Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > યસ બૅન્કની નિષ્ફળતાનો ટોપલો અગાઉની સરકાર પર ન ઢોળો

યસ બૅન્કની નિષ્ફળતાનો ટોપલો અગાઉની સરકાર પર ન ઢોળો

08 March, 2020 07:25 PM IST | Mumbai Desk
sushma shah

યસ બૅન્કની નિષ્ફળતાનો ટોપલો અગાઉની સરકાર પર ન ઢોળો

નિર્મલા સીતારમણ

નિર્મલા સીતારમણ


યસ બૅન્કના ધબડકા પછી ફાઇનૅન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે દિવસમાં બે વખત નિવેદન કર્યું કે ૨૦૧૪ પહેલાં જે છૂટ અને કોઈ તપાસ વિના ધિરાણ અપાતું હતું એને કારણે બૅન્કો નબળી પડી છે અને મોદી સરકારે સફાઈ કરવી પડી છે. જોકે નાણાપ્રધાનની આ સફાઈ સામે ધિરાણના આંકડાઓની હકીકત શું કહે છે એના પર એક નજર કરી લઈએ

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે યસ બૅન્કની નિષ્ફળતામાં અથવા તો કેન્દ્ર સરકાર અને રિઝર્વ બૅન્કે જે રીતે પગલાં લેવામાં ઢીલાશ કરી એનો દોષનો ટોપલો શુક્રવારે કૉન્ગ્રેસના નેતૃત્વની યુપીએ સરકાર પર ઢોળ્યો હતો. તેમણે દિવસમાં બે વખત એવું નિવેદન કર્યું હતું કે ૨૦૧૪ પહેલાં જે રીતે છૂટથી ધિરાણ અપાતું હતું, જે રીતે કોઈ પણ પ્રકારની તપાસ વગર ધિરાણ અપાતું હતું એને કારણે બૅન્કોની હાલત નબળી પડી છે અને એટલે હવે મોદી સરકારે સફાઈ કરવી પડી રહી છે.



સીતારમણના દાવા
નિર્મલા સીતારમણે શુક્રવારે સાંજે પત્રકાર-પરિષદમાં બે મહત્ત્વની બાબતો ‘ઑન રેકૉર્ડ’ કરી હતી. એક, ૨૦૧૭થી રિઝર્વ બૅન્ક યસ બૅન્કની કામગીરી પર નજર રાખી રહી હતી અને એના પર તપાસ ચલાવી રહી હતી. આ તપાસના આધારે જ ૨૦૧૮માં પ્રમોટરને બૅન્કમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને એ પછી નવા સીઈઓની નિમણૂક કરવામાં આવી હતી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે બૅન્કના ચૅરમૅન કે તેમના જેવા ટોચના અધિકારીઓ દ્વારા થયેલી ગેરરીતિની તપાસ ચાલી રહી છે (સાંજે બૅન્કના ભૂતપૂર્વ પ્રમોટર અને ચૅરમૅન રાણા કપૂરના ઘરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટ‍રેટની રેઇડ પડી હતી).


બીજો દાવો કર્યો હતો કે ૨૦૧૪ પહેલાં (બીજેપી સત્તા પર આવી એ પહેલાં) યસ બૅન્કે એવા કૉર્પોરેટને ધિરાણ કર્યું હતું જેની હાલત કંગાળ હતી. તેમના કહેવા મુજબ ‘અનિલ અંબાણી જૂથ, દીવાન હાઉસિંગ, આઇએલઍન્ડએફએસ, વોડાફોન જેવા કેટલાક ગ્રાહકોનાં નામ લઈ હું બૅન્કની કોઈ ગોપનીયતાનો ભંગ કરી રહી નથી. આ બધી લોન યુપીએ સરકાર સત્તામાં હતી ત્યારે આપવામાં આવી હતી.’
અગાઉ સંસદની બહાર ડિપોઝિટરનાં નાણાં સુરક્ષિત છે એવું જણાવતાં સીતારમણે જણાવ્યું હતું કે ૨૦૧૪ પહેલાં બૅન્કો દરેક ચાચા-ભતીજાને લોન આપી રહી હતી. હકીકતમાં નાણાપ્રધાન એવું કહેવા માગી રહ્યાં હતાં કે યસ બૅન્કની લોન-બુક યુપીએ સરકારના શાસનમાં બહુ મોટી હતી, બહુ વધી હતી અને એવા દરેકને લોન આપવામાં આવી હતી જેમની પાછી કરવાની શક્તિ હતી નહીં. જોકે આ વાત સત્ય નથી.

છ વર્ષમાં ત્રણ ગણો વધારો
યસ બૅન્કની લોન-બુકમાં વૃદ્ધિ છેલ્લાં ૬ વર્ષમાં ત્રણ ગણી થઈ. ૨૦૦૪માં બૅન્કની સ્થાપના થઈ ત્યારથી સપ્ટેમ્બર ૨૦૧૯ સુધી યસ બૅન્કનાં પરિણામ, બૅન્કે આપેલી લોન અને બૅન્કની ડિપોઝિટના આંકડા ઉપલબ્ધ છે. ડિસેમ્બર ૨૦૧૯ના પૂરા થયેલા ક્વૉર્ટરનાં પરિણામ જાહેર થવાનાં હતાં એ પહેલાં રિઝર્વ બૅન્કે યસ બૅન્કને મોરેટોરિયમમાં મૂકી દીધી છે એટલે એ આંકડા હવે ક્યારે જાહેર થશે એ તો ભગવાન જાણે!


માર્ચ ૨૦૦૪થી માર્ચ ૨૦૧૪ સુધી યસ બૅન્કની કુલ ડિપોઝિટ ૭૪,૧૯૨ કરોડ રૂપિયા થઈ અને બૅન્કનું કુલ ધિરાણ ૫૫,૬૩૩ કરોડ રૂપિયા થયું હતું. માર્ચ ૨૦૧૪ પછી બૅન્કે આક્રમક રીતે ધિરાણ અને ડિપોઝિટ વધાર્યાં. સપ્ટેમ્બર ૨૦૧૯ના અંતે બૅન્કનું કુલ ધિરાણ ૨,૨૪,૫૦૫ કરોડ રૂપિયા હતું અને ડિપોઝિટ ૨,૦૯,૪૯૭ કરોડ રૂપિયા. આગલાં વર્ષોનું ધિરાણ બાદ કરીએ તો ખ્યાલ આવે છે કે યસ બૅન્કનું ધિરાણ માર્ચ ૨૦૧૪થી સપ્ટેમ્બર ૨૦૧૯નાં સાડાપાંચ વર્ષના સમયગાળામાં ૧,૬૮,૮૭૨ કરોડ રૂપિયા વધ્યું અને ડિપોઝિટ ૧,૩૬,૫૦૫ કરોડ રૂપિયા વધી હતી.

ઉપરોક્ત આંકડા દર્શાવે છે કે યસ બૅન્કની ધિરાણવૃદ્ધિ મોદી સરકાર ૨૦૧૪માં સત્તા પર આવી પછી ઝડપી બની છે. છેલ્લાં સાડાપાંચ વર્ષમાં બૅન્કનું ધિરાણ, કૉન્ગ્રેસના શાસનનાં ૧૦ વર્ષની સરખામણીએ સાડાત્રણ ગણું વધ્યું છે. નાણાપ્રધાને જે રીતે યુપીએ સરકાર પર નિશાન તાક્યું છે એ બિનજરૂરી છે અને વર્તમાન સરકારની નિષ્ફળતા છુપાવવાનો એક પ્રયત્ન જ છે.

ત્રણ વર્ષ સુધી તપાસ જ ચાલી?
ખુદ નાણાપ્રધાન ઑન રેકૉર્ડ બોલી રહ્યાં છે કે ૨૦૧૭થી યસ બૅન્કની કામગીરી પર રિઝર્વ બૅન્ક નજર રાખી રહી છે અને કામગીરીની તપાસ ચાલી રહી છે. તો ત્રણ વર્ષ સુધી કેમ કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી? માર્ચ ૨૦૧૭ના અંતે યસ બૅન્કનું ધિરાણ ૧,૩૨,૨૬૨ કરોડ હતું જે સપ્ટેમ્બર ૨૦૧૯ના અંતે ૨,૨૪,૫૦૫ કરોડ થયું એટલે કે આ ગાળામાં ધિરાણમાં ૯૨,૨૪૩ કરોડ રૂપિયાનો વધારો થયો. આ ધિરાણ પર રિઝર્વ બૅન્કની બાજનજર હોવા છતાં કેમ આપવામાં આવ્યું? આ સમયગાળામાં ૬૬,૬૨૪ કરોડ રૂપિયાની વધારાની ડિપોઝિટ પણ જમા થઈ. આજે ડિપોઝિટ સુરક્ષિત હોવાની ખાતરી આપતા લોકોને ત્યારે કેમ બચાવી લેવાયા નહીં?
નાણાપ્રધાને જણાવ્યું કે રિઝર્વ બૅન્કના મતે યસ બૅન્કમાં કૉર્પોરેટ ગવર્નન્સ એટલે કે અધિકારીઓનો વહીવટ બરાબર નથી, એનપીએ છુપાવી રાખી અને જોખમનો અભ્યાસ કર્યા વગર જ ધિરાણ આપ્યું હોવાનું બહાર આવ્યું છે.

બૅન્ક નબળી કેમ પડી રહી છે?
હા એ વાત ચોક્કસ છે અને સમગ્ર દુનિયા જાણે છે કે યસ બૅન્કની સમસ્યા શું છે. યસ બૅન્કે આપેલી લોનમાં નબળી પડવાનું પ્રમાણ (એટલે કે લોન પાછી નહીં આવી રહી હોવાથી) વધી રહ્યું છે, બૅન્કની ખોટ વધી રહી છે અને ક્રેડિટ રેટિંગ નબળું પડી રહ્યું હોવાથી બૅન્કની નાણાકીય સ્થિતિ સતત નબળી પડી રહી છે. કેટલાક કિસ્સામાં બૅન્કના રોકાણકારો અને ડિપોઝિટર પણ નાણાં ઉપાડી રહ્યા છે એટલે હાલત વધારે બગડી રહી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં બૅન્કના વહીવટમાં પણ ઘણી ઓટ આવી હોવાથી બૅન્ક નબળી પડી રહી છે. વધારે મૂડી ઊભી કરવા માટે બૅન્કે સતત પ્રયત્ન કર્યા છે પણ સ્થિતિ સુધરી નથી. રિઝર્વ બૅન્કે પણ આને માટે મદદ કરી છે. બૅન્કમાં ૧૨ ફેબ્રુઆરીએ પણ કેટલાક રોકાણકારો મૂડી રોકવા તૈયાર થયા હતા, પણ કોઈ મૂડી આવી નહોતી.

૨૦૧૭થી થયેલી તપાસમાં રિઝર્વ બૅન્કે માત્ર બે મક્કમ પગલાં ભર્યાં છે; એક, રાણા કપૂરને બોર્ડ પરથી હટાવી દેવામાં આવ્યા છે અને બીજું, નિયમોના ઉલ્લંઘન બદલ ૧ કરોડ રૂપિયાનો દંડ! આટલી મોટી સમસ્યા હોય, દેશની ખાનગી ક્ષેત્રની અગ્રણી બૅન્ક નબળી પડી રહી હોય ત્યારે આટલાં મામૂલી પગલાં લેવામાં આવ્યાં અને હવે એનો દોષ અન્ય પર ઢોળી દેવો એ નાણાપ્રધાનની ગરિમાને છાજે એવું નથી!

Whatsapp-channel Whatsapp-channel

08 March, 2020 07:25 PM IST | Mumbai Desk | sushma shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK