
મમ્મી રોજ કોઈ ને કોઈ રીતે આ વાત યાદ કરાવે અને અનયના મન પર કારણ વિનાનો ભાર વધતો જાય. પપ્પા તો મોટા વકીલ, તેમની પાસે તો સમય જ ન હતો કે અનયના મનની વાત સમજે. વાર-તહેવારે અને જન્મદિવસે મોટી ગિફ્ટ અનયને
આપે અને કહે, ‘ભાઈ, તું મારો દીકરો છે. તારી કોઈ ઇચ્છા બાકી ન રહેવી જોઈએ. તારે તો મારાથી પણ મોટા વકીલ બનવાનું છે સમજ્યો.’
અનય બિચારો હજી દુનિયાને સમજવાની કોશિશ કરી રહ્યો હતો ત્યાં તેના પર ઢગલો અપેક્ષાઓ લાદી દેવામાં આવી.
માતા-પિતાની ઇચ્છા હતી કે અનય મોટો વકીલ બને એટલે અનયે લૉ ભણવાનું શરૂ કર્યું. તેના મનમાં બીજી કોઈ ઇચ્છાનો જન્મ જ નહોતો થયો, છતાં તે લૉ ભણતો એમાં તેના માર્ક સતત ઓછા જ આવતા. તેના મન પર સતત ભાર હતો કે ‘પપ્પા બહુ મોટા વકીલ છે, મારે તેમનાથી આગળ વધવાનું છે.’ આ ભાર હવે ‘પોતે એમ નહીં કરી શકે તો શું થશે?ના ડરમાં ફેરવાઈ ગયો હતો. આ ડરને લીધે તે બરાબર આગળ વધી શકતો ન હતો ને સતત ઓછા માર્ક જોઈને મમ્મી અને પપ્પાનો ગુસ્સો અને મહેણાં-ટોણા વધી ગયાં હતાં એટલે તે વધારે પાછળ પડતો ગયો.
એક દિવસ અનયે રડીને પોતાના ડરની વાત દાદાને કહી. દાદા થોડામાં બધું સમજી ગયા. દાદાએ અનયની મનની પરિસ્થિતિ સમજાવતાં તેનાં પપ્પા અને મમ્મી બન્નેને કહ્યું, ‘દીકરા, મેં તને બાંધીને રાખ્યો નહોતો એટલે તું આટલો સફળ થયો, પણ માતા-પિતા તરીકે તમે એક ભૂલ કરી છે. તમે તમારા દીકરાને ભલે બાંધીને નથી રાખ્યો, પણ તમે તેની પર તમારી આશા અને અપેક્ષાઓ સાથે સવાર થઈ ગયા છો. જો તમે ઇચ્છો છો કે તમારો દીકરો તેજીથી આગળ વધે તો પહેલાં તેના પરથી નીચે ઊતરો, પછી પરિણામ જુઓ.’
વકીલ પપ્પા પોતાના પિતાનો ઇશારો સમજી ગયા. તેમણે પોતાનું વર્તન સુધારવાનું નક્કી કર્યું.જો માતા-પિતા ઇચ્છતા હોય કે તેમનાં બાળકો તેજીથી આગળ વધે તો તેમણે તેમની પર સાવચેતી કે અપેક્ષા કે જવાબદારી કે વધુ પડતા લાડ કે પ્રેમ જેવા કોઈ પોતાના મનના ભાવ લઈને સવાર ન થઈ જવું જોઈએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK