Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > લાઇફ કા ફન્ડા: સંતોષનો અતિરેક

લાઇફ કા ફન્ડા: સંતોષનો અતિરેક

14 August, 2020 07:11 PM IST | Mumbai
Heta Bhushan | feedbackgmd@mid-day.com

લાઇફ કા ફન્ડા: સંતોષનો અતિરેક

લાઇફ કા ફન્ડા: સંતોષનો અતિરેક


અતિ સર્વત્ર વર્જયેત...શાસ્ત્ર કહે છે. સારી હોય કે ખરાબ કોઈ પણ બાબતનો અતિરેક નુકસાનકારક નીવડે છે.
‘અતિ ભલા નહીં બોલના, અતિ ભલી નહીં ચૂપ; અતિ ભલા નહીં બરસના, અતિ ભલી નહીં ધૂપ
એક દિવસ એક સાધુ ફરતા ફરતા એક ગામના પાદરે પહોંચ્યા. બહુ ચાલ્યા હતા અને બહુ તડકો હતો એટલે તરસ લાગી હતી. તેમણે આજુબાજુ નજર ફેરવી, થોડે દૂર એક ઉજ્જડ વાડી દેખાઈ. સાધુ વાડી સુધી પહોંચ્યા. જોયું તો વાડી ઘણી વિશાળ હતી પણ કશું બરાબર વાવેતર કરેલું નહોતું. વાડીમાં એક ખૂણામાં એક નાનકડું ભાંગ્યું-તૂટ્યું ઘર હતું. તેમાં બે ભાઈઓ પોતાના પરિવાર સાથે રહેતા હતા.
સાધુએ ત્યાં જઈને પાણી માગ્યું. મોટા ભાઈની પત્નીએ નમન-આવકાર આપ્યો. નાના ભાઈની પત્ની પાણી લઈ આવી. મોટા ભાઈએ સાધુને થોડો વિશ્રામ કરી ભોજન કરી આગળ જવા વિનંતી કરી. સાધુએ સ્વીકાર કર્યો. આરામ કરતાં સાધુએ પૂછ્યું, ‘તમારી વાડી ઘણી વિશાળ છે પણ કંઈ વાવેતર કેમ નથી કર્યું? શું પાણીની તકલીફ છે?’ નાના ભાઈએ કહ્યું, ‘ના ના, અમારી વાડીમાં તો બે કૂવા છે અને પાણીથી ભરપૂર છે, પાણીની
કોઈ તકલીફ નથી.’ સાધુએ કહ્યું ‘તો પછી વાડીમાં વાવેતર કેમ નથી કર્યું?’
મોટા ભાઈએ કહ્યું, ‘અમારી પાસે બે ભેંશ છે જે ઘણું દૂધ આપે છે. તે વેચીને અમારો ગુજારો થઈ રહે છે. રહેવા ઘર છે. પછી બીજું જોઈએ શું? એટલે ખોટી મહેનત શું કામ કરવી.’ સાધુએ જોયું કે વિશાળ વાડી વાવેતર વિનાની હતી, ઘર ભાંગ્યું તૂટ્યું હતું. ઘરમાં કોઈ સુવિધા નહોતી. પત્ની અને બાળકોએ ફાટેલાં કપડાં પહેર્યાં હતાં. સાધુ સમજી ગયા કે આ બે ભાઈઓ સંતોષનો અતિરેક કરી મહેનત કરવાથી દૂર ભાગી, બે ભેંશના દૂધની આવક પર બેઠા બેઠા જીવે છે.
સાધુએ કહ્યું ‘તમને વાંધો ન હોય તો હું બહુ થાકી ગયો છું. તો રાત અહીં વિશ્રામ કરી સવારે જઈશ તો ચાલશે?’ બન્ને ભાઈઓએ ખુશીથી હા પાડી. રાત્રે બધા સૂઈ ગયા એટલે સાધુ બે ભેંશને સાથે લઈને જતા રહ્યા.
ઘણે દૂર બીજા ગામમાં ભેંશને બે ગરીબ કુટુંબોને આપી દીધી. આ બાજુ ભાઈઓ ઉઠ્યા, જોયું કે બન્ને ભેંશ અને સાધુ ગાયબ હતા. હવે શું કરવું? શોધખોળ કરી, કંઈ ભાળ ન મળી. હવે કોઈ આવક રહી નહીં. પરિવારને પાળવા પોષવા બે ભાઈઓએ વાડીમાં કામ કરવાની શરૂઆત કરી. જુદાં જુદાં ફળનાં ઝાડ ઉગાડ્યાં. પાકનું વાવેતર કર્યું. ઘણા પૈસા મળવા લાગ્યા. પરિસ્થિતિ સુધરી. મકાન બરાબર બંધાવ્યું. સુખ જ સુખ મળી ગયું. બે વર્ષ પછી સાધુ આવ્યા. વાડી લીલીછમ હતી. ફળોનાં વૃક્ષો અને પાક લહેરાતો હતો. સાધુએ કહ્યું ‘હું જ તમારી બે ભેંશ લઈ ગયો હતો અને મેં ગરીબ પરિવારને આપી દીધી હતી. તમે અતિ સંતોષના પડદા પાછળ આળસુ બની ગયા હતા અને વાડી અને પાણી હોવા છતાં કામ કરી પ્રગતિ કરતા નહોતા. જીવનમાં સંતોષ જરૂરી છે પણ અતિ સંતોષ રાખી આળસ કરવી ખોટી છે.’


Whatsapp-channel Whatsapp-channel

14 August, 2020 07:11 PM IST | Mumbai | Heta Bhushan

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK