દિવાળીની સાફસૂફીમાં ઘરમાંથી કેટલો સામાન ભંગારરૂપે નીકળ્યો છે?

Published: 18th October, 2011 20:47 IST

મોટે ભાગે ગૃહિણીઓ કચરો કાઢવાની આડમાં કામની ચીજો પણ ફેંકી દેતી હોય છે. તાત્કાલિક જરૂરી ન હોય એ વસ્તુઓ સ્વચ્છ ને સુઘડ રીતે ઘરમાં સાચવીને રાખીએ તો એ ભવિષ્યના ખર્ચને બચાવે છે. એ બચત એક પ્રકારની આવક જ ગણાયને!(મંગળવારની મિજલસ - તરુ કજારિયા)

દિવાળીની પ્રતીક્ષા અને એને આવકારવાની તૈયારીઓ ધમધોકાર ચાલુ થઈ ગઈ છે. નવરાત્રિની સાથોસાથ તહેવારોની મોસમ શરૂ થઈ જાય છે. એ સાથે જ સમગ્ર વાતાવરણમાં એક સુખદ અહેસાસની અનુભૂતિ થાય છે, પરંતુ અત્યારે મોંઘવારીની મોસમ પણ પુરબહારમાં ખીલી છે. અખબારોમાં થોડા-થોડા દિવસે ભાવવધારાના સમાચાર ભાલાની જેમ ભોંકાતા રહે છે. દૂધ, શાકભાજી, ગૅસ, વીજળી, રિક્ષાભાડાં, બસ અને ટૅક્સીનાં ભાડાંમાં વધારો... આમ કેટલાક વધી ગયેલા અને કેટલાક વધવાના છે એવા ભાવોની તલવાર લટકે છે એટલે સામાન્ય માનવી માટે તો તહેવારો ટેન્શનદાયી બની જાય છે. આમ છતાં એટલું ચોક્કસ કહેવું પડે કે થોડા સમય માટે મોંઘવારીની કડવી યાદને વીસરાવી દેવાની તાકાત આ તહેવારોમાં કદાચ રહેલી છે. બજારો અને રસ્તાઓ પરની ભીડ જોઈને તો કમસે કમ આપણને એવું લાગે જ.

સ્ત્રીઓ પર અસર

તહેવારોની હાજરી સ્ત્રીઓ પર અને તેમની જિંદગીમાં જેટલી વર્તાય છે એટલી પુરુષો પર નથી દેખાતી. ચાહે મિડલક્લાસની હોય કે અમીર, ટ્રેડિનશલ બૅકગ્રાઉન્ડ ધરાવતી હોય કે હાઈ સોસાયટીની હોય; સ્ત્રીઓ આ દિવસો દરમ્યાન સજીધજીને રહે છે. આખું વરસ કબાટમાં બંધ રહેલાં સરસ નવાં કપડાંને દિવાળીમાં બહારની તાજી હવાનો સ્પર્શ થાય છે. બહાર જ્યાં-જ્યાં નજર કરો ત્યાં સ્ત્રીઓ પોતાના સ્પેશ્યલ ડ્રેસિંગ દ્વારા દિવાળીની હાજરીનો અનુભવ કરાવે છે, જ્યારે પુરુષોના ડ્રેસિંગમાં એટલો બધો ફેર નથી હોતો. આજકાલ ઑફિસોની કૅન્ટીનમાં કે ટ્રેનમાં બહેનપણીઓ દિવાળીના ડ્રેસિંગ અને શૉપિંગની ચર્ચા કરતી સંભળાય છે. એમાંય બાળકોની મમ્મીઓને તો બાળગોપાળની ખરીદીનો પણ રસપ્રદ લહાવો હોય એટલે એની વાતોનોય ખજાનો હોય.

માત્ર સજવા-સંવરવામાં જ નહીં, બીજી પણ અનેક રીતે દિવાળી જાણે સ્ત્રીઓ માટે વધુ વિશિષ્ટ છે. જુઓને, દિવાળી પહેલાં આખા ઘરની ટૉપ ટુ બૉટમ સફાઈ વરસમાં આ દિવસોમાં થાય છે અને મોટા ભાગનાં ઘરોમાં સ્ત્રીઓ આ જવાબદારી પોતે જ પોતાના માથે લઈ લેતી હોય છે. દિવાળી આવવાની હોય એનાં બે-ત્રણ અઠવાડિયાં પહેલાંથી સ્ત્રીઓ ઘરની સાફસફાઈમાં લાગી પડે છે. માત્ર ગૃહિણીઓ જ નહીં, નોકરી કરતી કે પ્રોફેશનલ સ્ત્રીઓના રૂટીનમાં પણ પ્રી-દિવાલી ક્લીનિંગનું ખાસ સ્થાન છે. તેઓ એ માટે ખાસ રજા લે છે અને એ રજાનો પૂરો કસ કાઢે છે. પોતાના બાળકને જેમ વહાલથી નવડાવે એવી જ રીતે સ્ત્રી ઘરને પ્રેમથી ધોઈ-ધફોઈ અને લૂછી-પોછીને ચોખ્ખું બનાવે છે. જે દિવસે આવું ફુલફ્લેજ્ડ ક્લીનિંગ થયું હોય ત્યારે ચોખ્ખુંચણક ઘર ખૂબ વહાલું લાગે છે. દીવાલો અને ફરસ ફુલફટાક થઈને નિરાંત માણવાનું આમંત્રણ આપતી હોય એમ લાગે છે. અચાનક ઘર જાણે મોટું થઈ ગયું હોય એમ લાગે છે, કેમ કે ઘણીખરી વસ્તુઓ જે કબાટ કે કૅબિનેટ્સની બહાર આવી ગઈ હોય એ ફરી પોતાને ઠેકાણે ગોઠવાઈ ગઈ હોય છે. તહેવાર નિમિત્તે પૂરા ઘરની ચીજવસ્તુઓ પર સ્ત્રીની નજર અને હાથ ફરી વળે છે.

ફેંકી ન દેતા

કેટલાંક ઘરોમાં સાફસફાઈ વખતે ઢગલોએક ચીજો ફેંકી દેવાની નીકળે છે. અમારા એક જૂના પાડોશી હતા. દર દિવાળીએ તેમના ઘરમાંથી કોથળો ભરીને કાઢી નાખવાની વસ્તુઓ નીકળે. એમાં ઘણી ઉપયોગી વસ્તુઓ પણ હોય. એક બીજી પાડોશણ એ જોઈને કૉમેન્ટ કરે : ‘અત્યારે બધું ફેંકી દેશે અને જરૂર પડશે ત્યારે લેવા દોડશે!’ તેમની વાત સાચી હતી. કેટલીક સ્ત્રીઓ ફેંકી દેવાના ઉત્સાહમાં ઉપયોગની હોય એવી વસ્તુઓ પણ કાઢી નાખે છે. તેમની દલીલ એવી હોય છે કે કેટલા વખતથી એ ચીજ પડી છે અને વપરાતી નથી, પરંતુ કેટલીક ચીજોની જરૂર દરરોજ ન પડતી હોય. એક સામાન્ય દાખલો આપું. નીતાબહેનના કિચનના મેડામાં પ્લાસ્ટિકની મોટી બકેટ પડી રહેતી. દિવાળીની સાફસફાઈ કરતી વખતે તેમનાં સાસુએ એ કાઢી નાખવા માટે નીતાબહેન સાથે બહુ જ રકઝક કરી. નીતાબહેનનું કહેવું હતું કે ક્યારેક પાણીની શૉર્ટેજ થાય અને પાણી ભરી રાખવું પડે તો કામ

લાગે. આખરે સાસુજી આગળ નમતું જોખી નીતાબહેને એ કાઢી નાખી. બે મહિના પછી તેમના મકાનમાં પાણીની પાઇપલાઇનનું રિપેરિંગકામ થતું હતું. પાણી ભરીને રાખવાની જરૂર પડી. નીતાબહેનને ઊભાઊભ ખર્ચ કરવો પડ્યો અને નવી બકેટ લાવવી પડી. અહીં બકેટ એ ઘરમાં નહીં વપરાતી નકામી ચીજ નહોતી, જરૂર પડે ઉપયોગી થાય એવી ચીજ હતી.

બચત જ ગણાય

કુશળ ગૃહિણીઓમાં વિવેક હોય છે. કેટલીક સ્ત્રીઓના કબાટ જોયા છે. એ શિયાળામાં જુઓ ત્યારે જેવા લાગતા હોય એવા ઉનાળામાં ન લાગે અને ઉનાળામાં લાગતા હોય એવા ચોમાસામાં ન લાગે! વળી તેમનો કબાટ ઓવરલોડેડ તો ક્યારેય ન લાગે, કારણ કે તેઓ દરેક સીઝન મુજબનાં કપડાં પહેરવાં કાઢે અને બાકીનાં કપડાં વ્યવસ્થિત પૅક કરીને પોટલું વાળીને રાખી દે અથવા વધારાની બૅગમાં મૂકી દે. કલાબહેન કુશળ હોમમેકર છે. તેમના મોટા દીકરાનાં ડિઝાઇનર કિડ્સવેઅર તેમણે તેમના દીકરાને પહેરાવ્યાં ત્યારે પણ એ એટલાં જ સરસ અને નવાં લાગતાં હતાં. તાત્કાલિક જરૂરની ન હોય એ ચીજો સ્વચ્છ અને સુઘડ રીતે ઘરમાં સાચવીને રાખીએ તો એ ભવિષ્યના ખર્ચને બચાવે છે. એ બચત એ એક પ્રકારની આવક જ ગણાયને! ખાસ કરીને આજના મોંઘવારીના સમયમાં!

વિવેકભાન રાખજો

જોકે આ સાચવી રાખવાની આવડત સંઘરવાની ઘેલછામાં ન પરિણમે એનું વિવેકભાન હોવું જરૂરી છે. ફેંગશુઈ નામના વાસ્તુશાસ્ત્રને મળતા આવતા ચીની શાસ્ત્રમાં શીખ આપવામાં આવે છે કે વપરાતી ન હોય એવી પડી રહેલી ચીજવસ્તુઓનો જમેલો (ક્લટર) ભેગો ન કરો. ફેંગશુઈનો મંત્ર છે ‘ડીક્લટર’. આ દિવાળી ઘરો કે કામકાજની જગ્યાઓને ડીક્લટર કરવાની તક આપે છે. દિવાળીની સાફસફાઈ દરમ્યાન કેટલીક ચીજોની વિદાયની ઘડી આવી જાય છે. બિનઉપયોગી ચીજોના નિકાલનું મુરત દિવાળીમાં આવે છે, પરંતુ દિવાળી-ગિફ્ટ્સના સ્વરૂપમાં ફરી કેટલીક ઉપયોગી અને બિનઉપયોગી ચીજો ફરી ઘરમાં પ્રવેશ કરે ત્યારે આજે બિનઉપયોગી હોય છતાં કાલે ઉપયોગી થવાની શક્યતા ધરાવતી હોય એવી ચીજોને સંભાળીને રાખવાની આવડત પણ કેળવવા જેવી છે. અહીં માત્ર આપણા જ ઉપયોગની વાત નથી, આપણી આસપાસના કોઈના પણ ઉપયોગમાં આવી શકતી હોય એવી ચીજને વેડફી દેવાનો શો અર્થ?
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK