Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કાશ્મીર ટૂરિઝમની ક્રિસમસમાં દિવાળી

કાશ્મીર ટૂરિઝમની ક્રિસમસમાં દિવાળી

28 December, 2020 07:56 AM IST | Mumbai
Prakash Bambhrolia

કાશ્મીર ટૂરિઝમની ક્રિસમસમાં દિવાળી

કાશ્મીર ટૂરિઝમની ક્રિસમસમાં દિવાળી

કાશ્મીર ટૂરિઝમની ક્રિસમસમાં દિવાળી


ક્રિસમસનું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે મુંબઈ અને પુણે સહિતનાં મોટાં શહેરમાં નાઇટ કરફ્યુ લદાયું હોવાથી આસપાસનાં લોનાવલા, અલીબાગ અને મહાબળેશ્વર જેવાં ટૂરિસ્ટ સ્થળોએ મોટી સંખ્યામાં મુંબઈગરાઓ પહોંચી ગયા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે ધરતી પરના સ્વર્ગ ગણાતા કાશ્મીરમાં પણ ક્રિસમસમાં ક્યારેય ન થઈ હોય એટલી પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. બે વર્ષ પહેલાં પુલવામા અટૅક થયો હતો, એ પછી ગયા વર્ષે ૩૭૦ કલમ નાબૂદ કરાઈ અને આ વર્ષે કોરોના મહામારી આવવાથી ત્રણ વર્ષથી કશ્મીરમાં ટૂરિઝમ ઑલમોસ્ટ બંધ હતું, પરંતુ દિવાળી બાદ અને અત્યારે નાતાલના વેકેશનમાં અચાનક મોટા પ્રમાણમાં ટૂરિસ્ટો આવવાથી પ્રવાસીઓ પર નિર્ભર એવા અહીંના સ્થાનિક રહેવાસીઓ માટે અહીં દિવાળી અને ઈદ જેવી સ્થિતિ ઊભી થઈ છે.
સામાન્ય રીતે ક્રિસમસ વેકેશનમાં કાશ્મીરમાં ટૂરિસ્ટોની ભીડ નથી હોતી. સ્નો ફૉલ શરૂ થયા બાદ હનીમૂન કપલ કે બરફની મજા માણવા માગતા લોકો અહીં આવતા હોય છે. જોકે આ વખતે સ્નો ફૉલ વહેલો શરૂ થયો છે અને ક્રિસમસનું વેકેશન ચાલી રહ્યું હોવાથી મુંબઈ, ગુજરાત સહિત દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો કાશ્મીરની મજા માણવા પહોંચી ગયા છે. સ્થાનિક રહેવાસીઓ માટે સૌથી સુખદ્ વાત એ છે કે કાશ્મીર વૅલીના ગુલમર્ગમાં આવેલું એકમાત્ર ફાઇવસ્ટાર હોટેલ ખૈબર હિમાલયન રિસૉર્ટ લાંબા સમય બાદ માર્ચ સુધી પૅક થઈ ગયું છે. ગુજરાતી પ્રવાસીઓનું આ સૌથી ફેવરિટ રિસૉર્ટ હોવાથી મુંબઈ સહિતના ટૂર ઑપરેટરો આ રિસૉર્ટનું બુકિંગ છ-છ મહિનાથી કરાવી લેતા હોય છે.
માર્ચ સુધી હાઉસફુલ
કાશ્મીરની ખીણમાં જસ્ટ ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સના સંચાલક સુલતાન શેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કાશ્મીરની અર્થવ્યવસ્થા ફળ અને ટૂરિઝમ પર નિર્ભર છે. ૨૦૧૮થી પુલવામા, આર્ટિકલ ૩૭૦ નાબૂદ અને કોરોના જેવી મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થવાથી ટૂરિઝમ ઑલમોસ્ટ ઝીરો થઈ ગયું હતું. જોકે હવે કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં હોવાથી દિવાળી બાદથી પ્રવાસીઓનો ફ્લૉ શરૂ થયો હતો, જે સતત વધી રહ્યો છે. ક્રિસમસમાં જ સ્નો ફૉલ થવાથી પણ મોટી સંખ્યામાં દેશભરમાંથી ટૂરિસ્ટો કાશ્મીર આવી રહ્યા છે. માર્ચ સુધી અહીંની તમામ હોટેલો અને રિસૉર્ટ ઑલમોસ્ટ ફુલ થઈ ગયાં છે. ૩૦ વર્ષથી હું આ બિઝનેસમાં છું, પણ આવી સીઝન પહેલી વાર જોઈ છે. દુનિયામાં ભલે ક્રિસમસની ઉજવણી થઈ રહી હોય, અમારા માટે તો દિવાળી અને ઈદ તહેવાર આવ્યો છે.’
પ્રાઇવેટ ફૅમિલી ટૂરમાં વધારો
કોરોના સમયમાં ગ્રુપ ટૂરનું આયોજન કરવાનું અશક્ય હોવાથી મોટા ભાગના ટૂર ઑપરેટરોએ કાશ્મીર માટેનું આ વર્ષે બુકિંગ જ નથી લીધું. આ વિશે હીના ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સના ડિરેક્ટર પ્રભુભાઈ જોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોરોનાનું સંકટ ઓછું થઈ રહ્યું હોવાથી મુંબઈ, ગુજરાત અને રાજસ્થાનમાંથી અસંખ્ય પરિવારો કાશ્મીરની પ્રાઇવેટ ફૅમિલી ટૂરમાં ગયા છે. લાંબા સમયથી લોકો ઘરમાં હોવાથી હવે બહાર નીકળવાનો મોકો મળ્યો હોવાથી ક્રિસમસ વેકેશનમાં કાશ્મીર જઈને ફ્રેશ થઈ રહ્યા છે. અમારા માધ્યમથી અનેક પરિવારો ગયા છે અને હજી ઇન્ક્વાયરી આવી જ રહી છે, જે સારી નિશાની છે. કાશ્મીરમાં ઓછા લોકો હશે એમ માનીને અસંખ્ય લોકો ત્યાં પહોંચ્યા છે.’
ફૉરેન ટૂર બંધ હોવાનો ફાયદો
સામાન્ય રીતે ક્રિસમસમાં મોટી સંખ્યામાં લોકો વિદેશમાં જતા હોય છે. કોરોનાને લીધે વિદેશમાં મોટા ભાગનું બંધ હોવાથી બૉલીવુડની સેલિબ્રિટીથી માંડીને મોટા બિઝેનસ પરિવારોની સાથે સામાન્ય લોકો કાશ્મીર જઈ રહ્યા હોવાથી અત્યારે કાશ્મીરમાં ક્યારેય ન જોવા મળે એટલા ટૂરિસ્ટો પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ટૂરિઝમ પાટે ચડી રહ્યું છે
કાશ્મીર ટૂરિઝમના ડિરેક્ટર નિસાર એહમદ વાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ વિન્ટર સીઝનમાં અમુક કારણથી જૂજ કાશ્મીરમાં પ્રવાસીઓ હતા. એ પછી કોરોનાને લીધે લૉકડાઉન થતાં અહીંના ટૂરિઝમના વ્યવસાયને જબરદસ્ત અસર પહોંચી હતી. જોકે દિવાળી બાદથી ટૂરિસ્ટોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જે સારી નિશાની છે. લાખો નહીં, પણ હજારોની સંખ્યામાં દેશભરમાંથી પ્રવાસીઓ આવી રહ્યા છે. મોટા ભાગની હોટેલ અને રિસૉર્ટ માર્ચ સુધી બુક થઈ ગયાં હોવાથી કાશ્મીર ટૂરિઝમને જીવતદાન મળ્યું છે.’


Whatsapp-channel Whatsapp-channel

28 December, 2020 07:56 AM IST | Mumbai | Prakash Bambhrolia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK