ચાલો, દિલોમાં હૂંફ અને હામના દીવા પ્રગટાવીએ

Published: 25th October, 2011 18:23 IST

જિંદગીમાં ક્યારેક-ક્યારેક ભરપૂર પ્રકાશમાંય આપણને કાંઈ સૂઝે નહીં, કોઈ રસ્તો ન દેખાય એવી પરિસ્થિતિ સર્જાય છે. આવી સ્થિતિમાં કોઈ એક વ્યક્તિ એવી હોય કે કોઈ એક સંબંધ એવો હોય જેની સમક્ષ પોતાનું દિલ ખોલીને વાત કરી શકાય તો અંધકારમાં ક્યાંક દીવા પ્રગટ્યાનો અહેસાસ થાય(મંગળવારની મિજલસ - તરુ કજારિયા)

આજે દિવાળીનો દિવસ છે એટલે અંધકાર પર અજવાળાના વિજયની વાતો કરવાનું સહજ મન થાય. જુઓને, આપણો ભારતનો એક સૌથી વધુ ઉમંગથી અને સૌથી વધુ લોકો દ્વારા ઊજવાતો આ તહેવાર કેટલો સ્પેશ્યલ છે. અમાસની ઘોર અંધકારભરી આજની રાત રોશની અને રોનકની અત્યંત ચમક-દમકભરી રાત બની રહેશે. હમણાં ‘કૌન બનેગા કરોડપતિ’ કાર્યક્રમમાં એક કન્ટેસ્ટન્ટને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેમાં તમસનો અર્થ કહેવાનો હતો. સ્વાભાવિક જ તે મહિલાએ તરત જવાબ આપી દીધો અને આટલા સહેલા પ્રશ્નના જવાબ માટે તેને મળ્યા ૬,૪૦,૦૦૦ રૂપિયા.

અજવાળાને પાથરો

આજે આ લખું છું ત્યારે વિચાર આવે છે કે તમસનો અર્થ અંધકાર કે અંધારું થાય એ તો આપણને સૌને આવડે. એ અંધકાર પ્રકાશથી દૂર થાય એ પણ આપણે જાણીએ છીએ. પાવર-કટ હોય અને એક નાનકડી મીણબત્તી કે એક નાનકડું કોડિયું પ્રગટાવીએ તો પણ એ કેટલો ઉજાસ આપે છે. હમણાં જ એક દિવસ બેસ્ટના ટ્રાન્સફૉર્મરમાં આગ લાગી જવાથી અમારી ઑફિસના એરિયામાં ઘણાંબધાં મકાનોમાં પાવર નહોતો. એ દિવસે દાદર ચડીને ઉપર જતાં અંધારામાં કંઈ સૂઝે નહીં. એવામાં દરેક જણ પોતાના મોબાઇલની સ્ક્રીનની લાઇટના પ્રકાશની મદદથી પગથિયાં ચડતું હતું.

આછી-પાતળી એ લાઇટથી મળતો પ્રકાશ પણ સૌને પોત-પોતાના ગંતવ્યવસ્થાને પહોંચાડવામાં મદદરૂપ બન્યો. આજે દિવાળીના દિવસે તો આપણે પ્રગટાવેલા દીવડા અને રોશનીઓ અને આતશબાજીના પ્રકાશથી આવડા મોટા આકાશમાં છવાયેલા અંધકારને પણ અજવાળી શકીશું. કેટલી મજાની વાત છે.

ભીતરમાં પ્રકાશ

આ તો થઈ બહારથી દેખાતા પ્રકાશની અને અજવાળાની વાત; પરંતુ જિંદગીમાં ક્યારેક-ક્યારેક ભરપૂર પ્રકાશમાંય આપણને કંઈ સૂઝે નહીં, કોઈ રસ્તો ન દેખાય એવી પરિસ્થિતિ સર્જાય છે. એવી સ્થિતિ આર્થિક મુસીબત, સામાજિક સમસ્યા, પારિવારિક કટોકટી કે કથળેલા માનવસંબંધોને કારણે ઊભી થઈ હોઈ શકે અથવા તો શક્ય છે કે આપણે આપણી જિંદગી કે સંબંધોને જે પ્રકારે હૅન્ડલ કરવા જોઈએ એ રીતે ન કરી શક્યા હોઈએ અને એને પરિણામે અણગમતી કે અનવૉન્ટેડ સિચુએશન ઊભી થઈ હોય અને ત્યારે બહારની દુનિયામાં ગમે એટલી રોશની કે ઝાકઝમાળ હોય તો પણ આપણી ભીતર એક ઉદાસી જામી ગઈ હોય છે અને એ ઉદાસીનો રંગ અંધકાર જેવો જ ઘેરો હોય છે.

આવી સ્થિતિમાં વ્યક્તિ હોય ત્યારે તેની પાસે કોઈ એક વ્યક્તિ એવી હોય કે કોઈ એક સંબંધ એવો હોય જેની સમક્ષ તે પોતાનું દિલ ખોલીને વાત કરી શકે; જેની સાથે વાત કરીને તેને પેલા અંધકારમાં ક્યાંક દીવો પ્રગટ્યાનો એહસાસ થાય, થોડી રોશની મળે અને રસ્તો સ્પષ્ટ થાય તો એ તેને માટે કેટલો સુખદ અનુભવ બની રહે. યાદ કરીએ તો આપણા સૌની જિંદગીમાં ક્યારેક ને ક્યારેક તો આવી સ્થિતિ આવી જ હશે અને ત્યારે અચાનક આવો કોઈ સાથ કે સહારો મળ્યો હશે તો એમ જ લાગ્યું હશે કે ભગવાને જ આ દેવદૂત જેવા માનવીને આપણી પાસે મોકલ્યો છે.

એકલતાનો અંધકાર

આ દિવાળી અને નવા વરસના દિવસોમાં કોડિયામાં તેલ કે ઘી પૂરીને દીવા પ્રગટાવીએ કે ઇલેક્ટ્રિક લાઇટથી ઘર-મકાનોને રોશન કરીએ ત્યારે કોઈના જીવનમાં વ્યાપેલી એકલતા કે ઉદાસીનતાના અંધકારને પણ થોડો સમય કે થોડી હૂંફ આપીને દૂર કરવાનું કામ પણ કરી શકાય. હા, તહેવારોમાં એકબીજાને શુભેચ્છા આપવાની કે વડીલોને વંદન કરવાની કે નાનાઓને આર્શીવાદ આપવાની પ્રથા આપણે પાળીએ છીએ, પરંતુ ક્યારેક એ માત્ર ફૉર્માલિટી બની જાય છે. આવા પ્રસંગે કોઈક બીમાર, વયસ્ક કે સંજોગોના માર્યા એવા સ્વજનને યાદ કરી શકાય જે કેટલાય સમયથી બહાર ન નીકળી શક્યા હોય. તેમની પાસે તેમને ગમતી કે ઉપયોગી થાય એવી કોઈ ભેટ લઈને પહોંચી જવાય અને ત્યારે તેમના ચહેરા પર પ્રસરી ગયેલો આનંદ જોવા જેવો હોય. જોજો, કોઈ રોશનીથી એ કમ નહીં હોય. દૂર ન જઈ શકાય તો પોતાની આસપાસ પણ નજર ફેરવીએ તો પાસ-પડોશમાં વસતા લોકોને પણ પ્રેમથી મળીને તેમને માટે પણ એવું કંઈક કરી શકાય જેનાથી તેમના ચહેરા પર સારા પાડોશી મળ્યાનો સંતોષ ઊપસી આવે અને એ જોતાં આપણા મનમાં પણ ઉજાસ પથરાઈ જશે.

... દિવાળી દીપી ઊઠશે

દિવાળીની ભેટ લોકો પોતાના સ્ટેટસ પ્રમાણે આપે છે, પણ કેટલાક એવો પણ વિચાર કરે છે કે આટલી મોંઘવારીના સમયમાં સૂકો મેવો બધાને ક્યાંથી પોસાય? તો આ શિયાળાના દિવસોમાં તેમના ઘરે મેવો મોકલીએ તો બાળકો ખાઈને રાજી થશે. આવો વિચાર કરનારના દિલમાં જે કન્સર્ન છે એ પેલા દીવા જેવી છે. એનો પ્રકાશ કેટલા લોકોના જીવનમાં અજવાળું કરી શકે છે. પોતાને જેને માટે જરાજેટલો પર વિચાર કરવાની જરૂર ન પડી હોય એ બાબતનો ખ્યાલ બીજાઓ માટે રાખવો એ હકીકત બીજાઓ પ્રત્યેની લાગણી અને કાળજી દર્શાવે છે. આજે આપણી જિંદગીમાં મળેલા એવા સ્વજનો, સંબંધો અને અનુભવોને યાદ કરી શક્ય એટલાં દિલોમાં હૂંફ, હામ, સાથ, સધિયારો, ઉત્સાહ અને આનંદના દીવા પ્રગટાવીએ તો દિવાળી દીપી ઊઠશે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK